વ્હાલી મમ્મી
વ્હાલી મમ્મી


વ્હાલી મમ્મી,
મારે તને આજે એ બધું જ લખવું છે, જે હું વિદાય થયાં પછી કદાચ હું નથી કહી શકી, ઊભાં ઊભાં મળવા આવી જતી. તારાં લાખ રોકાઈ જવાના આગ્રહ છતાં હું ઉતાવળમાં હોતી, તને સરખી ભેટવા પણ નહોતી રોકાતી અને તારો ફોન આવે ત્યારે તને સાંભળ્યા વગર કહી દેતી મમ્મી મોડા કરું કોલ અત્યારે થોડી કામમાં છું, છતાં તું ભલે બેટા એમજ કહેતી.
મમ્મી આજે પત્ર લખી એ બધું કહેવું છે તને, હું જાણું છું મારાં વગર કહ્યે તું મારો બધો હાલ સમજી જ જાય છે, ને હું નજર મેળવ્યા વગર તારાંથી આઘી પાછી થઈ જઉ છું.
મમ્મી સાંભળને... બાળ રમતમાં અંચાઈ થતી ત્યારે મારો પક્ષ લઈ તું ઉધડો લેતી હતી, બધાનો ને હું તારા પાલવ પાછળ સંતાઈને એક સુરક્ષિત હાશકારો અનુભવતી. આજે જિંદગીમાં કદાચ કોઈ અન્યાયનો કે અંચાઈનો ભોગ બનું તો તું મને ફરીથી એ જ તારા પાલવનો સુરક્ષિત કવચ આપીશ જાણું છું. પણ મમ્મી જિંદગીથી નાસીપાસ થઈને નહીં પણ ભાગદોડ ભરી જીંદગીની રમતમાં હું કદાચ હું ઠોકર ખાઈને લથડી પડું કે આઉટ થવાની અણી પર આવી જઉં તો ? તું મને મને ફરીથી તારા એ જ પાલવના સુરક્ષિત કવચમાં સંતાડી દઈશને ?
હું આજે પણ તારું બાળક જ છું, જે ક્ષણે ક્ષણે તારા થકી હાશકારાનો અનુભવું છું મને આજે પણ તારા ખોળામાં એ જ હાલરડાંની લઈ સાંભળવી છે મમ્મી, મારી ખુશી માં હું તને ક્યારેક ભૂલી જાઉં છું ને દર્દમાં તને પહેલા યાદ કરું છું છતાંય, તું હમેશા તારાં પાલવનું એ કવચ મને આપ્યા કરે છે. લવ યું મોમ.