Swati Medh

Comedy Inspirational

4  

Swati Medh

Comedy Inspirational

ટપાક ટપાક ટપાક ટપ્પ

ટપાક ટપાક ટપાક ટપ્પ

6 mins
14.5K


‘આ ચટણી સરસ છે. ઘેર બનાવી?’ નિકિતાએ પૂછ્યું.

નિકિતા ઉતરાણનો કાર્યક્રમ નક્કી કરવા એના ભાઈને ઘેર ગઈ હતી. ભાભીએ બનાવી રાખેલા ચાઇનીઝ સમોસા અને ચટણી ખાતાં ખાતાં એણે પૂછ્યું, ‘આ ચટણી સરસ છે. ઘેર બનાવી?’ ભાભી મનાલીએ હસીને હા પાડી. ‘બહુ ચટાકેદાર બની છે.’ બીજી વાર ચટણી લેતાં નિકિતા બોલી, ‘મને એની રેસીપી કહોને હુંય બનાવીશ.’ મનાલીએ ચટણી બનાવવાની રીત કહી, ‘શીંગદાણા પલાળી રાખવાના પછી એમાં આ, આ, આ, નાખવાનું ને બધું સાથે વાટી લેવાનું. હું તો વારે વારે આ ચટણી બનાવું છું.’ નિકિતાએ કહ્યું, ‘સો ઇઝી’ ને ફરી એક ચમચી ચટણી પ્લેટમાં. ભાઈ પણ ઓફિસથી આવી ગયેલો. એણે કહ્યું, ‘ટેક કેર, બહુ સ્ટ્રોંગ છે. બહુ ના ખા.’

‘ચાલે એ તો કોક વાર,’ નિકિતા બોલી ને હજી એક ચમચી ચટણી પ્લેટમાં. સમોસા સાથે ચટણી ખાઈ, ઉતરાણનો પ્લાન નક્કી કરી ને નિકિતા ઘેર જવા ઊભી થઇ. ભાભીએ છોકરાંઓ માટે થોડા સમોસા આપ્યા. નિકિતાએ ચટણી ન લીધી ‘એ તો હું બનાવીશ.’ ચટણી બનાવવાની રીત ફરી મોઢે બોલી ને એ વિદાય થઇ.

નિકિતા ને મનાલી નણંદ ભાભી. નિકિતા સારી નણંદ હતી ને મનાલી સમજદાર ભાભી. બંને સરખી ઉંમરના, નજીક નજીક રહે અને હળતા મળતા રહે. એકબીજાને ઘેર જવું, સાથે બહાર જવું વગેરે થાય. બે વચ્ચે પ્રેમ તો કેવો? તો કહે મીઠું નાખેલી કણકના બનાવેલા ઉપરથી સાકર ભભરાવેલા મીઠા સક્કરપારા જેવો. આજે નણંદે ચટણીના વખાણ કર્યા, એની રેસીપી પૂછી ભાભીની સાંજ સુખમય બની ગઈ. પછી એક દિવસ નિકિતાએ મનાલીને મેયોનિઝ ઘેર જ બનાવી લેવાની રેસીપી કહી. ‘અમે તો બહારથી મેયોનિઝ લાવવાનું બંધ જ કરી દીધું છે.’ નિકિતાએ ઉમેર્યું. થોડા દિવસ પછી સાથે શોપિંગ કરતાં બંનેએ સુંદર આકારની કાચની એકસરખી એક જ રંગના ઢાંકણાવાળી નાનકડી બરણીઓ ખરીદી. ચટણી અને મેયોનિઝ માટે ખાસ. હવે બસ બનાવવાની જ વાર છે, શીંગદાણાની ચટણી અને મેયોનિઝ.

ને શરુ થયું બેની વચ્ચે ડાઈનીંગટેબલટેનિસ. ટપાક ટપાક ટપાક ટપ્પ.

ઉતરાણ હોંશે હોંશે ઉજવાઈ ગઈ. બહુ મજા આવી. થોડા દિવસ પછી મનાલીએ નિકિતાને પૂછ્યું, ‘તમે બનાવી શીંગદાણાની ચટણી?’

‘ના રે, અમારે બેંકમાં ઈયરએન્ડીંગ ચાલે છે. વખત જ નથી મળતો. તમે મેયોનિઝ બનાવ્યું?’

‘ક્યારે બનાવું? સ્કૂલમાં વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ, કોર્સ પતાવવાના, પેપરો કાઢવાના ને બધું. નવરાશ જ મળતી નથી.’ મનાલીએ કહ્યું. 'રાહ જુઓ નવરાશની.'

ડાઈનીંગટેબલટેનિસ રાઉન્ડ એક.

આ બધું પત્યું ત્યાં તો ઉનાળો આવી ગયો. બાર મહિનાના અનાજ મસાલા ભરવાના, અથાણાં બનાવવાના. એમાં ચટણીઓ બનાવવા કોણ બેસે? કોઈ નવા અથાણાં ન બનાવીએ? બીજું તો બારે મહિના થાય. આ બાજુ બંને ઘરોમાં પેલી બરણીઓ રાહ જુએ છે. ક્યારે એમાં ચટણી અને મેયોનિઝ ભરાય. જો કે આખરે એ દિવસ આવ્યો. નિકિતાએ મનાલીને ફોન પર પૂછ્યું, ‘ ભાભી, શીંગદાણાની ચટણીમાં મરચાં કેટલા નાખવાનાં?’

‘પોણી વાટકી પલાળેલા દાણા હોય તો છસાત મરચાં, લીલા હોં, બિયાં કાઢીને.’ મનાલીએ કહ્યું. ‘ઓહ, લીલાં મરચાં નાખવાનાં? એ તો મને ખ્યાલ જ નહીં. એ તો ઘરમાં નથી. હમણાં તો લેવા ય નહીં જવાય. તો રહેવા દઉં આ વખતે.’

‘તે ચટણીનો રંગ જોઇને ખબર ના પડે?’ મનાલી મનમાં બોલી ને હસી. ‘તમે મેયોનિઝ બનાવ્યું કે નહીં?’ નિકિતાએ ઇન્ક્વાયરી કરી. ‘ના રે ના, હજી મેળ નથી પડ્યો.’ મનાલીએ જવાબ આપ્યો. નિકિતાએ પલાળી રાખેલા પેલા શીંગદાણાનું શું થયું? વપરાઇ ગયા ધીરે ધીરે દાળશાકમાં, બીજું શું? મનાલી ને વિનેગર લાવવાનું રહી જ જતું’તું. મેયોનિઝ ક્યાંથી થાય?

ડાઈનીંગટેબલટેનિસ રાઉન્ડ બે.

ઉનાળો વીત્યો ને ચોમાસું આવ્યું. તહેવારોની મોસમ. નિકિતાએ નક્કી કરેલું કે બેત્રણ રજાઓ સામટી આવે ત્યારે તો ચટણી બનાવી જ દેવી. એ તો ફરાળમાં ય ચાલે ને બફવડા સાથે તો એવી જામે ! પણ એક ગરબડ થઇ ગઈ. ભૂલમાં નિકિતાએ ઘરમાં હતા તે બધા શીંગદાણા શેકી નાખ્યા. નિકિતા એ આ ગોટાળાની વાત કોઈને ન કરી. મનાલીને ય એવું જ થયું. મનાલીના ‘એ’ને નવરાશ હોય ત્યારે મનાલીને રસોડામાં મદદ કરવી ગમે. જન્માષ્ટમીના પ્રસાદમાં ક્રીમફ્રૂટ સલાડનો પ્લાન હતો. એમણે પ્રેમથી ફ્રૂટ તૈયાર કર્યું ને બધું ક્રીમ એમાં નાખી દીધું. ઉપર રેડ્યું ત્રણ ચમચા મધ.‘ઓ ભગવાન, તમે તો ગરબડ કરી. થોડું ક્રીમ રાખવાનું હતું, મેયોનિઝ બનાવવા.’ મનાલીએ કહ્યું. સલાડ થયું ટોપેટોપ. ખાટાંમીઠાં ફળને ઉપર મધ સાથે ફરાળી લોટના પાતરા. બધાને મજા પડી. પણ મેયોનિઝ બનાવવા ક્રીમ ન રહ્યું. મનાલીએ નિકિતાને આ વાત કરી. જોકે એના વરનું નામ ના દીધું. શાણી સ્ત્રીઓ વરનો વાંક ન કાઢે.

સાસરાનાં સગાં સામે તો નહીં જ. નિકિતાએ કહ્યું નહીં કે મેયોનિઝમાં ક્રીમ ન હોય તો ઘરની મલાઈ ચાલે. એણે એ ય ન કહ્યું કે વિનેગર ન હોય તો લીંબુનો રસ ચાલે. એ હસી ને વાત પૂરી થઈ.

ડાઈનીંગટેબલટેનિસ રાઉન્ડ ત્રણ. ટપાક,ટપાક ટપાક ટપ્પ.

થોડા દિવસ પછી નિકિતાનો ફોન આવ્યો. ‘ભાભી “એ” કહે છે કે આ વખતે વરસાદ સારો થયો છે. હમણાં કામ પણ ઓછું છે. સિઝન સરસ છે. પિકનિક ગોઠવીએ.’ મનાલીના “એ”ને પણ આઇડિયા ગમ્યો અને બધા ઉપડયા પિકનિક કરવા. સહકુટુંબ, સહપરિવાર, મિત્રમંડળ સાથે.

પિકનિકમાં રમત, જોક્સ, અંતકડી ને ખાવાનું તો હોય જ. નાસ્તાના ડબ્બા ખૂલ્યા. બીજી વાનગીઓ સાથે ચટણી, મેયોનિઝ પણ હોય જ. સેન્ડવિચમાં ચાલે ને થેપલા પર પણ ટેસ્ટી લાગે. બંને સ્પેશયાલિસ્ટોએ પોતપોતાની સ્પેશયાલિટી કાઢી. પ્લાસ્ટિકના ડબ્બા સફાચટ. ચટણી મેયોનિઝ બંને સાથે સરસ લાગે છે પણ બને છે પોતપોતાને ઠેકાણે. બે ય ઘરોમાં. નિકિતાને ઘેર એક બરણી રાહ જુએ છે, ચટણીની. મનાલીને ઘેર એક બરણી રાહ જુએ છે મેયોનિઝની.

ડાઈનીંગટેબલટેનિસ રાઉન્ડ ચાર.

હવે દિવાળી આવી. એમાં તો બીજું કેટલું ય કામ હોય. ચટણી, મેયોનિઝ જેવી પરચૂરણ વસ્તુઓ માટે વખત ક્યાંથી મળે? સાથે ખરીદીઓ થાય છે, ફિલ્મો જોવાય છે, છોકરાંઓના ટ્યુશન માટે નંબરો આપલે થાય છે. પણ... ‘જો ને વખત કેવો વહી જાય છે. જોતજોતામાં વરસ થઈ યે ગયું.’ મનાલી બોલી.‘હા યાર, લાગે છે હજી હમણાં જ દિવાળી ગઈ’તી. ત્યાં બીજી આવી.’ નિકિતા જવાબ આપે છે. ‘મારાથી હજી એકે ય વાર ચટણી બનાવાઈ જ નથી.’ ‘તે મેં ય ક્યાં મેયોનિઝ બનાવ્યું છે? પત્તો જ નથી ખાતો.’ મનાલી બોલે છે. આમ જ વાતો કરતાં કરતાં બે ય ઘરો માટે જુદી જુદી જાતના ઘૂઘરા બને છે, વેરાયટી સેવો બને છે. દિવાળી રંગેચંગે પસાર થઈ જાય છે.

ડાઈનીંગટેબલટેનિસ રાઉન્ડ પાંચ. પેલી બરણીઓ હજી ખાલી જ છે!

હવે શિયાળાના દિવસો. નાતાલ આવી. ‘અમારે બધ્ધા તહેવારો ઉજવવાના. એ રીતે જ છોકરાં શીખે.’ ને નાતાલ પણ ઉજવાય છે. કેકો, કુકીઝ, પેસ્ટ્રીઓ, ખવાય છે. આ બધી આઇટમો સાથે સેન્ડવિચો તો હોય જ. બરગરો પણ હોય. એની સાથે ય આ ચટણી જામે ને અફકોર્સ મેયોનિઝ તો હોવું જ જોઈએ. મનાલીએ ચાઇનીઝ સમોસા બનાવ્યા. શીંગદાણાની ચટણી તો ખરી જ. એમાં તો એ એક્સપર્ટ. નિકિતાને ઘેર પ્રોગ્રામ હતો. એણે ય ખૂબ બધુ મેયોનિઝ બનાવ્યું’તું. ‘અમે તો બહારનું મેયોનિઝ લેવાનું છોડી જ દીધું છે.’ નિકિતા ઉવાચ. આમ તો એ ગપ્પું છે. આ વખતનું મેયોનિઝ બહારથી જ આવેલું છે, લુઝપેકમાં. ‘શીંગદાણાની આવી ચટણી બહાર કશે મળતી જ નથી.’ મનાલીએ વાતવાતમાં જ કહ્યું. આ ય ગપ્પું છે. મનાલીને ખબર છે. આવી ચટણી શહેરમાં એક જગ્યાએ મળે છે.

ડાઈનીંગટેબલટેનિસરાઉન્ડ છ.

પેલી બે ખાલી બરણીઓ વિચારે છે, ‘આ બે ય જણીઓ આટલો વટ મારે છે ને પોતાના ઘર માટે વારે વારે બનાવે છે. તો એક વાર એકબીજા માટે ચટણી, મેયોનિઝ બનાવી દેતી હોય તો? આ મેચનો અંત આવે. જો ને વરસ થવા આવ્યું.’ અંત? આવતો હશે કદી? આ તો ફ્રેંડલી મેચો કહેવાય... હજી તો નિકિતા હરિયાળી હાંડવો બનાવવાની છે. બીસીબેલા બિરિયાની બનાવવાની છે, મનાલી વ્હાઈટ ચોકલેટ કેક બનાવવાની છે ઉગાડેલા કઠોળની ટીકીઓ બનાવવાની છે. એકબીજીને શીખવાડવાની છે. બીજું કેટલું ય કરવાનું છે સાથેસાથે!

‘તે કરતી તો છે નહીં’. બરણીબેનો બબડે છે. અરે,એવું જ ચાલ્યે રાખે સામસામે. આને ડાઈનીંગટેબલટેનિસ કહેવાય. ટપાક ટપાક ટપાક ટપ્પ. ટપાક ટપાક ટપાક ટપ્પ. ફ્રેન્ડલી ફન, દોસ્તીની મજા. મીઠું નાખેલી કણકમાંથી બનાવેલા ઉપર ખાંડ ભભરાવેલા મીઠા શકરપારા જેવી.

લે, તે આટલું ય ના સમજે બરણીબેનો?


Rate this content
Log in

Similar gujarati story from Comedy