અજાણ્યો મેઈલ
અજાણ્યો મેઈલ
આજે સૂરજ ઊગ્યો તો હતો પણ કોણ જાણે કે કાળાં ડિબાંગ વાદળો પાછળ રિસાઈને બેઠો હતો. રાતથી ધોધમાર પડી રહેલ વરસાદ બંધ થવાનું જ ભૂલી ગયો હતો. બધું ભસ્મ કરી નાખવાની ઈચ્છા ધરાવનારી વીજળીઓ ભયંકર અવાજ સાથે ત્રાટકી રહી હતી. વધારામાં ઓછું ન હતું... તે આ સૂસવાટા મારતો પવન... ખબર નહીં આજે આ પવનને શું મસ્તી સૂજી હતી કે, સવારની મીઠી નિંદર માણી રહેલા લોકોને વાંછટોથી ભીંજાવતો હતો.
આ જ વાંછટોથી અચાનક જાગી ઉઠેલી નતાશા પણ ઊંઘ ખંખેરી ઊભી થઈ. અડધી ખુલેલી આંખોએ તેણે બારી બહાર નજર કરી અને તેના મોં પર સ્મિત છવાઈ ગયું. તેના ગાલ પર પડતાં બે ખાડા તેના સ્મિતને વધારે ધ્યાનાકર્ષક બનાવતા હતા.
બહાર પડી રહેલ વરસાદને નતાશા ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. વર્ષામાં ખીલેલા કુદરતના રંગોમાં તે ખોવાઈ રહી હતી. ભૂતકાળમાં સરી રહી હતી. અરે ! વધારે જૂની નહીં ગયા મહિનાની જ વાત છે.
તે દિવસે પણ આવું જ વરસાદી વાતાવરણ હતું. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ચકલીઓ અને કોયલોના અવાજને લીધે વાતાવરણ વધારે સંતોષકારક બન્યું હતું. સવારના લગભગ સાત વાગ્યા હશે. નતાશા મોસમનો આનંદ માણતા, ગરમાગરમ ચાની ચુસ્કીઓ લેતા લેપટોપમાં કંઈક ટાઈપ રહી હતી. અને અચાનક તેના મેઈલ બોકસમાં કોઈ અજાણ્યા મેઈલનું આગમન થયું. ત્યાં જ બહાર ઝરમર વરસતા વરસાદે અચાનક ધોધમાર રૂપ ધારણ કરી લીધું.
કોઈ અજાણ્યો મેઈલ જોઈને તેને તરત ખોલીને વાંચ્યો, લખ્યું હતું,
"ડીયર નતાશા, ગુડ મોર્નિંગ. હું આદિત્ય ગજ્જર. જો તમને યાદ હોય તો આપણે ગયા મહિનાની આર્ટસ ક્લબની કોમ્પિટિશનમાં મળ્યા હતા. મને તમારા લેખો ખૂબ ગમ્યા. તમારી લખવાની ઢબ સૌથી અલગ છે. હું ખરેખર તમારા લેખો વાંચીને તમારી લેખનકળાથી મોહિત થઈ ગયો છું. મને તમારી સાથે આ ક્લબની કોમ્પિટિશનના સંબંધમાં કંઈક વાત કરવી છે. તો શું તમે મને મળવાની ઈચ્છા ધરાવો છો ?"
આટલું વાંચતાની સાથે જ નતાશાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને કંઈ સમજાતું ન હતું કે આ રીતે કોઈ અજાણ્યું તેને આવો મેઈલ શા માટે કરી રહ્યું છે.
"આદિત્ય ગજ્જર ! આ કોણ છે? હું તો કોઈ આદિત્યને ઓળખતી નથી. પણ આ મેઈલના શબ્દો એટલા કોન્ફિડન્ટ છે કે જાણે... તે મને ખૂબ સારી રીતે ઓળખે છે..."
નતાશાનો ફોન રણક્યો. સ્કીન પર જોયું તો હેત્વીનો ફોન હતો. હેત્વી એટલે નતાશાની જીગરજાન દોસ્ત. તેણે ફોન ઉઠાવ્યો.
"હલો નતાશા, કોન્ગ્રેચ્યુલેશન યાર. તને ખબર છે આજે આર્ટ્સ ક્લબના મેનેજર મિસ્ટર આદિત્ય ગજ્જર કોલેજ આવ્યા હતા અને તેમણે કેટલાક સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ આપવાનું નક્કી કર્યું છે. જેમાં સૌથી પહેલુ તારું નામ છે. હવે તારે તારું માસ્ટર અધૂરું નહી છોડવું પડે. "
નતાશાને નવાઈ લાગી. પણ "થેક્યું !" કહીને ફોન મૂકી દીધો.
કદાચ તેના કાને તો હેત્વીની વાત સાંભળી પણ તેના મગજે નહી. સ્કોલરશીપ માટે તેણે રાત - દિવસ એક કરીને મહેનત કરી હતી છતાં તેના મોં પર ક્યાંય ખુશીની રેખાઓ નહતી. તેના મોં પર માત્ર સવાલો જ વંચાઈ રહ્યા હતા. કદાચ પેલા અજાણ્યા મેઈલને લીધે.
નતાશાને દરેક નાની-નાની વાતો પર વધુ પડતું વિચારવાની આદત પડી ગઈ હતી.
ફોન મૂકીને નતાશા કોઈને મેઈલ ટાઈપ કરવા લાગી. અરે... આ મેઈલ તો આદિત્યને ટાઈપ થઈ રહ્યો હતો.
"હેલો મિસ્ટર આદિત્ય ગજજર, હું નતાશા. મને જાણીને આનંદ થયો કે તમને મારા લેખો ગમે છે. પણ માફ કરજો. હું તમને ઓળખતી નથી. મને જરાય યાદ નથી કે આપણે કશે પણ મળ્યાં હોઈએ. જો હું તમને એકવાર પણ મળી હોત તો મને યાદ હોત. માફ કરજો."
નતાશાએ મેઈલ મોકલી દીધો પણ થોડી... વિચારમાં પડી ગઈ.
ફરી નતાશાનો ફોન રણક્યો. ફરી હેત્વીનો જ ફોન હતો. તેણે ઉઠાવ્યો.
"હલો નતાશા, યાર... આજે તો તારો જ દિવસ છે."
"કેમ? વળી પાછું શું થયું?" નતાશાના અવાજમાં ક્યાંય ખુશીઓની આશા નહતી.
"અરે, તું ભૂલી ગઈ આજે આર્ટ્સ ક્લબની કોમ્પિટિશનના રિઝલ્ટ આવવાના હતા. તું જીતી ગઈ છે, કોન્ગ્રેચ્યુલેશન ! આજે તો મને પાર્ટી જોઈએ જ છે."
"હાં ચોક્કસ, થેન્ક યુ. સારું થયું તે કીધું હું... ખરેખર ભૂલી ગઈ હતી."
બસ આટલું કહીને તેણે ફોન મૂકી દીધો.
નતાશા હજી પણ પેલા મેઈલ વિશે જ વિચારી રહી હતી. "હું કોઈ આદિત્યને નથી ઓળખતી." બસ ક્યારની એક જ વાક્ય બબડ્યા કરતી હતી.
શું એ ખરેખર કોઈ આદિત્યને ન'તી ઓળખતી કે પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
...આ તો વાત થઈ નતાશાની પણ... આદિત્યના શું હાલ હતા નતાશાનો મેઈલ વાંચીને ?
બીજી બાજુ આદિત્ય નતાશાના મેઈલની જ રાહ જોતો બેઠો હતો. લેપટોપના કી-બોર્ડ પર ટ્રેનની ગતિથી ફરતી આંગળીઓ કામ ભલે ઓફિસનું કરતી હતી પણ રાહ તો નતાશાના મેઈલની જ જોઈ રહી હતી. થોડું ટેન્શન હતું આર્ટ્સ ક્લબના મેનેજર આદિત્ય ગજજરના મોં પર. મોસમ ગમે તેવું હોય તેને કોઈ ફરક નહતો પડતો. પર્વત જેવો જ શાંત અને ગંભીર લાગતો હતો તેનો ચહેરો. તેને ફરક પડતો હતો તો માત્ર નતાશાના જવાબથી.
જેવો નતાશાનો મેઈલ આવ્યો કે તરત તેને ખુલતા પણ વાર ના લાગી.વાંચીને આદિત્યને થોડું દુઃખ થયું પણ... પોતાની જાતને તેણે તરત સંભાળી લીધી કારણ કે કદાચ તે જાણતો જ હતો નતાશાનો જવાબ.
હજી તો હેત્વીનો ફોન મૂક્યો જ હતો કે ફરી એક મેઈલ આવ્યો,આર્ટ્સ ક્લબમાંથી.
"અભિનંદન મિસ નતાશા, આર્ટ્સ ક્લબની કોમ્પિટિશનમાં તમે જીતી ગયા છો. તમારી લેખનકળાથી ખુશ થઈને આર્ટ્સ ક્લબના મેનેજરે તમને આવનારી કોમ્પિટિશન માટે જજ તરીકે પસંદ કર્યા છે. જો તમે જજ બનવાની ઈચ્છા ધરાવતા હોવ તો અમને જણાવવા વિનંતી. "
આટલું વાંચ્યા પછી નતાશાના મોં પર હાસ્ય સમાતું નહતું. બહાર પડી રહેલ ધોધમાર વરસાદની જેમ ખુશીઓનો વરસાદ થયો હતો તેની પર.
ક્લબને સંમતિ આપવા માટે તે મેઈલ ટાઈપ જ કરી રહી હતી અને ત્યાં ફરી એક મેઈલએ તેનું ધ્યાન ખેંચ્યું."આદિત્ય ગજ્જર..." નામ વાંચી મોઢું બગાડતા બોલી. મેઈલ ખોલીને વાંચવા લાગી,
"હેલો મિસ નતાશા, મને હતું કે તમે મને ઓળખી જશો પણ...કંઈ વાંધો નહીં. મને ખાતરી છે કે તમે મને જોશો ત્યારે મને અવશ્ય ઓળખી જશો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમે ખૂબ સરસ લખો છો. આટલી સુંદર વાર્તાઓ મેં ક્યારેય નથી વાંચી. હું ઈચ્છુ છું કે તમે આર્ટ્સ ક્લબની આવનારી કોમ્પિટિશનના જજ બનો. અને હું તો કહું છું કે... તમે હજી વધારે પ્રગતિ ડિઝર્વ કરો છો."
" હજી વધારે પ્રગતિ ડિઝર્વ કરો છો..." કહેવા શું માંગે છે આ માણસ... એનો અર્થ એમ કે મારું જીતવું, સ્કોલરશીપ મળવી, જજ માટે પસંદ થવું... એ બધું આદિત્યએ... પણ... શું કામ ? મેં એને સ્પષ્ટ કહી તો દીધું કે હું એને નથી ઓળખતી તો પછી એ મારા માટે કેમ આટલું બધું કરે છે."
નતાશાના વિચારોએ કંઈક ઊંધો જ રસ્તો પકડ્યો હતો. આદિત્યની નાતાશાને ખૂશ કરવાની યુક્તિ કારગત ના નીવડી.
હવે નતાશા વધારે વિચારી શકે તેવી સ્થિતિમાં નહતી. તેને પોતાનો શ્વાસ રુંધાતો લાગ્યો. ફ્ટાફ્ટ તેણે મેઈલ ટાઈપ કરીને આર્ટ્સ ક્લબની કોમ્પિટિશનની જજ બનવા માટે ના પાડી દીધી. અને તરત હેત્વીને ફોન કર્યો અને કહ્યું, " સાંભળ હેત્વી, મારે આ સ્કોલરશીપ નથી જોઈતી. તો તું...કાલે કોલેજમાં જાણ કરી દેજે."
આટલું સાંભળતાની સાથે જ હેત્વી નતાશા પર વરસી પડી, "નતાશા, પાગલ થઈ ગઈ છે, જે સ્કોલરશીપ માટે તે આટલી મહેનત કરી તેને તું હવે લેવાની ના કેમ પાડે છે?"
"મારી મરજી. હમણાં હવે મારે કોઈની જોડે વાત નથી કરવી તું મને ફોન ન કરતી અને મારા ઘરે આવવાની પણ જરૂર નથી."
નતાશાએ સ્પષ્ટ રીતે જણાવી દીધું.
તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો.
બે દિવસ વીતી ગયા.
બે દિવસથી નતાશાએ કોઈની જોડે વાત નહતી કરી, કોઈના ફોનનો જવાબ ન'તો આપ્યો. ઘરનો દરવાજો પણ નહતો ખોલ્યો.
બે દિવસે આજે તેના ઘરની ડોરબેલ વાગી. નતાશાને તો કદાચ હોશ જ ન'તા રહ્યા કે તે શું કરી રહી છે. અર્ધ ખુલી આંખો ઊંડી ઉતરી ગઈ હતી. માથું ભારે લાગતું હતું. છતાં અડધા કલાકથી વાગી રહેલી ડોરબેલ સાંભળીને તે જેમ તેમ હિંમત કરીને ઊભી થઈ. લથડિયાં ખાતા તેણે દરવાજો ખોલ્યો.
સામે જોયું તો...
"આદિત્ય?"
નતાશા તેને જોઈને એવી રીતે બોલી કે જાણે ડૂબતાને કિનારો મળી ગયો. તેને અવાક થઈ જોઈ રહી.
હાં આદિત્ય, એ જ આદિત્ય જે નતાશાના જીવનરૂપી સમુદ્રની એકમાત્ર નાવ હતો. તેનો જન્મોજનમનો સાથી હતો આદિત્ય. નતાશાનો મંગેતર, કે જેણે નતાશા ડિપ્રેશનનો શિકાર છે તે જાણ્યા પછી પણ તેની સાથે લગ્ન કરવાની હાં પાડી હતી. નતાશાની બીમારીએ થોડું વિકટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે લાંબા સમય સુધી કોઈને યાદ નહતી રાખી શકતી. તેને નાનામાં નાની વાતમાં પણ શંકા જતી. આવી નતાશાને સાજી કરવાનું વચન આદિત્યએ નતાશાને સગાઈની વીંટી સાથે જ ભેટમાં આપી દીધું હતું. અને તે દિવસે નતાશા સાથે જે પણ કંઈ બન્યું હતું એ આદિત્યની સારવારનો જ એક ભાગ હતો.
"મેં કીધું હતું ને મિસ નતાશા કે... તું મને જોઈશ તો તરત ઓળખી જશે." આદિત્ય કદાચ આંસુ રોકતા બોલ્યો.
"નતાશા... તે જ કીધું હતું ને કે... આપણે એકબીજાના પડછાયા જેવા છીએ તો પછી... મારો પડછાયો આજે રસ્તો કેમ ભૂલી ગયો ? તે જ કીધું હતું ને કે... તું મને ક્યારેય નહીં ભૂલે, તું મને નહી... મારા નામને જ ભૂલી ગઈ. શું આપણા સંબંધે તારી બીમારી આગળ હાર માની લીધી ?"
નતાશા વધારે ના સાંભળી શકી અને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. આદિત્યએ તેને બાથમાં લઈ લીધી.
તે દિવસથી આજ સુધી નતાશાને બધું યાદ છે. આજ યાદોને પોતાની આંખો સામે પાછી આવતા જોઈ નતાશાની આંખો ભીંજાઈ ગઈ. તેને કદાચ પોતાની જાત પર ધિક્કાર આવતો હતો કે જે વ્યક્તિ તેને જીવથી પણ વધારે પ્રેમ કરે છે તેને તે કેવી રીતે ભૂલી ગઈ.
નતાશાનો ફોન રણક્યો. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે ફોન ઉઠાવ્યો. સામેથી અવાજ આવ્યો,
"હલો ! મિસિસ નતાશા ?"
"જી, તમે કોણ ?"
"મિસિસ નતાશા તમે અમારી હોટલમાં બ્લેક કોફી એન્ડ સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો ?" સામેથી કોઈ અજાણ્યું બોલ્યું.
"આદિત્ય મારે મોડું થાય છે અને તમે મને કિચનમાંથી ફોન કરો છો. "
