ચાલ લાગણી વરસાવીએ
ચાલ લાગણી વરસાવીએ
આભમાં વાદળ મલકાય, ચાલ લાગણી વરસાવીએ,
ધરા ખૂબ પછી મ્હેકાય, ચાલ લાગણી વરસાવીએ,
શ્રાવણનો મહિનો ને વળી પિયુ ગયો મારો પરદેશ,
ઝરમર હો છતાં મન મુરઝાય, ચાલ લાગણી વરસાવીએ,
મન છે ઉદાસ ને તન છે ઘણું પ્યાસું,
આંખથી આંસુ છલકાય, ચાલ લાગણી વરસાવીએ,
નામ લખ્યું દિલનાં કાગળ પર સ્નેહથી એનું,
યાદમાં એની મુખ હરખાય, ચાલ લાગણી વરસાવીએ,
રાત ચાંદની ને પિયુ મિલનનાં સ્વપ્ન આંખમાં,
વાલમનાં વ્હાલથી તનમન ભીંજાય, ચાલ લાગણી વરસાવીએ,
વહેલી પરોઢે આંગણે આવી બોલે કાગ,
ને આનંદ અપાર હૈયે થાય, ચાલ લાગણી વરસાવીએ,
હોય તું આસપાસ ને ઝરમર ઝરમર મેહ પણ,
સતરંગી મેઘધનુષ રચાય, ચાલ લાગણી વરસાવીએ,
હોય જ્યાં તું સાથ ને મેઘલી રાત, વાદળનો ગડગડાટ,
ભીના તનની માદક મહેક છવાય, ચાલ લાગણી વરસાવીએ,
'ગીત' મિલનનું ગૂંજતું ઝરણાનાં રવમાં મજાનું,
શું લખું કંઈ ના સમજાય, ચાલ લાગણી વરસાવીએ.

