સ્ટેશન જેતપુર
સ્ટેશન જેતપુર
સને ૧૯૯૭ની વાત છે. એ સમયે એમ.બી.એ.માં પ્રવેશ મેળવવા માટે જે તે સંસ્થાનું ફોર્મ ભરીને ત્યાંની પ્રવેશ પરીક્ષા આપીને પ્રવેશ મેળવવાનો રહેતો. બહુ જૂજ બેઠકો હોવાથી પ્રવેશ માટે દરેક સંસ્થામાં ખાસ્સો ઘસારો થતો.
મેં બી.બી.એ. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પછી એમ.બી.એ.ની પ્રવેશ પરીક્ષા માટે ભાવનગર જવાનું હતું. અમારે જેતપુરમાં બે રેલ્વે સ્ટેશન આવેલા છે. એક નવાગઢ કે જે વેરાવળથી મુંબઈના ટ્રેક સાથે જોડાયેલું છે અને બીજું જેતપુર સ્ટેશન જે ચાંપરાજપુર ગામ પાસે આવેલું છે જે જેતલસરથી ભાવનગરના ટ્રેક પર આવેલું છે. જેતપુરથી ભાવનગર જવા માટે હું અને મારો મિત્ર મહેન્દ્ર બંને નીકળ્યા.
મહેન્દ્રને અમે મયો કહીને જ બોલાવતાં. રાતે દસ વાગ્યાની ટ્રેન હતી એટલે જમીને અમે લોકો નવ વાગ્યે જ રીક્ષામાં બેસી ગયેલા. આદત મુજબ મયાએ વાતો કરવાનું ચાલુ કરી દીધું. પરીક્ષાની અને ભણતરની વાતથી તે ફિલ્મ અને પછી રાજકારણ પર પોતાનું જ્ઞાન પીરસતો રહ્યો અને હું એની હામાં હા કરતો રહ્યો.
‘ચરરરરરરર......!!’ સુમસાન રોડની એ ભેંકાર શાંતિને ચીરતો રીક્ષાની બ્રેકનો અવાજ વાતાવરણમાં ચોમેર ફેલાય ગયો.
“અરે! શું થયું ભાઈ? રીક્ષા કેમ રોકી એ પણ આટલી નિર્જન જગ્યા પર?”
રીક્ષાવાળાએ ગભરાયેલા અવાજે કહ્યું, “મેં રોકી નથી એની મેળે જ રોકાય ગઈ છે...!”
“જે હોય તે, તું જલ્દી જો કે શું થયું છે? અને જલ્દી અમને સ્ટેશન પહોંચાડી દે બાકી ટ્રેન ચૂકાઈ જશે.” મેં થોડાં ગિન્નાયેલા સ્વરે કહ્યું. મયો અચાનક બોલતો બંધ થઈ ગયેલો. એનાં ચહેરો પસીનાથી રેબેઝેબ થઈ ગયેલો. એની નજર પણ ડાબી બાજુ આવેલી એક જગ્યા પર ચોંટેલી હતી. રીક્ષાવાળો નીચે ઉતરીને રીક્ષાનો ફોલ્ટ રીપેર કરતો હતો પણ એવું લાગતું હતું કે તેને કાંઈ સમજાતું નથી.
“મયા, કેમ તું સાવ ચૂપ થઈ ગયો? અને ત્યાં શું છે તે ક્યારથી ત્યાં જ જોયા કરે છે?” મેં એ જગ્યા બાજુ ઈશારો કરતાં પૂછ્યું.
“તને ખબર નથી? અહીં મામાદાદાનું મંદિર આવેલું છે?”
“ના, નથી ખબર. પણ તો એનું શું?” મેં એકદમ લાપરવાહીથી જવાબ આપ્યો.
“આ જગ્યા જ ભારે છે એટલે આપણી રીક્ષા અહીં આવીને અટકી છે. મને તો બહુ બીક લાગે છે યાર. ક્યારનો હું ત્યાં વડલા સામે જોઉં છું મને તો એમાં ચિત્રવિચિત્ર આકૃતિઓ દેખાય છે.”
“અલ્યા એવું કાંઈ ન હોય. અંધારાના કારણે તને એવો ભાસ થાય છે અને તારી અંદરનો ડર આ બધું...” મારું વાક્ય અધૂરું હતું ત્યાં જ રીક્ષા ચાલુ થઈ ગઈ.
“લે જો, હું કહેતો હતો ને કે એવું કંઈ ન હોય. અને હજી તો સવા નવ થયા છે રસ્તા પર આટલી આવક જાવક છે ને શું તું પણ...?” મારા શબ્દોથી મયાને ખાસ રાહત થઈ હોય એવું લાગ્યું નહીં ઉલટું રીક્ષાવાળો મયાની વાત સાંભળી ગયો હોય એવું લાગ્યું. તેણે મારંમાર રીક્ષા ભગાવી. અમને સાડા નવ વાગે સ્ટેશન પર પહોંચાડી દીધાં.
સ્ટેશન પર ખાસ કોઈ હતું નહીં, સ્ટેશનની આસપાસ પણ સાવ સુનકાર હતો. ચાંપરાજપુર ગામ સામે જ દેખાતું હતું. જેમાં કોઈ છુટ્ટાછવાયા ઘરે બહાર બલ્બનો આછો પ્રકાશ દેખાતો હતો બાકી માણસ નામે પણ કોઈ દેખાતું નહીં હતું. અમે ટીકીટ લઈને સ્ટેશન પર પ્રવેશ્યા.
સ્ટેશન માસ્તર સિવાય એક આધેડ ઉમરનો લાઇટમેન જ સ્ટેશન પર હતો. તે મયાના ચહેરા પરનો ભય પારખી ગયો હોય તેમ તેની સામે અજીબ નજરે જોતો હતો. હજી દસ નહોતા વાગ્યા છતાં મયાના ચહેરા પર બાર વાગેલા હતાં.
મેં પરીક્ષાની અને આમતેમની વાતો કરીને તેનું મગજ બીજી જગ્યાએ વાળવાની કોશિશ કરી. ટ્રેનનો સમય થતાં થતાં તે થોડો રાહત પામ્યો હોય એવું લાગ્યું.
ટ્રેનમાં સ્લીપર કોચમાં બુકિંગ હોય અમે બંનેએ લંબાવ્યું. મયો તો તરત જ પડખું ફરીને સુઈ ગયેલો પણ મને મોડા સુવાની આદત ખરી એટલે હું ક્યાંય સુધી વિચારોમાં અટવાતો પછડાતો પડખાં ઘસતો રહ્યો.
સવારે પાંચ વાગ્યે વરતેજ આવ્યું ત્યારે માંડ માંડ ઊંઘ ડી. અમે ભાવનગર ઉતરીને સ્ટેશન પાસે જ આવેલાં એક નાનકડાં ગેસ્ટ હાઉસમાં રૂમ રાખીને થોડીવાર આરામ કર્યો. અગિયાર વાગે પરીક્ષા આપવા જવાની હોવાથી અમે સાડા નવ વાગ્યા આસપાસ ગેસ્ટ હાઉસ પરથી નીકળી ગયા. ધાર્યા કરતાં પરીક્ષા વધુ સારી જતાં હું અને મયો બંને ખુશખુશાલ હતાં. પરીક્ષા પતાવીને અમે ભાવનગર ફર્યા રાતે આઠ વાગે ફરી ટ્રેન પકડવાની હોય અમે લગભગ સાડાસાત વાગે જ સ્ટેશન પર આવી ગયેલાં. આખા દિવસનો ખુબ થાક લાગેલો હોય તે દિવસે તો મને પણ ટ્રેનમાં લંબાવ્યા સાથે જ ઊંઘ ચડી ગયેલી.
“એ ભાઈ ઊઠો જલ્દી, જેતપુર સ્ટેશન આવી ગયું.” અમારી સામેની સીટવાળા ભાઈએ અમને ઉઠાડ્યા. ટ્રેન લગભગ ઉપડી જ ગયેલી અને અમે માંડ માંડ સ્ટેશન પર ઉતરી શક્યા. રાતનાં પોણા ત્રણ જેવો સમય થયો હતો. અમને એટલી ગાઢ ઊંઘ ચડી ગયેલી કે જેતપુર સ્ટેશન આવ્યું તો પણ ઊંઘ ઉડી નહોતી. સારું થયું પેલા ભાઈએ અમને ઊઠાડી દીધાં બાકી અમે જેતલસર પહોંચી જાત. સ્ટેશન પર કોઈ દેખાયું નહીં.
હું અને મયો આંખો ચોળતાં ચોળતાં બહાર આવ્યા. અમને એમ હતું કે એકાદ રીક્ષા મળી જશે પણ જોયું તો કોઈ રીક્ષા હતી નહીં.
“હવે?” રાતને પી ગયેલું અંધારું જોતાં જ મયાએ ધ્રુજતા અવાજે પ્રશ્ન કર્યો.
“હવે શું? થોડીવાર સ્ટેશનનાં બાંકડા પર લંબાવીએ, સવાર પડતાં જ કોઈક વાહન મળી જશે. મયાને મારી વાત ગળે ઊતરી. અમે ફરી સ્ટેશનની અંદર આવ્યા અને બંનેએ એક એક બાંકડા પર લંબાવ્યું. હજી તો આંખ બંધ કરી ન કરી ત્યાં એકસાથે કેટલીએ સમડીના અવાજે વાતાવરણને ભયજનક બનાવી દીધું. માંડ કરીને શાંત થયેલો મયો ફરીથી હચમચી ગયો. એ થરથર ધ્રુજતો મારી પાસે આવ્યો.
“આટલી સમડી એક સાથે કોઈ ભૂતિયા જગ્યા પર જ હોય, નક્કી અહીં કંઈક અજુગતું થવાનું લાગે છે.”
“અરે ના, એવું કાંઈ ન હોય, તું ખોટો દર નહીં અને સૂઈ જા થોડીવારમાં સવાર પડી જશે.”
“ના, મારે અહીં નથી રોકાવું. તું પ્લીઝ મારી સાથે ચાલ આપણે ચાલીને જતાં રહીએ.” મયાને ગળગળો થયેલો જોઈને હું માની ગયો.
અમે અમારો સામાન લઈને સ્ટેશનથી ઘર તરફનું પાંચ કિલોમીટર અંતર કાપવા ચાલી નીકળ્યાં. સ્ટેશનથી માંડ બસો મીટર આગળ ચાલ્યાં ત્યાં એક સાથે વીસેક ગધેડાં ખુલ્લાં મેદાનમાં ફરતાં જોયાં. એ જોતાં તો મારા મનમાં પણ થોડો ભય પેસી ગયો કારણકે ગધેડાં આટલી મોડી રાતે આટલી સંખ્યામાં ત્યાં ક્યાંથી હોય? મેદાનની પાછળ જ જૂનું સ્મશાન દેખાયું.
તેમાં દૂરથી કોઈ ચિતા બળતી દેખાય જે અશક્ય હતું કારણકે હવે જૂનાં સ્મશાનનો કોઈ ઉપયોગ કરતું ન હતું. આ દ્રશ્ય જોઈને અમને બંનેને પરસેવો વળી ગયો. અમે ઉતાવળા ચાલવા લાગ્યા. સ્મશાનની બાજુ ન જોવું હતું છતાં જોવાઈ જતું હતું.
રસ્તો એક્દમ સુમસામ હતો. ન તો કોઈ વાહનોની અવરજવર હતી કે ન તો માણસોની. અમે ફાટકની ગોળાઈ ઝડપભેર પસાર કરી ગયા જેથી સ્મશાન દેખાતું બંધ થઈ ગયું. અમને થોડો હાશકારો થયો. ફાટકથી આગળ નીકળતાં જ મયાએ પાણીની બોટલ કાઢી જેવો તે પાણી પીવા ગયો જાણે કોઈએ બળજબરીથી બોટલ ઊંધી વાળી દીધી હોય તેમ બધું જ પાણી રસ્તા પર ઢોળાઈ ગયું.
આ ઘટનાથી હું પણ ધ્રુજી ગયો. મને પણ કંઈક અનહોની થવાના અણસાર આવવા લાગ્યાં પણ મેં મયાને મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલુ કરવા કહી દીધું.
અમે બંને એક બીજાનો હાથ પકડીને રસ્તા પર ચાલતા હતાં ત્યાં અચાનક અમારો હાથ કોઈ છોડાવતું હોય એવું અમને વર્તાયું. જેટલી અમે બંનેએ પકડ મજબુત કરી તેનાથી બમણા જોરથી કોઈ અમારો હાથ ખેંચતું હોય તેવું વાર્તાયું. આખરે અમારો હાથ છુટી જ ગયો. મયાના હાથમાંથી બેગ પણ છૂટી ગઈ. તે બેગ લઈને દોડવા જતાં તરત જ રસ્તા પર પટકાયો.
મેં એને જેમ તેમ કરીને ઊભો કર્યો અને ધીરજ રાખવા કહ્યું. અમે ફરી એકબીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યાં. સ્ટેશનથી માંડ દોઢેક કિલોમીટર ચાલ્યા હોઈશું. ત્યાં રસ્તા પર એક વીસેક ફૂટ ઊંચો સફેદ પડછાયો દેખાયો. અમારાં હોશકોશ ઊડી ગયા. પડછાયો રસ્તા પર અમારી આગળ ઝડપથી ચાલતો અને બહુ આગળ નીકળી જતો હતો ફરી પાછો અમારાથી થોડે જ આગળ આવીને ફરી ચાલવા માંડતો. અમને કંઈ સમજાતું ન હતું પણ અમે હિંમતભેર ચાલવાનું ચાલુ રાખ્યું.
અમે થોડું વધુ આગળ ચાલ્યાં ત્યાં મામાદાદાનું મંદિર દેખાયું જ્યાં અમારી રીક્ષા બંધ પડી ગયેલી. એ દેખાતાં જ મયો ટાઢો પડવા લાગ્યો. પેલો પડછાયો પણ એ મંદિરની ફરતે ભ્રમણ કરવા લાગ્યો હતો. એ જોઈને મયાના પગલા આપોઆપ અટકી ગયા. એની ધ્રુજારી વધી ગઈ હતી અને પરસેવાથી લથબથ શરીર એકદમ ટાઢુંબોળ થઈ ગયું હતું. મેં તેણે બહુ સમજાવ્યો અને કહ્યું કે થોડે દૂર દેખાતી ગોળાઈ જો આપણે પાર કરી જઈએ તો ત્યાંથી શહેરી વિસ્તાર શરુ થઈ જાય છે એટલે ત્યાં કંઈક ને કંઈક વાહન મળી જ જશે. હું મયાને સમજાવતો હતો ત્યાં પાછળથી મારા ખભા પર કોઈક બિહામણા ચહેરાવાળી વ્યક્તિએ હાથ મૂક્યો અને મયો ડરના માર્યો રાડ પાડી ગયો. મેં પાછળ ફરીને જોયું તો પેલો લાઇટમેન જ હતો જે અમે આગલા દિવસે સ્ટેશન પર જોયેલો.
“તમે અહીં શું કરો છો? ભાગો જલ્દી અહીંથી, આ મામાનું થાનક છે તમને ભાન નથી.”
“હા, કાકા પણ અમને કોઈ વાહન નહીં મળે અહીંથી?” મેં પૂછ્યું ત્યાં મને દૂરથી કોઈક વાહનની લાઇટ દેખાઈ. વાહન જોઈને અમને હિંમત આવી. હું કાકાને કહેવા જતો હતો ત્યાં તો પાછળ કોઈ જ નહીં. હું અને મયો અત્યંત ગભરાઈ ગયેલા. વાહનની લાઇટ નજીક આવતી હોવાથી અમે એ દિશામાં આગળ વધતાં ચાલ્યાં. લાઇટ પણ અમારી નજીક આવતી હતી. અચાનક મને એવું લાગ્યું કે એ ટ્રક જેવું ભારે વાહન અમારી તરફ જ ધસી આવતું હતું. અમે કાંઈ સમજી શકીએ એ પહેલાં જ ‘ધડામ’ કરતો ટ્રક અમારી પર ચડી ગયો.
મારી આંખ માંડ માંડ ખુલી. બાજુનાં ખાટલા પર મયો બેભાન પડ્યો હતો. સૂરજ મધ્યાહ્ને હતો. મેં મારા શરીર પર એક નજર નાખી તો હું સહીસલામત હતો. મેં આજુબાજુ જોયું તો ઝુંપડપટ્ટી હતી. જેમાં એક ઝુંપડાની બહાર ખાટલા પર અમે સૂતેલા હતાં. હું માંડ કરીને બેઠો થયો. મગજ એકદમ ચકરાતું હતું. ત્યાં ઝૂંપડીમાંથી એક વૃદ્ધ પાણી લઈને બહાર આવ્યા. ફરી એકવાર મારા ધબકારા એકદમ વધી ગયા. પાણી આપવા વાળો એ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ રાતવાળો લાઇટમેન હતો...!
