હળવાશ ૩૩
હળવાશ ૩૩
અંધારને પાછળ મૂકીને ચાલી તો અજવાસ છે,
એ સાનનું ઋણ ચૂકવી ચાલી તો હળવાશ છે.
સંગાથમાં દિવસો હશે, વર્ષો હશે, આયુ પણ,
જે સાત પગલાં સાથ ચાલ્યા એ જ સહવાસ છે.
નાજૂક હૃદયની કોઈ પરિભાષા કહો શું હશે?
ફૂલનો સ્પર્શ ઘાયલ કરે એથી વધુ નરમાશ છે.
રાખી નજર સંધાન પર ને વિંધવું લક્ષ્ય તો,
ચકલીની ખાલી આંખ જો દેખાય અવકાશ છે.
સંસાર છોડી વન જઈ જપ તપ કરે કોઈ પણ,
ત્યાગી મનોરથ ને નિભાવે તે જ વનવાસ છે.
જરૂરી નથી પોકાર, ઘંટારવ અને બાંગ કંઈ,
મનથી સ્મરો જો આંખ મીંચી બસ એ અરદાસ છે.
જીવન થશે સાર્થક હશે કૃપા પરમની "મીના",
અવતારનો ફોગટ જશે ફેરો એ ઉપહાસ છે.