કુદરતની ક્રૂરતા
કુદરતની ક્રૂરતા
અવિરતપણે ચાલતી આપણી આસપાસની આ દુનિયામાં આપણે બધા પોતાના કામમાં એવા તે વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણા જ રંગોને ભૂલી રહ્યા છીએ. મેં જ્યારે મારી નકામી વ્યસ્તતામાંથી કામની ફુરસદ માટે સમય કાઢ્યો ત્યારે મને આ વાતનો ખ્યાલ આવ્યો કે કુદરતે સર્જેલી રંગીલી દુનિયાને ભૂલીને માનવીએ બનાવેલી વ્યસ્ત દુનિયાના જાળમાં આપણે વધારેને વધારે ખેંચાતા જઈએ છીએ. આ વાત મને વધારે સ્પષ્ટતાથી સમજાઈ ગઈ જ્યારે મેં આ દ્રશ્ય જોયું. ચાલો તમને પણ બતાવું..
તે દિવસે ખબર નહીં કેમ મને ચાલતા ઘરે જવાનું મન થયું. સંધ્યાએ પોતાના રંગોથી આકાશને રંગી નાખ્યું હતું. ઠંડો વાતો પવન કોઈ અધૂરપની લાગણીને ભરતો હતો. એટલામાં મારી નજર લગભગ દસેક વર્ષના એક નાનકડા છોકરાં પર પડી. એને જોઈને મારા પગ થંભી ગયા. તેના વસ્ત્રો પરથી અંદાજો તરત આવી જાય કે તે માસૂમ બાળક ગરીબ પરિવારનો હશે. બિચારો ક્યારનો આમ તેમ ભટક્યા કરતો હતો. કદાચ એવી આશાએ કે તેની આ હાલત જોઈને કોઈને તો દયા આવે અને થોડા પૈસા મળી જાય.
આ બાળકને જોઇને થાય કે કુદરત આટલી બધી ક્રૂર કેવી રીતે હોઈ શકે. આ બાળકે એવા તે શા પાપ કરી દીધા હશે કે તેને બે ટંકનું પૂરતું ભોજન પણ ના મળી શકે. તેની કાયા પર પૂરતા વસ્ત્રો પણ નહતા. છેવટે કોઈને તેની પર દયા આવી. એક આધેડ ઉંમરની સ્ત્રી તેને બાજુની જ એક દુકાનમાં લઇ ગઈ. હું પણ તેમની પાછળ ગઈ. દુકાનમાં લઇ જઇને બોલી કે તેને જે ખાવાનું ભાવતું હોય તે લઇ લે.
મને થયું કે હવે શું ચિંતા, તેને જે જોઈતું હશે તે લઇ લેશે. પણ તે છોકરો ત્યાં જ મૂંગો ઊભો હતો. આખી દુકાનને નિહાળી રહ્યો હતો. તેની ભૂખથી ઊંડી ઉતરી ગયેલી આંખોમાં આ સાંભળીને ક્ષણવાર માટે ચમક આવી ગઈ. પણ તે થોડી મુંઝવણમાં પડી ગયો.
તે થોડું ઘભરતા બોલ્યો, "બ..બેન, મને ખાવાનું નથી જોઈતું. મને તમે ખાલી થોડા... પૈસા આપી દો ને."
આ સાંભળીને મને ધ્રાસકો લાગ્યો. એ બાળકને જોઇને કોઇને પણ અંદાજો આવી જાય કે તેણે કેટલાય દિવસથી પેટ ભરીને ભોજન નહી કર્યું હોય પણ આજે જ્યારે તેને અવસર મળ્યો ત્યારે તે...
"શું ? પૈસા જોઈએ છે ? ખબર જ હતી. તમારા જેવા ગરીબો પર દયા ખાવા જેવી જ નથી." આટલું કહીને તે બાળક પર ગુસ્સો કરીને તે બેને ચાલતી પકડી.
ભૂમિ પર વેરાયેલી પોતાની લાચારીને તે બાળક જાણે એકધારી નજરે જોઈ રહ્યું હતું. અને હું તે બાળકની માનસિકતાને સમજવાના પ્રયાસો કરી રહી હતી. હું પણ ક્ષણવાર માટે વિચારમાં પડી ગઈ કે તેણે આવું શા માટે કર્યું?
થોડો અંધકાર થવા લાગ્યો હતો. તે છોકરો હવે કદાચ પોતાના ઘર તરફ વળી રહ્યો હતો. મને પણ થયું કે હું તેનો પીછો કરું અને મેં કર્યો. તે સામેના છેડે રહેલ ગાર્ડનના પાછલા ભાગમાં જવા લાગ્યો. ત્યાં બે - ચાર કુટુંબ પતરાના ટુકડા અને ફાટેલા સાડલાઓના ઘર બનાવીને રહેતા હતા. તે આવા જ એક નાનકડા ઘરમાં ગયો. હું એક વૃક્ષ પાછળ ઊભી રહી તેને જોયા કરતી હતી. થોડીવાર બાદ તે બાળકની સાથે એક સ્ત્રી પણ બહાર આવી. તે સ્ત્રીના ફાટેલા કપડા જોઇને મને લજ્જા આવતી હતી. તે કદાચ પેલા છોકરાની માતા હતી.
"બેટા, શું થયું ? કેટલા પૈસા મળ્યા?" આંખોમાં આંજી રાખેલી આશા સાથે તે સ્ત્રીએ તેના બાળકને પૂછ્યું.
"માં... આજે ખાલી... વીસ જ રૂપિયા મળ્યા."નજર ઝુકાવીને તે બોલ્યો.
"શું ? આટલામાં તો નાન્કી માટે દવા પણ નઈ આવે. અને આજે જો એને દવા નઈ મળે તો..."
"તો શું માં ?" પેલા બાળકની આંખો ભરાઈ ગઈ.
મને પરિસ્થિતિનો ખ્યાલ તો આવી ગયો. હું કંઇ વિચારું એ પહેલાં ત્યાં અંદરથી કોઈ સ્ત્રીનો ચિત્કાર સંભળાયો અને તે બહાર આવીને બોલી, "બેન, તમારી નાન્કી..."
આટલું સાંભળતા જ શ્વાસ રુંધાવા લાગ્યો મારો. મારા ધબકારાની ગતિની કોઈ સીમા નહતી રહી. કપાળ પર આવેલ પરસેવાની બુંદોને લૂછતાં હું ત્યાંથી ચાલી નીકળી પણ મારા વિચારોએ પવનની ગતિ પકડી હતી. કેમ ? કેમ ગરીબોએ જ આવા દુઃખો વેઠવા પડે છે ? શું આજના જીવનમાં પૈસા કોઈના જીવ કરતા એટલા મહત્વના થઈ ગયા છે. મને પહેલાં વિચાર કેમ ના આવ્યો તેને મદદ કરવાનો ? પેલી સ્ત્રીએ બાળકનું આવું વર્તન જોઇને તેને સવાલ કેમ ના કર્યો.
સમાજની આ પ્રકારની દુર્દશાનું કારણ આપડે જ છીએ. માનવી માનવી પર વિશ્વાસ નથી મૂકી શકતો. જો કદાચ તે લોકોને પૈસા મળી ગયા હોત તો. સમાજના કેટલાક ઠગારાઓએ કરેલા કાર્યોનું પરિણામ આવા લોકો ભોગવી રહ્યા છે. માન્યું કે બધા સાચા નથી હોતા. પૈસા કમાવા માટે માણસજાત ખૂન પણ કરવા તૈયાર થઈ જાય છે પણ... એવું ના ભૂલવું જોઈએ કે... બધા થોડી ખોટા હોય છે.
પોતાનું આત્મસન્માન ખોવી નાખીને ભીખ માંગવી કોઈને ના ગમે માટે એવા લોકોને સલાહો આપવાને બદલે તેમને મદદ કરવી. એમને પણ કદાચ ભીખ માંગવાનું ના ગમતું હોય પણ જ્યારે ખરેખર લાચારી સામે આવીને ઊભી રે છે ને ત્યારે જોવા જેવી થાય છે. પેટની આગ ઠારવા કઈક તો કરવું જ પડે ને !
