આત્મખોજ
આત્મખોજ


વાદળ થઈ ગયાં ને ખબર પણ નથી પડી,
સાગર એ પી ગયાં ને ખબર પણ નથી પડી.
વળ્યાં ન ઘૂંટણેથી, છતાં પણ નમાજ છે,
'હું' ટેકવી ગયાં ને ખબર પણ નથી પડી.
એકાંતને ખબર છે, કે પડઘા શું છે, છતાં
ખુદમાં રહી ગયાં ને ખબર પણ નથી પડી.
બાળક ખુશીને શબ્દમાં ના ગોઠવી શકે,
શબ્દો ભણી ગયાં ને ખબર પણ નથી પડી.
આવ્યું તણાતું મનના કિનારે વ્યથાનું શબ,
સપના તરી ગયાં ને ખબર પણ નથી પડી.
સર્જક સભામાં હોય, છતાં સૂનમૂન, ને
ભાવક બની ગયાં ને ખબર પણ નથી પડી.
મક્તા બની વિધાનને સાચું ઠરાવવા,
ગઝલો રચી ગયાં ને ખબર પણ નથી પડી.