અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૪
અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૪
શુષ્મા જાગી ત્યારે એકલી એકલી હસી રહી હતી. આજે શિરીષ મળશે. સુંદર મજાનો તૈયાર થઈને આવ્યો હશે. હું હસીને વાત કરવાની શરૂઆત તો આમ જ કરી દઈશ. "પછી...? પછી... વિચારીશ... ચલ પહેલાં કોલેજ તો પહોંચવા દે..." મન સાલું માંકડા જેવું છે... જો ને અરીસા સામું ઊભા રહ્યે કલાક થયો તોય આજે જાણે સંતોષ ન્હોતો થતો...થતુ હતું એટલી સરસ તૈયાર થાઉં કે શિરીષ જોતો જ રહી જાય, બસ જોયા જ કરે. આજ એને બીજું કોઈ જ ન દેખાય....! ઝુલવાળું પિંક ફ્રોક, હાય હિલ્સના શુઝ... લાંબા ચોટલે શોભતું પિંક ગુલાબ... બધું જ સંપુર્ણ છે. બાજુમાં શિરીષ ઊભો રહે તો? કાંઇજ બાકી ના રહે. આજે એણે કયું શર્ટ પેહર્યું હશે? જ્લ્દી જાઉંને જલ્દી જોઉં. ચોપડીઓ લીધી ના લીધી ને પોતે દરરોજ કરતાં આજે ૧૫ મિનિટ વેહલી પહોંચી ગઈ. નજર તો શિરીષને જ શોધતી હતી. સામે છોકરાઓનું ટોળું ઊભું હતું. પોતે કોઇના સામું કદી ન્હોતી જોતી પણ આજે શિરીષના લીધે સામે ચડીને જોયું. ના દેખાયો. કોઈએ ટકોર પણ કરી, "એય... આજે વેહલા દર્શન થયા... શું વાત છે?" હાસ્યનું મોજું ચોમેર ફરી વળ્યું. પણ એની પરવા કર્યા વગર શુષ્મા આગળ વધી. મોઢું જરા વિલાઇ ગયું. શિરીષના દેખાયો હજુ. પાછો દિલે જ દિલાસો દિલને આપ્યો. ક્યાંથી આવે? એને ઓછી ખબર છે કે તું વેહલી આવવાની છે? પણ તરકટ મન ચાડી ખાધા વગર ના રહ્યું. તને કેમ આટલી બધી ચળ છે? જાણે એના વગર તો કાંઇ જ થશે નહીં? અને નહીં આવે તો? તો શું કરીશ... ના ના હમણાં આવવો જ જોઈએ... તેવું સમાધાન કર્યું. પેહલો પિરિયડ પત્યો તો પણ શિરીષ ના દેખાયો... ત્રીજા પિરિયડ સુધી માંડમાંડ રાહ જોઈ... ક્લાસની બહાર નીકળી ગઈ... પાછી વિચારવા લાગી... કેમ ના આવ્યો...? મને જલાવવા માંગે છે? એને પોતાને તો કાંઈ જ નહીં થતું હોય... ના ના એવું તો કઈ કરે? એને કાર એક્સીડન્ટ થયો હશે? જોને કેટલી ફાસ્ટ કાર ચલાવે છે...? સામો મળે ત્યારે એ પણ કેહવું છે કે કાર ધીમી ચલાવે... પણ ક્યાં છે... જોને આવ્યો જ નથી તો ક્યાં ગોતવો? મેં તો એનું ઘર પણ નથી જોયું... મનમાં ખૂબ ગુસ્સો આવ્યો છે. પોતાના પરને શિરીષ પર..! ભલેને એને ના પડી હોય તો મને શું છે? આજે નહીં તો કાલે આવશે તો ખરો ને...! ભલેને ગમે એટલું બોલાવે હું તો બોલીશ જ નહીં...! અરે? એના સામું પણ જોઈશ નહીં ને! એવા વિચારો કરતાં કરતાં પોતે ક્યારે ઘરે પહોંચી ગઈ એની તેને ખબર પણ ના પડી. ચોપડીઓ ફેંકી પથારીમાં પડી. ભાંગેલા હૈયામાં ફરી ફરી શિરીષની જ યાદ આવતી હતી. વાર્તાની ચોપડી વાંચવા માટે લીધી. એક બે પત્તા ઉથલાવ્યા. પછી ફેંકી દીધી, રેડિયો પણ સાંભળવો નથી ગમતો તે જોરથી ચાલુ કરીને પાછો બંધ કર્યો. મન પોકારી ઊઠ્યું. અને મોંઢામાંથી શબ્દો સરી પડ્યા, "શિરીષ શિરીષ... શિરીષ તું ક્યાં છે?" શિરીષે જવાબ આપ્યો... "અહીંયા તારી જ પાસે... શુષ્મા."
શુષ્માનું ગભરું હૈયુ ફફડી ઉઠ્યું... નજર પાછળ ફેરવી દરવાજા ભણી જોયું તો સાચે જ શિરીષ... આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલાં તે શિરીષ જોઈ શક્યો. શિરીષે હાથ પહોળા કર્યા અને શુષ્મા દોડીને એને વળગી પડી. બે મિનિટ શિરીષ તેના વાળને પંપાળી રહ્યો પણ ત્યાં તો જરા આંચકા સાથે શુષ્મા દૂર થઈ ને રિસાયેલા અવાજે બોલી, "અમારી ના પડી હોય તો અમને પણ કાઈ તમારી નથી પડી..! મરકટ મનમાં ઉદભવેલું તરકટ બોલી ઉઠ્યું, શિરીષને ખબર જ હતી કે આવી પરિસ્થિતિ ઊભી થવાની જ હતી. ધીમેથી તે બોલ્યો, "શુષ્મા જો એવું જ હોત તો હું અહીં શું કામ આવત? તું જ કહે ને... સાંભળ તારાથી છુટા પડ્યા પછી મોડી રાત્રે સુવાથી સવાર ક્યારે પડી એની ખબર જ ના પડી. ઊઠીને તરત તારી પાસે આવ્યો છું."
શુષ્માના મનમાં તો ય ખળભળાટ થયો અને બોલી, "સાચે સાચું જ કહે છે કે પછી આમ જ..!"
હસ્તા હસ્તા શિરીષ બોલ્યો, "ભલા... તારાથી તે કાંઇ છુપાવવાનું હોય...! મારે જુઠું બોલીને ક્યાં જવું છે તું જ વિચારને..!" શુષ્મા જરા ઝંખવાણી પડી ગઈ વાતને આટોપતાં બોલી..."સારુ હવે...ચાય પીવી છે કે કોફી?" "ચાય ને માર ગોળી. આપણે... એ તો રેસ્ટોરન્ટમાં પી લેશું. કોઈ સારી મુવી જોવા જઈએ ને વળતા... એક સરપ્રાઈઝ !! કેવો છે બંદાનો વિચાર?" શિરીષના વાક પ્રભુત્વને શુષ્મા એકી ટસે નિહાળી રહી અને બોલી..."સુંદર... અતિસુંદર... આપની વાત મંજુર. બસ હુ તૈયાર !"
શિરીષે તેને પોતાની તરફ ખેંચી ને પાછી ગળે વળગાડી દીધી. ને કાર તરફ ચાલવા લાગ્યો. દબાતા પગલે ધીમે ધીમે તેની બાજુની સીટમાં આવીને બેસી ગઈ. પૈડાની ઘરેરાટીથી ધુળની ડમરી ચોમેર ઊઠીને પછી શમી ગઈ.
(ક્રમશઃ)
