વરસાદને પત્ર
વરસાદને પત્ર
વાદળ આકાશ
ધરાની ઉપર,
તા. સૃષ્ટિ
જી. પૃથ્વી
તા. 17/ 7 /21
વિષય : વરસાદના રીસામણા બહુ થયા એને મનાવવા વિષે .
પ્રિય, વરસાદ
ઘણા સમયથી તારી કોઈ ખબર નથી. તેથી તારા ખબર અંતર પૂછવા પત્ર લખ્યો છે. આશા રાખું તું મઝામાં હશો.
ખાસ જણાવાનું કે તું ઉનાળો પત્યા પછી આવીશ એમ કહી વાયદો કરી ને ગયો હતો. પણ હજુ આવ્યો નથી. અહીં અમે બધા જ કાગ ડાળે તારી રાહ જોઈએ છે. સૂકા પડ્યા નદી.. નાળા..ને સરોવર પણ રાહ જુએ. ખેડૂત બાપડો તું સમયસર નહીં આવે તો રડી પડશે. કૃપા કર એના પર એ ધરતીના તાતને ના રડાવ. વૃક્ષ પરના પાંદડા તને બહુ યાદ કરે છે. એને પણ ઝરમર વરસાદમાં નહાવું છે. મોર તો તને બોલવી બોલાવી થાક્યા. પણ આ કેવી રીસ કે તું આવે નહીં. ચાતક જુએ તારી રાહ તું આવને. સમગ્ર સૃષ્ટિ તારી રાહ જોઈ છે તું આવ... ને... વરસાદ.
તારા દિવસોને ચોમાસાને પ્રેમની ઋતુ કહી છે. તારા આવવાથી દિલોમાં અનેરો રોમાંચ પ્રસરે છે. ભીની ભીની મોસમમાં પ્રિયજનનો સાથ ગમે છે. ઘડપણ ભૂલી જઈ લોકો તને માણે છે. બાળપણ તને ખૂબ યાદ કરે છે. જુવાનો તને પ્રેમ કરે છે. હવે તું બહુ ભાવ ના ખા. પત્ર મળતાજ તું ઝટ આવી જા.
ચાલ હું વાયદો કરું છું. તું આવે તો કોઈ તને નહીં પજવે. આ વરસાદમાં તો કપડાં સૂકાતાજ નથી એવું નહીં કહે. બહુ ગંદકી કરી એવું પણ નહીં કહે. ઓફિસ કે સ્કૂલે જવાના સમયે જ પડે છે એવું પણ નહીં કહે. લુચ્ચો વરસાદ એવું તો હરગીઝ નહીં.. બસ પ્રોમિસ. હવે તો આવીશ ને.
વરસાદ તું જલ્દી આવજે તને ઉની ઉની રોટલીને કારેલાનું શાક ખવડાવીશ.... હો... આવજે તું... સાથે વીજળી અને પવનને પણ લાવજે.
મારા પ્રણામ. હવે રિસામણાં રાખ્યા વગર જલ્દી પધારજો.
લિ. વર્ષા
