કાગળ કલમનો ઇતિહાસ
કાગળ કલમનો ઇતિહાસ


ઈ.સ. 2075ની બીજી ફેબ્રુઆરીના આ વાત છે. નિર્ભયભાઈ તેજાણી એમના પૌત્ર જીગ્સ સાથે બેસી અલ્ટ્રા સ્માર્ટ ફોન પરથી એમના 2005ના ફોટા બતાવી રહ્યા હતા . એમાં એક ફોટો એવો હતો જેમા નિર્ભયભાઈ હાથમાં કલમ રાખીને કંઈક વિચારી રહ્યા હતા. એમના પૌત્ર જીગ્સે ઘણા કુતૂહલ સાથે એમને પુછ્યુ,
"દાદુ, આ ફોટોમાં તમારા હાથમાં અને ડેસ્ક ઉપર શું છે? "
નિર્ભયભાઈએ કહ્યું " જે મારા હાથમાં દેખાય છે એ પેન, જેને અમે કલમ પણ કહેતા. અને ડેસ્ક પર દેખાય છે એ કાગળ એટલે પેપર."
જીગ્સ જીજ્ઞાસાપુર્વક બોલ્યો, "વૉટ ધોસ થીંગ્સ વેર યુઝ્ડ ફોર ? (એ વસ્તુઓનો ઉપયેગ શુ હતો ?)"
નિર્ભયભાઈ શાંતીથી બોલ્યા, "એ અમે લોકો લખવા માટે વાપરતા"
જીગ્સ હૈરાન થઈને બોલ્યો ,"વૉટ ? ત્યારે કિપેડ નહોતા કે ? હાઉ બોરીંગ ટુ રાઈટ ઑન ધ પેપર ? "
દાદુ બોલ્યા, "એ જમાનામાં કૉમ્પ્યુટર અને લેપટૉપ હતા પણ વપરાશ બહું ઓછો હતો,"
જીગ્સને હજુ જાણવાની ઇચ્છા થઈ . એ બોલ્યો ,"તો એની પહેલા તમે કેવી રીતે લખતા હતા ?"
દાદાએ એમના નાનપણના દિવસો યાદ કરતા કહ્યુ," પહેલા હુ બાળમંદિર (કેજી)માં સ્લેટ (પાટી) પર પાટીપેનથી લખતો, પછી પ્રાઈમરીમાં પેન્સિલથી લખતો અને રબર (ઈરેઝર)થી ભૂસતો, પછી સેકંડરીથી પેન (કલમ)થી લખવાની શરુઆત કરી, ઇન ફેક્ટ અમારા જમાનામાં આમ જ સ્ટેપ બાય સ્ટેપ લખતા શિખવતા."
જીગ્સ બોલ્યો "તો પછી તમારા પણ બહુ બહુ બહુ પહેલા લોકો કેવી રીતે લખતા ?"
દાદાએ જીણી આંખ કરી હજુ ભૂતકાળ યાદ કર્યું અને બોલ્યા, "પહેલા ઝાડના પાનનો ઉપયોગ કાગળ તરીકે થતો અમુક ખાસ લાકડાની પાતળી સળીને ટોપમાં ક્રોસમાં કટ કરીને એની કલમ બનાવતા અને ઝાડમાંથી નેચરલી મળતી શાહી (ઇન્ક)માં કલમને બોળીને (ડીપ કરીને) લખતા.
પછી માણસ ધીમે ધીમે પ્રગતી કરતો ગયો અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને જુદી જુદી પેન બનાવતો ગયો. જીગ્સ આતૂરતાથી બોલ્યો, "દાદું પેન કેવી હોય છે મને બતાવશો ?" નિર્ભયભાઈએ એક જુના ખોખામાંથી પેન અને કાગળ કાઢીને જાગ્સને બતાવ્યા. જીગ્સ પહેલી વખત કાગળ અને પેન જોઈને રાજી રાજી થઈ ગયો. પછી એ બોલ્યો,"દાદુ મે ઑનલાઈન સ્ટડીમાં વાંચેલુ કે પેપર બનાવવા માટે ઘણા બધા ટ્રીઝ (ઝાડ) કાપવા પડતા ?" નિર્ભયભાઈ નિ:શબ્દ થઈ જીગ્સની સામે જોઈ રહ્યા.