Divyakant Pandya

Tragedy

3.0  

Divyakant Pandya

Tragedy

આયખાનો સંગાથ

આયખાનો સંગાથ

13 mins
7.9K



'સ્વર્ગ બેટા, રાતનાં બાર વાગવા આવ્યા જો ઘડીયાળમાં. સુવાનો પણ કંઇક ટાઇમ હોય. શું લખે છે તું?' આવી વહાલસભર ખીજ હોઠો પર લઈને સ્વર્ગનાં મમ્મી તેની બાજુમાં આવ્યા ત્યાં તો તેનાથી છુંપાવવા તેણે બુક બંધ પણ કરી લીધી તોયે મમ્મીની જીભનું સામર્થ્ય યથાશક્તિ સાતત્યતા જાળવી શક્યુ હતું. ‘તારા પપ્પા કહેતા હતા કે તું કંઇક કવિતા ને ગઝલ ને એવુ લખે છે સાચી વાત છે? હું દર વખતે નક્કી કરુ છું કે વેકેશનમાં તને કંઇ ના કહુ પણ તું મને બોલાવી જે દે છે.'

સ્વર્ગ પંડ્યા. બૉર્ડીગ સ્કુલમાં ભણતો હતો. બારમાં ધોરણનાં દિવાળીનાં વેકેશનનાં થોડા દિવસો માટે ઘરે આવ્યો હતો. આજે પોતાની કવિતાની આટલી ઓછી કિંમત સાંભળીને અને જે રૂપસુંદરીના કારણે બુકનાં પાછળનાં પન્નાઓ આટલા રંગીન બનતા હતા તેનું અહીં કશું અસ્તિત્વ ન ભાસીને તેની છાતીમાં કશુંક દુખતું હોય તેમ લાગ્યુ. અધખુલ્લી પાપણને વટવા કશુંક મથતું હોય ઍમ લાગ્યુ, આંખો ભીની થઈ ગઈ. ખીસ્સામાં રૂમાલ શોધવા હાથ નાખ્યો પણ થોડી પળોનાં પ્રયત્ન પછીય હથેળીમાં હમેશની માફક ફક્ત કમનસીબ રેખાઓ જ હતી. શર્ટની બાયોએ થોડીવાર માટે સહારો જરૂર આપ્યો પણ આંખોના ન દેખાતા એ બાકીના ખુણાઓ તો હજુયે અશ્રુસંગ્રામમાં વ્યસ્ત જ હતા એટલે મમ્મીથી છુંપાવવા પગ પાસે મદદની આશા રાખીને પડખુ ફરી જઈ પથારી તરફ દોટ મુકી. દોડ્યો એ ખુદ પણ જાણે એની પાનીનો અવાજ ન આવ્યો. બીજા કોઈના પગનો અવાજ હ્રદયમાં સંભળાયો, એ અવાજ નહી પણ રણકાર હતો. એ સોનેરી ક્ષણો પુન:સ્થાપિત થઈ ગઈ. રાતના તિમિરને હ્રદયનાં ઉજાસે ડખોળી નાખ્યુ. સંસ્મૃતિનો વહેમ પણ વર્તમાનને ગાયબ કરવા કેટલી ગજબનાક અસર પેદા કરી શકે છે એ તે સમજી ન શક્યો ને આશરે દોઢેક વર્ષ પહેલાના સમયને અનુભવવા લાગ્યો.

એ રણકધારી વ્યક્તિ એક છોકરી હતી, સામેથી દોડતી આવતી હતી. હજુ બે સેકેંડ પહેલા જ એ એનુ નામ જોરથી બોલ્યો હતો, પૃથ્વી રાઠોડ. પણ એ વખતે એને ક્યાં ખબર હતી કે આ તો ફક્ત રિવાજ પ્રમાણેનુ સર્વનામ છે, અસલી નામધારીનાં આગમનથી ધન્યતાઓનાં સીમાડા વટવાના છે. સમીકરણોમાં અજ્ઞાત સંખ્યાઓના જવાબ આપોઆપ મળવાના છે. વગર ચોમાસે મોસમ લહેરવાની છે. સંગીતના સુરોમાં ઘટાડો થવાનો છે. ભુતકાળની ઘટનાઓ ગૌણ ગણાવાની છે.

દર વખતની જેમ આ શનિવારની સંધ્યાનો માલિક પણ ઍ હતો. સ્કુલમાં ડાન્સ કંપીટીશન હતી. સ્વર્ગ હોટ ફેવરીટ સંચાલક હતો. સામેથી આવી રહેલી પ્રથમ પ્રતિસ્પર્ધીનું નામ ઍ કેટલીયવાર રીહર્સલમાં ગોખતો હતો પણ ઍને જોયા પછી હોઠ સાથે ચોંટી ગયુ હતું. આજે તો ભરેલી પાટી ભુંસાઈને ઍક માત્ર નામ કોતરાઇ ગયુ, પૃથ્વી. અને હમણાં જ નવાં બનેલા કવિ સ્વર્ગે ઍક શેર રચી કાઢ્યો-

“કમરથી તમારી ક્યારેક ઍકાદ લચક લેવાઈ જાય છે,

કલમથી અમારી ત્યારે જ અનેક ગઝલ રચાઈ જાય છે.”

સ્વર્ગનાં દિલની વિજેતા પૃથ્વી ક્ષણવારમાં બની ગઈ. સ્પર્ધાની વિજેતા બીજુ કોઈ હોઈ શકે એવો સવાલ બીજા પ્રતિસ્પર્ધીઓના પર્ફૉર્મન્સ બાકી હોવા છતાયે પ્રેક્ષકોનાં મનમાં નહોતો. એટલે જ કંપીટીશન વિનર તરીકે પૃથ્વી રાઠોડનું નામ જાહેર કરવાનુ સદભાગ્ય હવે પોતાના નહીં પણ પ્રીન્સીપાલસરનાં શિરે હતું એ વાતે સ્વર્ગને ગુસ્સો જરૂર આવ્યો. ઍ મજબુર હતો નહીં તો પ્રીન્સીપાલને સ્ટેજ પર બોલાવ્યા વગર એ પૃથ્વીનું નામ કેટલીયે વાર માઇક્રોફોન સિવાય ખુદની સ્વરપેટીના જોરે છેલ્લા પ્રેક્ષકનાં કાન સુધી રાડો પાડીને પહોચાડી દેત.

બીજા માટે કદાચ સમય પસાર થતો. સ્વર્ગ માટે તો ખળખળ વહેતો હતો. દરરોજ કશીક વિશિષ્ટતાઓ ઉમેરાતી જતી હતી. આવનારા સમયમાં અમુક એવી વાતો અને પ્રસંગો બનતા ગયા જે સ્વર્ગ માટે સુતી વખતે સંભારણામાં અને સુઈ ગયા પછી સપનામાં બેહોશ મદહોશી ઠાલવવા પુરતા હતા. જેમ આશિક માટે મહેબુબાની સાધારણ ચાલ પણ અદામાં તબ્દીલ થઈ જાય છે તેમ અહીં તો પૃથ્વીના મૉડર્ન કપડા સ્વર્ગ માટે કોઈ લવ મેગેઝીનનાં કલરફુલ કવરપેજ સમાં બની જતા. સ્વર્ગ પોતાનાં નૈસર્ગિક નયનોની નાજુક પહેલથી પૃથ્વીને પોતાની નોંધ લેવડાવવામાં કામયાબ થઈ ગયો. પૃથ્વીને પણ તો ખબર પડે કે એક ડાઇ હાર્ડ મજનુનું આગમન થઈ ગયુ છે.

એક દિવસ દુરથી જ બંને વચ્ચે પ્રાસ્તાવિક સ્મિતની આપ-લે થઈ રહી હતી ત્યાં 'નજર ફેરવી લે ભાઈ, આપણો ક્લાસ આવી ગયો' કહીને સ્વર્ગનાં ખાસ દોસ્ત અર્પિતે પાછળથી આવીને ખભા પર હાથ મુક્યો. જવાબમાં સ્વર્ગે 'હા યાર, હવે તો આ દરવાજો દુશ્મન બની ગયો છે' કહીને બંને એ નાછુંટકે વળાંક લઈ લીધો. પૃથ્વીને ઉદાસીન વિદાય આંખના ઈશારાથી મંજુર કરાવવી પડી.

સ્વર્ગની આંખો તેના વિશે નવું-નવું ખાળવા હમેશા તત્પર રહેતી. કુદરત અને પૃથ્વી બંને તેમા સાથ આપતા. સવારની પ્રાર્થનામાં પૃથ્વીનો બોલવાનો વારો ને સ્વર્ગ માટે ટહુકાની મોજ. બંનેના જન્મદિવસની તારીખોની જોગાનુજોગ નજદીકી. ક્યારેક પૃથ્વીનું જીભ કાઢીને કશુંક અજુગતું સમજાવવુ. નવરાત્રિ જેવા હર્ષોલ્લાસમાં લાલ-લીલી ચણિયાચોળીમાં સુંદરતા શોધવી. થોડા અંતરાલે આવતી નૃત્યપ્રતિયોગિતા ને પૃથ્વીની ચોક્ક્સ હાજરી. કો-ઍજ્યુકેશન હોવા છતાયે છોકરા-છોકરીને ઍકબીજા જોડે વાતો નહીં કરવાનો નિયમ સ્વર્ગનાં પ્રણયસંબંધ માટે બાધારૂપ બની ગયો. ઍટલે જ આંખના ઈશારા ઍક્તરફી હોવાનો ડર સ્વર્ગનું મન સમજી ન શક્યુ. રોમાંચસભર કૃતિઓનો સિલસિલો અવિરત હતો. વરસાદની મોસમમાં પૃથ્વીનું પલળવુ સ્વર્ગનાં સ્નેહી ઉમળકાને વધારતું. ભોજનાલયમાં પૃથ્વીને જોઈ હાથમાં કોળીયાનું અટકી જવુ દરેક પ્રેમીની આગવી ઝલક આપી જતું.

'ઊઠ હવે, ઊઠ' મમ્મી તેના સમ્રાટને ગાલ પર હાથ ફેરવીને જગાડી રહ્યા હતા. સ્વર્ગે આંખો મચળવા હાથ ઉપાડ્યો પણ પૃથ્વીની બાંહોના બદલામાં પથારીમાં હતો ઍ જાણતા હસી પડ્યો. ખુદને પ્રશ્ન પુછી બેઠો કે રાતની રોમેન્ટીક સફર અર્ધ વિચારો ને અર્ધ સપનામાં હતી તેથી સરખુ સુઈ પણ નથી શક્યો તેમાં મમ્મી જાગવાનું કેમ કહે છે.

વેકેશન પુરુ થયુ. પૃથ્વીને જોવાનાં ઉત્સાહ અને ફક્ત પાંચેક મહિના બાકી હોવાનાં અફસોસ સાથે સ્કુલે આવી પહોચ્યો. આ વખતે અર્પિતને આખો દિવસ કાં તો પ્રેમાળ ટુચકા, સ્વર્ગની કવિતાઓ અથવા રોજબરોજની ડાયરી માફક પૃથ્વીની કહાની સાંભળવી પડતી. 31 ડીસે. નો કાર્યક્રમ હતો, માશુંકાની મોહક અદાઓ અને મદહોશ ઈશારાઓ સ્વર્ગને પ્રેમસંબંધની ખાત્રી આપવા પુરતા હતા. પણ પૃથ્વીની આંખનો સંદેશો તેનાં જ દિલની સમજણ જોડે મેળ ખાતો ન હતો. તેને તો કિશોરાવસ્થાનું આકર્ષણ હતું માત્ર, ઍક રમત હતી.

પરીક્ષાઓ આવતા સુધીમાં સ્વર્ગને લાગ્યુ કે પ્રેમ ઍકરાર વિના નિરર્થક છે. રૂબરૂ મુલાકાત અશક્ય હોવાથી ઍક વિશિષ્ટ પ્રણયવાર્તાને કોઈ મારફતે કાગળમાં કંડારીને મોકલવાની મોટાભાગે અપનાવાતી કાર્યપ્રણાલીનો સહારો લીધો. બદનસીબીરૂપે આ કાર્ય તેને બીજા દ્વારા કરાવવાનુ હોવાથી આખરી દિવસે કરવુ પડ્યુ. અને સ્વર્ગ જવાબ મેળવ્યા વિના જ સ્કુલ પુરી કરીને ઘરે આવી ગયો.

સ્વર્ગ અને અર્પિત છુંટા પડ્યા. સ્વર્ગ તો સતત ખુદમાં ખૂંપેલો જ રહેતો. બુકનાં છેલ્લા પન્નાનું પ્રમાણ વધીને કવિતાની પંક્તિઓ થકી પ્રથમ પૃષ્ઠ સુધી ભિન્ન લાગણીઓ વડે ચીતરાતું ગયુ. સ્વર્ગે મનોચિકિત્ચક નો કોર્સ પસંદ કર્યો, અર્પીતે કૉમર્સ કોલેજમાં ઍડમિશન લીધુ. સ્વર્ગ ગુજરાતનાં બીજા ઍક શહેરમાં વગર પ્રત્યુત્તરની પીડા લઈને વધુ ભણવા માટે આવી ચડ્યો જ્યારે પૃથ્વીને તો સ્કુલમાં જ ભણવાનુ બાકી હતું, તે તેનાથી અલગ જ હતી. તેથી સંપર્ક અસંભવ હતો.

એક દિવસ ટપાલી મમ્મીનાં વહાલનું કવર લઈને આવ્યો. મમ્મીએ એકલીએ લખેલો પત્ર હતો-

“વહાલા સ્વર્ગ,

તું ખુશ હોઇશ એવી આશા રાખુ છું. અમે પણ સકુશળ છીએ . બધા તને ખુબ યાદ કરે છે. ફોન હોવા છતાં પત્ર લખવાની ઇચ્છા થઈ આવી. કારણ કદાચ તારા થોડા બદલાયેલા સ્વભાવની વાત કરવી હોઈ શકે. અમુક સમયથી તું દુખી હાય ઍવુ મને સતત દેખાયા કરે છે. મારો દિકરો હમેશથી પ્રથમ ક્રમાંકનો હોશિયાર હતો પણ આ વખતે ટોપ ટેન સુધી નીચે જોવુ પડ્યુ.

તારું દયામણૂ મોઁ, ઉદાસ વાતો, નિરાશ રહેવુ કારણ શું છે બેટા? ચાલ જવા દે એ બધુ. મે તને ઘરે એક-બે વાર પુછવાની કોશિશ કરી પણ સફળ ન થઈ તને મન થાય ત્યારે કહેજે. તારો નવો અભ્યાસક્રમ કેવો છે બેટા? ભણવામાં ધ્યાન રાખજે ને પછી ફોન કરજે.

- લિ.

તારી મમ્મી.”

સ્વર્ગ આવી અજુગતી લાગણીની સરવાણીઓ વચ્ચે ભીંજાતો જીવતો રહ્યો.


* * * * *


પાંચેક વર્ષ વીતી ગયા. એક સવારે ન્યુઝપેપર હાથમાં લઈને અર્પિત બેઠો હતો. તેની આંખો એક સમાચાર જોઈ સ્થિર થઈ ગઈ, પગ વિના આજ્ઞાએ ઉભા થઈ ગયા. "શહેરનાં એક મનોચિકિત્ચક સ્વર્ગ પંડયાની સંઘર્ષસભર જીંદગીનો દુ:ખદ અંત.” શાળા છુંટ્યાનાં ત્રણ વર્ષ સુધી તો સ્વર્ગ થોડોકેય પણ સંપર્કમાં હતો. બે વર્ષથી કશાં સમાચાર ન હતા જે આજની સવાર સાવ આવી રીતે લઈને આવી. તેણે જરાયે વખત બગાડયા વગર સ્વર્ગનાં શહેર તરફની બસ પકડી. પહોંચીને કદાચ જીવીત દોસ્તને ગળે લગાડી શકે એમ હોત તો તે ઉત્સાહિત હોત પણ અત્યારે ઍવા ઉમંગ માટે સ્થાન નહોતું. જીગરજાન મિત્રનાં ઘર સુધી પુછતા-પુછતા પહોચવુ બપોરના તડકા કરતાયે વધુ વસમુ લાગ્યુ.

ઘરે બે નોકર સિવાય કોઈ નહોતું. અર્પિતને ભારોભાર આશ્વર્ય થયુ કે કોઈ લોકો કેમ નથી, સ્વર્ગના ઘરનાં સભ્યો કેમ નથી. નોકર સાથે વાત કરતા ખબર પડી કે તેનુ તો શવ પણ સરકારી વિભાગનાં લોકો અંતિમવિધિ માટે લઈ ગયા. અર્પિતનું મન ફક્ત સવાલો પેદા કરતું રહ્યુ. કોઈ વ્યક્તિની મૃત્યુ પછી પણ આવી હાલત કેવી રીતે? જવાબો માટે સ્વર્ગનાં ઘરમાં શોધખોળ શરૂ કરી. અમુક વ્યક્તિગત વસ્તુ-સામાન મળ્યા તેમાંથી સ્વર્ગનાં પપ્પાનો ફોન નંબર લઈને જાણ કરી અને ખુદે પેલો સામાન હાથમાં લઈ, દોસ્તનાં અંતિમ ઠેકાણાને અલવિદા કહી.

પાંચ વર્ષ પહેલાની રોમાંચક યાદોએ છવાઇ જઈ તેના દોસ્તને અસ્થિમય બનાવ્યો કે પેલુ પ્રેમમય દર્દ વધુ વાચાળ બનવા લાગ્યુ હતું જે તેના મિત્રથી સંભાળી શક્યુ નહીં તે વિશે વિચારતા ઍ શુંન્યમનસ્ક થઈ ગયો. ઍક પ્રેમ અને દુ:ખની મુર્તિ વિશે વધારે દર્દની કલ્પના કરવી અર્પિતથી અશક્ય થઈ પડી.

સ્વર્ગ પાંચ વર્ષ પહેલા શાળા પુરી કર્યા પછી હવે એક ગુમસુમ વ્યક્તિ બની ગયો હતો. મમ્મીનો પેલો અજીબ પત્ર પણ કશી અસર પેદા કરી શક્યો નહી. તે પૃથ્વી વિશે વિચારતો, ખુબસુરતીને માણતો, તેના પડછાયામાં ખોવાતો. અરે! પૃથ્વી હતી જ ઍવી ને. સંગેમરમરને ફિક્કો પાડતો વાન, માખણની પૉટલી જેવી, સરિતાના નીર સમાન ચંચલ, એક અનોખી જે આકૃતિ. તે ઍકાંતમાં જીવતો ને ભણવામાં ઑછું ધ્યાન આપતો. અર્પિતને પણ ક્યારેક જ ફોન કરતો ને વાત થાય ત્યારે પણ પોતે પોતાની જ આવી વાતો કરતો. ધીમે ધીમે તેને મમ્મી-પપ્પા સાથે વાત કરવાનુ મન પણ ઑછું થવા લાગ્યુ.

હવે તો તેણે નક્કી કર્યુ પૃથ્વીને સામેથી જ ફોન કરવાનુ, વર્ષોથી વાટ જોઈને બેઠો છે તે જવાબ મેળવવા. તેણે તપાસ કરી અને જુના મિત્રો અને છોકરીઓ પાસેથી પૃથ્વીનો ફોન નંબર મેળવી કાઢ્યો. નંબર મળ્યા પછી પણ ખુબ મનોમંથન બાદ તેણે ફોન લગાડ્યો અને સામે છેડે પેલી પ્રાર્થનાસભાવાળો ટહુકો 'હેલ્લો' કહીને મહેકી ઉઠ્યો. બે ઘડી તો સ્વર્ગ કશું બોલી જ ન શક્યો. મુગ્ધતાનો નશો આટલો તો હોય જ ને. 'હું.......સ્વર્ગ....,સ્વર્ગ...પંડ્યા બોલુ છું. પૃથ્વી, તું મને ઓળખે છે ને? હું તને યાદ છું?'

'હા' પૃથ્વી એ ટૂંકો ઉત્તર વાળ્યો.

'કેમ છે તું?'

'સારી છું.' ફરી ઍક વખત ટૂંકો જવાબ.

અહીઁ સ્વર્ગ યાદ કરી કરીને ગોખેલાની જેમ બબડતો હતો ને પૃથ્વી બધુયે ઠગારુ નિવાડતી.

'મે તને સ્કુલમાં છેલ્લે-છેલ્લે ઍક પત્ર મોકલાવ્યો હતો તને મળ્યો હતો?'

'હા.'

'તે પછી શું કર્યુ? તેને ખોલ્યો? વાંચ્યો? તને શું લાગ્યુ?' આટલીવારમાં તો સ્વર્ગનો શ્વાસ પણ હાંફી ગયો.

'હા, થોડોક'

'કેમ, પછી?'

'મે એને ફાડી નાખ્યો.'

એક જોરદાર આંચકો લાગ્યો. જાણે હ્રદય બેસી ગયુ.

'શું હું તને નથી પસંદ? હું તને સીધેસીધુ આ વાક્ય ક્યારેય નહોતો કહેવા માંગતો પણ આજે કહેવુ જ પડશે કે હું તને ચાહુ છું, પૃથ્વી. ખુબ બધુ ચાહુ છું. પહેલા પણ તને સમજાવી નહોતો શક્યો કદાચ આજે પણ નહી થઈ શકે.'

'ના તું મને નથી ગમતો'

'પણ શા માટે? પ્રેમ પ્રાકૃતિક છે આમાં કશું ખોટુ નથી'

'ના, એટલે ના'

'કારણ જણાવીશ'

'નહીં'

'શું તને બીજુ કોઈ ગમે છે?'

'ના એવુ નથી'

'તો?'

'એ જે હોય તે' પૃથ્વી નકારાત્મક જવાબો આપતી રહી અને સ્વર્ગ નાકામ કોશિશોમાં લાગેલો હતો.

'તો શું છે?'

'તું આજ પછી મને ફોન ન કરતો આપણી વચ્ચે ક્યારેય કશું હતું જ નહીં'

'પણ....?'

ફોન કટ. પણ પછી શું અને કેટલુ કહેવાનુ હતું એની ગણતરી ખુદ સ્વર્ગ પણ લગાડી શકત નહીં. પરંતું સામેના છેડેથી બીપ-બીપનો અવાજ આવતો હતો જે હકીકતમાં સ્વર્ગની જીવનકહાનીનાં અધુરા અંત પર પુર્ણવિરામની ઘંટડી હતી.

સ્વર્ગ દુ:ખી હતો. હવે શું? બસ, પછી તો થઈ રહ્યુ. ભણવાનુ પુરુ થઈ ગયુ. સ્વર્ગને હવે કશામાં રસ રહ્યો નહોતો. મિત્રો અને ઘર જોડે સંબંધ ઑછો કરી જ નાખ્યો હતો. અને સામે પરિવારનાં પ્રયાસોનુ પરિણામ પણ ઑછું જ આવતું. તેણે કોઈને પણ કહ્યા વગર તે જગ્યા છોડી દીધી. નીકળી પડ્યો, રખડતો-રખડતો ફરી ઍક વાર વણઉકલેલા પ્રત્યુત્તર અને તેના દર્દને સાથે લઈ. ઍક નવા શહેરે સ્વાગત કરીને આશરો આપ્યો. થોડા વખત પછી મનોચિકિત્ચક તરીકેનું તેનું મુળ કાર્ય શરૂ કર્યુ. પણ ઍને લોકો અડધો ગાંડા જેવો કહેતા. સત્ય પણ તો ઍ જ હતું કે તેનું બદલાયેલુ વર્તન ગાંડપણમાં પરિવર્તીત થવા લાગ્યુ હતું.

બે વર્ષ જેટલુ થઈ ગયુ. લોકોનો સ્વર્ગ પરનો પાગલ વ્યક્તિવાળો અભિપ્રાય બદલાયો નહીં. વ્યક્તિનુ એકાંત ચિત્ત પર કંઈક આવો જ પ્રભાવ બેસાડે છે. હવે તે કોઈ જોડે ઓછું જ બોલતો. આમ પણ ગઝલની એકધાર કોઈનાં બોલવાથી તુંટે એ તેને ગમતું નહીં. એક જ મનપસંદ વિષય બચ્યો હતો. કવિતા કલાસાહિત્ય જ નહીં તેના જખ્મી દિલનું રૂદન હતી. તેનું દિલ તો ગાંડુ હતું જ હવે તેનું મન પણ ચેતાતંતુંઓ જોડેની હરીફાઈમાં હારી ગયુ. તે હકીકતે ગાંડો બની ગયો.

તેના પાગલ હૈયાને ઍક સ્વસંતોષની જરૂર હતી. લાગ્યુ કે પૃથ્વી જોડે ઍક અંતિમ સંવાદ હજુયે આવશ્યક છે. જર્જરિત દિલનું કહેવુ હાથે માન્યુ. ફરી ઍક વાર દુરદેશ ફોન લાગ્યો કે કદાચ પેલો સ્વરટહુકો હજુ ત્યાં અટકેલો હોય.

'હેલ્લો?' આહ! ફરી ઍ જ સુમધુર સ્પંદનો.

'હું મારી મરજીથી તારો, સ્વર્ગ.'

આ શું? બીપ-બીપ. હજુયે કંપનીએ ફોન રાખ્યા પછીની સાઉંડ ટોન બદલી ન હતી. આ વખતે વગર ચપ્પુની ધારે સીધી નસ જ કપાઈ ગઈ ઍવુ મહેસુસ થયુ પણ લોહી ન નીકળ્યુ. અરે નીકળે પણ તો કેમ લોહીને પણ તો મર્યાદા જેવુ હોય. ફોન પર જો લાંબી વાત ચાલી હોત તો હોઠ ને જીભ કાર્યરત હોત પણ હવે તો કોઈ સાંભળવાવાળુ પણ નહોતું. હવે સમય હતો ગાંડપણના આખરી નિર્ણયનો વધુ એક પ્રેમીની આત્મહત્યાનો. અત્યારે પણ એના દિલે ઝડપથી બે પંક્તિઓ રચી નાખી-


“અસ્તિત્વ તો ક્યારનુંયે ચુંથાઈને પાંગળુ થયુ,

લાગે છે તને જોઈને આયખુ મારું વ્યર્થ ગયુ.”


પણ એ લખી ન શક્યો. પૃથ્વી પણ વિચારતી હતી કે મારો શો દોષ, મે તો આશિકી શરૂ જ નહોતી કરી. પરંતું સ્વર્ગ પાસે હવે એ વિચારવાનો ય સમય ન હતો. પણ પોતાનુ શું? મા-બાપ નુ શું? કામનુ શું? મિત્રોનુ શું અને જિંદગીનુ શું? એવા ખયાલો જરૂર આવ્યા ને એ બધા કારકો મનમાં તરવા લાગ્યા પણ એ તો એક જ દિશામાં લીન હતો કે હું એકલો, મુંઝાયેલો અને નિર્ણયશક્તિવિહીન કોઈનું કેટલું ધ્યાન રાખી શકીશ કે જ્યાં હુ ખુદની કાળજીમાં શરૂઆતથી થાકેલો છું. આ વિચારોની ગડમથલ જ સાચેસાચ તેનાં પાગલપણાની નિશાનીરૂપ વક્તા હશે એવુ સ્વર્ગને છેક આજે સમજાયુ પણ ત્યા સુધીમાં તો અમુક ધ્યાનસભર પુરાવાઓ સાથે શ્રોતારૂપી લોકોની નજરમાં એ એક ગાંડો મનોચિકિત્ચક ગણાઇ ચુક્યો હતો. તેથી જ હજુયે અંદર છુંપાયેલો ઍક બેખબર અંદાજ જગજાહેર થવા મથતો હતો જેને જકડી રાખવા આંખમાનું લોહી અને છાતીમાનાં આંસુ પર્યાપ્ત હતા.

આ જ મથામણોનો સામનો તેનું એકલુ હ્રદય કરી શકે તેમ ન હતું. આવી ક્ષણોને સાચવવા જરૂરી હોય તે બીજુ દિલ અહીં ગેરહાજર હતું. એ માટે આજ સુધી તે કોશીશ કર્યે રાખતો હતો જે આજ સુધી યથાર્થ ન નીવડી. જે દિલચાહ્યુ દિલ દુરથી પણ સંકેત આપવા રાજી નહોતું એની જગ્યાઍ જો કોઈ સાવ નજીક આવી છાતીસરસુ આલિંગન આપી જાય તો પણ આત્મવિલોપન થતું અટકી જાત ઍ પણ હવે કોઈ પ્રકારે સંભવ ન હતું. બસ, આ છેલ્લી-છેલ્લી વાતો જ સ્વર્ગનાં અંતિમ ઠેકાણાનુ સરનામુ બનીને બીજા દિવસે સવારે અર્પિતનાં હાથમાં પકડેલા ન્યુઝપેપરમાં સમાચાર બનીને આવી "શહેરનાં એક મનોચિકિત્ચક સ્વર્ગ પંડયાની સંઘર્ષસભર જીંદગીનો દુ:ખદ અંત.”


* * * * *


અર્પિત સ્વર્ગની વસ્તુઓ લઈને નિરુત્તર બેઠો હતો. ઍક કવરમાંની ચિટ્ઠી જવાબરૂપે મળી આવી. સ્વર્ગનાં અક્ષરોમાં ઉપર લખ્યુ હતું 'માં ને પત્ર'-

“મમ્મી,

તારા માટે બહેતર ને સર્વશ્રેષ્ઠ સંબોધન મને કશું જડ્યુ નહીં. તને ઉત્તર જોઈતો હતો ને. મારે પણ તારી સાથે નિરાંતે ખોળામાં માથુ રાખીને કશીક વાતો કરવી હતી. કંઇક કહેવુ હતું, બોલવુ હતું ને રડવુ હતું. આવે સમયે મને તું જ યાદ આવી.

એ છોકરીનું નામ છે, પૃથ્વી રાઠોડ. આ તે કેવો પત્ર? એક પ્રેમિકાની યાદોની વાતો મમ્મી સાથે? એ મારી સાથે શાળામાં હતી, હુ તેને ખુબ ચાહવા લાગ્યો. બધાથી વિશેષ. થોડા દિવસો પહેલા તેને ફોન કર્યો હતો પહેલી વખત, અગાઉ તેને લખેલા એક પત્રનો ઉત્તર મેળવવા. ને હું તેને નથી પસંદ. તારો દિકરો ભાંગી પડ્યો. ઍવુ નથી કે આ ફક્ત એકતરફી પ્રેમ હતો પણ તેના મનને હું કદી સમજી ન શક્યો. મને હતું કે મારી કર્મકહાની એક સફળ વ્યાવસાયિક વ્યક્તિ તરીકેની હશે પણ આજે એક નિષ્ફળ પ્રેમી અને ઍકાંતપ્રિય કવિ છું. બેમાંથી સાર્થક શું એ બીજા લોકો નક્કી કરે છે. જો મારી સૃષ્ટિસફરની અણધારી દિલહત્યાની જીવની લખાશે તો તારાં સ્વર્ગનું પાત્રવર્ણન નશીલું અને રહસ્યથી ઘનઘોર રહેવાનુ. મારૂ જીવન અણગમતી ઘટનાઓ કરતાં મનગમતા વિચારો પર વધુ નિર્ભર છે. હું સમજી નથી શકતો કે મારી આ ઘટનાવેલ સમી જીવનવાર્તા સાધારણ છે કે અસાધારણ? મારી કવિતા કે વિચારો ને કદી કોઈ પારખી ન શક્યુ, મમ્મી.

હું પૃથ્વીને મારા ને તારા કરતા પણ એક સમયે વધુ પ્રેમ કરતો હતો. મમ્મી, કશું સમજાતું નથી કે હું તો જન્મ્યો, સમજણો થયો, અચાનક પ્રેમ જેવુ કશુંક થયુ, નિષ્ફળ થયો ને આજે એકલો બેઠો છું આમા વાંક કોનો? મારો કે તકદીરની કલમ પકડીને બેઠેલા તારા ઈશ્વરનો? તત્વજ્ઞાનની રીતે અમુક વાતોમાં માર ખાઈ જવુ છું કે મને પ્રેમમાં દર્દ મળ્યુ કે દર્દ જ મુનાસીબ હતું ઍટલે પ્રેમ થયો. આ તે કેવી ભિન્નતા કે ઍક મનોચિકિત્ચક જ પાગલ કહેવાય. તને ખબર છે? પુરુષોને રડવાનુ નથી ગમતું પણ રડે ત્યારે કશીક એવી ચીજ ખોવાનો ડર હોય જેને એ પોતાનાથીયે વધારે ચાહતા હોય, ને હું ખુબ રડ્યો છું.

હું કશું સંપૂર્ણ રીતે કહી કે સમજાવી નહોતો શકતો તોયે મારા સ્નેહપત્રની અભિવ્યક્તિમાં પૃથ્વી સમજી શકે તેમ ત્યાં સુધી લખ્યુ હતું કે-


"હું એટલો તો કાબિલ નથી કે તને પામી શકુ,

પણ મારી આ કોશિશમાં તારો સહારો જોઇઍ છે.”


તેનાં ચલિત ધબકારથી અંતરનુ અંતર અળગુ જ રહ્યુ, ને આજે દુનિયા તારા કવિસમ્રાટને પાગલ કહે છે. જીવનનાં ખાલીપા જેટલી જગ્યા પત્રમાં નથી ઍટલે અક્ષરવિરામ કરુ છું. મને ઍ પણ ખબર નથી કે તને આ ચિટ્ઠી મળશે ત્યારે હું ક્યા હોઇશ.

લવ યુ મૉમ.


- લિ.

તારો અર્ધપાગલ વહાલસોયો સ્વર્ગ.”

અર્પિતની આંખોનો સાથ છોડીને અશ્રુબિંદુઓ દોસ્તીના નાતે ચિટ્ઠીમાં છેલ્લે જ્યાં સ્વર્ગ લખ્યુ હતું તેની બાજુમાં જઈ ભીંજવાઈ રહ્યાં. પત્રમાં આત્મહત્યા પહેલાનાં પૃથ્વી જોડેના છેલ્લા ફોનની વિગત ન હોવા છતા તે વિશે ધારણા બાંધવામાં અર્પિતને કશી તકલીફ ન પડી.

અર્પિતે સ્વર્ગનાં પપ્પાનાં ઘરનું સરનામુ લખીને આ શ્વેતપત્રથી પોસ્ટઓફિસનાં લાલ ડબ્બાને સુશોભિત કરાવવા પગ ઉપાડ્યા.



Rate this content
Log in

Similar gujarati story from Tragedy