Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
'નૂતન પ્રકાશ'
'નૂતન પ્રકાશ'
★★★★★

© Tarulata Mehta

Inspirational Thriller

5 Minutes   14.5K    18


Content Ranking

મિત્રો,

આપ સૌને નવા વર્ષની શુભકામના. તમારા બાહ્ય અને આંતરજગતને નવું વર્ષ ઉત્સાહ, આનંદ અને શક્તિથી થનગનતું રાખે. તમારી શબ્દોનું સર્જન કરવાની કળા ખૂબ ખીલે, તમારાં સર્જનના મહેકતા પુષ્પોથી વાચકનું મન પણ સુગંધિત થઈ જાય તેવી શુભેચ્છા. ગયા વર્ષે દિવાળીના સમયમાં મેં 'અંતિમ શુભેચ્છા' નામે વાર્તા લખી હતી.પાત્રોના જીવનમાં બનેલી કરુણ ઘટનામાં ક્યારેક અણધારી દિશામાંથી નવો ટમટમતો પ્રકાશ દેખાય છે, તેવી મારી શ્રધ્ધા મને 'નૂતન પ્રકાશ' વાર્તા લખવા પ્રેરે છે.

'નૂતન પ્રકાશ ' તરુલતા મહેતા

સાંજની ગુલાબી છાયામાં લપેટાતી જતી વુક્ષોની હારમાળાને મથાળે હજી સૂરજ લાલ રત્નોનો મુગટ ધારણ કરી ઝગમગી રહ્યો છે. દિવસો પછી મીના એના બે માળના વિશાળ આલીશાન નિવાસની બાલ્કનીમાં ઊભી છે. એની દીકરી શિકાગોથી સાંજની ફ્લાઈટમાં સેન હોઝે આવી રહી છે, દિવાળી હતી પણ આ ઘરમાં એનો કોઈને હરખ નથી. પાંચ વર્ષ પહેલાં આ ઘર દિવાળીના દિવસોમાં લાઈટો અને દીવાઓથી પ્રકાશી ઉઠતું, આજુબાજુના અમેરિકન પડોશને ઇન્ડીયન ન્યુ ઈયરની જાણ થઈ જતી. મઠિયા, મીઠાઈથી ડબ્બા ભરાઈ જતા. મીના 'હેપી દિવાલી'ની રંગોળી કરતી, એનો દીકરો કેવલ અને દીકરી રીટાની ધમાચકડી અને પાર્ટીથી ઘર ગાજી ઉઠતું. આજે તે દીકરી રીટાની રાહ જોતી વિચારતી હતી, 'રીટા એના ભાઈ વગરના સૂના ઘરમાં આવવાનું ટાળતી હતી. વચ્ચે એ અને એનો પતિ વીનેશ શિકાગો જઈ રીટાને મળી આવ્યાં હતાં,પણ હવે તો તેની કોલેજ પૂરી થઈ ગઈ હતી. એટલે ઘરમાં રહેશે કે તેનો બીજો કોઈ પ્લાન હશે!' મીનાએ એના સેલ ફોન ઉપર મેસેજ જોયો, 'ફ્લાઈટ લેટ છે, વીનેશ એને પીક અપ કરી લેશે.' મીનાએ મનને ખૂબ મનાવ્યું હતું કે રીટાની હાજરીમાં કોઇપણ રીતે કેવલને યાદ કરવાનો નથી, એક તો રીટા મનથી ભાઈ વગર સોરાતી હોય તેમાં કેવલનું નામ સાંભળી એના રૂમમાં જતી રહે, એક વાર તો ગુસ્સામાં બોલી ઉઠેલી, 'ગયો એને યાદ કરો છો, હું જીવતી હાજર છું, તેની પડી નથી', તે વખતે મીના રોતી ફસડાઈ પડી હતી, એના માથામાં દીકરીની નારાજગીથી હથોડા વાગ્યા. એને થયું દીકરો ગયો, પણ હજી તેની દીકરી માને માટે તલસે છે, કેવલના મુત્યુથી એનામાંની માનો એક હિસ્સો મરી પરવાર્યો એમ તે માનતી હતી, પણ માના પ્રેમમાં ભાગલા કેવા? પ્રેમની ધારા અખંડ વહે, જીવન છે ત્યાં સુધી, અને તે પછી પણ પ્રેમ વહ્યા કરે છે,' દીકરાના શોકમાં હું ભાન ભૂલી દીકરી પ્રત્યે માની ફરજ, પ્રેમ ભૂલી, વીનેશ તરફ પણ લાપરવાહ થઈ, હવે તે રીટાને જરા ય ઓછું નહિ આવવા દે.'

મીના બાલ્કનીમાંથી જુએ છે કોઈ કાર એના ડ્રાઈવ વેમાં આવી ખૂણામાં પાર્ક થતી હતી. જે વાતને ભૂલવા માટે એ મરણતોલ પ્રયત્ન કરતી હતી તે જીદ કરીને મનની ધારે આવી જતી હતી. એને થયું ,'આ કોણ? રીટા આવવાની હોય ત્યારે કેવલ અચૂક આવી જતો. આવી જ રીતે ખૂણામાં એની લાલ હોન્ડા પાર્ક કરતો. એક ઊચો યુવાન એક સાથે બબ્બે પગથીઆ ચઢતો હતો. મીનાને થયું કે સાંજના સમયે 'મને દીકરાની ભ્રમણા ભાન ભૂલાવી રહી છે,' એ વિચારી રહી કોણ હશે?' કોઇએ ફોન દ્રારા આવવાની જાણ કરી નથી, ડોર બેલ વાગતા એ નીચે જાય તે પહેલાં બા બારણું ખોલવા લાગ્યાં એટલે મીનાએ કહ્યું ,'કોઇ અજાણ્યું છે, બારણું ખોલશો નહિ ',

બા કહે, 'બપોરે તું બહાર ગઈ હતી ત્યારે કેવલના કોઈ ભાઈબંધનો મળવા આવવાનો છે, તેવો ફોન હતો.' મીનાને ગમ્યું નહિ તે બોલી, 'બા તમે મને કહેવાનું ભૂલી ગયાં, હમણાં રીટા આવવાની છે, કોઈ અજાણ્યાને તમારે ના પાડવી જોઈએ' બાનો ચહેરો લેવાઇ ગયો,

ડોરબેલ ઉપરાઉપરી બે વાર વાગ્યા, કેવલ આવી જ અધીરતાથી બેલ વગાડતો, મીનાના શરીરમાં વેદનાનો કરંટ લાગ્યો, એણે નામરજીએ બારણું ખોલ્યું, એની સામે ઊભેલા યુવાનનું મુખ,ચેહરો,આંખો બધું પરિચિત લાગતું હતું. એ નમ્રતાથી 'નમસ્તે 'કરી ઊભો હતો, મીનાના પુત્રવાત્સલ્યે અનાયાસ તેને ઘરમાં આવકાર્યો. બાને 'હાશ' થઈ, દૂર ખુરશીમાં જઈ બેઠાં.

ગોરા યુવાને અંદર આવી પોતાનું ઘર હોય તેવી કાળજીથી બારણું બંધ કર્યું. મીના હજી મૂઝવણ અનુભવતી ઊભી હતી,

યુવાન ઉપર જવાના દાદરને અઢેલી પ્રસન્નતાથી ઊભો હતો, એક ક્ષણ મીનાને થયું હમણાં ઉપર જતા કહેશે,'મમ્મી હું મારા રૂમમાં ફ્રેશ થઈ આવું છું, મઠિયા ડીશમાં કાઢી રાખજે, ' એટલામાં બહારથી ચાવીથી બારણાની કળ ખોલી રીટા અને વીનેશ ઘરમાં આવ્યાં,રીટા મમ્મીને વળગી પડતાં બોલી, 'આઈ મિસ યુ મોમ'. મીના આંસુને છુપાવતા બોલી,'મને ય તારા વગર ધરમાં ગમતું નહોતું.'એણે બેવડા વહાલમાં રીટાને જકડીને રાખી. વીનેશ બોલ્યો,'હવે રીટા તને છોડીને દૂર જવાની નથી.' એણે હસતા હસતા યુવાનને જોઈ કહ્યું,'રીટા તું આવું તે પહેલાં તારા ફ્રેન્ડસ આવવા લાગ્યા,' રીટા આશ્ચર્યથી આરામથી ઊભેલા યુવાનને જોઈ રહી.બા ધીરે ધીરે રીટાની પાસે આવતા હતાં,રીટા દોડીને 'જય શ્રી કૃષ્ણ 'કરી પગે લાગી, યુવાન પણ બાને પગે લાગ્યો, બાએ બન્નેને 'સુખી રહેજો' એવા આશીર્વાદ આપ્યા,મીનાની જેમ વીનેશને અને રીટાને પણ કેવલ હોવાની ભ્રમણા થઈ.બધા પ્રશ્નાર્થ નજરે એકબીજાને જોઈ રહ્યાં,બા બોલ્યા ,'આ કેવલનો ઓળખીતો છે.'

યુવાને વીનેશ અને મીનાની ભ્રમણા દૂર કરી,તે આત્મીયતાથી બોલ્યો, 'હું ક્રિસ્ટોફર,પાંચ વર્ષ પહેલાં મારી મોમ મેરી સાથે તમને

મળ્યો હતો,' મીનાને સમજાયું એટલે જ એને જોયો ત્યારથી ઓળખાણનો અહેસાસ થતો હતો.વીનેશને યાદ આવ્યું કેવલના હાર્ટના વાલ્વથી ક્રિસ્ટોફરને જીવંતદાન મળ્યું હતું. રીટાને એની મમ્મીએ ક્રિસ્ટોફરની વાત કરી હતી પણ આજે એને જોયો.

ક્રિસ્ટોફર બોલ્યો, 'હું સેનડિયાગો કોલેજમાં ભણવા જવાનો છું, આજે મને નવી કાર મળી, મારી મોમને ખબર નથી પણ હું તમને મળવા આવ્યો' ક્રિસ્ટોફરનો ચહેરો આનંદથી છલકાતો હતો, પોતે કેવલના કુટુંબનો સભ્ય હોય તેવી આત્મીયતા તે અનુભવતો હતો, છેલ્લાં પાંચ વર્ષમાં એણે ઘણીવાર અહી આવવા માટે એની મોમને કહ્યું હતું પણ તે કહેતી 'આપણાથી તેમને ડીસ્ટર્બ ન કરાય '.

મીનાએ ક્રિસ્ટોફરનો ખભો થાબડી તેને કહ્યું,'વાહ ,તને સરસ કાર મળી, સાચવીને ચલાવજે, ખૂબ ભણજે.' ક્રિસ્ટોફરને માની જેમ મીનાને 'હગ ' કરવાનું મન થયું, નાનો કિશોર હતો ત્યારે મીનાએ એને ભેટી પડી કહ્યું હતું,'તું ય મારા દીકરા જેવો છું'. દુનિયામાં એની જેમ બીજાને પણ મૃત વ્યક્તિના ઓર્ગન દાનમાં મળતાં હશે, હેપી થઈ ભૂલી જતા હશે, પણ ક્રિસ્ટોફર એના હદયના ધબકારામાં કેવલના વાલ્વને કારણે જાણે અજબ પ્રકારનું જોડાણ-આકર્ષણ કેવલના કુટુંબ માટે અનુભવતો.એ મનોમન કેવલના માતાપિતાને પોતાનાં માનતો એને થતું રીટા પણ એને સગી બહેન જેવી લાગે છે, વીનેશ અને મીના ક્રિસ્ટોફરના ચહેરા પર અંકાયેલી પ્રેમની આરતને ઓળખી ગયાં, તેઓએ હસીને તેને 'હગ ' કર્યું, ક્રિસ્ટોફર ધીમેથી બોલ્યો, 'થેંક્યું યુ ફોર યોર લવ'.રીટા અને બા પણ ક્રિસ્ટોફરને વીટળાઈને ઉભાં રહ્યાં, કેટલાં વખત પછી વિખરાયેલા માળામાં સૌ એકબીજાની હૂંફમાં ભેગાં થયાં,સગપણમાં ગળપણ હોય તેવી મીઠાશ એક અજાણ્યા પ્રેમાળ યુવાનની હાજરીમાં હતી.

ક્રિસ્ટોફરે વિદાય લેતા પહેલાં પોતાના પાકીટમાંથી ઢગલો કેન્ડલ કાઢી, રીટા દોડીને બાના પૂજાના રૂમમાંથી કોડિયા લઈ આવી.વીનેશે લાઈટરથી કેન્ડલ પ્રગટાવી, મીનાએ બારણું ખોલી કેન્ડલના દીવાથી આગણું દિપાવ્યું ,ધેરા અંધારામાં અજવાળાના સાથિયા પૂરાયા. વિદાય લેતા ક્રિસ્ટોફરનો પડછાયો દીવાની જયોતની જેમ ખુશીમાં નાચતો હતો. મીના અને વીનેશે ક્રિસ્ટોફરની કારની લાઈટે વળાંક લીધો ત્યાં સુધી જોયા કર્યું. કોઈકે દીકરાની જેમ દિવાળીના દીવાથી ઘરનું આગણું દિપાવ્યું તેનો હરખ ઘરમાં હતો.

'નૂતનવર્ષાભિનંદન'

#diwali #son #past #light

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..