STORYMIRROR

Chirag Kakkad

Crime Thriller

3  

Chirag Kakkad

Crime Thriller

અંતિમ ઇચ્છા

અંતિમ ઇચ્છા

14 mins
29.2K


રાત પૂનમની છે, પણ ધોધમાર વરસાદના આક્રમણે ચંદ્રને પીછેહઠ કરવા પર મજબૂર કરી દીધો હતો એટલે ચંદ્ર વાદળોની આડશમાં ક્યાંક સંતાઈ ગયો છે. શહેરના સૌથી પોશ વિસ્તારમાં, કે જ્યાં સિનેમાથી લઈને ઉદ્યોગ જગતની મોટી-મોટી હસ્તિઓના બંગલાઓ આવેલા છે, જ્યાં લગભગ રોજ કોઈ ને કોઈ બંગલામાં લેટ –નાઈટ પાર્ટીઝ થતી રહેતી. તે વિસ્તાર પણ આજે વેરાન નજર આવી રહ્યો છે. આજ વિસ્તારમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ નાણાવટી બ્રધર્સનો બે માળનો આલીશાન બંગલો આવેલો છે.

બંગલાના પહેલા માળા પર મોટા ભાઈ ગૌતમ નાણાવટીનો રૂમ છે. પાંત્રીસ વર્ષનો ગૌતમ પોતાના વિશાળ પલંગ પર સૂતો છે, પણ તેના ચહેરા પર ઉભરી આવેલી તંગદિલી અને કપાળ પર ધસી આવેલા પસીના પરથી કોઈ પણ કળી શકે કે જીવનમાં આવેલા વંટોળો, સપનામાં પણ તેનો કેડો નથી મૂકી રહ્યા. ગૌતમના ચહેરા પર ઉપસી આવેલો તણાવ જોઈ લાગે છે, જાણે તે કોઈ જાળમાં જકડાઈ ગયો છે અને પોતાને છોડાવવા ફાંફા મારી રહ્યો છે.

વીજળીનો એક કડાકો ગૌતમને તેના બેડ-ડ્રીમ્સમાંથી બહાર કાઢે છે. સફાળા જાગી ઉઠેલા ગૌતમની આંખો ખુલે છે, પણ સપનાની અંદર જે જકડન તેણે અનુભવી હતી, તે હજી પણ તેને મેહસૂસ થઈ રહી છે. તે ઊભા થવાની કોશિશ કરે છે ત્યારે તેના ધ્યાનમાં આવે છે કે તેના બંને હાથના કાંડા રસ્સીથી કસીને બંધાયેલા છે. થોડા પ્રયત્ન સાથે ગૌતમ પીઠના બળે બેઠો થાય છે. રાતના અંધકારમાં એક આકૃતિ તેને સામેની રોયલ-ચેર પર બેસેલી નજરે પડે છે. ગૌતમ હજી ગડમથલમાં છે કે આ સપનું છે કે પછી વાસ્તવિકતા? જાણે ફરી ગૌતમની મૂંઝવણ દૂર કરવા આવી હોય તેમ ચમકારા મારતી વીજળી એક વાર પાછી ગુંજે છે અને સોફા પર બેઠેલી આકૃતિની એક ઝલક ગૌતમને દેખાય છે. હાથમાં ગન અને ચહેરા પરની કઠોરતા બસ આટલુંજ ગૌતમ તે ક્ષણમાં જોઈ શકે છે. ગૌતમ હજુ કાંઈજ સમજે તે પહેલા સોફા પર વિરાજમાન વ્યક્તિનો વજનદાર અવાજ તેના કાને પડે છે. છે કોઈ અંતિમ ઈચ્છા?

સવાલ સાંભળતાજ ગૌતમના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થાય છે. પોતાના હજુ પણ સ્વપ્નમાં હોવાની તેની રહીસહી આશંકા પણ દૂર થઈ જાય છે. બંદૂકધારી વ્યક્તિનો હાથ રોયલ-ચેરની પાસેના સ્વિચબોર્ડ તરફ લંબાય છે અને રૂમની સીલિંગ પરનું વિશાળ ઝુમ્મર દીપી ઉઠે છે, કેસરી અને પીળાના મિશ્રણ જેવો પ્રકાશ રૂમમાં ફેલાય જાય છે. અચાનક રોશની આંખોમાં પડતા ગૌતમ મોઢું થોડું ફેરવી લે છે, બે સેકન્ડ પછી આંખો પટપટવાતાં તે સામે બેઠેલી વ્યક્તિ તરફ નજર કરે છે.

એક હાથમાં ગન અને બીજા હાથમાં બીયર બોટલ લઈ સામે બેઠેલ વ્યક્તિના તેને દીદાર થાય છે. કાળા ટી-શર્ટ ઉપર કાળું જેકેટ પહેરેલો શખ્સ જે રીતે સાઇલેન્સર લગાડેલી ગનને આંગળીઓમાં રમાડી રહ્યો છે, તે જોઈને કોઈને પણ સમજાય જાય કે આ વ્યક્તિ એક ગેંગસ્ટર છે, એક પેશેવર કાતિલ છે. ગૌતમ સ્તબ્ધ થઈને પોતાના ઘરમાં દાખલ થયેલા આ અનઈન્વાઇટેડ અતિથિને જોતો રહે છે, જાણે સાક્ષાત યમરાજને જોઈ રહ્યો હોય. વાદળોના ગડગડાટ વચ્ચે સર્જાયેલી આ બે ઘડીની ખામોશી આખરે ગેંગસ્ટરના શબ્દોથી તૂટે છે, સોરી શેઠ, તને નીંદરમાંથી જગાડ્યો, પણ ચિંતા નહિ કર, થોડી વારમાં તને હંમેશ માટે સુવડાવી દઈશ.

સફેદ લેંઘા-ઝબ્બામાં સજ્જ ગૌતમ કાળા લિબાસમાં આવેલ પોતાના આ કાળને એકી ટશે જોયા રાખે છે, તે હજી પણ પૂતળાની જેમ સ્થિર બેઠેલો છે, તે કશું કહી નથી શકતો, બસ સુનમુન બેસી રહે છે, પણ તેના હૃદયના ધબકારા ચોક્કસ વધી ગયા છે. બહાર પવન પણ જાણે વરસાદના તાલ સાથે તાલ મિલાવતો હોય, તેમ જોરથી ફૂંકાય રહયો છે.

ગન રમાડતા-રમાડતા ગેંગસ્ટર રોયલ-ચેર પરથી ઊભો થઈ રૂમની બારી સુધી જાય છે, અને પડદો જરા હટાવી ને બહારના મોસમનો તાગ મેળવે છે અને પછી ડોક ફેરવી ગૌતમ તરફ નજર કરતા કહે છે, વરસાદ રોકાય એટલી વાર છે, પછી તારો વારો! પણ અવાજ બિલકુલ નહિ કરતો, નહીંતર જે થોડીક મિનિટોનું તારું ટોક-ટાઈમ બચ્યું છે, તે પણ નહિ વાપરી શકે. આટલું કહીને ગન ગૌતમ તરફ તાકે છે. ગૌતમના ચહેરા પરથી લાગે છે કે હજી તેની સમજમાં નથી આવી રહ્યું કે તેની સાથે આ શું થઈ રહ્યું છે?

ગૌતમનો મુંઝાયેલો ચહેરો જોઈ ગેંગસ્ટરના મોઢા પર ગુમાનભર્યું સ્મિત આવી જાય છે, તે કહે છે, તે જવાબ ન આપ્યો મારા સવાલ નો, બોલ, છે કોઈ અંતિમ ઈચ્છા, “કોઈ આખરી ખ્વાહિશ?”

ગૌતમ પોતાનું મૌન તોડતો હોય તેમ ઊંડો શ્વાસ લેતા કહે છે. “ના, કોઈ ઈચ્છા નથી મને.” ગેંગસ્ટર જવાબ સાંભળી હસી પડે છે. “અરે ડોબા, જો હોત તો પણ હું થોડો પૂરી કરવાનો હતો!” અને હસતા હસતા તે પોતાની ગનને રામડતો ફરી પાછો રોયલ ચેર પર આવી બેસે છે. કીચડવાળા પગને પલંગના ખૂણા પર બેધડક ટેકવી ફરી બીયર ગટગટાવે છે. ગૌતમ તેને નિહારી રહ્યો છે. ગેંગસ્ટરનું ધ્યાન ગૌતમ તરફ જાય છે અને તે પૂછે છે. “શું જુએ છે? બીયર પીવી છે?”

ગૌતમ નકારમાં માથું હલાવે છે, ગેંગસ્ટર ફરી કહે છે, “બોલ પીવી છે? શરમ નહિ કર, તારી જ બોટલ છે, તારા ફ્રિજમાંથી જ કાઢી છે.” ગૌતમ ફરી નકારમામાંથી ધુણાવે છે અને અંગ્રેજીમાં કહે છે, સોરી, આઈ ડોન્ટ ડ્રિન્ક ગેંગસ્ટર કહે છે, “તો મિસ્ટર ઇંગ્લિશ, દારૂની ચાર બોટલ મારા માટે ચિલ્ડ કરવા રાખી હતી?”

ગૌતમ નીચું જોઈ જાય છે, ગેંગસ્ટર ફરી કહે છે, “છેલ્લી વાર પૂછું છું, બોલ પીવી છે?” આટલું કહીને તે બોટલ ગૌતમ તરફ લંબાવે છે, તે વેળા ગૌતમનું ધ્યાન ગેંગસ્ટરના હાથ પર લાગેલા જખમ તરફ જાય છે, ગૌતમ ખચકાઈને કહે છે “તમારા હાથ પર જખમ થયેલો છે, ત્યાં બાજુના ડ્રોઅરમાં બેન્ડેજ છે, તમે ચાહો તો લગાડી શકો છો.”

ગેંગસ્ટર પોતાના હાથ પર થયેલા જખમ તરફ જુએ છે અને કહે છે, “શેઠ, આ હમદર્દીનું ટોનિક પીવડાવવાનું રેવા દે, તરસ મારા પર નહિ, પોતાની જાત પર ખા.... થોડી વારમાં તારું રામ-નામ સત્ય થવાંનું છે.”

ગૌતમ શાંતીથી ફરી કહે છે, “જખમ તાજો છે, વધારે વખત ખુલ્લો રહેશે તો સેપ્ટિક થઈ જશે.” પણ ગૌતમ વાક્ય પૂરું કરે તે પહેલા ગેંગસ્ટર ઝડપથી ઊભો થઈ ગૌતમની નજીક આવે છે અને તેના માથા પર બંદૂક રાખીને કહે છે, “શેઠ, દોઢ ડાહ્યો નહિ થા, તને શું લાગે છે? તું આવી મીઠી-મીઠી વાતો કરીશ તો હું તારા પર દયા ખાઈશ? ખોટુ વિચારે છે, ઉલ્ટું મને વધારે ગુસ્સો આવશે, ચાર ગોળી એક્સટ્રા મારીશ તારી છાતીમાં....સમજ્યો?”

ગૌતમ ગૅન્ગસ્ટરના લાલપીળા ચહેરા તરફ જોઈ રહે છે અને સોરી કહે છે. ગેંગસ્ટર બંદૂક ગૌતમના માથા પરથી લઈ લે છે અને ફરી ચેર પર બેસી જાય છે, ફરી બીઅરનો એક ઘૂંટ પીવે છે અને કહે છે, “બહુ જોયા છે મેં તારા જેવા અમીરો, વાતો ભલી-ભલી, પણ મનમાં ઝેર, નસનસમાં દગો અને સ્વાર્થ.” ગૌતમ હિમ્મત કરી કહે છે લાગે છે બહુ જખમ ખાધા છે તમે! ગેંગસ્ટર તાડૂકે છે પાછો બોલ્યો. “તું! સાલા પેદાઈશી મૂરખ છે કે બંદૂક જોઈને ડાગળી ચસ્કી ગયી છે તારી? લાગે છે ઇન્સ્યોરન્સ પોલિસી મેચ્યોર કરવાની બહુ જલ્દી છે તને.” ગૌતમ ઘભરાતા-ઘભરાતા કહે છે, “નહિ, હું તો બસ એટલે કહેતો હતો કે, એન્ટી-સેપ્ટિક નહી લગાડો તો ઘા પાકી જશે.” ગેંગસ્ટર બે પળ માટે અચરજથી ગૌતમને જોઈ રહે છે, પછી કહે છે. “સાલા ડૉક્ટર છે તું? ચૂપ બેસ કીધુંને તને, રામ નામ જપ, થોડીવારમાં ચિત્રગુપ્તને પોતાના પાપોનો હિસાબ આપવાનો છે તારે.”

ગૌતમ માથું નમાવી દે છે. ગેંગસ્ટર પોતાના જમણા હાથ પર થયેલ જખમ તરફ જુએ છે, ઘા ખરેખર ઊંડો છે, બંગલાની દીવાલ કૂદતી વખતે ધાર વાગી ગઈ હતી તેને. તે ગૌતમ તરફ નજર નાખે છે, ગૌતમ હજુ પણ નતમસ્તક બેઠેલો છે, ગેંગસ્ટર ઊભો થતા કહે છે, “ચાલ, જો આજ તારી અંતિમ ઈચ્છા હોય તો દવા લગાડી લઉં છું.” આટલું કહી તે પાસેના ડ્રોઅર તરફ આગળ વધે છે અને અંદરથી ડેટોલની બોટલ કાઢી ઘા સાફ કરે છે. પછી પોતાના ડાબા હાથમાં પાટો લઈ જમણા હાથ પર બાંધવાની કોશિશ કરે છે. પણ તેને ડાબા હાથથી જમણા હાથ પર પાટો બાંધવો ફાવતો નથી, મોઢાથી પાટો પકડીને ફરી કોશિશ કરે છે પણ ફરી અસફળ રહે છે, પલંગ પર બેઠેલો ગૌતમ થોડીવાર સુધી આ જોયા કરે છે ને પછી થોડા ખચકાટ સાથે કહે છે, “તમ…. તમને જો વાંધો ન હોય તો, હું બાંધી દઉં?”

ગેંગસ્ટર ગૌતમ તરફ શંકાથી જુએ છે, એજ ઘડીએ ફરી જોરથી વીજળી ચમકે છે. ગેંગસ્ટર કઈંક વિચારે છે, પછી પાટો લઈ ગૌતમ પાસે આવી ઘૂંટણીએ બેસી જાય છે. પોતાની ગન પલંગની બાજુના સાઈડ-ટેબલ પર રાખે છે. અને ગૌતમ તરફ જોઈ તેને ધમકી ભરેલા સ્વરમાં કહે છે, શેઠ, “કોઈ ચાલાકી નહિ કરતો, નહીંતર ખૂબ ભયાનક મોત આપીશ.” સહેમેલો ગૌતમ ધીરેથી હકારમાં માથું હલાવે છે અને ગેંગસ્ટર ખૂબ સતર્કતા સાથે ગૌતમનો જમણો હાથ ખોલે છે. ગૌતમ પાટાનો એક છેડો હાથમાં લે છે, બીજો છેડો ગેંગસ્ટરના હાથમાં છે અને ગૌતમ ગેંગસ્ટરના હાથ પર પાટો બાંધવાનું શરૂ કરે છે. ગેંગસ્ટરનું પૂરું ધ્યાન ગૌતમ પર છે, તેને શંકા છે કે ગૌતમ મોકો મળતાજ કદાચ ગન ઝડપવાની કોશિશ કરશે. પણ ગૌતમનું સઘળું ધ્યાન પાટો બાંધવામાં પરોવાયેલું છે અને પાટો બંધાય જાય છે.

ગૌતમ પાટો બાંધી ફરી પોતાનો હાથ જેમ હતો તેમ રાખી દે છે. જાણે ફરી રસ્સીનું બંધન સ્વીકારવા તૈયાર હોય. ગેંગસ્ટર રસ્સી હાથમાં લ્યે છે, પણ પછી કાંઈક વિચાર આવતા હાથ બાંધ્યા વિનાજ ગન લઈ ચેર તરફ ચાલતી પકડે છે. રૂમની અંદર છવાયેલા સન્નાટાની જાણે નકલ કરતો હોય, તેમ વરસાદ પણ અચાનક વરસતો બંધ થઈ જાય છે. ગેંગસ્ટર અને ગૌતમ બંનેને એહસાસ થાય છે કે વરસાદ રુકી ગયો છે, બંનેની આંખ મળે છે, ગેંગસ્ટર પોતાના હાથ પર બંધાયેલા પાટા સામે જુએ છે અને પછી ગૌતમ પર નજર નાખી કહે છે.

“હવે તારી મોતનું મુહર્ત આવી ગયું. મારો જખમ ભરવા માટે થૅન્ક યુ; અને તને હવે જે જખમ આપવાનો છું એને માટે સોરી.” આટલું કહી તે ગન ગૌતમ તરફ તાકે છે, ગૌતમ શાંત ચિત્તે તેના તરફ જુએ છે, તેના ચહેરા પર હવે કોઈ ડર નથી દેખાઈ રહ્યો. ગેંગસ્ટર ટ્રિગર પણ આંગળી મૂકે છે, ગૌતમ નજર ઝૂકાવ્યા વિના ગેંગસ્ટર તરફ જોતો રહે છે, ખબર નહી ગેંગસ્ટરના દિમાગમાં શું વિચાર આવે છે, તે અચાનક પોતાની ગન નીચી કરી દે છે અને બોલે છે, “એક વાત તો કબૂલવી પડશે મારે..... મેં બહુ લોકોને ઉપર પાર્સલ કર્યા છે, મરતા પહેલા જિંદગી માટે કરગરતી તેમની આંખોમાં દેખાતા ડરને માણ્યો છે. પણ તું પહેલો એવો માણસ છે જેના ચહેરા પર, સામે ઊભેલી મોતનો ડર નથી. લાગે છે જીવવા માટે કોઈ કારણ નથી તારી લાઈફમાં....” (અને પછી દાઢમાં બોલે છે) “શેઠ, લાગે છે બહુ જખમ ખાધા છે તમે જિંદગીમાં.” ગેંગસ્ટરનો વ્યંગ સાંભળી ગૌતમના ભાવ-વિહીન ચહેરા પર એક હલકું પણ ઉદાસ સ્મિત આવી જાય છે, તે કહે છે. “હવે તમે મારા પર તરસ ખાઈ રહ્યા છો, સોરી! મને પણ હમદર્દી પસંદ નથી.”

ગેંગસ્ટર ફરી બીઅરનો એક મોટો ઘૂંટ પીએ છે અને કહે છે, “તને ખબર છે? સુપારીના દસમાંથી નવ કિસ્સાઓમાં સુપારી આપવાવાળા મરવાવાળી વ્યક્તિની નજીકના લોકો જ હોય છે. મને તો ખાલી ફોટો ને સરનામું મળી જાય. કોણે, કેમ સુપારી આપી? તે બધું બોસ જાણે, મારે એનાથી કઈ લેવા દેવા નહિ, પણ તોય મને બધી ખબર પડી જાય. કારણકે યમરાજને સામે જોઈને મરવાવાળી વ્યક્તિ પોતાની દુઃખભરી સ્ટોરી સામેથી કહેવા બેસી જાય. તારી પણ કોઈ સ્ટોરી તો હશે? શું સ્ટોરી છે તારી?”

ગૌતમ વગર કાંઈજ કહીએ ચુપચાપ બેઠો છે. મોઢાપર એક આછું પણ ઉદાસ સ્મિત છે. ગૌતમનું મૌન જાણે ગૅન્ગસ્ટરના મનમાં વધુ સવાલોનો મારો કરતા હોય તેમ તે કહે છે, “સાલી કોઈ તો વાત છે, જેને કારણે મોતની સામે બેસીને પણ મલકાઈ રહ્યો છે તું! તને ખબર છે, સિત્તેર વર્ષનો અપંગ ડોસો પણ મારી આગળ જાનની ભીખ માંગતો જોયો છે મેં. તું વિચારી પણ ન શકે તેવું મેં નજરે નિહાળ્યું છે, કયારેક કોઈ હરામી છોકરો જાયદાદ માટે પોતાના બુઢ્ઢા બાપને મારવાની સુપારી આપે, તો ક્યાંક એક ભાઈ બીજા ભાઈની જાનનો દુશ્મન થઈ જાય. પણ મને સમજાતું નથી, તું તો કેટલો સીધો છે, પછી તારો સગો ભાઈ કેમ તારો દુશ્મન થઈ ગયો છે? એવો શું પ્રોબ્લેમ છે, એને તારાથી? ભાઈનું નામ આવતા જ ગૌતમ અચાનક પોતાનો કાબૂ ખોઈ બેસે છે, જાણે કોઈકે તેની દુખતી નસ દબાવી દીધી હોય અને તે મોટેથી બોલે છે, “કોઈ પ્રોબ્લેમ નથી મારા ભાઈને મારાથી. તું મને મારવા આવ્યો છે ને તો મારી દે. પણ મારા ભાઈ વિશે એક શબ્દ નહી બોલતો, કહી દઉં છું.”

શાંત ગૌતમનું આ નવું રૂપ જોઈ ગેંગસ્ટર એક પળ માટે ચોંકી જાય છે, ગૌતમ એક ઊંડો શ્વાસ લે છે અને પછી નમ્રતાથી કહે છે, “સોરી, જયારે પણ મારા ભાઈની વાત આવે છે, ત્યારે હૂં થોડો ઈમોશનલ થઈ જાવ છું, સોરી.”

ગેંગસ્ટર મલકાય છે, અને કહે છે, “મારો અંદાજો સાચો નીકળ્યો. ચાલ, બોલી દે.... બોલી દે, જે મનમાં ભરી રાખ્યું છે બધું બોલી દે, મરતા પહેલા પોતાનો બોજ હળવો કરી લે, ચેનની મોત આવશે. (પછી પોતાના પાટા તરફ જોતાં) આટલું તો હું તારા માટે કરી જ શકું છું.” જાણે વરસાદની ગેરહાજરીનો ફાયદો ઉઠાવતો હોય તેમ, પૂનમનો ચંદ્ર ફરી પોતાની ચાંદની વરસાવવા લાગે છે.

વાતાવરણમાં હજી પણ નીરવતા પ્રસરેલી છે. ગૌતમ એક ઊંડો શ્વાસ લઈ બોલવાનું શરુ કરે છે, “પૈસો ખૂબ છે, કોઈવાતની કમી નથી. ગરીબીના દિવસોમાં લાગતું હતું કે એક વાર પૈસો આવશે તો બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. પસીનો રેડી પૈસો કમાયો, પણ હવે પૈસો જ પ્રોબ્લેમ બની ગયો છે, બંને ભાઈ એક ઘરમાં રહીએ છીએ પણ  એકદમ અલગ અલગ. પહેલા એક દિવસ એવો નહોતો જતો જ્યારે અમારી વચ્ચે વાત ન થતી હોય. અને આજે યાદ પણ નથી છેલ્લે ક્યારે વાત કરી હતી. અંતર ફક્ત એક મંજિલનું છે, તો પણ ખબર નહિ કેમ કપાતું નથી?”

ગૌતમ પોતાનો જમણો હાથ ચહેરા પર ફેરવે છે, જાણે પોતાના મોઢાપર આવેલ ભાવોને વ્યકત થતા રોકવા માંગતો હોય અને ફરી બોલવાનું શરૂ કરે છે. “અમારા બંને વચ્ચે હવે પ્રેમ કે લાગણી નથી રહી આ વાત તો ઘણા સમયથી જાણતો હતો, પણ આટલી નફરત છે તેને મારાથી. તેનો મને અંદાજો ન હતો. એટલી નફરત કે મને મારી નાખવાનું વિચારવા લાગ્યો. મારો ભાઈ!

ગેંગસ્ટર ડોકું ધુણાવતા કહે છે. “આ કાંઈ નવું નથી. પૈસાની આજ જાત છે, પોતાનાઓને પળમાં પારકા કરી નાખે છે આ પૈસો. એટલેજ મને તમારા જેવા વાઈટ-કોલર લોકોથી નફરત છે, તમે બધા ફક્ત પૈસાના સગા છો.”

ગૌતમ કાંઈ કહેતો નથી. ગેંગસ્ટર નશીલા અવાજમાં બોલતો જાય છે, “અને વાંક ખાલી તારા ભાઈનો નથી, તમે બધા સરખાજ છો. બધા પૈસાના પૂજારી, પૈસા કરતા ભાઈ વહાલો હોત તો તું પણ જતું કરી શક્યો હોત. આપી દેવું તું જે જોઈતું હતું તેને, હટી જવું તું તેના રસ્તામાંથી જાતે હટી ગયો હોત તો તેણે તને હટાવવાની સુપારી ન આપવી પડી હોત.” ગૌતમ માથું ઊંચું કરતા મૃદુતાથી કહે છે, “હટી જ રહ્યો છું દોસ્ત. હટી જ રહ્યો છું. તેણે કાંઈ નથી કરવું પડ્યું. તે કાંઈ ખોટું કરે તેની પહેલા મેં જાતેજ તેનો રસ્તો સાફ કરી આપ્યો.”

ગેંગસ્ટર વિસ્મયતા સાથેય સવાલ કરે છે. “શું બોલ્યો? પાછું બોલ!” ગૌતમ વાત આગળ વધારે છે. મને જાણ થઈ ગઈ હતી કે તે મને મારવા માંગે છે, એટલે મેં જાતે જ પોતાને મારવાની સુપારી આપી દીધી.” ગેંગસ્ટર ગૌતમની તરફ એકી ટસે જોતો રહે છે, રૂમમાં સન્નાટો છવાઈ જાય છે, સન્નાટાને જાણે ચીરી નાખવા નીકળ્યા હોય, તેમ મેઘરાજ નવેસરથી આક્રમણ શરૂ કરે છે. ગૌતમ પોતાનું મન જાણે હળવું કરતો હોય તેમ બોલવાનું ચાલુ રાખે છે.

હું જાણું છું, મારા ભાઈના મનમાં મારા માટે, એટલી નફરત પેસી ગયી છે કે જે કદી નીકળશે નહિ. મેં બધા પ્રયત્નો કર્યા પણ કાચ પર જે તિરાડો પડી ગઈ તે પડી ગઈ પણ હું નહોતો ઈચ્છતો કે મારો ભાઈ કોઈ એવો ગુનો કરે જેનાથી તેની આખી જિંદગી ખરાબ થઈ જાય. એટલેજ મારો ભાઈ મને મારવાની સોપારી કોઈને આપે એ પહેલા મેં જાતેજ પોતાને મારવાની સોપારી આપી દીધી. આમ પણ હવે મારી જિંદગીનો કોઈ મતલબ નથી રહ્યો. મને કાંઈજ નથી જોઈતું. શું કામનો આ પૈસો? જ્યારે મારો ભાઈ જ..” ગૌતમ ગળા સુધી આવેલું ડૂસકું રોકી લે છે અને પછી સ્વસ્થ થવાની કોશિશ કરતા કહે છે, તમારી વાત સાચી હતી, ખરેખર હળવું મેહસૂસ કરું છું, નાઉ જસ્ટ શૂટ મી.....પ્લીઝ.”

ગેંગસ્ટર ગૌતમને જોતો રહે છે. ગૌતમની અંદર તેને પોતાના સ્વજનથી થાકેલો એક દુખીયારો માણસ દેખાય છે. કદાચ પોતાનું વર્ષો જૂનું પ્રતિબિંબ દેખાય છે. બહાર મેઘરાજા પણ જાણે થાકી ને શાંત થઈ ગયા હોય તેમ વરસતા અટકી જાય છે, ગૌતમનો જમણો હાથ રસ્સીથી જકડાયેલો નથી છતાં તે હજુ પણ એજ અવસ્થામાં બેઠેલો છે. જાણે મોતને ભેટવા તૈયાર થઈ ચુક્યો છે.

ગેંગસ્ટર પલંગની બાજુમાં આંટા મારી રહ્યો છે, ગન તેના હાથમાં છે, પણ પહેલાની જેમ ગનને રમાડી નથી રહ્યો. કોઈ ગડમથલ ચાલી રહી છે મનમાં, અચાનક તેને કાંઈક સુજે છે, તે ગૌતમની પાસે આવે છે. એક પગ ઘૂટણથી વાળીને પલંગ પર ટેકવે છે, અને કહે છે, “તું પોતાને બહુ મહાન સમજે છે ને? તને શું લાગે છે, તારું મર્યા પછી લોકો મંદિર બનાવશે? જો, તને શોખ હશે મહાન બનવાનો, મને જરાય નથી. પૈસા મને તારા તરફથી મળ્યા છે ને? તો હું તને કેવી રીતે મારી શકું? મારીશ તો તારા હરામી ભાઈને! ઠોકી દઈશ સાલાને.” આટલું બોલીને તે બીઅરની બોટલ ગટગટાવવાં લાગે છે. ગૌતમ તેની વાત સાંભળીને એકદમ ડઘાઈ જાય છે. તે કહે છે, “નહિ....આ…આ તું શું બોલી રહયો છે? મેં તને આ બધું એટલે નહોતું કહ્યું કે તું મારા ભાઈને જ...? મારા ભાઈને કંઈ નહિ કરતો પ્લીઝ. તું મને મારવા આવ્યો છે, તું મને માર.” પણ ગેંગસ્ટર હવે સાંભળવાના મૂડમાં નથી. તે રૂમનો દરવાજો ખોલીને નીકળી જાય છે. ગૌતમ બૂમ પાડે છે. “મને માર તું.. મને...” પણ દરવાજો ધડાક દઈને બંધ થઈ જાય છે. ગૌતમનો અવાજ ફરી નવી તૈયારી સાથે આવેલા મેઘરાજાના શોરમાં દબાઈ જાય છે.

એક હાથમાં બોટલને એક હાથમાં ગન સાથે દાદરા ચઢી રહેલો ગેંગસ્ટર પોતાના લથડતા પગ સાંભળતો ઉપરની મંઝિલે પહોંચે છે અને રૂમનો દરવાજો ખોલી એક અંધારા કમરામાં પ્રવેશે છે, પલંગ પર એક વ્યક્તિ ચાદર ઓઢી સૂતેલી છે. ગેંગસ્ટર તેની નજીક આવી તેના પર ઉપરાઉપરી ત્રણ ગોળીઓ ચલાવે છે. સાઇલેન્સરને લીધે ગોળીનો બહુજ ધીમો અવાજ આવે છે. પલંગ પર સૂતેલી વ્યક્તિ હલકા ઉહ્કારા બાદ શિથિલ થઈ જાય છે. ગેંગસ્ટર લાશ તરફ એક – બે સેકન્ડ સુધી જોયા કરે છે, અને પછી એક ઘૂંટ પીને દરવાજા તરફ વળી જાય છે. ત્યાંજ ધડામ.......

ગોળીનો અવાજ આવે છે. ગોળી ગેંગસ્ટરની છાતી પર વાગે છે અને તે જમીન પર પટકાઈ પડે છે. ગન અને બીયરની બોટલ પડી જાય છે. કણસાઈ રહેલો ગેંગસ્ટર માથું ઊંચું કરીને જુએ છે તો સામે ગૌતમ ગન લઈ ને ઊભો છે. ગૌતમ ફાટી આંખોએ પલંગ પર લોહીથી લથપથ પડેલી લાશ નિહાળે છે, ધીમેથી તે ગેંગસ્ટર તરફ નજર કરી કહે છે, આ શું કર્યું? મારા ભાઈ ને મારી નાખ્યો?

ગેંગસ્ટર કણસી રહ્યો છે, કશું કહેવાની હાલતમાં નથી. તે ગૌતમ તરફ બસ જોતો રહે છે. ગૌતમ જમીન પર પડેલી બોટલ ઉપાડે છે ને એક ઘૂંટ લે છે અને ગેંગસ્ટર પર નજર નાખે છે. ગેંગસ્ટરને એકાએક ગૌતમના ચહેરા પર છવાયેલી તંગદિલી ગાયબ થતી દેખાય છે અને ધીરે-ધીરે એક કપટી મુસ્કાન ગૌતમના હોઠો પર તરી આવે છે.

એકાએક વાલ્મિકીમાંથી વાલિયાનું સ્વરૂપ ધારણ કરી ચુકેલો ગૌતમ ગેંગસ્ટરની તરફ મુસ્કુરાઈને કહે છે, થૅન્ક યુ. આ કાંટાને હટાવી દેવા માટે હવે તું બોલ, છે કોઈ તારી અંતિમ ઈચ્છા? આટલું કહી ગૌતમ હજુ એક ગોળી છોડે છે. વીજળીનો અવાજ ગોળીના અવાજ સાથે સૂર પુરાવે છે.


Rate this content
Log in

More gujarati story from Chirag Kakkad

Similar gujarati story from Crime