લાગણીનો અર્ક
લાગણીનો અર્ક
બધાં કરતાં જુદો તારો જરા તું વર્ગ રાખી જો,
રગોમાં રક્ત સાથે લાગણીનો અર્ક વાવી જો,
હથેળીએ કદાવર આભનું સપનું ભલે જો પણ
એ પહેલાં ધ્યાનથી તારા ગજાનો વ્યાપ માપી જો,
કહે છે એકની એક વાત કે કરતાં નથી એ પ્રેમ,
તું એને ચાહવાના એક-બે કારણ તો આપી જો,
જીવિત થાશે ફરી એ ઝાડ સૂકાયું જે આંગણમાં,
જરા હળવેકથી ત્યાં લાગણી ભીની અડાડી જો,
મરીઝાઈ સમજવી પણ ઘણી અઘરી છે તારાથી,
જમીને પગ, હૃદયમાં લાગણી લખલૂટ સ્થાપી જો,
સતત કોસ્યા કરે ઈશ્વરને તું પથ્થરપણા માટે !
તું પણ માણસપણાનો ભોગ એને ત્યાં ધરાવી જો,
હવા-પાણીનું ભાડું કુદરતે ક્યાં માંગ્યું કોઈ'દિ ?
ઈબાદતમાં દુઆ માંગે, કદી આભાર માની જો,
ભલે દુકાન ખોલીને તું બેઠો લાગણીઓની,
ઘરાકોના હૃદયની પણ તું ગુણવત્તા તપાસી જો,
ખરી કિંમત જો તારે લાગણીઓની સમજવી હો,
હૃદય એક 'મા'નું તું ક્યારેક વિગતવાર વાંચી જો.
