Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshita Jani

Inspirational Tragedy

4  

Darshita Jani

Inspirational Tragedy

ધબકતું સપનું

ધબકતું સપનું

9 mins
793


હર્ષ, આનંદ અને ઉલ્લાસથી પૂરું શાહ સદન ખીલી રહ્યું હતું. ચારેતરફ ખુશીઓનો માહોલ છવાયેલો હતો. બસ એક ઓરડામાં માત્ર નિરવ શાંતિ પથરાયેલી હતી. અરીસા સામે તે લગભગ ૨૦ મિનીટ થી એમજ બેઠી હતી. સગાઈ માટે નો બધો જ શણગાર તેણે કરી લીધો હતો. સોનેરી રંગના ચોલીસૂટ ને તેના જ મેચિંગ ઘરેણા તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા પણ તેની અવઢવથી ભરેલી કાળી ઘેરી આંખો તેના સુંદર ચેહરા પર ગ્રહણનું કામ કરતા હતા.

તે હજી વિચારમગ્ન જ હતી ત્યાં જ તેના દરવાજા પર ટકોરા પડ્યા ને બહાર થી કોઈ સ્ત્રી નો અવાજ આવ્યો.

“નતાશા હજી કેટલી વાર?”

“બસ આવું છુ બે મિનીટ.” પોતાના વિચારોને ખંખેરી નતાશા એ માંડ જવાબ આપ્યો.

તેણે ફરીથી પોતાના અક્સ ને નિહાળ્યું, બે અશ્રુબિંદુઓ ગાલ પર સરી પડ્યા.

નતાશા એ જલ્દી થી બાજુમાં પડેલું કોમ્પેક્ટ ઉપાડી મેકઅપ ને લાસ્ટ ટચઅપ આપ્યું ને અરીસા સામે જોઈ પોતાને હિમત આપતી હોય તેમ બોલી પડી.

“ઇટ્સ ઓકે નતાશા, ચાલ હવે નવી શરૂઆત કરીએ.”

બનાવટી સ્મિત ચેહરા પર લાવી તેણે દરવાજો ખોલ્યો, ત્યાં પાંચ છ સ્ત્રીઓ તેને નીચે લઇ જવા તૈયાર જ ઉભી હતી. “આરવ કુમાર તો આમ પણ નતાશા પાછળ ઘેલા છે, આજે તો પાક્કું ફરીથી દિલ હારી બેસવાના તે.” સ્ત્રીઓમાંથી કોઈએ મસ્તીભર્યા સ્વરમાં કહ્યું અને બાકી બધી સ્ત્રીઓ હસી પડી. બસ નતાશાની આંખોમાં સહેજ કડવાશ છવાઈ ગઈ. તેને બધી વાતો એક એક કરીને યાદ આવવા લાગી...

પ્રાયમરી સ્કુલ થી એક જ સ્કુલ ને ટ્યુશન માં આરવ અને નતાશા સાથે ભણતા હતા. અને યોગનુયોગ કોલેજ પણ એક જ આવી.

નતાશા સુંદર હતી તો આરવ પણ સોહામણો હતો. બન્ને એકબીજા તરફ આકર્ષણ થવું સ્વાભાવિક હતું અને જે પ્રેમમાં પરિણમ્યું. બન્નેની જ્ઞાતિ અને ફેમીલી સ્ટેટ્સ પણ સમાન હોવાથી કોઈ જ તકલીફ નહોતી બન્નેના રીલેશનમાં.

પ્રેમ, લાગણી, સમજણ અને ઘેલછાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા આરવ અને નતાશા. ૯ વર્ષ પ્રેમસબંધમાં નાની મોટી તકરારો સિવાય ક્યારેય ઝઘડા થયા જ નહોતા બન્ને વચ્ચે.

પણ નતાશા કોઈ સામાન્ય છોકરી નહોતી, તેના સપના કંઇક અલગ હતા, નતાશા ને નાનપણથી જ પોતાની કંપની ઉભી કરવી હતી. તેણે હંમેશા સપના જોયા હતા કે ટાટા ગ્રુપ કે અંબાણી ગ્રુપની જેમ તેની પોતાની ઇન્ડસ્ટ્રી હોય, ભલે એટલી મોટી વર્લ્ડ લેવલે કંપની ના બને, પણ તેની કંપની બનાવવી જ તેનું ધ્યેય હતું. અને નતાશા ખાલી પ્લાનિંગ કરીને બેસી રહેવાવાળી નહોતી. કોલેજ પૂરી થતા જ તેણે પોતાની ટીમ બનાવી અને ઓફીસ રેન્ટ પર લઇ તેના સપનાની રાહ પર ચાલવાનું પણ શરુ કરી દીધું.

*

આટલા વર્ષોની બધી જ યાદોને પોતાની કાજળઘેરી આંખોમાં સમાવી તે પગથિયા ઉતરી નીચે આવી.

નીચે ઉતરતા તેની નજર બ્રાઉન કલરના કુર્તા પાયજામાં માં સજ્જ આરવ પર પડી. નતાશાના ગુલાબી હોઠો પર અનાયાસે જ કાતિલ મુસ્કાન છવાઈ ગઈ. આ એ જ આરવ હતો જેને તેણે દિલ ફાડી ને ચાહ્યો હતો. નતાશા ને ગમતા એવા જ સુંવાળા સહેજ લાંબા વાળ, તેજસ્વી કપાળ, ટ્રીમ કરેલી સહેજ એવી દાઢી, દિલ ખુશ કરી જાય એવી મુસ્કાન ને નતાશા ની પ્રિય એવી બદામી આંખો.

નતાશા અને આરવની આંખો એક ક્ષણ માટે મળી અને નતાશા ફરી યાદોમાં સરી પડી.

*

“નતાશા આ મહિના માં ત્રીજી વખત તું પ્લાન કેન્સલ કરે છે. આમ નહી ચાલે...” આરવ મોટા અવાજે ફોન પર રાડો નાખી રહ્યો હતો.

“આરવ પ્લીઝ બેબી સમજ ને, મારે અર્જન્ટલી વર્ક સબમિટ કરવું પડે એમ જ છે. આપણે કાલે સાંજે મળી લઈશું, પ્લીઝ” નતાશા બહુ શાંતિથી રીક્વેસ્ટ કરી રહી હતી.

“બેબ હું ફૂટબોલ મેચ જીતી ને આવ્યો છુ આજે, મારા અચિવમેન્ટની પાર્ટીમાં તું જ ના હો એ કેમ ચાલે?” આરવ હજી ધૂંધવાયેલો હતો

“આરવ પ્લીઝ મારાથી નહી નીકળાય, બહુ જરૂરી ના હોત તો હું ના પાડત.”

“તારું દરેક કામ જરૂરી જ હોય છે નહી? એક હું જ જરૂરી નથી તારા માટે, આની પહેલા આપણે ડીનર પર જવાનું હતું ત્યારેય તારે કોઈક જરૂરી ફોન ચાલતો હતો. એની પહેલા ફરવા જવું હતું ત્યારે મીટીંગ આવી ગઈ હતી. રોજ ઉઠીને કંઇક ને કંઇક ચાલુ જ હોય તારે નતાશા...” આરવ એકીશ્વાસે બોલ્યે જતો હતો.

“હું સમજુ છુ કે હું તને ટાઇમ નથી આપી શકતી પણ આરવ આ મારું કામ છે, મારે જે હાઇટ પર પહોંચવું છે એના માટે આ જરૂરી છે ને જાન...” નતાશા હજી આરવ ને શાંતિથી સમજાવતી હતી.

“તો તને તારા સપના સિવાય કંઈ નથી દેખાતું ને? ઠીક છે હવે હું તને નડીશ જ નહી. તું પહોંચે રાખ તારી હાઈટ પર...” અને આરવે ફોન કાપી નાંખ્યો.

નતાશા મનાવતી રહી તેને ૪ દિવસ સુધી પણ આરવ પર આ વખતે કોઈ ફર્ક જ નહોતો પડતો. અંતે થાકી હારી ને નતાશા આરવ ના ઘરે ગઈ અને તેને પ્રોમિસ આપ્યું કે હવે ક્યારેય આવું નહી કરે તે. આરવ પણ તેની આ વાત માની ગયો.

નતાશાના બીઝનેસનો આ પીકઅપ ટાઈમ હતો. તેને પોતાના પ્રોડક્ટ્સ ને ઈન્ટરનેશનલ માર્કેટમાં મુકવા હતા અને એટલે જ તે રાત દિવસ એક કરવા માંગતી હતી.

પણ તેનું તેના કામ પ્રત્યેનું સમર્પણ તેને આરવથી અને તેની ફેમીલીથી બહુ દુર લઇ જતું. રાત્રે ઓફિસેથી થાકીને ઘરે ગયેલી નતાશા સરખું જમી પણ ના શકતી તેમાં તે આરવ સાથે પ્રેમાલાપ કઈ રીતે કઈ રીતે કરી શકે?

નતાશાના મમ્મી પપ્પા પણ નતાશાના આમ કામ પાછળ આખો દિવસ ખર્ચી નાખવા પર ખુશ નહોતા. પણ એક ને એક દીકરીની જીદ સામે તે વિવશ થઇ જતા અને આ બધીજ વસ્તુ નતાશા ને આરવના ઝઘડાનું મૂળ હતી.

નતાશા એ ધાર્યું હતું કે આરવ ના બર્થડે પર તેને સરપ્રાઈઝ પાર્ટી આપીને તે તેની બધી જ ફરિયાદો દુર કરી નાખશે. તે ૧૫ દિવસ થી પ્લાનિંગ કરતી હતી. આરવની ફેવરેટ રેસ્ટોરન્ટમાં તેણે તેના બધા જ ફ્રેન્ડસ ને નજીકના ફેમીલી મેમ્બર્સ ને ઈન્વાઈટ કર્યા હતા.

નતાશા પણ તૈયાર થઈને નીકળતી જ હતી ત્યાં જ તેના મોબાઈલ પર ફોન આવ્યો કે ઓફિસે સર્વર ક્રેશ થઇ ગયું. નતાશા ને નાછુટકે ઓફીસ જવું પડ્યું. અને તે પોતાની જ આપેલી ૮ વાગ્યાની પાર્ટીમાં ૧ વાગે પહોંચી.

બધા જ મેહમાનો જઈ ચુક્યા હતા, કેક પણ કપાઈ નહોતી, ફક્ત આરવ, તેના મમ્મી પપ્પા ને નતાશાના મમ્મી પપ્પા હાજર હતા.

“ઓહો વેન્ચર સોફ્ટવેર સોલ્યુશનના માલિકને ટાઈમ મળી ગયો આવવાનો?” આરવ કટાક્ષમાં ઉભો થતા બોલ્યો. “આરવ આઈ એમ સોરી, સર્વર ક્રેશ થઇ ગયું હતું...” નતાશા લગભગ રડતા રડતા બોલી

“તારા માટે આજે ય એ સર્વર જરૂરી હતું નહી? હું નહી?” આરવ નો અવાજ અનાયાસ જ ઉંચો થઇ ગયો.

“એવું નથી આરવ, મારે જવું પડ્યું, પ્લીઝ સમજ...”

“શું સમજુ નતાશા? જે છોકરી ને મેં જીવથી વધારે ચાહી, મારા માટે સૌથી પહેલા જેને રાખી એને મારા માટે ટાઇમ જ નથી?” આરવ તેની એકદમ નજીક આવી બોલ્યો.

“આરવ, આ બધું આપણા માટે જ તો છે ને...” નતાશા રડતા રડતા બોલી.

“આપણા માટે? આપણે ક્યાં છીએ જ? બસ તું જ છે, તું, તારું સપનું ને તારું કામ. હું ક્યાં છુ આમાં?” આરવ પણ લગભગ રડી જ પડ્યો હતો.

“બેટા, ખોટું ના લગાડજો પણ આનો કોઈ રસ્તો હવે કાઢવો જ પડશે, આરવ ને રોજ આમ દુ:ખી હું નહી જોઈ શકું.” આરવના મમ્મી કવિતાબેન વચ્ચે જ બોલી ઉઠ્યા.

“સાચી વાત છે, અત્યારથી આમ થાય છે તો લગ્ન પછી તો શું ય થશે?” નતાશાના મમ્મી રેખાબેન પણ કવિતાબેન ને સમર્થન આપતા બોલ્યા.

“આરવ હું તને બહુ પ્રેમ કરું છુ. પણ હું મારા સપનાને ય એટલો જ પ્રેમ કરું છુ. મારે મારી પોતાની ઇન્ડસ્ટ્રી ઉભી કરવી છે આરવ, મને સાથ નહી આપ?” નતાશા એ આરવ ના બન્ને હાથ પકડી રડતા રડતા કહ્યું.

“ઓકે, તારે ઇન્ડસ્ટ્રી જ જોઈએ છે ને, હું બનાવી આપીશ, પપ્પાનો ટેક્સટાઈલ નો બીઝનેસ છે જ ને, એમાંથી જ ઇન્વેસ્ટ કરશું. પણ તું મારાથી દુર જઈશ એ નહી ચાલે.” આરવે નતાશા ના ગાલ પર હાથ મુકતા કહ્યું.

“આરવ, મારે મારી ઇન્ડસ્ટ્રી જોઈએ છે, મારી મેહનત અને આવડતથી, પ્લીઝ સમજ.” નતાશા એ રડતા રડતા સમજાવવાનો વ્યર્થ પ્રયાસ કર્યો.

“નતાશા, હું આમેય સોફ્ટવેરમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતો હતો, તું અને આરવ તે સંભાળી લો તેનાથી વધુ ખુશીની વાત કઈ હોય?” અત્યાર સુધી ચુપચાપ ઉભેલા આરવના પપ્પા પીયૂષભાઈ એ કહ્યું.

“થેંક્યું અંકલ પણ મારે...”

“નતાશા બે જ ઓપ્શન છે તારી પાસે, વેન્ચર કે હું?” નતાશા કંઈ બોલે તે પહેલા જ આરવે શરત મૂકી દીધી.

“આરવ પ્લીઝ વાત તો સાંભળ...” નતાશા એ તેને સમજવાનો પ્રયાસ કર્યો

“૨ દિવસનો ટાઇમ આપું છુ, વિચારી લે.” આરવ એટલું કહી નીકળી પડ્યો, તેના મમ્મી પપ્પા પણ પાછળ પાછળ નીકળી ગયા.

રેસ્ટોરન્ટથી ઘર સુધીના રસ્તામાં કોઈ કંઈ જ ના બોલ્યું. નાછુટકે એક ભારેખમ વાતાવરણ નતાશાની આસપાસ બની રહ્યું હતું.

“પપ્પા હું મારું સપનું નહી છોડી શકું, વર્ષો સુધી ખાલી એક જ વસ્તુ માટે તૈયારી કરી છે કે મારી પોતાની કંપની હોય. આટલે આગળ આવીને નહી થાય મારાથી...” ઘરે પગ મુકતા જ નતાશા બોલી પડી.

“તું આ શું બોલે છે? આરવ જેવો છોકરો તને ક્યાં મળવાનો હતો નતાશા? આટલો પ્રેમ કરે છે તને, તારા માટે અલગ કંપનીય ખોલી આપવા તૈયાર છે, તારે હજી શું જોઈએ છે?” રેખાબેનનું મગજ હવે છટક્યું.

“મમ્મી પણ મારા પોતાના સપનાઓ નું શું? મારી મહેનત નું શું?” નતાશા રીતસર રડી રહી હતી.

“તો શું આખી ઝીંદગી એ જ કરીશ? લગ્ન નથી કરવાના? અને આરવે કીધું તો છે કે એ ખોલી આપશે તને કંપની, સંભાળજે એને.”

“પણ મમ્મી...”

“પણ ને બણ કંઈ નહી, નવ વરસથી તું એની ભેગી ફરે છે, એ વાત બધાને ખબર છે, અમે આજે તારી ને આરવની સગાઈનું અનાઉન્સ્મેન્ટ જ કરવાના હતા પણ આ તો તે આ બધું કર્યું એટલે કંઈ ના થયું. તેલ લેવા ને ગયા બધા તારા સપના.” રેખાબેન એકશ્વાસે નતાશા ને કહી રહ્યા હતા.

“પપ્પા...” નતાશા એ હતાશ આંખો સાથે પપ્પા સામે જોયું.

“બેટા, આ બધું ક્યાં સુધી? અમને હતું કે તારો શોખ એક વખત પૂરો કરી લેવા દઈએ પણ રાતે તારું રોજ મોડું આવવું, કામનું આટલું ટેન્શન લેવું ને આમ હેરાન થવું મને પણ નહોતું જ ગમતું. આરવ સારો છોકરો છે, એના પિતાના બીઝનેસમાં સેટ થયેલો છે, તને બહુ પ્રેમ કરે છે, આનાથી બધું શું જોઈએ એ તો કહે?” નતાશા ના પપ્પા એ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું.

“આમેય કમાવું પુરુષોનું કામ છે ને ઘર ચલાવવું આપણું, નતાશા” રેખાબેન એ સમજાવતા કહ્યું.

નતાશા એ બન્ને ને સમજાવાની કોશિશ કરી પણ બન્ને માંથી કોઈ ના માન્યું. અંતે નતાશા એ હારી ને બધી વાત સ્વીકારી લીધી.

બીજા દિવસે તેણે આરવ ને કોફીશોપ પર મળવા બોલાવ્યો

“બોલ” આરવે બેસતા ની સાથે બેરુખી થી કહ્યું.

“આરવ આઈ લવ યુ.” નતાશા એ તેનો હાથ પકડતા કહ્યું.

“મને ખબર છે બેબ.” નતાશા ની ભીની આંખો જોઈ આરવ સહેજ ઢીલો પડ્યો. “તને ખબર છે આપણા પેરેન્ટ્સ આપણી સગાઈની વાત કરે છે?” નતાશા એ પૂછ્યું

“હા, મમ્મી એ કીધું કાલે, આવતી ૨૧ તારીખે...” આરવ સહેજ નીચું જોઇને બોલ્યો.

“આરવ મારે જીવવું છે તારી સાથે પણ જે સપના મેં વર્ષો થી જીવ્યા એના ભોગે કેમ?” નતાશા હજી રડી રહી હતી. “નતાશા, તને દુનિયાની બધી ખુશીઓ આપવાની જવાબદારી મારી. પણ તારી આ દુરી મારાથી સહન નહી થાય. મારો પ્રેમ માન તો પ્રેમ ને જીદ માન તો જીદ, સાંજ પડ્યે મને તું મારી બાહોમાં જોઇએ જ. અને આ તારી કંપની કે સપનાની દીવાલ આપણા વચ્ચે મને નહી જ ચાલે...” આરવ આટલું બોલી સહેજ અટક્યો.

“મારી પૂરી ઝીંદગી હું તારા નામ કરું છુ, તું ખાલી તારો સમય મારા નામે ના કરી શકે? અને હું ક્યાં રોકું છુ તારા સપના પુરા કરતા? તું કર બધું જ પણ આપણી કંપનીમાં, જ્યાંથી સાંજે ૬ વાગે તું ઘરે આવી ગઈ હોય, જ્યાં તારી જવાબદારીઓ તને મારાથી દુર ના કરે. અને જ્યાં મારા સિવાય તાર માટે કંઈ જ અરજન્ટ ના હોય.” આરવે પોતાના હાથની પકડ મજબુત કરી.

“ઓકે પણ આપણા પ્રેમનો તાજમહેલ મારા સપનાની લાશ પર બનશે એટલું યાદ રાખજે.”

*

ગોરબાપા નો અવાજ સાંભળી નતાશા તેના વિચારોમાંથી બહાર આવી. મહામહેનતથી રોકવા છતાં તેના અશ્રુબિંદુઓ તેના ગુલાબી ગાલો ને ભીંજવી રહ્યા હતા.

એટલામાં જ કવિતાબેન સગાઈ વીંટી આરવના હાથમાં આપતા બોલ્યા, “પહેરાવી દે મારી વહુને...”

અને આરવે ફિલ્મી સ્ટાઇલમાં નતાશા સામે હાથ ધર્યો. અને કોઈ રોબોટની જેમ પોતાનો હાથ આરવના હાથમાં આપતી નતાશા પોતાના સપનાઓની ચિતાની જ્વાળામાં ધીમે રહીને સળગતી રહી.

તેની અત્યાર સુધી ની બધી મેહનત પર પાણી ફેરવતા તેના મન મા બસ એક વાત આવી ને રહી ગઇ.

બની ગયો પ્રેમ એનો

કેદ સોનાની,

કાપી ગયો એ પાંખો,

મારા સપનાની...!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational