એકતા
એકતા


થીરપુરની બજારમાં ફરતા લોકો આજે એક જ વાત કરતા હતાં કે રાઘવ એન્ડ કંપનીએ શહેરની પૂર્વ દિશામાં મોટો જમીનનો સોદો કર્યો છે. સોદો તો ભલે કર્યો પણ એના પડઘા બે ત્રણ દિવસમાં બધાને સાંભળવા મળશે એના વિષે જોર – શોરથી બજારમાં ચર્ચા થતી હતી. લોકોને ખબર હતી કે આ કંપનીએ સાહસ કાર્ય છે તો એમના કટ્ટર પ્રતિસ્પર્ધીઓને કાને જ્યારે આ વાત પડશે એટલે એ લોકો પણ એને લાગતું જ નવા જુનું કામ કરશે જ. રાઘવ એન્ડ કંપનીના સામેવાળા એટલે મીનેશ એન્ડ કંપની, આ લોકો હમેશાં રાઘવ એન્ડ કંપનીની સામે બાથ ભીડવાનું કામ કરતા.
રાઘવ એન્ડ કંપની એટલે આ શહેરના ત્રણ અમીર વ્યક્તિઓનું જોડાણ હતું. જે પણ ધંધામાં રોકાણ કરતા એમાં સાથે મળીને આયોજન કરતા.આવું જ એક મોટું આયોજન શહેરની પૂર્વ દિશામાં આવેલી જમીન એમણે મળીને રાતોરાત ખરીદી લીધી હતી. વેપાર વણજમાં સાથે રહેતા ને નફો-નુકસાન પણ એ જ રીતે વહેંચી લેતા.
રાઘવ એન્ડ કંપનીમાં એક તો રાઘવ પોતે જે ગર્ભ શ્રીમંત હતો અઠયાવીસ વર્ષની ઊંમરે પોતાના પિતાના અનાજના ખરીદી-વેચાણની દુકાનમાંથી પ્રગતિ કરીને શહેરનો નામાંકિત પૈસાદાર વ્યક્તિ બની ગયો હતો. રાઘવનો બીજો ભાગીદાર તરુણ હતો, નામ તરુણ હતું હાલ પાંત્રીસ વર્ષનો થવા આવ્યો હતો. શાંત રીતે પૈસાદાર થવામાં માનતો હતો અને એજ રીતે રાત-દિવસ પોતાના કામમાં મસ્ત રહીને પૈસાદારોની હરોળમાં આવી ગયો હતો. રાઘવ અને તરુણનો ત્રીજો જોડીદાર પ્રકાશ વૈષ્ણવ હતો. બધા જ પ્રકારના સોદાઓમાં ફાઈનલ વાત કરવાની જવાબદારી પ્રકાશની રહેતી. એની તોળી-તોળીને બોલવાની ટેવના લીધે ક્યારેય “ વાતના પાક્કા” એવી એમની બજારમાં શાખ ઉભી થઇ હતી.
પૈસાદારનો સામનો તો પૈસાદાર જ કરી શકે એમ આ લોકોનો સામનો મીનેશ મૂછોવાળાની કંપનીથી જાણે અજાણ્યે થઇ જતો. બન્ને વિભાગના લોકોને એમ થાતું કે અમે બેઠા છીએ ને તમે આ કામ કઈ રીતે કરી શકો. સફળ થઈએ તો અમે થઈએ તમે એકલા કેમ થાઓ ? ઘણીવાર આ આર્થિક અને વૈચારિક સંઘર્ષમાં ફાયદો ઓછો અને નુકસાન વધારે થઇ જાતું. કેટલીક વાર અજાણતાં બન્ને કંપનીને ફાયદો પણ થઇ જતો.
મીનેશ મૂછોવાળાની કંપનીમાં પ્રભાવી અને જન્મજાત સોનાની ચમચીવાળા મીનેશ પોતે મુખ્ય હતા, પણ એના બે જોડીદાર
વાલમ અને રિતિક પણ હતા. વાલમ પૈસાની અને લેવડ-દેવડની જવાબદારી નિભાવતા, કોઈ પણ નિર્ણય ત્રણેય મિત્રો સાથે જ લેતા કોઈ એકની પણ ના હોય એવા બિઝનેસમાં એ લકો ક્યારેય ન ઝંપલાવતા. પણ એક વાત નક્કી હતી કે જો રાઘવ એન્ડ કંપની એમનાથી આગળ નીકળવાનો જરા પણ ટ્રાય કરતી તો આ ત્રણેય એમની સ્પર્ધા કરવા માટે પૂરી તાકાત લગાવી દેતા.
આ બન્ને કંપનીઓના સાહસથી નાના વેપારીઓ ખુબ ડરી જતા. એમને ખ્યાલ આવી ગયો હતો કે આમના સાહસમાં આપણે ક્યારેય માથું ન મારવું, ઘણી વાર એ લોકો તો નુકસાન ખાઈને નીકળી જાય પણ પૈસાદાર થવાની અણી પર બેઠા હોય એ પાછા રસ્તા પર આવી જાય માટે નાના વેપારીઓ પોતે અને પોતાના ધનને બચાવી લેતા.
એક જીરાની સિઝનમાં મીનેશ મુછાવાળી કંપનીએ જીરૂ ખરીદવાનું શરુ કર્યું, તો આ બાજુ સ રાઘવ એન્ડ કંપની પણ જીરા ઉપર તૂટી પડી. આ બન્નેની સ્પર્ધામાં આમ જનતાને જીરાના ઊંચા ભાવ મળી ગયા. બન્ને કંપનીઓએ ઉત્તર ગુજરાતના એક મોટા શહેરમાં જીરાનો સોદો કરી દીધો, હુંસાતુંસીમાં સોદો તો થઇ ગયો પણ બંને પાર્ટીની મોટી રકમ ત્યાં ફસાઈ ગઈ. બે-ત્રણ વખત ઉઘરાણીઓ કરી પણ પૈસાનો કોઈ મેળ પડયો નહિ.
એક દિવસ એક જ શહેરમાં રાઘવ એન્ડ કંપની અને મીનેશ મૂછોવાળાની કંપની એમ છ વેપારી એક જ જગ્યાએ ઉઘરાણી માટે ભેગા થઈ ગયા. વૈચારિક અને આર્થિક લડાઈનો આજે સંગમ થઇ ગયો. પેઢીએથી બહાર આવીને છએ વેપારી એક હાઈવેની હોટલમાં બેઠક કરી. એમણે જોયું કે એક નાના શહેરમાં આપણે લડતા હતા પણ આ મોટા શહેરવાળો આપણને બનાવી ગયો.
એમણે નક્કી કર્યું કે હવેથી આપણી લડાઈ ખતમ, સાથે મળીને કામ કરીશું અને આ જીરાની ઉઘરાણી પણ સાથે મળીને કરીશું. સૌથી પહેલાં રાઘવે હાથ રાખ્યો એના પર મીનેશ મૂછોવાળા એ હાથ મુક્યો, એના પર તરુણે પોતાનો હાથ મુક્યો એ રીતે છ એ વેપારીઓએ એક બીજા પર હાથ મુકીને સપથ લીધા કે હવેથી હળીમળી ને કામ કરીશું.
એક શહેરની બે મોટી પાર્ટીઓ મળી જવાને લીધે. જીરાની ઉઘરાણી ના બદલે એક મોટી હોટલ એજ શહેરમાં ખરીદી અને એનું નામ આપ્યું “જીરાવાલા” આજે પણ આ છએ મિત્રો આ હોટલ પર મળે છે ત્યારે એક બીજાના હાથ પર હાથ રાખીને મળે છે.