એવી હિમલી રાત્યું =પારુલ ખખ્ખર
એવી હિમલી રાત્યું =પારુલ ખખ્ખર
હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે એવી હિમલી રાત્યું,
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું.
દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડા,
પંડયમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાંખતો અંગેઅંગ ફૂંફાડા.
આભલું હેઠે ઉતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે એવી હિમલી રાત્યું,
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું.
દન ઊગે ને સુરજદાદો આળસ ખાતો, બીડિયું પીતો, કાઢે ગોટેગોટ ધુંવાડા,
વાયરો વેરી વેગથી આવી, બાથમાં ઝાલી, જોર દેખાડી લેતો રોજેરોજ ઉપાડા.
ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાય રે એવી હિમલી રાત્યું,
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું.
હારની બીકે કોડિયું ફેંકી, દાવ ઉલાળી, ઘરભેળા થઈ જાય રે બીકણ-બાયલા દા'ડા,
અંધારા ચોપાટ રમે ને એકલપંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા.
ચાંદલિયાને ઘોડિયે નાંખી ઘેનની ગોળી પાય રે એવી હિમલી રાત્યું,
કાગળ માથે ચીતરેલી કાંઈ નદીયું થીજી જાય રે એવી હિમલી રાત્યું.
પારુલબેન ખખ્ખરની સુંદર રચના