વિજયની સફર ભાગ-૨
વિજયની સફર ભાગ-૨
વિજય સપનાનો થેલો લઈ હવે નવી જિંદગીનાં ડગલાં માંડવા જતો હતો. હવે સવારના નવ વાગ્યા હતાં. તેને વિચાર આવ્યો કે મારે જો અમદાવાદમાં રહેવું હોય તો શરૂઆતમાં નાનું-મોટું જે કામ મળે તે કરવું પડશે. ત્યારબાદ વિજય કામની શોધમાં નીકળી ગયો. તે ફરતો ફરતો ઓઢવના ઘણા વિસ્તારમાં પહોંચ્યો પણ તેને કોઈએ કામ આપ્યું નહીં. વિજય ઓઢવની ગલીઓમાંથી ચકાચક રસ્તા પર આવ્યો અને વિચાર્યું કે ધોમધખતા તાપમાં જે કામ મળે તે પણ કરી લઉંં, પરંતુ ઘણું ફર્યા પછી થાકીને વિજય છાયામાં એએમટીએસના એક બસ સ્ટેન્ડમાં બેઠો. વિજય રૂમાલથી મોઢું લૂછી રહ્યો હતો અને તેના ચહેરા પર નમી જોવા મળતી હતી. સતત વિચાર કર્યા કરતો હતો કે કોઈ રસ્તો મળે તો સારું. તે જ સમયે એએમટીએસના બસ સ્ટેન્ડ પર એક દેખાવડો યુવક કાનમાં ઈયર ફોન ભરાવીને કંઈક સાંભળી રહ્યો હતો.
વિજયને થયું કે આ યુવકને વાત કરું, કદાચ તે મને મદદ કરશે. વળી, પાછો તેને એવો પણ વિચાર આવ્યો કે તેને કેવું લાગશે. વિજયને થયું કે જો હું કોઈ સાથે વાત નહીં કરું અને આવી રીતે ભટક્યા કરીશ તો મને કેવી રીતે કામ કે નોકરી મળશે.
ત્યારબાદ વિજયે તે યુવક સાથે વાત કરી. વિજયે તે યુવકને કહ્યું કે કેમ છો ભાઈ. હું અમદાવાદમાં પહેલી વાર આવ્યો છું. અમદાવાદમાં મેં કશું જોયું નથી અને મને કોઈક જગ્યાએ કામ મળે તે માટે હું સવારનો ફરી રહ્યો છું. શું તમે મને મદદ કરશો. તેણે આમ કહેતાં તે યુવકે કહ્યું કે હા ભાઈ, કેમ નહીં, બોલો, હું તમને શું મદદ કરી શકું.
તે યુવકે વિજયને કહ્યું કે મારું નામ અભિષેક છે અને હું અહીંયાં (ઓઢવમાં) જ રહું છું અને ગુજરાત યુનિવસિટીમાં અભ્યાસ કરું છું. વિજયે અભિષેક સાથે તેના પરિવાર કે બીજી કોઈ પણ વાત કરી ન હતી. વિજય અભિષેકને અમદાવાદમાં કામ ક્યાં મળે તે અંગે પૂછતો હતો. ત્યારબાદ અભિષેકે વિજયને કહ્યું કે તને ક્યાંક નોકરી કે કામ મળે તે માટે હું મારા મિત્રો તેમજ મારા પિતાને વાત કરીશ. તને ગમે ત્યાં કામ તો મળી જશે પણ આજે ને આજે કામ મળવું એ થોડું મુશ્કેલ છે, પરંતુ અભિષેકે વિજયને વિશ્વાસ અપાવ્યો કે ગમે ત્યાં તને સેટ કરી દઈશ. વિજયે અભિષેકને કહ્યુંઃ 'દોસ્ત
તમારો ખૂબ ખૂબ આભાર.'
અભિષેક વિજય સાથે વાત કરતાં કરતાં તેને પૂછે છે કે તું અમદાવાદમાં ક્યાં રહીશ. તું જમ્યો કે નહીં, જો ના જમ્યો હોય તો મારી સાથે ચાલ, તને ક્યાંક જમાડું. આજનો દિવસ મારા ઘરે ચાલ. તેણે આમ કહેતાં વિજયે કહ્યુંઃ ના દોસ્ત, હું ક્યાં તમારા ઘરે આવું. હું ગમે ત્યાં આજની રાત કાઢી નાખીશ. ત્યારબાદ અભિષેકે તેનો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે કંઈ પણ કામ હોય મને ફોન કરજે. હું તને મદદ કરીશ. અભિષેકે વિજયને એમ પણ કહ્યું કે રાતે ઓઢવ ચાર રસ્તા પાસે તું મને મળવા આવજે. અમે ત્યાં બેસીએ છીએ. રાતે મારા મિત્રો સાથે પણ તારી મુલાકાત કરાવીશ. તને કોઈ જગ્યાએ કામ મળે તેવું ગોઠવી આપીશ.
ત્યારબાદ અભિષેકની બસ આવી જતાં તે વિજયને બાય કહીને બસમાં જાય છે. બસમાં ખૂબ ભીડ હતી. તેમ છતાં ધક્કામુક્કીમાં તે બસમાં ચઢી ગયો. બસ થોડે આગળ ગઈ ત્યારે તેની આસપાસ ઘણાબધા છોકરા ઊભા હતાં અને તે બસમાં ધક્કામુક્કી કરી રહ્યા હતાં. બસમાં તેની નજીક એક છોકરી ઊભી હતી અને અમુક છોકરા તેને ગંદી રીતે સ્પર્શ કરી રહ્યા હતાં. અભિષેકની નજર તેમના પર પડી, પરંતુ તે કંઈ બોલી શક્યો નહીં. ત્યારબાદ છોકરાએ છોકરીને ગંદી રીતે સ્પર્શ કરતાં અભિષેકે ત્રણ-ચાર છોકરાને સીધી રીતે ઊભા રહેવા કહેતાં તેઓ ગુસ્સે થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે અભિષેક સાથે બસમાં માથાકૂટ કરી માર માર્યો હતો, જોકે અભિષેકે પણ તેમને ખૂબ ફટકાર્યા. દરમિયાન અભિષેકના મિત્રો કે જેઓ બસમાં આગળ ઊભા હતાં તેઓ પણ આવી જતાં તેમની વચ્ચે સામસામે મારામારી થઈ હતી. ત્યારબાદ કંડકટરે બસ સાઈડમાં ઊભી રખાવતાં ચાર છોકરા અભિષેકને જોઈ લેવાની ધમકી આપીને નાસી ગયા હતાં.
ઓઢવ પાસે રાતના સમયે વિજયને કેટલાક લોકો નિર્દય રીતે મારી રહ્યાં છે અને કોઈ તેને બચાવવા માટે પણ જતું ન હતું. તે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યારબાદ શું થયું હશે ? તે અભિષેકને મળ્યો હશે ? કે પછી અભિષેક વિજયને મળ્યો હશે ? તેને કોઈક જગ્યાએ કામ મળ્યું હશે ? આ લોકોએ વિજયને કેમ માર્યો હશે ? વિજય તો હજુ આજે જ અમદાવાદ આવ્યો છે, અમદાવાદમાં શું થયું હશે તે અંગે ઘણા બધા પ્રશ્ન છે. વાંચતા રહો..