અનાથ નો પત્ર
અનાથ નો પત્ર
123, ૐ નિવાસ,
સ્વર્ગ વાસ સોસાયટી,
ઇન્દ્ર પ્રસ્થ નગરી,
યમલોક.
વિષય :- સ્વર્ગવાસી માતા-પિતાને એક અનાથ દીકરાનો પત્ર
આદરણીય મમ્મી-પપ્પા, પ્રણામ,
કેમ છો તમે ? હું આશા કરું છું કે તમે અત્યારે જ્યાં પણ હશો ત્યાં ખુશ હશો. આજે મને તમારી સાથે વાત કરવાની ખૂબ ઈચ્છા થતી હતી. તમારા ગયાને ૧૦ વર્ષ પુરા થઈ ગયા મમ્મી - પપ્પા. આમ તો હું તમને રોજ યાદ કરું છું. રોજ સાંજે ધાબા પર બેસું છું અને આકાશમાં રહેલા તારાઓની વચ્ચે તમને એક તારા તરીકે જોઈને એની સાથે વાત કરું છું. મારા દિવસની દિનચર્યા તમારી સાથે વ્યક્ત કરું છું. પછી ભલે એ કોઈ ખુશીની પળો હોય કે કોઈ દુઃખની પળો. પણ મને ગમે છે તમને વાત કરવી. પણ આજે ખબર નહિ, શુ થઈ રહ્યું છે ! મને તમારી કાંઇક વધુ પડતી જ યાદ આવી રહી છે. હું તમારી પાસે આવવા માંગુ છું. હું તમારા બંને સાથે ખૂબ બધી વાતો કરવા માગું છું. હું મમ્મીના ખોળામાં માથું નાખીને રડવા માંગુ છું. મમ્મી, તું તારો હાથ મારા માથે ફેરવે અને મારી બધી જ ગમગીની દૂર થઈ જાય.
મને આજે પણ યાદ છે કે જયારે હું નાનો હતો ત્યાંરે ક્યારેક શાળામાંથી ઠપકો મળતો અથવા પપ્પા બોલતા. ત્યારે હું આવી જ રીતે તારા ખોળામાં માથું નાખીને રડતો અને તું કેટલા પ્રેમથી મારા માથામાં તારો હાથ ફેરવતી. અને હું પ્રેમમાં ખોવાઈ જતો. હું ક્યારે સુઈ જતો એની મને ખબર જ નહોતી પડતી. અને પપ્પા તમે... મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે દર રવિવારે હું સવાર થઈ રાહ જોઈ ને બેસતો કે ક્યારે પપ્પા આવે અને મને એમના ખભા પર બેસાડી ને બધે ફરવા લઈ જાય...કેવી મજા આવતી મને... તમારા ખભા પર બેસીને ફરવા માટે જવાની અને રસ્તામાં પાછા આવતી વખતે આઈસ્ક્રીમ ખાવાની. મારા માટે પપ્પા કેટલી બધી મહેનત કરતા હતા. તે સવારથી સાંજ મારા અને મમ્મીથી દુર રહીને નોકરી પર જતાં. મને ભણાવવા માટે પૈસા કમાતા. કેટલા સપના હતાને મમ્મી - પપ્પા તમારા કે હું ભણીને બહુ મોટો માણસ બનીશ. તમે મને ક્યારેય કોઈ વાત કે વસ્તુ માટે ના નહોતા પડતા. મને યાદ છે કે જ્યારે તમે બંને મને મેળામાં આંગળી પકડી ને ફરવા લઈ જતા અને દુકાનમાં મને કોઈ રમકડું ગમી જતું. હું પણ કેવો ના સમજ હતો એ સમયે. સમજતો જ નહોતો કે તમારી પાસે પૈસા છે કે નહીં. અને રમકડું લેવા માટે ખોટી જીદ કરતો. તો પણ તમે મને એ રમકડું લઈ આપતા. મમ્મી તું પણ મને રોજ રોજ સારું-સારું ખાવાનું બનાવીને ખવડાવતી. મને યાદ છે. ક્યારેક તું મારા માટે બહારથી ખાવાનું લાવી હોય અને હું ના સમજ બધું જ ખાઈ જતો. હું ભૂલી જતો કે મારી મમ્મીને પણ ખાવાનું છે. છતાં પણ તું મને પ્રેમથી એ ખાવાનો ત્યાગ કરીને મને જમાડતી. મને એ પણ યાદ છે કે જ્યારે હું તમારાથી રિસાઈ જતો અને ખાવાનું ખાવાની ના પાડી દેતો. તયારે મમ્મી પણ ખાવાનું નહોતી ખાતી. જ્યાં સુધી હું ના ખાવ. જ્યારે હું તમારી સાથે હોતો તયારે કેટલો ખુશ રહેતો.
મને યાદ છે કે હું જ્યારે નાનો હતો તયારે કેટલો બધો તોફાની હતો. ઘરમાં પણ ઘણી બધી વસ્તુઓની તોડફોડ કર્યા કરતો. રોજ સાંજે કોઈને કોઈ મારી ફરિયાદ લઇને આવતું. અને મને સાંજે તમે લોકો બોલશો એવા ડરથી પપ્પાના ઘરે આવ્યા પહેલા જ સુઈ જતો અને પપ્પાને મારા તોફાનોની ખબર હોવા છતાં એ મને નિસ્વાર્થ ભાવે માથા પર હાથ ફેરવતા. અને હું એમ જ સુવાનું નાટક કરીને પડ્યો રહેતો. તમે લોકો મને કેટલો બધો પ્રેમ કરતા હતા નહીં. મારા સપનાઓ પુરા કરવા માટે તમે લોકો પોતાના સપનાઓનો ત્યાગ કરી દેતા હતા. કોઈએ સાચું જ કહ્યું છે, કે સાચું સુખ તો માતા-પિતાના ચરણોમાં જ છે. ભગવાનને શોધવા જાવાની જરૂર નથી. તમારા માતા-પિતા એ જ તમારા સાચા ભગવાન છે.
પણ તમારા ગયા પછી અચાનક જ બધુ જ બદલાઈ ગયું. તમારું મૃત્યુ થયું એ સમયે તો હું ના સમજ હતો. મને ખબર નહોતી પડતી કે આ શુ થઈ રહ્યું છે. મારા માથે તો જાણે આભ ફાટી પડ્યું હતું. તમારી ચિતાને અગ્નિદાહ આપતી વખતે હું બહુ જ રડ્યો હતો. મને ખબર નહોતી પડતી કે હવે આગળ શું થવાનું છે. એના પછી બધા એ મારો સાથ છોડી દીધો. આપણાં કુટુંબના લોકો એ મને અહીં અનાઆશ્રમ માં મૂકી દીધો. હું ના સમજ સમજી નહોતો શક્તો કે અનાથઆશ્રમ શુ કહેવાય ? હું એમ સમજતો હતો કે આ પણ એક જાતની શાળા છે જ્યાં વિદ્યાર્થીઓને પોતાના માં-બાપ થી દૂર મુકવામાં આવે છે. મને એમ કે આ બધું થોડા સમય માટે જ હશે. પણ ખબર નહોતી કે આ હમેશા માટે છે.
અહીંયા ઘણા લોકો આવે છે જે અહીંયા રહેતા છોકરાઓને દત્તક લઈ જાય છે. હું જ્યારે પણ એમને જોવું છું તયારે મને તમારી લોકો ની યાદ બહુ જ આવે છે. આજે મને તમારી સાથે વિતાવેલી એ પ્રત્યેક પળો ખૂબ જ યાદ આવે છે. આજે હું તમારો એ પ્રેમ ફરીવાર મેળવવા માંગુ છું. હે...મમ્મી-પપ્પા હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કોઈ પણ નાના બાળક પાસેથી એને માં-બાપ ના છીનવે. અરે ભગવાનને શુ ખબર કે કેવું દુઃખી હોય છે અનાથ લોકોનું જીવન. શુ એને ક્યારેય જોયું છે ! અરે એક દિવસ આવીને રહે તો ખરો માં-બાપ વગર તો સમજાઈ જશે. તમે મારી જરા પણ ચિંતા ના કરતા. હું અહીંયા ખુશ છું. અહીંયા મારા ઘણા બધા મિત્રો છે. અમે સાથે મળીને રહીએ છીએ. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. આ જન્મે તો શક્ય ના બન્યું. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મે મને માં-બાપ ના રૂપમાં તમારા જેવા ભગવાન મળે...
લિ.
તમારો લાડકો દીકરો
અંશ
(સાહેબ, પત્ર ભલે નાનો એવો છે. પણ આ ટૂંકા શબ્દો ઘણું બધું કહી જાય છે. કદાચ બની શકે કે મારો આ નાનો એવો પત્ર ઘણા બધા લોકોની દુનિયા બદલી શકે. દુનિયામાં ઘણા બધા એવા બાળકો છે જે માતા-પિતાના પ્રેમથી વંચિત છે અને એ લોકો અનાથ આશ્રમનો આશરો લે છે. આપણી નજીક ઘણા આવા અનાથઆશ્રમો હોય છે. આપણા બધા પાસે માતા-પિતા છે એટલે આપણને કોઈ પણ વસ્તુની અછત પડતી નથી. આપણને લાગે છે કે આપણા પાસે બધું જ છે. પણ ક્યારેય તમે એ વિચાર્યું છે કે જે લોકો પાસે માતા-પિતા નથી એ લોકોની જિંદગી કેવી હશે ? આપણને તો કોઈ પણ વસ્તુ માંગીએ અને તરત જ મળી જાય છે પણ એ લોકોને કોઈ વસ્તુની જરૂર હોય તો એ લોકો કોની પાસે માંગવા જાય ? એ લોકો પણ એક માણસ જ છે. એ લોકો ને પણ પ્રેમ અને હૂંફની જરૂર છે. મારુ કહેવું ખાલી એટલું જ છે કે ક્યારેક સમય મળે તો એમની પાસે જજો. એમની જિંદગી માં થોડું ડોકિયું કરજો. એમની સાથે બે ઘડી બેસજો અને સમય પસાર કરજો. એ લોકોને જે પ્રેમ અને હૂંની જરૂર છે એ એમને આપજો અને એ લોકોની આંખના આંસુ લૂછજો. ખાસ કરીને તો યંગસ્ટર્સ ને હું કહેવા માગું છું કે તમે લોકો તમારા માતા-પિતાના પૈસાનો સ્મોકિંગ, ડ્રિંકિંગ, ફોટોગ્રાફી વગેરે જગ્યા એ જે ઉપયોગ કરો છો એની જગ્યા એ કદાચ આ અનાથ છોકરાઓ પાછળ કરજો. એ લોકોને જે વસ્તુની જરૂર છે એ એમની સુધી પહોંચાડજો. ખાલી એકવાર એ લોકોના ચેહરા પરના સ્મિતનું કારણ બનીને જોજો. હું છાતી ઠોકીને કહું છું કે ઉપર વાળો ક્યારેય તમારા ચહેરા પરનું સ્મિત ઓછું નહીં થવા દે.)
