jayprakash santoki

Drama Horror

3.2  

jayprakash santoki

Drama Horror

વાર્તા - રાત

વાર્તા - રાત

4 mins
669


શહેરના સાવ અજાણ્યા વિસ્તારમાં આજે મયુર જઈ રહ્યો હતો. સાંકડી ગલીઓ, બંને તરફ કચરાની ઢગલીઓ વચ્ચે મયુર લોકલ ટ્રેનની માફક પસાર થઈ રહ્યો હતો. શહેરની આ જૂની પોળમાં છેક છેલ્લે રહેલા મકાનનો દરવાજો ખટખટાવતા તેને સાદ કર્યો"પંડયાજી છે?" કાટ ખાઈ ગયેલ દરવાજો કર્કશ અવાજ સાથે ખુલ્યો અને પંડયાજી પ્રગટ થયા. "આવો" પંડયાજી બોલ્યા. "જી,ટીવીમાં જે જાહેરાત આવે છે એ આપની જ છે ને?"મયુરે ખાતરી કરવા સવાલ કર્યો. પંડયાજીએ હકારમાં જવાબ આપી અને મયુરને દીવાનખંડમાં લઇ ગયા.


   સફેદ ધોતી, અર્ધ પારદર્શક ઝભ્ભો અને ઝભ્ભામાંથી દેખાતી ઝાંખી ઝાંખી જનોઈ, કપાળમાં કરેલું મોટું બધું તિલક એ મયુરને પોતાનો જવાબ મળી જશે એવું આશ્વાસન આપી રહ્યા હતા.

"બોલો શું કામ છે?" પંડયાજીએ વાત આગળ વધારી.થોડા સંકોચ અને ખચકાટ સાથે મયુરે વાત માંડી."આમ તો હું આ બધી બાબતમાં માનતો નથી પણ છેલ્લા દસ દિવસથી જે થઈ રહ્યું છે એ માન્યા વગર છૂટકો પણ નથી.રાત્રે જ્યારે ઘરે આવું છું ત્યારે કોઈ અનોખી સ્ત્રી મને નજર આવે છે. હાથમાં કંકુ ચોખાની થાળી લઈ મારા તરફ આવે છે અને હું રોજ ભાગીને ઘરમાં ઘુસી જાઉં છું.સાચું કહું હું દસ દિવસથી ઊંઘી નથી શકતો. પ્લીઝ પંડયાજી મને બચાવો. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે."મયુરે એકી શ્વાસે આખી ઘટના પંડ્યાજીને કહી સંભળાવી.


   પંડ્યાજી એ મયુરને સાંત્વના આપી અને એ દરમિયાન ચા અને પાણી આવ્યા. મયુરે ઔપચારિકતા પૂરી કરવા ચા પીધી પણ ચાનો સ્વાદ તેની જીભ સુધી પહોંચતો ન હતો. ચા પાણીનો કાર્યક્રમ પૂરો કરી પંડયાજીએ કાલીમાતાની છબી સામે દીવો કર્યો. આંખો બંધ કરી ધ્યાનસ્થ થયા. જમણા હાથમાં રહેલી માળા ચાલુ જ હતી. કોઈ બાળક પહેલી વખત સાવ અજાણ્યી ચીજને જુએ અને જે કૂતુહલ થાય એવા ભાવ સાથે મયુર પંડયાજીને જોઈ રહ્યો હતો. લગભગ આઠ દસ મિનિટ પછી એમણે આંખો ખોલી અને મયુર સામે જોયું.


    મયુરની આંખો કૈક ઉકેલ સાંભળવા માટે રાહ જોઈ રહી હતી અને એ આંખોને વાંચી પંડયાજીએ કહ્યું,"ગભરાવાની જરૂર નથી એ તમને નડશે નહિ.અને એ તમને મળવા ઈચ્છે છે. આજે એ જ્યારે તમારી સામે આવે તમારે ત્યાંથી ભાગવાનું નથી." "પણ એ કોણ છે અને શું છે એ તો કહો?" મયુરને હજી આટલી વાતથી સંતોષ ન હતો. પણ પંડયાજી આથી આગળ જાણતા ન હતા. તેથી અધૂરા જવાબ સાથે પાછા વળ્યા વગર છૂટકો ન હતો. ખિસ્સામાં હાથ નાખી બે પાંચસોની નોટો કાઢી પંડયાજીને આપી અને પંડયાજીએ લઈ આંખો પર અડાડી ગજવામાં સરકાવી દીધી.

મયુર ધીમા પગે બહાર તરફ આગળ વધ્યો અને ડેલી ખોલી ફરીથી પૂછાઈ ગયું,"મને કાંઈ થશે તો નહીં ને?" પંડયાજીએ પીઠ થપથપાવતા કહ્યું "ચિંતા ના કરો, એ જ તમારી ચિંતા કરે છે."

પંડયાજીએ કહેલું વાક્ય આખો દિવસ મનમાં ઘૂમ્યા કરતું હતું. ક્યારે રાત પડે અને આ કોયડો ઉકેલાય. થોડા ડર અને થોડી આતુરતા સાથે રાત પડી. ધીમે ધીમે રાત ઘેરી બની. રસ્તાઓ સુમસામ થતા ગયા. મયુર પોતાની ડોક ડાબીથી જમણી અને જમણીથી ડાબી તરફ ફેરવવા લાગ્યો. ક્યારેક ઓચિંતાનો પાછળ પણ નજર માંડી લેતો.


     થોડી વારમાં પવન ફૂંકાયો. ઝાડનાં પાંદડા હલવા લાગ્યા.વાતાવરણ ડરામણું થઈ ગયું અને ઝીણો ઝીણો ઝાંઝરીનો અવાજ શરૂ થયો. અવાજ કઇ દિશામાંથી આવે એ નક્કી નહોતું થઈ શકતું. સમય જેમ આગળ જતો હતો તેમ ઝાંઝરનો અવાજ વધતો જતો હતો. ગભરાહટ અને આતુરતાનો સંગમ મયુરના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો અને અંતે લાલ કપડામાં સજ્જ એક યુવાન કન્યા ધીમે ધીમે તેના તરફ ડગ માંડતી નજરે પડી. બંને હાથમાં ચુડીઓ અને ડાબા હાથમાં થાળી. થાળીમાં કંકુ અને ચોખા અને સાથે મીઠાઈનું બોક્સ પણ. ચહેરો ચૂંદળીથી અડધો ઢંકાયેલ હતો. છતાં કોઈ જાણીતું છે એવું હવે મયુરને લાગવા માંડ્યું. અચાનક પવનની એક લહેરખીએ યુવતીના ચહેરા પરના દુપટ્ટાને દૂર કર્યો અને મયુર એના ચહેરાને જોતા જ અવાક્ થઈ ગયો આંખો પહોળી થઈ ગઈ. ધ્રુજતા હોઠે મયુરથી પૂછાઈ ગયું,"ગૌરી તું?"

"હાં ભાઈ હું, કેટલા દિવસથી તને મળવા માંગતી હતી અને તું છે કે મારાથી દૂર ભાગ્યા જ કરે છે. મયુર કંઈ બોલે એ પહેલા જ તેણીએ મયુરનો હાથ પકડી લીધો અને કહ્યું ,"થાળીમાં પડેલી રાખડી કે દિવસ થઈ તારી રાહ જોઈ રહી છે. ત્યારે રક્ષાબંધન હતી અને હું તને રાખડી બાંધવા ઉતાવળી થઈ હતી. તું રાજકોટથી આવવાનો હતો અને મેં તને કોલ કર્યો કે તું ક્યાં પહોંચ્યો? અને કહ્યું બસ વીસ મિનિટમાં પહોંચી જઈશ. મેં નક્કી કર્યું કે તું બસમાંથી ઉતરે કે તરત જ ત્યાને ત્યાં રાખડી બંધીશ અને તને સરપ્રાઈઝ આપીશ. અને હું મારી સ્ફૂટી લઇ નીકળી પડી. તને રાખડી બાંધવાના હરખમાં ને હરખમાં મને સામેથી આવતો ટ્રક પણ ના દેખાયો. અને ....."


    મયુરની આંખોમાં ગંગા જમુના વહેતી થઈ હતી. તે કશું પણ બોલવા સક્ષમ ન હતો. ગળામાં મોટો ડૂમો બાજી ગયો હતો. મયુર મૂર્તિ બની ગયો હતો. ગૌરીએ ચાંદલો કરી હાથ પર રાખડી બાંધી, દુઃખણા લીધા. બંનેએ એક બીજાને મીઠાઈ ખવડાવી. અને બોલી"જુગજુગ જીઓ મારા વીરા!"

"ચાલ ભાઈ હવે હું જાઉં છું. તને ડરાવવા પાછી નહિ આવું." ગૌરી બોલી. મયુરે ગળાના બાજેલા ડૂમાને દૂર કરવા થોડી થૂંક ગળ્યો અને બોલ્યો,"ના ગૌરી તું રોજ આવજે. મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. હજી તારી સાથે ઝગડવું છે, તારા માથામાં ટાપલી મારવી છે." "ના ભાઈ હવે એ શક્ય નથી મારો સમય પૂરો થયો પણ વચન જરૂર આપું છું કે આવતા જન્મમાં પણ તારી બહેન બનીને આવીશ. ચાલ ભાઈ હું નીકળું. અને હાં, પેલા ટ્રક ડ્રાઇવર સામે કેસ કર્યો છે એ પાછો ખેંચી લેજે. એનો કશો વાંક નથી. અંતે એ પણ કોઈ બહેનનો ભાઈ જ છે. ચાલ આવજે ફરી મળીશું આવતા જન્મમાં."


"ઉભી રે" મયુર ઉતાવળમાં બોલ્યો."એક ટાપલી નહિ મારવા દે?"

મયુરે ગૌરીને હળવેથી માથા પર એક ટાપલી મારી અને ગૌરી ધીમેથી અદ્રશ્ય થઈ ગઈ..!


Rate this content
Log in

More gujarati story from jayprakash santoki

Similar gujarati story from Drama