ઓછા પડ્યા
ઓછા પડ્યા


મ્હેમાન આવ્યા તો ખાટલા ઓછા પડ્યા,
પાણીનાં પણ જોને માટલાં ઓછાં પડ્યાં.
ભોજન બનાવ્યું તું નોખનોખી જાતનું,
બેઠા જ્યા પીરસવા વાટકા ઓછા પડ્યા.
પ્હેલાં હતાં ઘર ઘર કૈંક વૃક્ષો 'ને હવે?
માણસ મર્યા ત્યારે લાકડાં ઓછાં પડ્યાં.
મદિરા ય પણ દોસ્તો છે મજાની ચીજ હો,
પીવા શું બેઠા! તો બાટલા ઓછા પડ્યા.
વાતો બહેનોની ક્યાં ખતમ થાયે છે જટ,
બેઠી મળી વાતે પાટલા ઓછા પડ્યા.
ગણિતને તો અઘરું માનતો'તો પે'લાં હું,
પણ આવડ્યું ત્યારે દાખલા ઓછા પડ્યા.
છે માણસાઈ ખલ્લાસ થઈ માણસ મહીં,
નહિ તો બને નહિ કે આશરા ઓછા પડ્યા.
દિલને દિલાસાઓ તો મળ્યા'તા ખૂબ, પણ-
અફસોસ કે એમાં આપણા ઓછા પડ્યા.
વરસાદ પાછી પાની કરે છે ને 'વિજય' !
શાયદ હવે એને ઝાડવાં ઓછાં પડ્યાં.