હળવાશ ૨૪
હળવાશ ૨૪


ચોતરફથી છે વ્યથાઓ, દુશ્મનો ચોપાસ છે.
હાથમાં છે હાથ તારો, તો મને હળવાશ છે.
આંખમાં તારી મને શીતળ અમી વર્તાય જો,
કેમ હું જાઉં સુરાલય; ક્યાં હવે કોઈ પ્યાસ છે !
શું ખબર તાકાત કેવી પ્રેમમાં હોતી હશે !
પ્રેમના બળથી ઘણાએ સર કર્યાં આકાશ છે.
વાહ ! કેવી મિત્રતા; કેવો ભરોસો દોસ્ત પર !
દ્વારને ખુદ થી વધુ સાંકળ ઉપર વિશ્વાસ છે !
એક અમથા દોષથી, દોષિત ગણોના કોઈને
લીમડો કડવો ભલે, પણ છાયડામાં 'હાશ' છે
'અર્થ' મારા કાવ્યમાં સીધો સરળ હોતો નથી
લાગશે આભાસ પણ જો, એ જ મારા શ્વાસ છે.