વિના વાંકે...
વિના વાંકે...
ચૈત્ર મહિનાની એ બળબળતી બપોર હજી મને યાદ છે. હું મારા નિત્યક્રમ મુજબ દુકાનેથી ઘરે જમવા જઈ રહ્યો હતો. મારી દુકાનથી ઘરે જતાં રસ્તામાં કનકેશ્વર મંદિર આવે છે. ત્યાંથી હું પસાર થતો હતો ત્યાં એક ભિક્ષુક જેવા લાગતા વૃદ્ધને મેં મંદિર બહાર બેભાન થઈને પડેલા જોયા. ચૈત્ર માસના 'દનૈયા' તપતાં હોય એવામાં કોઈ બપોરે ઘર બહાર નીકળવાની હિંમત પણ ન કરે એટલે આખી શેરી ઉજ્જળ જ હતી. માણસ તો શું ચકલુંય ફરકતું ન હતું. મને ધ્યાન ગયું પણ પહેલી નજરે તો એવું લાગ્યું કે કોઈ પી'ને પડ્યું હશે. પરંતુ તરત જ બીજો વિચાર આવ્યો કે 'કોઈ સાચે બીમાર હશે તો?' એ વિચાર આવતાં જ મેં મારી બાઈકને ત્યાં જ એક બાજુ પાર્ક કરીને હું તે વૃદ્ધ ભિક્ષુકની દિશામાં દોડી ગયો. તેમની દશા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. એકદમ લઘરવઘર વેશ અને સ્થૂળ શરીર પર ઠેરઠેરથી ફાટેલાં કપડાં. ઘસાઈ ગયેલી હથેળીમાં ત્રણ ચાર જગ્યાએ ફોલ્લા ઉપસી આવેલા. પસીનાથી રેબઝેબ કાળી ટાલ અને રૂક્ષ ચહેરામાં ખાડા પાડ્યા હોય એમ ઊંડી ઉતરી ગયેલી આંખો. તેતાલીસ ડીગ્રીના તાપમાં શરીર શેકાઈ ગયું હોય તેટલું ગરમ અને કાળુંડિબાંગ થઈ ગયેલું. મોઢામાંથી નીકળી ગયેલી લાળના લીધે મહિનાઓથી વધેલી દાઢી ભીંજાઈ ગયેલી. નીચલો હોઠ એક બાજુ ખેંચાઈ ગયેલો, હાથ એક બાજુ વાંકો વળી ગયેલો. આવી હાલત જોતાં, મેં પહેલાં તો તેમની નાડ જોઈ. નાડ અને શ્વાસ ચાલુ હોવાથી થોડી રાહત થઈ. મેં તરત જ તેમને ઉભા કરીને ઊંચકી લીધાં અને મંદિરની અંદર પ્રવેશતાં જ આવેલ સત્સંગના હોલમાં સુવડાવી દીધા. પછી તરત જ અમારાં ફેમિલી ડોક્ટરને ફોન કર્યો. બે ત્રણ વાર રીંગ વાગ્યા પછી ડોકટરે ફોન રીસીવ કર્યો. મેં તરત જ તેમને કનકેશ્વર મંદિરે આવવા વિનંતી કરી. થોડી આનાકાની પછી તેઓ આવવા તૈયાર થઈ ગયા. મેં ત્યાં સુધીમાં મંદિરમાં આવેલી પરબમાંથી પાણીનો ગ્લાસ ભરીને તેમાંથી થોડું પાણી એ વૃદ્ધનાં મોઢાં પર છાંટ્યું. પછી તેમનું માથું અદ્ધર કરીને હોઠ પાસે ગ્લાસ માંડીને એમને પાણી પીવડાવવાની કોશિષ કરી. માંડ એકાદ બે ઘૂંટ પાણી અંદર ગયું બાકીનું પાણી બહાર જ નીકળી જતું હતું. મેં ફરી એક વાર થોડું પાણી હાથમાં લઈને તેમનાં મોઢાં પર છાંટ્યું. આ વખતે થોડી અસર થઈ હોય તેમ તેમનાં ચહેરા પર થોડી હલચલ દેખાઈ. ડોક્ટર પંડ્યા સાહેબ પહોંચ્યા ત્યાં સુધી હું એક છાપું શોધીને હવા નાખતો રહ્યો.
તેમણે સૌ પ્રથમ તો સ્ટેથોસ્કોપથી એ વૃદ્ધનાં ધબકારા તપસ્યા. નાડી તપાસી પછી એક મોટું ઈન્જેકશન ભરીને કુલાના ભાગે લગાવ્યું. પછી અમે બંનેએ મળીને તેમને હોલમાં એક બાજુ લઈ જઈને સરખી રીતે સુવડાવી દીધાં. પંડ્યા સાહેબના કહેવા મુજબ એ વૃદ્ધને લૂ લાગી ગયેલી અને સાથે ખેંચ (વાઈ) પણ આવી હતી. ઇન્જેકશનથી થોડીવારમાં ભાનમાં આવી જવાનું જણાવી તેઓ જતાં રહ્યાં. હું થોડો અસમંજસમાં એ વૃદ્ધ વિશે વિચારતો રહ્યો. તેમની પડખે જ બેસીને મેં ઘરે પણ જાણ કરી દીધી કે મારે ઘરે આવતાં મોડું થશે. હું ક્યાંય સુધી એ વૃદ્ધને તાકતો રહ્યો. ધ્યાનથી નિરીક્ષણ કરતાં તો મને એવું લાગ્યું કે 'જો આ વ્યક્તિની સરખી સાફ સફાઈ કરવામાં આવે તો તો કોઈ સજ્જન વેપારી સદગૃહસ્થ જેવાં જ લાગે, પણ એવું જ હોય તો અહીં આવી રીતે ક્યાંથી...? તેમનું કોઈ જ નહીં હોય..?' આવા વિચારો સળવળતા હતા ત્યાં એમના શરીરમાં થોડો સળવળાટ થયો અને મારા કપાળ પર કરચલીઓ ઓછી થઈ. તેમણે ઉભા થવાની કોશિષ કરતાં મેં તેમને ઉભા થવામાં મદદ કરીને ભીંતનાં ટેકે એમને બેસાડ્યા. એ મારી સામે વિસ્મય ભરી નજરે જોઈ રહ્યા.
“બાબા તમે કોણ છો..? અહીં ક્યાંથી..?”
મારાં સવાલ સાભળીને એ થોડાં વધુ મૂંઝાયેલા જણાતાં મેં કહ્યું,
“બાબા હું આલોક, અહીં નજીકમાં જ રહું છું. દુકાનથી ઘરે જતો હતો ત્યારે તમને મેં મંદિર બહાર રસ્તામાં બેભાન પડેલા જોયા એટલે તમને અંદર લાવીને સુવડાવ્યા. ડોક્ટર પણ તમને તપાસીને ઇન્જેક્શન આપીને ગયા. તમે આરામથી બેસો.”
મેં તેમને વિગતે વાત કરતાં એમને ધરપત થઈ પણ એ માંડ તૂટક શબ્દોમાં થોડું બોલ્યા, “હું શેઠ મગનલાલ છું, અમદાવાદની પ્રખ્યાત મગનલાલ સુંદરજીની પેઢીનો માલિક....!” આટલું બોલતા જ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
બાબાની વાત સાંભળી મારી આખો આશ્ચર્યથી એકદમ પહોળી થઈ ગઈ. આટલી પ્રખ્યાત પેઢીના માલિક અને એ પણ આવી દશામાં...?
“પણ બાબા તમે અહીં ક્યાંથી..?” મેં બાબાને છાના રાખ્યા પછી પાણી આપતા પૂછ્યું.
“શું કહું બેટા..? સમયની બલિહારી છે બધી. હું અહીં મંદિર બહાર બેસીને ભિક્ષા માગતો હતો. બે દિવસ થી સરખું ખાધું પણ નથી....” તેઓ માંડ માંડ બોલી શકતા હતા. મને ત્યારે વધુ કંઈ પૂછ્યું યોગ્ય ન લાગતાં મેં એમને મારાં ઘરે જ લઈ જવાનું નક્કી કર્યું. એમને લઈ જવા માટે મેં મારાં બે ખાસ મિત્રોને મંદિરે બોલાવ્યા.
“બાબા તમે મારી સાથે મારા ઘરે જ ચાલો. તમે થોડું ખાઈ પી લેશો એટલે તમને સારું પણ લાગશે . એમણે હા-ના કરી પણ અમે ત્રણેયે આગ્રહ કરીને તેમને રીક્ષામાં બેસાડ્યા અને ઘરે લઈ ગયા. અમે લોકો પહેલાં માળે રહેતાં હોવાથી મારા ઘરે નીચેનો મોટો રૂમ હંમેશા ખાલી જ રહે. બાબાને ત્યાં જ મેં એક પલંગ રાખેલો હતો તેની પર પથારી કરીને સુવાડ્યા. મારાં બંને મિત્રોને બધી વાત કરી ત્યાં મારી પત્ની અનુ થાળી લઈને આવી ગઈ. બાબાને અમે ખૂબ પ્રેમથી જમાડ્યા. કેટલાંય દિવસો બાદ નિરાંતે જ્મ્યાની તૃપ્તિ તેમનાં ચહેરા પર સાફ દેખાઈ આવી. હું તેમને આરામ કરવાનું કહીને ઉપર જમવા માટે આવ્યો અને બન્ને મિત્રો પણ પોતાનાં ઘરે જવા રવાના થઈ ગયા.
તે દિવસે સાંજે જ નજીકમાં જ વાણંદની દુકાન ચલાવતાં મુકેશ વાણંદને મેં ઘરે બોલાવી બાબાની બાલ દાઢી કરવા કહી દીધેલું. મુકેશના ગયા બાદ અનુએ બાબાને નહાવાની વ્યવસ્થા કરી આપેલ. પપ્પાનાં એક જોડી કપડાં પણ આપી દીધેલાં જેથી હું ઘરે આવ્યો ત્યારે તો મને બાબા એક નવા અવતારમાં જ જોવા મળેલા. ત્યારે તે મગનલાલ શેઠ જ લાગતા હતા. ચહેરા પર તેમની રહીશી સાફ દેખાઈ રહી હતી. મેં પૂછ્યું,
“બાબા કેવું છે હવે તમને?”
“એકદમ સારું. બહુ દિવસે આજે હું મને મારા જેવો લાગુ છું. એ પણ તારા લીધે દીકરા.”
“બાબા, એ તો મારું સૌભાગ્ય કહેવાય કે આવી રીતે તમારી સેવા કરવા મળી. પરંતુ બાબા હવે તમે આ દશામાં કઈ રીતે? એનાં વિશે તો માંડીને વાત કરો.”
હું તેમનાં પડખે જ બેઠેલો અને અનુ સામે ખુરશી પર ગોઠવાઈ. બાબા તેમની કથની કહેવા લાગ્યા.
“બેટા, એક જમાનામાં હું બહુ મોટો વેપારી હતો. કિરાણાની જથ્થાબંધ બજારમાં મગનલાલ સુંદરજીની પેઢીનું બહુ મોટું નામ હતું. ભગવાનની દયાથી પત્ની પણ મને તારી પત્ની જેવી શાંત અને સરળ સ્વભાવની જ મળી હતી. લગ્નજીવનના પાંચ વર્ષમાં અમારે ત્યાં બે પુત્ર રત્નો પણ જન્મ્યા. જાણે કે ઠાકોરજીની અસીમ કૃપા અમારી પર વરસી રહી હોય તેમ બધી જ રીતે સુખી હતાં. ધંધામાં, કીર્તિમાં, પારિવારિક રીતે, શારીરિક રીતે બધી જ રીતે સુખી હતાં. બંને પુત્રોને પણ મેં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને ધંધામાં તાલીમ માટે દુકાને હાજરી અપાવવાનું પણ શરુ કરાવી દીધું. ધીમે ધીમે એ બંને ભાઈઓ પણ ધંધામાં સારી પકડ કરવા લાગ્યાં. એમને ધંધામાં જામી ગયેલા જોઈને મેં એમના લગ્ન કરાવી દેવાનું નક્કી કર્યું. એ વરસે જ બંનેના અમદાવાદમાં જ રહેતી શેઠ દ્વારકાદાસની પુત્રીઓ અને બે સગી બહેનો સાથે લગ્ન પણ કરાવી દીધું. મેં બંને ભાઈઓને ધંધાની તેમજ ઘરની જવાબદારી સોંપવાનું ચાલુ કરી દીધું અને હું નિવૃત્તિ તરફ વળવા લાગ્યો પણ ઠાકોરજી ને કંઈક જુદું જ મંજુર હોય એવું લાગ્યું. એક પ્રાણઘાતક હૃદયરોગના હુમલામાં મારી પત્ની મૃત્યુ પામી. ત્યારથી જ જાણે કે મારો ખરાબ સમય શરૂ થયો હોય તેમ લાગ્યું. હું સાવ એકલો પડી ગયો. શરૂઆતમાં જે પપ્પા પપ્પા કહીને ખૂબ માનભેર બોલાવતાં અને સાચવતાં એ બંને પુત્રો અને પુત્રવધુઓ મને ઘરની કોઈ વધારાની વસ્તુની જેમ તરછોડવા લાગ્યાં. ચોવીસ કલાક જેઓ મારી ચાકરી કરતાં અને મારો પડ્યો બોલ ઝીલતાં તે મને ધુત્કારવા માંડ્યા અને પાણીનો ગ્લાસ પણ ભરીને ન આપે એવી પરિસ્થિતિ થઈ ગઈ. ઉંમર અને ધુત્કાર વધતા મારી તબિયત પણ લથડવા લાગી. દિવસે દિવસે મારું વધુને વધુ અપમાન થવા લાગ્યું અને ઘરમાં તિરસ્કૃત બનતો ગયો. એક દિવસ પુત્રવધુ દ્વારા બોલવામાં આવેલા અપમાનના કડવા ઘૂંટ મારાથી સહન ન થયા અને હું પહેરેલા કપડાંમાં જ ઘર છોડીને ચાલી નીકળ્યો. અમદાવાદમાં તો કેટલાંય લોકો મને ઓળખતા હોવાથી હું ત્યાંથી આ બાજુ સૌરાષ્ટ્ર તરફ આવી ગયો. આમથી તેમ કેટલાંય દિવસો સુધી ભટકતો રહ્યો. થોડી ઘણી ભિક્ષા મળે તો એમ બાકી અન્નક્ષેત્રમાં કે ભંડારામાં જમી લેતો. એવી જ કોઈ જગ્યાએ રાત વાસો કરી લેતો. ફરતો ફરતો એક દિવસ વીરપુર પહોંચ્યો જલારામબાપાના ધામમાં થોડાં દિવસો પસાર કર્યાં તો બહુ સારું લાગ્યું. ત્યાંથી એક ભાઈએ મને જેતપુરના આ મંદિર વિશે કહ્યું અને હું અહીં આવી ગયો. થોડી લાલચ જાગી કે થોડી ભિક્ષા વધુ મળી જાય તો હું દ્વારકા મારાં ઠાકોરજીનાં ધામ સુધી પહોંચી જાઉં અને ત્યાં જ મારાં છેલ્લા શ્વાસ લઉં. પરંતુ એકાદ બે દિવસથી અહીં આવ્યા પછી તબિયત વધુ બગડી ગઈ. બે દિવસથી સરખું જમ્યું પણ ન હોવાથી અને ગરમીનાં લીધે ચક્કર આવી ગયાં અને હું રસ્તા પર જ લથડી પડ્યો.”
બાબાએ ક્યારથી રોકી રાખેલું ડૂસકું બહાર આવી ગયું. એમની આંખો છલકાય ઊઠી સાથે અમારી પણ.
“બાબા, આમ કોઈ વાંક ગુના વિના તમે કેટલી મોટી સજા ભોગવો છો...!! તમે એ લોકોને કેમ કંઈ કહ્યું નહીં..? તમે તો કાયદાનો સહારો કેમ ન લીધો..?”
“શું કહેવું બેટા? જેઓ લાગણી શૂન્ય બની ગયા હોય. છતી આંખે અંધ બની ગયા હોય એમને કહીને શું મતલબ? કાયદો તો છે પણ પોતાનાં જણેલાની વિરુદ્ધમાં લડીને શું મને શાંતિ મળવાની...? એ બધાંથી અંતે તો મને જ વધુ તકલીફ થવાની હતી.”
“તો પણ બાબા જે લોકોએ તમારી સાથે સાવ આવું નઠારું વર્તન કર્યું તેમને કંઈક સજા તો મળવી જ જોઈએ...!!”
“એમને સજા આપીને કે દુઃખી કરીને હું જ દુઃખી થઈશ. તેમનાં કર્મોનું ફળ ઠાકોરજી એમને આપશે. એમને જયારે પોતાની ભૂલ આપોઆપ સમજાશે ત્યારે થશે.”
“હમ્મ્મ...એ લોકોને જયારે ભૂલ સમજાય ત્યારે પણ ત્યાં સુધી તમે અહીં અમારી સાથે જ રહેશો. હું તમને ક્યાંય નહીં જવા દઉં.”
“તમારો ખૂબ ખૂબ આભાર બેટા, તમે જે કર્યું છે તે આમ પણ ઓછું નથી. હવે તો હું ઠાકોરજીના શરણોમાં જ રહેવા માગુ છું.”
“એ બધું પછી થઈ જશે. તમે હવે આરામ કરો.”
કેટલાંય વિચારો કરતો હું અનુને લઈને પહેલાં માળે આવી ગયો. ત્રણ ચાર દિવસ અમે બંનેએ બાબાની બરાબર સેવા ચાકરી કરી. તેમને પિતાની જેમ જ રાખવા લાગ્યાં. અમારી ચાકરી અને વર્તનથી તેમના ચહેરા પર નવી જ તાજગી અને પ્રસન્નતા જોવા મળી. રવિવાર આવતો હોય મેં અનુ સાથે ચર્ચા કરી બાબાને દ્વારકા દર્શન કરવા લઈ જવાનું નક્કી કર્યું.
રવિવારની જ વહેલી સવારે હું અને અવનિ બાબાને લઈને દ્વારકા જવા નીકળી પડ્યા. આખા રસ્તે બાબાના મુખેથી યમુનાષ્ટક અને બીજાં કેટલાંય સત્સંગના ભજન સાથે અમારાં માટે આશીર્વચનો સાંભળવા મળ્યાં. બાબાના મોઢે અમારાં માટે અપાર દુઆઓ નીકળતી રહી. દ્વારકામાં ભીડભાડમાં પણ બાબાને .અમે સારી રીતે દર્શન કરાવી શક્યા. દ્વારકાધીશ મંદિરની છપ્પન સીડી ઉતર્યા બાદ તેમને થાક જેવું વર્તાતા મેં બાબાને સામે જ ગોમતી ઘાટ પાસે આવેલા બાંકડા પર બેસાડ્યા. હું બાબા માટે લીંબુ સરબત કે એવું કંઈક મળે તો લેવા માટે ગયો. અનુ પણ ઘાટમાંથી થોડું આચમન લેવા માટે ગઈ. બાજુની જ દુકાનમાં લીંબુ સરબત મળી જતાં હું સરબત લઈને ઉતાવળા પગલે બાબા આવ્યો.
“બાબા, લો આ પી લો એટલે થોડું સારું લાગશે.”
મેં શરબત બાબા તરફ લંબાવ્યું પણ તેઓ સ્થિર નજરે નદી તરફ જોઈ રહ્યા હતા. મેં એમને ખભાથી હલ્બલાબ્યા ત્યાં બાંકડાની એક બાજુ તેઓ ગબડી પડ્યા અને મારાથી ચીસ પડાઈ ગઈ...
“બા..........બા..........!!!!!”
હું અને અનુ ક્યાંય સુધી બાબાના પગ પાસે બેસી રહ્યાં. બાબા એમની ઈચ્છા મુજબ ઠાકોરજીનાં ધામમાં જ એમની પાસે જ સિધાવી ગયેલા. બાબાની મરજી મૂજબ અમે એમની અંત્યેષ્ટિ પણ ત્યાં જ કરાવી. બીજા દિવસે અમે લોકો પરત ફરતાં હતાં ત્યારે અનેક વિચારો મને ઘેરી વળ્યાં.
“પેટ કાપી કાપીને જે મા-બાપ આપણને ઉછેરે છે, આખી જિંદગી આપણી દેખભાળ કરે છે. આપણા સપનાઓ પૂરા કરવા માટે પોતાનાં પ્રાણ પૂરે છે, શું એમનાં જીવનનાં થોડાં વરસો પણ આપણે તેમનાં માટે જીવી ન શકીએ..? શું તેમને સાચવી ન શકીએ..? તેમની ઈચ્છાઓ, તેમનાં સપનાં પૂરા કરવાની આપણી ફરજ નથી...? પોતાની આંગળી પકડીને જેમણે આપણને પા પા પગલી ભરાવતાં શીખવી હોય, ઘડપણમાં તેમને ખભો આપવાની આપણી ફરજ નથી..? જેમણે આંગળી પકડીને આપણને ઉગતો સૂરજ બતાવ્યો હોય એમના સંધ્યા ટાણે આપણે એમનો હાથ ન ઝાલવો જોઈએ? એમને પણ તેમનું અંતિમ ચરણ સુખમાં વિતાવવાનો હક્ક નથી...??’
મારી આંખો સકારણ ભીની થતી રહી પણ કાર ચાલતી રહી. રસ્તો ચાલતો રહ્યો. જીવન ચાલતું રહ્યું આમ જ અવિરત.
