Kalpesh Vyas

Comedy

3  

Kalpesh Vyas

Comedy

આવુ કેમ થયું

આવુ કેમ થયું

3 mins
375


અમદાવાદના સેટેલાઈટ નગરમાં ગેલ્ક્ઝી એપાર્ટમેંટમાં રહેતા શ્રી નેટવર્કલાલ નેટાણી એમનાં રોજનાં નિત્યક્રમ પ્રમાણે સવારે વહેલા ઉઠીને એમના મોબાઈલનો એલાર્મ બંધ કર્યો અને 'ડેટા ઑન' કર્યો. પાંચ મિનિટ સુધી કોઈ નોટિફીકેશન મળ્યુ નહીં, એટલે ટેન્શનમાં આવીને બોલી પડ્યા ," આવું કેમ થયું?". પછી મોબાઈલ રિસ્ટાર્ટ કર્યો એટલામાં બ્રશ કરી રહ્યા હતા ત્યાં મોબાઈલમા એક પછી એક મેસેજની ટનાટન ટોન વાગવા લાગી બ્રશ કરીને મોબાઈલમાં મેસેજીસ જોયા, એટલામાં એમના અર્ધાંગિની શ્રીમતી નેટાબેન ચા નો કપ લઈને આવ્યા. મોબાઈલ પડતો મુચી નેટવર્કલાલ ચા પીતા પીતા છાપું વાંચી રહ્યા હતા, એટલામાં કોઈ કૌભાંડની ખબર વાંચીને એમના મોઢેથી હેરાની સાથે ઉદ્ગાર નિકળ્યો ," આવું કેમ થયુ?" ચા પીને પછી ન્હાઈ-ધોઈને ઓફિસ જવા તૈયાર થયા. વિચાર વિચારમાં જ એમને મોડું થઈ ગયું હતુંં એટલે ઉતાવળમાં ટિફીન લીધાં વિના જ નિકળી ગયા. અડધો કલાક રહીને નેટાબેનને આ વાત ધ્યાનમાં આવી. એમણે નેટવર્કલાલના મોબાઈલ પર કૉલ કર્યો. રીંગ ટોન સાંભળીને એમને સમજાયું કે નેટવર્કલાલ તો એમનો મોબાઈલ પણ ઘરે જ ભૂલી ગયા.


નેટાબેન હેરાન થઈને મનમાં જ વિચારવાં લાગ્યા ,"આજે આવું કેમ થયું?" નેટવર્કલાલને આ વાતો ધ્યાનમાં આવતા આવતા મોડું થઈ ગયુ હતુંં. એ પણ મનમાં મુંઝાણા,"આવું કેમ થયું?" નેટવર્કલાલને પણ રસ્તામાં આ વાત ધ્યાનમાં આવી. પણ ત્યાર સુધી પોણે રસ્તે પહોંચી ગયા હતા હવે એ કરે તોએ શું ? 

ભારે ટેન્શન સાથે નેટવર્કલાલ વિદ્યુતનગરમાં એમની ઓફિસે મોડેથી પહોંચ્યા. એમના બૉસ શ્રી વિદ્યુતકુમાર વિજલાણી પહેલેથી ઓફીસ પહોંચી ગયા હતા અને એમની રાહ જોઈને જ બેઠા હતા. પહોચતાની સાથે બૉસ પણ નારાજ થઈને બોલ્યા," આજે તમે મોડા આવ્યા. તમારો મોબાઈલ પર કૉન્ટેક્ટ પણ નથી થઈ શક્યો. આજે આવું કેમ થયું?". બૉસનું પ્રવચન સાંભળીને નેટવર્કલાલ પોતાના કામે ચડ્યા. એટલામાં ઓફીસની લેંડલાઈન પર નેટાબેનનો કોલ આવ્યો. સાંભળવાનો કોટો હજુ માંડ પુરો પુરો થયો હતો એટલામાં એકાઉંટંટનો ભૂલો બતાવતો મેલ આવ્યો એમાં પણ છેલ્લે સવાલ એ જ હતો ," આવું કેમ થયું?" એકાઉન્ટસની ભૂલો સુધારી એમણે ખુલાસો કરતો મેલ પણ કર્યો. અને બાકીનાં પરચુરણ કામ પતાવ્યા. એટલામાં તો લંચ ટાઈમ થઈ ગયો. બીજા સ્ટાફ મેંબર્સ ટિફીન લઈને આવ્યા હતા. પણ નેટવર્કલાલ તો ડબ્બો ઘરે જ ભૂલી ગયા હતા એટલે એ ચુપચાપ બહાર હોટલમાં જમવા ચાલ્યા ગયા. હોટેલમાં એમણે મસાલા ઉત્તપ્પાનો ઓર્ડર આપ્યો. ૧૦ મિનિટ પછી મસાલા ઉત્તપ્પાને બદલે વેટર ભૂલમાં મૈસુર મસાલા ઉત્તપ્પા લઈ આવ્યો.પહેલેથી હેરાન થયેલા નેટવર્કલાલે હવે વેઈટરને પુછ્યુ," ઐસે ક્યું હુઆ?(આવું કેમ થયું?)" વેઇટર સોરી બોલીને એમની માટે મસાલા ઉતપ્પા લઈ આવ્યો. નેટવર્કલાલ ઓફીસ પાછા પહોચ્યા ત્યા સુધી એમનું મગજ શાંત થઈ ગયું હતું. અને વળી પાછા કામે લાગ્યા. બધુ કામ પુરુ કરી જ્યારે પાછા ઘરે જવા નીકળ્યા અને બસ સ્ટોપ પહોચ્યા ત્યારે અચાનક એમને ધ્યાનમાં આવ્યું,"આજે તો નેટાનો બર્થ ડે છે. પણ હું બર્થ ડે પણ ભૂલી ગયો. આવું કેમ થયું?"


આમ આખો દિવસ હેરાન થઈ ઘરે આવ્યા. પણ નેટાબેન માટે સરસ એવી સરપ્રાઇઝ ગીફ્ટ અને કેક પણ લઈ આવ્યા હતા. નેટાબેનનો બર્થડે ઉજવીને કેક અને સરસ મજાની સ્વાદીષ્ઠ વાનગીઓનો સ્વાદ લીધો. મોડી રાત્રે સુતી વખતે જ્યારે આખા દિવસની વાતો યાદ કરી રહ્યા હતા ત્યારે એમણે પોતાના મનને જ પ્રશ્ન કર્યો,"આવું કેમ થયુ?" અને જવાબ એમણે પોતે જ ગોતી કાઢ્યો, 'ઉતાવળ, વધુ પડતા વિચાર અને તાણ'. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy