Umang Chavda

Drama Thriller

2.5  

Umang Chavda

Drama Thriller

અમ્મી

અમ્મી

7 mins
14.2K


“એ અમાન, અહી આવ”, શારદા ટીચર નો અવાજ સંભળાયો અને મને પરસેવો વળી ગયો. માર્યા ઠાર, વળી મેં શું કર્યું હશે કે કોણે ચાડી ખાધી હશે એવો વિચાર કરતો કરતો હું ગભરાતો ગભરાતો સ્ટાફ રૂમ માં બેઠેલ શારદા ટીચર તરફ ગયો.

વાણોદ ગામ માં આવેલી એકમાત્ર અંગ્રેજી પ્રાઈમરી સ્કૂલ સંસ્કૃતિ વિદ્યાલયનો આખો સ્ટાફ રૂમ ખાલી હતો, વચ્ચે મોટું ટેબલ હતું અને એમાં અખબારો અને વિવિધ વિષયોને લગતી ચોપડીઓ પડેલી હતી. શારદા ટીચર લગભગ ૫૦ ની આયુના, બધ્ધા વાળ ધોળા, આંખો પર મોટા મોટા ચશ્માં અને કપાળ પર લગાડેલો મોટો ચાંદલો, એમની કડકાઈ અને શિસ્ત માટે જાણીતા હતા. જો વાળમાં તેલ ના નાખ્યું હોય, શર્ટ બહાર હોય, શૂઝ ગંદા હોય તો તમારી આવી બની !

છોકરીઓ પણ જો વાળ બરાબર ઓળીને નાં આવી હોય, રીબીન સરખી ના બાંધી હોય તો એ સખ્ખત ધમકાવી નાખતા અને જો ફરીવાર એવું રીપીટ થાય તો તરતજ વાલીને બોલાવવાનું ફરમાન બહાર પડી જતું. મોટે ભાગે તો એ સ્ટુડન્ટ ની મમ્મીનેજ બોલાવવાનો આગ્રહ રાખતા. સ્કૂલમાં બધાજ એમનાથી બીતા.

એમના ક્લાસમાં પણ લગભગ સોપો પડેલો રહેતો, એ ગણિત શીખવાડતા, આવો અઘરો વિષય અને એમાં પણ આવા અઘરા ટીચર, બધાને લગભગ સાપ સુંઘી જતો એ ભણાવતા ત્યારે. એમની અનેક કુટેવો માંથી એક હતી કે ગમ્મે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ લેવી ! જેને ઓછા માર્ક્સ આવે એને એ ખુબજ ધમકાવતા અને બમણું હોમવર્ક આપતા.

બીતા બીતા મેં અંદર રૂમમાં આવવાની પરમીશન માંગી. એ ખુરશીમાં બેઠા બેઠા કૈંક વાંચતા હતા. એમણે ડોકું હલાવીને મને અંદર આવવાનું કહ્યું. આજે શનિવાર હતો અને બે પીરીયડ પછી લગભગ બધા ફ્રી રહેતા. સ્ટાફમાં પણ પી.ટી. ટીચર અને એક બે ટીચર સિવાય કોઈ જવલ્લેજ આવતું. હું અદબ વાળીને શિસ્તબદ્ધ એમની સામે ઉભો રહ્યો.

એમણે મારા વિખરાયેલા વાળ તરફ અને મેલા ઘેલા શર્ટ તરફ જોયું. નજર નીચી નાખીને મારા ફાટેલા શૂઝ તરફ પણ જોયું. “મરી ગયા, પાછો આજે માર પડશે કે શું ? રોજ રોજ મારા આવા દેદાર જોઈને એ મને બહુજ ખખડાવતા, રોજ મારી અમ્મીને બોલાવવાનું કહેતા. ઘણીવાર તો ફૂટપટ્ટી થી મારતા પણ ખરા. મને ખુબજ લાગી આવતું.

મારી અમ્મી કોઈ દિવસ એમને મળવા નાં આવતી. હું અબ્બુને રોજ ફરિયાદ કરતો અને અબ્બા મારી સામે લાચાર નજરે જોયા કરતા. મારા અબ્બા મને બહુ સાચવતા, એ પોતે અમારા ગામના છેવાડે આવેલા બસસ્ટેન્ડ ની બાજુમાં ચા ની લારી ચલાવતા. એમની નાનકડી લારીમાં બસ આવવાનો ટાઈમ થાય એટલે ભીડ થઇ જતી. એ લારીમાં જાત જાતના રંગબેરંગી બીસ્કીટો અને ખારી પણ રાખતા. મને એ બહુ ભાવતા અને મારા અબ્બા રોજ રાતે ઘેર આવીને મારા માટે ભૂલ્યા વગર એક-બે બિસ્કીટ જરૂરથી લેતા આવતા.

રોજ વહેલી સવારે અમારા ઘરની બાજુમાં આવેલી મસ્જીદમાં થી અઝાન સાંભળીને અબ્બા ઉઠી જતા. ઉઠી ને એ મારા માટે ચૂલો સળગાવીને બે જુવારના કે બાજરીના રોટલા શેકતા અને જોડે થોડો ગોળ કે અથાણું મુકીને ભાથું બાંધી આપતા. હું કાયમ ઘેર આવીને ફરિયાદ કરતો કે સ્કૂલમાં મારા મિત્રો કેવો કેવો નાસ્તો લાવે છે અને મને આ ખાતા શરમ આવે છે એમની સામે. એ હસી ને મારા માથે હાથ મુકતા અને મને અલીબાબા અને ચાલીસ ચોર ની બાકી રહેલી વાર્તા સંભળાવતા. મને અલીબાબા બહુ ગમતો અને હું મોટો થઈને અલીબાબા બનીશ એવું હું રોજ સુતા પહેલા અબ્બાને કહેતો અને એ હસી પડતા.

કોઈક વાર મારી આબિદાફોઈ મારા ઘેર આવી ચડતી, એ મારા અબ્બુની મોટી બહેન હતી અને અમારા ગામની બાજુમાં થોડે દૂર રહેતી હતી. એ મારા માટે ચોકલેટ અને ટોસ્ટ લાવતી અને હા, ખજૂર પણ. મને એ બહુ ગમતી. એ આવતી ત્યારે અમારે જલસો થઇ જતો. રોજ બે ટાઈમ સરસ ખાવાનું મળતું અને હા, સાંજે તો ક્યારેક શાક પણ બનતું.

રોજ રાતે જયારે હું ગોદડું ઓઢીને સુઈ જતો ત્યારે બંને જણા વાતો એ વળગતા. મને બહુ સમજણ ના પડતી પણ આછું પાતળું એવું સમજાતું કે ફોઈ ને મારી બહુ ચિંતા રહેતી અને એ કાયમ અબ્બુને કહેતા કે અમાન ને એમના ઘેર મૂકી જાય કાયમ માટે. “આવડા નાના છોકરાને ક્યાં લાગી તું સાચવીશ જમાલ, મારા ઘેર મૂકી જા એને.” એ એક વાક્ય મને કાયમ કાને પડતું અને હું જોરથી આંખો મીચીને અલ્લાહને યાદ કરતો અને કહેતો કે મારે અબ્બુ પાસેજ રહેવું છે. પછી મને રડવું આવું જતું અને હું રડતા રડતા જ ક્યારે સુઈ જતો એ મને ખબર ના પડતી. મોડી રાત્રે હું ઉઠી જતો અને આંખો ખોલીને જોઈ લેતો કે હું મારા ઘરમાં જ છું ને. મને કાયમ એ બીક લાગતી કે ક્યાંક ફોઈ મને રાતે ઉપાડીને એમના ઘેર ના લઇ જાય. પછી હું નીચે સુતેલા અબ્બુની બાજુમાં એમનો હાથ જોરથી પકડી ને પાછો સુઈ જતો.

શારદા ટીચર ની આંખો માં આજે મને એ કડપ ના દેખાયો. એ મારી સામે તાકી જ રહ્યા હતા. અચાનક મેં જોયું કે એમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. એ નીચે ઘુટણીએ બેઠા અને મારો ચહેરો એમણે હાથ માં લીધો અને એમના સાડલા નાં છેડાથી એમણે મારું મોઢું લુછ્યું અને મારા માથે હાથ ફેરવ્યો. મને કૈંજ ખબર ના પડી. હું મારી મોટી મોટી આંખો એમની સામે તાકીને જોઈ રહ્યો. “જો અમાન”, એમણે મધુર આવજે મને કહ્યું “કાલે તારા અમ્મી મને મળવા આવ્યા હતા, એમણે મને તને સાચવવાનું કહ્યું છે, એ તારા માટે કૈક લાવ્યા પણ હતા જો” એમ કહી ને એમણે ટેબલ પર પડેલું બોક્ષ ખોલ્યું અને એમાંથી નવો સ્કૂલ ડ્રેસ અને નવા ચમકતા શૂઝ કાઢ્યા. મારી આંખો ફાટી રહી ગઈ. મને મન માં એટલો આનંદ થયો કે આંસુ બહાર આવી ગયા.

શારદા ટીચરે મારા હાથ માં એ બોક્ષ આપી દીધું અને પ્રેમથી મારા વાળ સરખા કર્યા. મેં બોક્ષ લઈને ફરીથી એમની સામે જોયું અને કહ્યું “મેં નહોતું કીધું કે મારા અમ્મી બહુ સારા છે, એક દિવસ એ તમને જરૂર મળવા આવશે”? અને હા, મને હવે તમે મારશો નહિ ને ટીચર” મેં પૂછ્યું. શારદા ટીચર કઈ બોલ્યા નહિ, મને લાગે છે કે મારી જેમ એમને પણ એમના અમ્મી યાદ આવી ગયા હશે, એટલેજ રડતા હશે એ. “તમે ચિંતા ના કરો, હું અમ્મી ને કહીશ કે તમારા અમ્મીને સમજાવે અને તમને મળવા આવે એવું કહે બસ ?” મેં હસી ને એમની આંખો લૂછતાં કહ્યું. એ મને જોરથી ભેંટી પડ્યા અને રડવા લાગ્યા. “થાય હવે, એમાં શું”, મેં વિચાર્યું, “બહુ તોફાન ના કરતા હોવ તો, આવશે તમને પણ મળવા તમારા અમ્મી અને તમારા માટે પણ કૈંક સરસ લાવશે” એમ કહી ને હું હસતો હસતો બસ સ્ટેન્ડ તરફ હાથ માં બોક્ષ લઈને દોડી ગયો.

ચા ની લારી પર એક બે જણા ઉભા હતા, અબ્બુ લારીની પાછળ આવેલા સ્ટૂલ માં બેઠા બેઠા છાપું વાંચતા હતા. હું દોડી ને એમની પાસે ગયો અને હાંફતા હાંફતા કહ્યું “અબ્બુ અબ્બુ, જુવો, અમ્મી એ શું આપ્યું મને ! એ આવ્યા હતા કાલે શારદા ટીચરને મળવા અને મારા માટે નવા કપડા અને શૂઝ આપી ને ગયા. હવે ટીચર મને નહિ ખીજાય અને એ રોજ મને સાંજે એમના ઘેર લઇ જઈ ને ભણાવશે પણ” હું એકી શ્વાસમાં બોલી ગયો.

અબ્બુ ઉભા થઇ ને મારી પાસે આવ્યા, એ નીચે નમ્યા અને પ્રેમથી મારા માંથા પર હાથ ફેરવ્યો અને આંખો મીચી દીધી.

સ્કૂલના સ્ટાફ રૂમની બારી પાસે શારદા ટીચર ઉભા હતા. એમની આંખો હવે સુકાઈ ગઈ હતી. એમને યાદ આવ્યું કે કેવું ગઈ રાત્રે એક સ્ત્રી એમને મળવા આવી હતી બે હાથ જોડીને. કેટલી સુંદર હતી એની આંખો. એણે એમને બધી હકીકત કીધી હતી કે કઈ રીતે અમાન ના અબ્બુ ઘર ચલાવે છે અને એ લોકો કેટલા ગરીબ છે. એમણે અમાન વતી માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે એને સાચવી લે. શારદાએ આ સાંભળીને એમના હાથ પકડી લીધા હતા. બાપરે, કેટલા ઠંડા હાથ હતા એમનાં. થોડી વાર પછી અમાન ની અમ્મી જતી રહી હતી પણ એમને ખુબજ શરમ આવી હતી એમના વહેવાર પર અને એમણે નક્કી કર્યું હતું કે હવે એ કોઈ દિવસ અમાન ને નહિ સતાવે અને રોજ સાંજે એને પોતાના ઘેર ભણાવશે પણ ખરા”.

અબ્બુ ની કીટલી પરથી હું જોરથી દોડીને ગામના ભાગોળે પહોંચ્યો અને દૂર આવેલા કબ્રસ્તાન તરફ મેં જોયું. આજે એ મને બહુ ગમતું હોય એવું મને લાગ્યું. હું દોડીને અંદર ગયો. એક કબર પર મેં મારો ભણવાનો થેલો ફેંક્યો અને લાડ કરતો હોય એમ એની પર સુઈ ગયો. આજે મને બહુજ સારું લાગતું હતું. હજી ગયા શનીવારેજ હું અહી ગુસ્સામાં રડતો રડતો આવ્યો હતો અને દફતર કબર પર ફેંકી ને મેં અમ્મી ને ફરિયાદ કરેલી. “ઉભી થા અમ્મી, જો આજે પણ મને માર પડ્યો છે, તું ક્યારે આવીશ શારદા ટીચર ને મળવા? આટલું બધું ના ઊંઘી જવાય. તારી નીંદર ક્યારે પૂરી થશે? અબ્બુ તો કહે છે કે જલ્દી થી તું આવીશ પણ ઓલો બાજુવાળો અલી કહે છે કે ક્યારેય નહિ, એ તો એ પણ કહે છે કે તારી અમ્મી કોઈ દિવસ ટીચર ને મળવા નહિ આવે.” આવું લગભગ હું દર શનિવારે અહી આવી ને કરતો પણ આજનો દિવસ ખાસ હતો. મેં ફરીથી અમ્મીની કબર પર વહાલથી હાથ ફેરવ્યો અને કીધું “ઓલા શારદા ટીચર બહુ રડતા હતા, એમની અમ્મી પણ એમને મળવા નથી આવતી લાગતી. તું એની અમ્મીને કેજેને કે એમના માટે પણ નવા કપડા અને શૂઝ લાવે, શારદા ટીચર આમ તો બહુ સારા છે. સારું ત્યારે હું જાવ છું, હજી તો તે આપેલા નવા શૂઝ અને કપડા પહેરવાના છે. તું જલ્દી મળવા આવજે હો?” આટલું કહી ને હું ઉભો થયો અને ત્યાંથી ચાલી નીકળ્યો.

સાંજના ઝાંખા અજવાળામાં એક પ્રકાશ પુંજ કબરમાં થી નીકળ્યું અને અનંત આકાશ તરફ જતું રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama