વિચિત્ર આપણે
વિચિત્ર આપણે


છોડી આખા ય દિવસનું આકાશ,
કાળી ડિબાંગ ક્ષિતિજ સામે જોયે રાખું,
તું ય એવું જ રાખે,
મને એવું થાય,
કે લાવ ને! હું ય એવું જ રાખું...
તું એને જોયે રાખ,
હું તને જોયે રાખું,
જીવનનું આ ચક્ર વિચિત્ર,
કોઈ, અને કશાકની પાછળ પાછળ,
ભાગ્યે જાઉં આગળ,
બસ આમને આમ,
ગોળ ગોળ ઘૂમ્યે રાખું...
તું ઝંખ્યા કરે એનામાં એ,
જે હું તને આપવા મથ્યે રાખું,
ગૂંગળાઈ જા ધરપતમાં,
જે તરસે તારે એને નામ તરફડ્યે રાખવું...
અકળાઇ જાઉં ભલેને તારા તાપમાં,
પણ સઘળા છાયામાં
હું હાથે છીંડા કર્યે રાખું...
તું ય કર એવું જ મારી સાથે,
જેવું હું કોઈક બીજા સાથે કર્યે રાખું...
માનવ સહજ મિથ્યા મતિહીન કામ,
તું પણ કર,
હું પણ કરું,
અને પછી ઈશ્વરને ભાંડ્યે રાખું...
જીવન ચક્ર વિચિત્ર,
તારી પાછળ પાછળ થવા,
હું આગળ અને આગળ ભાગ્યે રાખું,
આપણને કોઈને ય એમ ના થાય,
કે લાવ જરા પાછળ પણ મીટ માંડ્યે રાખું...
માનવ સહજ મિથ્યા મતિહીન કામ,
તું પણ કર,
હું પણ કરું,
અને પછી ઈશ્વરને ભાંડ્યે રાખું...
પાછળથી હટી જાય એ સહારો,
મારો વાંસો જયારે લાગે બળબળતા તાપમાં ઉઘાડો,
ત્યારે ગુમાવ્યા પર માથું કૂટ્યે રાખું...
કોઈ ને ય એમ ના થાય,
કે જયારે જે છે એની જરાક ય ખુશી મનાવ્યે રાખું...
હોય ત્યારે એને અવગણ્યે રાખું,
નથી જે એના જ નિસાસા નાખ્યે રાખું,
બસ આમ જ હાથે કરી,
શૂન્યમાંથી એક,
અને એકમાંથી અનેક ગુણાકાર
મારા દુઃખના કર્યે રાખું,
પછી?
પછી શું,
ઈશ્વરને ભાંડ્યે રાખું...
ઉછળતા દરિયા સામે બેસી,
હું નદી એક અફાટ,
એક મૃગતૃષ્ણા પાછળ,
અનેક ચોમાસા વહાવ્યે રાખું...
સાલું તુચ્છ એક ચામાચીડિયું,
સૂરજને નકારવા કહે,
"આંખ તો હું એમ જ ભીડયે રાખું",
બસ, પછી આમ જ જીવનને વેઠયે રાખું...
મને ય નથી આવડતું,
તને ય નથી આવડતું,
પણ ક્યારેક એમ થાય,
કે આ રંજ દુઃખ ઉદ્વેગના,
રિવિઝન તો ના કર્યે રાખું?
એમ ય ના થાય કે,
આવડત બહુ જ સારી છે દુઃખી થવાની,
ભલે નથી આવડતું ખુશ થતા,
પણ લાવ એ બે ઘડી બે ઘડી કરી,
જીવનભર શીખ્યે રાખું...
ક્યારેક હું તને યાદ અપાવીશ,
કદી તું મને યાદ કરાવજે,
થોડું તને હસાવીશ,
થોડું હું પણ મલકાયે રાખું...
હું નદી એક અફાટ,
દરિયો દરિયો કરી છલકાયે રાખું...
રહેતું નથી જે,
એને રાખવાની ભૂલ ના કર્યે રાખું,
જે રહેવાની રાહ જોઈ ઊભું છે,
એ સઘળું સાચવીને મૂકી રાખું.