ઉભી થા
ઉભી થા


ચાલ અહલ્યા ઉભી થા નહીં તો ગૌતમ પહેલા ફરી ઇન્દ્ર આવી જશે,
નારી છો ને તું જ વગોવાઈશ ને ઇન્દ્ર ફરી એક વાર નર થઈને છૂટી જશે.
અહીં જાકારો મળ્યો હતો અપાલાને ને સતીસ્વરૂપ મા સીતાને,
ને તારા કિસ્સામાંયે જોજેને નારી દાક્ષિણ્ય ખૂટી જશે.
દ્રૌપદીથી લઈ દામિની સુધી અકબંધ રહ્યો છે અહીં ચીરહરણનો સિલસિલો,
ભલેને હો તું મહેક પ્રસરાવતું ગુલાબ છતાં તને સૈયાદ આવીને ચૂંટી જશે.
તારે જ બન્યા કરવાનું પુત્રી, બહેન, પત્ની, મા ને બીજું કેટકેટલુંયે,
ને આ બધાં પરિવર્તનોમાં તેઓ તારું વ્યક્તિત્વ જ સાવ લૂંટી લેશે.
તું ભલેને કરતી હો સદા તન-મનથી ઈશ્વરનું નામ સ્મરણ,
મીરાની જેમ તારા પ્યાલામાંયે આ લોકો હળાહળ ઝેર ઘૂંટી જશે.
તું સપનાઓ જોઈ રહી છે જન્મીને જાતને સુંદર આકારિત કરવાના,
ને આ સઘળા સપનાઓ માનાં ગર્ભમાંજ ક્યાંક તૂટી જશે.
પણ તું સત્યના પંથે ઇન્દિરા, કિરણ, ઝાંસીની રાણી સમી મશાલચી બનજે ,
કારણકે સમાજનો આ દંભ છે પરપોટો ને પરપોટો તારી ઉર્જાથી ફૂટી જશે.