Swati Medh

Comedy Classics Others

4  

Swati Medh

Comedy Classics Others

સુહાના સફર ઔર...

સુહાના સફર ઔર...

4 mins
14.6K


હાઇવે પર નવા મોડેલની મોંઘી મોટરકાર દોડી રહી છે. એમાં એક યુગલ છે. સ્વસ્થ, સુખી દેખાતું નિવૃત્તિ વયે પહોંચેલું યુગલ. શ્રીમાન ડ્રાઈવરસીટ પર, શ્રીમતી બાજુની સીટ શોભાવી રહ્યાં છે. લગભગ અઢીત્રણ કલાકનો પ્રવાસ કરવાનો છે. સવારનો સમય. મોટરકારની મ્યુઝિક સિસ્ટમ વીત્યા વર્ષોનાં મધુર ગીતો વગાડી રહી છે. ‘લે કે હાથોમેં હાથ ચલે સાથ સાથ...’ મોટર સડસડાટ દોડી રહી છે. 

‘વચ્ચે ક્યાંક ચાનાસ્તો કરી લઈશું ને?’ એકનો સવાલ.
‘હા કંક નાસ્તો કરી જ લઈએ... આગળ કશું મળે ન મળે.’ બીજાનો જવાબ.
‘ને ત્યાંય કોને ખબર, ખાવાનું મળે કે ન યે મળે. તમારા વડીલ છે. એમનું કામ એવું.’
‘એમની ઉમર થઈ હવે નથી કરી શકતાં.’
‘કરી શકતાં’તાં ત્યારે ય ક્યાં...’
‘ના હોં, સાવ એવું નહોતું.’
‘જવા દો ને એ વાત, મૂડ નથી બગડવા દેવો. લો આ ‘નૂતન’ આવી ગયું’. મોટર ડાબી બાજુએ રસ્તા પર વળી અને ‘નૂતન નાસ્તા હાઉસ’ સામે  રોકાઈ ગઈ.

આ બે પ્રવાસીઓ વારંવાર આ રસ્તે આવતાં હતા. ‘નૂતન’વાળા ભાઈઓ એમને ઓળખતા હતા. 

‘ભીડ હશે. પહેલાં પૂછી જુઓ. જગ્યા હોય તો જઈએ.’

જગ્યા હતી. મોટર પાર્ક થઈ. બન્ને ‘નૂતન’માં પ્રવેશ્યા. ‘નૂતન’ના ગલ્લે બેઠેલા યુવાને આવકાર આપ્યો. ટેબલ પણ મળી ગયું.

પ્રવાસી યુગલે ઈડલી સંભારનો ઓર્ડર આપ્યો સાથે લિમ્કા અને થમ્સઅપ. બ્રેકફાસ્ટનો સમય હતો. તાજા બનાવેલાં ઈડલી સંભાર સ્વાદિષ્ટ હતા. મજા આવી.

નાસ્તો કરીને પૈસા ચૂકવીને, નવી ગાડી માટે ગલ્લે બેઠેલા યુવાનના અભિનંદન લઈને પ્રવાસ આગળ વધ્યો. ‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી...’  એક પછી એક સુમધુર ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. મોટર થોડી આગળ ચાલી.

‘ઓ માય ગોડ, મારા ચશ્મા ત્યાં રહી ગયાં.’
‘એવું કેવી રીતે થયું?’
‘મેન્યુકાર્ડ જોવા વાંચવાના ચશ્મા કાઢ્યા, જોવાના, બાજુમાં મૂક્યા’તા, પછી લેવાના રહી ગયાં.’

‘દર વખતે ઇડલીસંભાર જ ખાવાના હોય એમાં મેન્યુકાર્ડ શું કામ જોવું પડે?’

‘જોવું પડે. ભાવ વાંચવા પડે. આ વખતે છાપેલું મેન્યુકાર્ડ હતું. દર વખતે હાથે લખેલું હોય છે’. ચશ્મા ભૂલનાર પ્રવાસી પોતે મેન્યુકાર્ડ વાંચ્યું હોવાનો પુરાવો આપ્યો.

‘હવે?’
‘હવે ચાલો પાછા, ચશ્મા લઇ આવીએ.’
‘પાછા જવાનું?’
‘હાસ્તો’
‘કેટલી વાર કહ્યું. બાયફોકલ ચશ્મા પહેરતા હો તો?’
‘નથી ફાવતા.’
‘એમાં ન ફાવવા જેવું શું છે? નીચું જોઇને વાંચવાના ચશ્મા, ઊંચુ જોઇને જોવાના ચશ્મા.’
‘ખબર છે એ તો.’
‘તો પછી?’
‘ચશ્મા લેવા પાછા જવું પડે. મને એ વિના સરખું દેખાતું નથી.’
‘બીજી જોડી નથી?’
‘છે ને, પણ અહીં સાથે ન હોય ને?’
‘તો હવે ચલાવી લો, બીજું શું?’
‘એમ કરીએ ગાડી પાછી વાળીએ.’

આ દરમ્યાન મોટર આગળ દોડી રહી હતી. નવું મોડલ ખાસ્સું ઝડપી હતું. 

‘તમને ખબર છે આપણે કેટલા આગળ આવી ગયા છીએ?’
‘હા, પંદર કિલોમિટર. મેં હમણાં જ સાઇનબોર્ડ જોયું.’
‘એ વંચાયું? ચાલતી ગાડીએ?’
‘મોટા ફાફડા જેવા અક્ષરે લખ્યું હોય તે તો વંચાય જ ને?’
‘નહીં ચાલે પાછા ગયા વિના?’
‘ના, જુઓને પંદર જ કિલોમિટર છે.’

‘યુ ટર્ન આવે ત્યારે વળાય એમાં પાંચ કિલોમિટર જશે. પછી ‘નૂતન’ પાસેનો યુ ટર્ન આવે ત્યારે ત્યાં વળવાનું. ‘નૂતન’ આવે ત્યાંથી ચશ્મા લેવાના. ને આગળ જવાનું. આટલા બધા કિલોમિટર જવાનું. મોડું થઈ જશે.’

‘તુમ જો હુએ મેરે હમસફર રસ્તે બદલ ગયે...’ મધુર ગીતોની સીડી ગાઈ રહી છે.

‘માત્ર વીસ મિનિટ થશે, મેં ગણી રાખ્યું છે.’
‘જવું જ પડશે? નહીં ચાલે?’
‘મારા ચશ્માની પચીસસો રૂપિયાની ફ્રેમ છે અને ગ્લાસ પણ પેલા તડકામાં ગોગલ્સ થઈ જાય એવા, ફોટોક્રોમેટીક. એ ય પંદરસોના. ખોવાઈ જાય તે કેમ પાલવે?’

‘ઓકે. જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે...’ ગીત પ્રેરણા આપે છે. મોટર યુટર્ન લે છે. હવે પ્રેમભર્યા યુગલ ગીતોની સીડી સ્વિચઓફ થઈ જાય છે. થોડી વાર મૌન રહે છે.

પેલા ‘નૂતન’વાળાને કહી રાખોને ચશ્મા સાચવીને રાખે.’
‘હજી સુધી ત્યાં જ પડ્યા હશે?’
‘હાસ્તો, નંબરવાળા ચશ્મા કોઈ ન લઈ જાય.’
‘ચશ્મા ભૂલવાના તો તમને ઘણા અનુભવ નહીં? ઠીક છે કરો ફોન. નંબર છે?’
‘યસ, આ રહ્યો’. મોબાઇલ જોડાય છે. જાણવા મળે છે કે ચશ્મા છે.
મોટર આગળ જઇ રહી છે. 

‘જો ‘નવીન’ પસાર  થઈ ગયું. પાછા વળતાં ‘નવીન’માં જવાનું, ભૂલાય નહીં’. ‘નવીન’  આ જ હાઇવે પર સામેની તરફ છે. એ પણ પાછા વળતાં દર વખતે રોકાવાની જગ્યા છે.

‘ભૂલાય નહીં? હીહીહી...’
‘બસ હવે.’ એક ઘૂરકાટ. ‘નક્કામી જોકો મારવાનું રહેવા દો.’
‘ના, ના, આ તો બસ અમસ્તું.’

થોડી વાર શાંતિ.

‘હાશ, મારાં ચાર હજારના ચશ્માં બચી ગયાં. મારો ફેરો નકામો નહીં જાય.’
‘આને ફેરો નહીં, પ્રદક્ષિણા કહેવાય.’
‘જે કહો તે. થેન્ક ગોડ, મારા ચશ્મા મને મળી જાય એટલે બસ.’
‘થેન્ક ગોડ નહીં થેન્ક મી.’
‘હોવે’.

હવે બીજો યુ ટર્ન લેવાય છે. 
મોટર ‘નૂતન’ પાસે પહોંચે છે. 

‘કોણ જશે ચશ્મા લેવા?’
‘જેના હોય તે જાય.’
‘ઓકે હું લઈ આવું છું.’ મોટરકારનો દરવાજો ખૂલે છે.
‘અરે સાંભળો.’
‘શું?’
‘મારી કેપ પણ ત્યાં રહી ગઈ છે. પેલી યુરોપની ટ્રીપવાળી. એ ય લેતા આવજો ને, પ્લીઇઇઝ’!

મોટરનો દરવાજો અધખુલ્લો રહી જાય છે. ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલાં ઉતરવાની તૈયારી કરતાં સન્નારી આશ્ચર્યચકિત. યાદ આવી જાય છે. યુરોપની ટ્રીપ, એફિલ ટાવર પર પેલી ચિબાવલી ફ્રેંચ છોકરી, યુ સ્માર્ત, દાર્ક, ઇન્દીયન ઓલ્દ મેન! ને એની આપેલી ગીફટ.

‘હેંએએએ!!!!!!!’

એમાં એટલું આશ્ચર્ય શાનું સન્નારીજી? પાંત્રીસ કિલોમીટરની પ્રદક્ષિણા તમારા પચીસસો વત્તા પંદરસોના ચશ્મા માટે થઇ’તી? ભોળા તે તમે આટલાં ભોળા? આટલાં બધા ભોળા? પરણ્યાના આડત્રીસ વર્ષ પછી પણ સમજ્યા નહીં કે લાલો લાભ વિના...?


Rate this content
Log in

Similar gujarati story from Comedy