આશુ
આશુ
ભોળો અને સાદો સરળ હસતો ચહેરો, મીઠી વાણી મધ્યમ કદ ચંચળ ને સૌને આકર્ષક લાગે તેવી. નાનપણમાં હમેશાં મમ્મીની પાછળ પાછળ ફરતી ને રડતી, તેવી એ છોકરી આજે તો ખીલી ઊઠી છે. હાથમાં બંગડીઓ ખનકાવતી પગના ઝાઝંર રણકાવતી અરે એની આંખો એટલે સફેદ કમળમાં કાળો ભમરો આછા ગુલાબી ગાલ રેશમ જેવા વાળ, વાને બહુ રૂપાળીના કહેવાય છતાં આકર્ષક અને આ રૂપમાં ઉમેરો કરતાં એના ગાલના ખંજન અદભૂત. કોણ છે એ, અરે આને ના ઓળખી આ તો ચંદ્રકલાબેનની આશુ, આમ તો એનું નામ આશીતા પણ ઘરનું નામ આશુ.
બાળપણ વટાવી યૌવનમાં ડગ માંડતી આશુ, દરેક સાથે ભળતી,દરેકને માન આપતી આશુ,એકવાર તો તમારૂ ધ્યાન ખેંચે એવી આશુ. અમે બંને પીતરાઈ બહેન પણ સગી કરતા વા'લી. આશુને ગમતી પ્રવૃત્તિ એટલે ડાન્સ,જીવ હતો એમાં એનો જયાંથી પણ જે પણ શીખવા મળ્યું તે એને શીખી લીધું.
દરેક સ્પર્ધામાં ભાગ લીધો અને જીતી પણ. બસ આ એક જ તેની કમજોરી અને એનું અભિમાન અને આપણે જાણીએ છીએ કે આવા લોકો મહત્વકાક્ષી હોય છે મોટી સમસ્યા દૂર કરી શકે અને નાની વાતમાં દુઃખ લાગી જાય બસ આવુંજ કઈક આશુનું હતું. એકવાર એક સ્પર્ધામાં ભાગ લેવા તે ઞઈ બહુ મોટી સંખ્યામાં કલાકારો આવવાના હતા અને ઘણા મોટા જજો હતા એને ખુબ જ મહેનત કરી હતી અને એ ડાન્સ પણ એટલો સરસ કરતી જાણે નટરાજ સાક્ષાત પણ ખબર નહીં એની સાથે શું થયું, આશુ એ સ્પર્ધા હારી ગઈ દરેક જીત એળે ગઈ એને તો એવું લાગ્યું જાણે એ બધું જ હારી ગઈ, આટલી મહેનત અને આટલા સરસ ડાન્સ પછી પણ હું હારી ગઈ ,બસ આજ વાત તેના મનમાં ઘર કરી ગઈ એ રાત્રે તે ખૂબ રડીને ભૂખી જ સૂઈ ગઈ.
સવારે હું તેને બોલાવા તેના રૂમમાં ગઈ પ....ણ આ શું ! આશુ પલંગમાં પડી હતી તેના મોમાથી લોહી નીકળતું હતું હાથમાં ઝેર હતું ને.... ને બધું પુરૂ થઈ ગયું હું એક પણ શબ્દ ના બોલી શકી થોડા સમય પછી કોઈની ચિસ સાંભળી હું ભાનમાં આવી, એ મને... અમને બધાને મૂકીને ચાલી ગઈ.
એક હારે બધી જીતને હરાવી દીધી. તેની ખનકતી બંગડીઓ, રણકતા ઝાંઝર થનગનાટ કરતાં પગ બધુ બંધ થઈ ગયું. એ હસતી આંખ બોલતા હોઠ બધું થંભી ગયું.
