પોલાદ થઈ છે લાગણી
પોલાદ થઈ છે લાગણી
અવગણી છે ત્યારથી આબાદ થઇ છે લાગણી,
હો વફાની વાત તો વરસાદ થઈ છે લાગણી.
હર ઋણાનુબંધમાં અવ્વલ રહ્યું છે 'મા'નું સ્તર,
જ્યાં વિષય મમતાનો ત્યાં 'અપવાદ' થઇ છે લાગણી.
સાહ્યબી, સન્માન, સંબંધો બધું પ્લાસ્ટિકીયું છે,
આપણામાંથી હળાહળ બાદ થઇ છે લાગણી.
પથ્થરોના શહેરમાં વિસાત શું હો કાચની ?
રહી નિશાને ટોચના બરબાદ થઇ છે લાગણી !
કૈંક વ્હોર્યા આપઘાતો તોય છે જીવંત એ,
રાખમાંથી બેઠી થઈ ફૌલાદ થઇ છે લાગણી.
ભાગલા ભગવાનનાયે પાડતાં અચકાય ક્યાં!
માણસોની જાતમાં જેહાદ થઇ છે લાગણી.
છોડ્યું છે જિદ્દીપણું, અણઘડ ઊહાપા, ખ્વાહિશો,
પુખ્તતાએ પહોંચતાં મરજાદ થઇ છે લાગણી.
આંસુઓ, અંધાર, એકલતા.. અભાવો છે છતાં,
વજ્રઘાતો વેઠીને પોલાદ થઇ છે લાગણી.
એટલી પરિપક્વ થઇ એની ઋજુતા કે હવે
તૂટવાના ખોફથી આઝાદ થઇ છે લાગણી.
