અમેરિકા અને અભિપ્રાય
અમેરિકા અને અભિપ્રાય


ડોર બેલ વાગ્યો..!!!
અમી દરવાજો ખોલવા ઉભી થઇ...!!
અરે તમે, આવો આવો..!!
તમારો છોકરો બારમાં ધોરણમાં ખુબ સરસ ટકા લઇ આવ્યો.. અભિનંદન બેટા..!! અમી, આલોકને કહ્યું.
આવો આવો...!! આમ આલોક અને તેના મમ્મી પપ્પાને અંદર આવકાર્યાં.
આપણી સોસાયટી માટે આ બહુ ગર્વની વાત કહેવાય, બોર્ડમાં આઠમા ક્રમે આવવું એ કઇ જેવી તેવી વાત નથી. અમીએ વાત ને આગળ વધારતા કહયું.
આલોક ના મમ્મી પપ્પા જાણે ખુશખુશાલ હતા, અને એટલામાં તેની મમ્મી બોલી,
'લો આ પેંડા..!!બસ સોસાયટીમાં આપવા માટેજ નીકળ્યા છીએ.
ના હો પેંડાથી નહીં ચાલે, પાર્ટી જોઈએ. અમીએ હસતા હસતા કહ્યું.
આગળ શુ કરવાનું છે બેટા હવે..?? અમી એ આલોક સામે જોઇને પુછ્યું.
અને આલોક બોલે એ પહેલાં જ એની મમ્મી ફટ દઇને બોલી, કોઇ સારી લાઇન પકડી અમારે તો એને બહાર જ મોકલવો છે. અમી જાણે ખોટુ હસી એમની સામે જોઇને.
સારું ચાલો અમે નીકળ્યે, સોસાયટીમાં બીજે પણ આપવાના છે પેંડા.
સારુ ચાલો આવજો.
અમી દરવાજો બંધ કરીને અંદર આવી ગઇ.
અને પછી વિચારો ના રવાડે ચઢી ગઇ. આલોકની મમ્મી એ કહેલા વાક્ય પર,
"અમારે તો એને બહારજ મોકલવો છે...!!"
જેમને એ દેશ જોયો નથી, જેમને ત્યાના કલ્ચરની ખબર નથી, તો કયા આધારે લોકો કહે છે કે એમને એમના છોકરા કે છોકરીને બહાર મોકલવા છે. ફકત એક બીજાની દેખા દેખી..!!એક માત્ર પૈસાની લાલચે લોકો દરિયાની પેલે પાર ઉડીને જતા તો રહે છે, પણ વળી ને જુએ છે ખરા તમારુ વતન, તમારો દેશ, તમારા લોકો કેટકેટલું મુકીને જાવ છો.
આ વ્યક્તિગત પસંદગી છે. છોકરાઓને બહાર જવું છે કે નહીં એ એમનુ પોતાનું ડીસીઝન હોવુ જોઇએ, આપણે તેમના પર થોપેલુ ના હોવુ જોઇએ.
***
અમીની બાજુનુ ઘર છેલ્લા છ મહિનાથી બંધ હતુ એટલે ત્યા ઝાડના પાંદડાં આમ તેમ વેર વિખેર પડ્યા હતા, છાપાં, પોલિથીન બધુ એક ખુણે ભેગું થઇ ગયુ હતુ. જાણે એ વાત ને સમર્થન આપવા કે આ ઘર ખાસ્સા સમયથી બંધ છે.
એજ રાતે અમી તેનાં ઘરની ગેલેરીમાં આમજ શાંતિ થી ઉભી હતી. આકાશનો સન્નાટો અને વાહનોની અવરજવર બન્નેને એક સાથે નીહાળી રહી હતી. અને એકદમ જ એની નજર બાજુ ના ઘર તરફ ગઇ અને એણે જાણે આશ્ચર્ય થયુ. ઘરનુ આંગણુ એક દમ ચોખ્ખું હતુ એક પાંદડું પણ નઇ, એટલે અમી ને ખ્યાલ આવી ગયો કે કાકા કાકી પાછા આવી ગયા, એમ પણ ઘરડા લોકો આંગણુ ચોખ્ખું રાખવામાં બહુ માને. અમીના ઘરની લગોલગ અડીને આવેલા આ મકાનમા 70 વષૅ ના કાકા અને કાકી રહે, એકલા. એકલા એટલા માટે કે છોકરાઓ અમેરિકામાં રહે. પણ કાકા કાકી ગયા છ મહિનાથી છોકરાઓના ત્યાં અમેરિકા હતા અને લાગે છે કે હવે આવી ગયા.
અમી હજી વિચારતી જ હતી અને એટલામા કાકા બહાર એક હાથમા આરામ ખરશી, બીજા હાથમા ટેબલ અને રેડિયો લઇને આવ્યા. કાકાએ ખુરશી ઢાળી, બે પગ ટેબલ પર લંબાવ્યા, ખીસ્સામાથી લાઇટર કાઢી સીગરેટ સળગાવી અને શાંતિથી બેઠા બેઠા સીગરેટના કસ માણતા માણતા, એક હાથે રેડિયો ઉચકી ને તેમના પગની બાજુમા ટેબલ પર ચાલુ કરીને મૂક્યો. કાકાએ રેડિયો પર વિવિધભારતી લગાવ્યુ અને શાંતિથી ગીત સાંભળતા "યે દિલ તુમ બિન કહી લગતા નહી..!!" કાકા પણ સીગરેટ પીતા પીતા સાથે ગીત ગાતા જાય.
આછો આછો પ્રકાશ અમીની ગેલેરીમાં ચાલુ રાખેલી લાઇટથી કાકાના ઘરમા આવતો હતો અને આમ અમીને આછુ દેખાતુ હતું. પણ કાકા ને નતી ખબર કે અમી ઉપર ગેલેરીમા ઉભી છે. થોડી જ વારમા કાકી પણ ત્યાં ખુરશી લઇને આવી ગયા. જાણે એમને એક બીજા વગર ચાલતુ નહી.
કાકા ઊંડા વિચારોમાથી પાછા આવ્યા. રેડિયાનું ચકરડુ ફેરવી ને અવાજ ધીમો કર્યો, " સરોજ મને ત્યાં અમેરિકા મજા ના આવી, મને ત્યાં બહુ ના ગમ્યુ." કાકાએ સીગરેટ બાજુ પર રાખી અને કાકીની સામે જોઇને બોલ્યા.
અમીએ ગેલેરીની લાઇટ બંધ કરી દીધી, પણ એ ત્યા જ ઉભી રહી, એને થયું જોગાનુજોગ કાકા પણ વિદેશની જ વાત કરવા જઇ રહ્યા છે. અમીને પોતાને પણ વિદેશનો કોઇ અનુભવ નથી અને એટલેજ કાકાની વાત સાંભળવા અંધારામા ઉભી રહી ગઇ.
"સરોજ મને ત્યાનું ખાવાનુ, પીવાનું, ત્યાની રહેણીકરણી, ત્યાં ના લોકોના સ્વભાવ, ત્યાનું જીવન કંઇજ નથી ગમતુ" અને કાકી એ જાણે માથુ ધુણાવ્યું, અને બોલ્યા, હા, તે વિદેશમા તો એવું જ હોય ને..!! આપણે તો ત્યા આપણા છોકરાઓ માટે જવાનું.
સાચુ કહુ સરોજ એવુ થાય છે કે કયારેક એ લોકો આપણને મળવા ના આવે..?? બે-પાંચ વર્ષ પણ નહી..??
તમને અને તમારા છોકરાઓને શોખ હતો, અમેરિકાનો, હું તો નાજ પાડતી હતી, સરોજ કાકી કટાક્ષમાં બોલ્યા.
ચાલો તમે બહુ વિચાર્યા ના કરો. આ સીગરેટ મૂકો, બી.પી. ની દવા લઇ લો અને પછી સૂઇ જઇએ.
"સરોજ તે આંખમાં ટીપાં નાખ્યા કે નહી..??"
કેવી એક બીજાની કાળજી ઢળતી ઉંમરે વધતી જાય છે. આ ઉંમરે એકબીજા પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષોથી અવારનવાર અવગણેલા સબંધનુ મૂલ્ય એકાએક છોકરાઓના લગ્ન પછી વધી જાય છે. અને સમજાય છે કે આજ જીવનનો સનાતન સબંધ છે.
સરોજ આજે મને બધુ મારુ લાગે છે. મને આ ઘર, આ હવા, આ આકાશ બધું જ મારું લાગે છે. ત્યાં જઇ ને તું પણ છોકરાઓની થઇ ગઇ હતી (દિનેશ કાકા અને કાકી હસ્યા, છ મહિને આજે ખુલી ને હસ્યાં)
"જો સરોજ તારા પહેલા હું મરી જઉ તો તો સવાલ જ નથી, પણ કદાચ તુ ના હોય, તો હું આ ઘરમા તારી યાદો સાથે જીવીશ પણ અમેરિકા તો નહી જ જાઉ."
"અરે શું થઇ ગયુ છે તમને...?" સરોજ કાકી ખુરશી હાથમા અંદર લઇ જતા લઇ જતા બોલ્યા. અને એટલામા મોબાઇલ પર કોઇનો ફોન આવ્યો.
હા, હલો બેટા...!!!કાકાના મોઢામાથી આટલુ જ સાભળી ને સરોજ કાકી પાછા કાકા પાસે આવીને ઉભા રહી ગયા્ એમને અંદાજો આવી ગયો કે છોકરાનો ફોન આવ્યો છે.
હા, બસ જો હું અને તારી મમ્મી શાંતિથી ઘરે પહોચી ગયા છીએ. (કાકા બોલતા હતા અને સરોજ કાકી ઇશારો કરતા હતા કે કઇ કહેશો નહી..) કાકા એ વાત ચાલુ રાખી.
હા અમને ત્યા બહુ મજા આવી...!!!
હવે નથી ગમતુ અહીયા, તમારી યાદ આવે છે (કાકી, કાકાની સામે જોઇને હસ્યાં)
હા આવતા વષે પાછા આવીશુ, એમ કહીને કાકા એ ફોન મૂકી દીધો.
"સરોજ કાકી ફોન મૂકાતાની સાથે બોલ્યા સારું થયુ તમે એમને કઇ કહ્યું ના..!!"
હા તો એમને આ બધુ કહેવાનો શુ મતલબ, મારે એમને દુ:ખી થોડા કરવા છે. આ તો ખાલી મન હળવુ કરવા તારી સાથે વાત કરી.
અમી ત્યા જ ઉભી ઉભી વિચારતી હતી, પોતાના બાળકોને દુ:ખ ના થાય તે માટે મમ્મી પપ્પા જુઠું પણ બોલે છે.
કાકા પણ ખુરશીમાથી ઉભા થઇ ખુરશી વાળી દીધી. ટેબલ અને રેડીયો હાથમાં લઈને જતા હતા અને કાકીએ બુમ મારી બહાર જાળી એ લોક મારતાં આવજો.
અમી બહાર ઉભા ઉભા વિચારતી હતી કે આખી જીંદગીમા આપણે મમ્મી પપ્પા સાથે સેટ થવાનો બહુ ઓછા પ્રયત્ન કરીએ છે. એમના જીવનના અંત સુધી મોટે ભાગે એ જ આપણી સાથે એડજસ્ટ થતાં હોય છે.