Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gopal Dhakan

Inspirational Others

4.9  

Gopal Dhakan

Inspirational Others

રોકડો હિસાબ

રોકડો હિસાબ

3 mins
827


શાળાનો સમય સવારનો હોય ત્યારે બપોરના સમયે ઘરે પહોંચવાનું થાય. ઉનાળાના દિવસોની શરૂઆત થઈ ચુકી હતી. વાતાવરણ સારું એવું ગરમ હતું.મારે અપડાઉન સાથે વિદ્યાર્થી કાળથી જ પનારો પડેલ એટલે હવે મુસાફરી થી કંટાળો આવે નહિ . બસની મુસાફરી દરમિયાન અવારનવાર નવા નવા માણસોને મળવાનું થાય. અલગ અલગ માણસોની નીતનવીન વાતોમાં રસ પડે. ક્યારેક કંઇક જાણવાનું પણ મળે.

એ દિવસ શનિવારનો દિવસ હતો. અને બે બસો કેન્સલ કે મોડી થયેલી. તેથી અમારી બસમાં ખાસ્સી ગીરદી હતી. લગભગ બપોરના સાડાબાર આસપાસ અમરેલી બસ સ્ટેશનમાં બસ ઉભી રહી. આખી બસ મુસાફરોથી છલોછલ ભરેલી હતી. કંડક્ટર સાહેબ પોતાની આગવી લઢણમાં બોલ્યા , “ચાલો , અમરેલીવાળાઆઆઆઆ...., આગળવાળા ૫ મીનીટનો બ્રેક છે.”

કોલાહલ કરતા અન્ય માણસો સામા ચડવા તડાપડી કરતાં દરવાજા સામે ગોઠવાઈ ગયા. ડ્રાઈવર પોતાની સીટ પરથી બેઠા બેઠા લોકોને શાંતિ જાળવવા અને મુસાફરોને પહેલા ઉતારવા દેવા સુચના આપી રહયા હતા. મારી સીટમાંથી ઉભો થઈ હું, બસમાંથી ઉતરવા માટે થોડો આગળ ચાલ્યો. આગળ લગભગ પાંચેક માણસો હતા. થોડો શોર બકોર હતો. લોકો જગ્યા રોકવા બારીમાંથી ડોકિયા કરતાં હતા. એવામાં, એક સ્ત્રી પોતાનો સમાન સીટમાંથી મહામુશ્કેલીથીં બહાર કાઢતી હોય તેવું લાગ્યું. સાથે બે નાના બાળકો જેમાંથી એકને તેડીને ચાલવું પડે તેવું...! ઉતરવાવાળાની ધક્કાધક્કી વચ્ચે હું તેમની નજીક પહોંચ્યો.

હજી તે પોતાનો સમાન કાઢી રહ્યા હતા. સામાન તેમની માટે ખાસ્સો વજનદાર દેખાતો હતો. એક બાળક સીટ પર જ ઉભેલું હતું અને એક બાળક જે તેમના હાથમાં તેડેલું હતું તે રડતું હતું. પેલી સ્ત્રીના ખંભે પણ એક નાનો થેલો લટકતો હતો. મેં કાઈપણ પૂછ્યા વિના , “લાવો બેન “ કહીને મોટો થેલો ઊંચક્યો. એટલે પેલા બેન પાછળ ચાલ્યા. લોકોની ઘણીભીડ વચ્ચેથી પસાર થઇ, બસમાંથી ઉતરીને હું સાત આઠ ડગલા આગળ ચાલ્યો. આગળ ચાલીને મેં થેલો જમીન પર મુક્યો. ત્યાં પેલા બેન પાછળ આવી પહોંચ્યા. મંદ સ્મિત સાથે તે બેને મારો આભાર માન્યો. હું કશું બોલ્યાં વગર બસ સ્ટેન્ડથી બહાર નીકળવા આગળ ચાલ્યો.

હું બસસ્ટેન્ડની બહાર ચાલતો ચાલતો મનોમન વિચારતો જતો હતો કે,”આ ગરમી પેલા બેનને તો વાંધો ન આવ્યો પણ આ ગરમી મારે ઘરે પહોંચવામાં ફીણ આવી જશે.” ઘર લગભગ એક- દોઢ કીલોમીટર દુર અને પોતાના વાહનની સગવડતા તે દિવસ પુરતી નહોતી થઈ શકી. ગરમીમાં ચાલવાનું હતું. આટલું વિચારતા હજુ બસ સ્ટેન્ડની બહાર નીકળી થોડો જ આગળ ચાલ્યો. ત્યાં એક અજાણી વ્યક્તિએ મારી બાજુમાં પોતાની બાઈક ઉભી રાખી. તે માણસ કોઈ ઓફિસર જેવો દેખાતો હતો તેણે મને કહ્યું, “સાહેબ , હનુમાનપરા બાજુ ચાલશો ?” હું હકારમાં માથું ધુણાવી તે ભાઈની બાઈક પર બેસી ગયો. ગરમી ખુબ હતી. એ સજ્જન માણસે મને લગભગ ઘર નજીક ઉતાર્યો. એમનો આભારમાની ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા , પાણીનો ગ્લાસ્ હાથમાં ધરતા શ્રીમતીજીએ ઘડીયાળસામું જોઈ સ્વાભાવિક રીતે પૂછ્યું, “આજે ચાલતા આવ્યા તોય પરસેવે રેબઝેબ થયા વિના ઘરે પહોંચી ગ્યા ? અને એ પણ આટલા જલ્દી ? પાણી પીતા પીતા ઝબકારા સાથે મને પેલા બસવાળા બેન અને તેનો થેલો ઉતારવાની આખી ઘટના ઝડપથી સ્મૃતિપટ્ટ પરથી પસાર થઇ ગઇ. પાણીનો છેલ્લો ઘુટડો ગળે ઉતારતા બોલી જવાયું,

“ઈશ્વરના રોકડા હિસાબના કારણે.“


Rate this content
Log in

Similar gujarati story from Inspirational