સપરમો દહાડો
સપરમો દહાડો
દિવાળીના તહેવારના દિવસો હતા. આજે ધનતેરસ, સપરમો દહાડો. લક્ષ્મીજીનો દિવસ ગણાય. એ દિવસે લક્ષ્મીજી પધારે. જે એમની પૂજા કરે એને એ ફળે. પણ ચંદુ ઉર્ફે ચંદુ ચકોરી સવારે લક્ષ્મીજીને પૂજીને આવ્યો’તો તો ય એને ધનતેરસ નહોતી ફળી. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર અને રેલ્વેસ્ટેશનની આસપાસ એનો પાકીટમારીનો ધંધો હતો. એ એક્સપર્ટ પાકીટમાર હતો. એટલે બધા એને ચંદુ ચકોરી કહેતા. સૌ એને ઓળખે. સૌ એટલે રેલ્વે સ્ટેશનના બધા કુલીઓ, દુકાનદારો, ગલ્લાવાળાઓ, રેલવેના સાહેબો અને રોજના મુસાફરો પણ એને ઓળખે. રેલ્વેના પોલીસોની તો ખાસ દોસ્તદારી. એના સહકાર્યકરો અને ભીખારીઓ પર તો એનો રોલો પડે. રેલ્વે સ્ટેશનના બહારના પાર્કિંગ સુધી ચંદુની આણ. એને માટે કહેવાતું કે એકે ય દહાડો ચંદુએ મોટો હાથ માર્યો ન હોય એવો ન જાય. એની નજર ચકોર અને હાથ ચપળ પછી શું જોઈએ પાકીટમારીમાં? હા, પાકીટ પારખતાં આવડવું જોઈએ. એમાં ય ચકોરી કાચો નહી. પણ કહેનારે કહ્યું છે ને, એક સરખા દિવસ તો કોઈના જતા નથી.આજનો ધનતેરસનો દિવસ ચકોરીને ન’તો ફળ્યો. તહેવારો, રજાઓ, પ્રવાસે જવાના દિવસો. રાતદિવસ સ્ટેશનનું પ્લેટફોર્મ ધમધમે. શીખાઉ પાકીટમારને કળાની પ્રેક્ટિસ કરવાનો સમય. એને ય લોટરી લાગી જાય, પણ ચંદુ ચકોરીનો આજનો દિવસ સાવ લુખ્ખો ગયેલો.
‘સાલું આજે તો એકેય જબરું પાકીટ હાથમાં નથી આવ્યું’. નાના પાકીટોમાંથી થોડી નોટો અને બહુ બધા કાગળિયાં જ મળેલાં. ચંદુએ વિચાર કરવાનું પડતું મૂક્યું. વિચાર કરવા બેસીએ તો નિરીક્ષણ કરવાનું રહી જાય અને આ ધંધામાં નિરીક્ષણ કર્યાં વિના ન ચાલે. આમે ય તે મોટા પાકીટવાળાને શોધવા સિવાય બીજું વિચારવાની ટેવ ચંદુએ પાડી જ ન’તી. તો ય ધનતેરસને દિવસે આવું થાય? એ તો અપશુકન કહેવાય. હજી તો દિવાળીના પાંચે ય દહાડા કાઢવાના છે. દિવાળી તો ઠીક કદાચ આવતું આખું વરસ આવું જાય.. એને વહેમ આવ્યો. એણે એ વિચારને મગજમાંથી બહાર ધકેલી દીધો. અને હવે ટિકિટબારી પર જવું કે પાર્કિંગમાં ફરવું કે પ્લેટફોર્મ પર આંટા મારવા એ નક્કી કરવા મગજ ચલાવવા માંડ્યું.
ટિકિટબારી પર હવે મજા નહોતી રહી. પૈસાવાળી પાર્ટીઓ કમ્પ્યુટર પર ટિકિટો કઢાવે છે ને બાકીના ક્રેડિટકાર્ડો લઈને ફરે છે. દૂર જવાવાળા સાધારણ લોકો પાસે રોકડ હોય પણ ચંદુનો નિયમ હતો કે ગરીબો પર હાથ નહી મારનેકા. એટલે એણે ટિકિટબારી પર જવાનું માંડી વાળ્યું. એના કરતાં પ્લેટફોર્મ સારું. લાંબા અંતરની એક-બે ટ્રેનોનો ટાઇમ થતો હતો. ત્યાં જ એને એવી એક ટ્રેન આવવાની જાહેરાત સંભળાઈ. એના પછી મોડી ચાલવાવાળી બીજી ટ્રેન આવશે એવી જાહેરાત પણ સંભળાઈ. બેયના પેસેન્જરો હોય. ડબ્બલ ચાન્સ. ચંદુ પાટા કૂદીને ત્યાં પહોંચી ગયો. એ નિરીક્ષણ. કરતો ફરવા માંડ્યો. બેય ટ્રેનોના મુસાફરોની હકડેઠઠ ભીડ હતી. એક ટ્રેન આવી. થોડીવારે ઉપડી ગઈ. હજી કોઈ જબરું પાકીટ એને દેખાયું ન’તું. એવામાં એણે એક માજીને જોયાં. માજીએ કુરતો, સલવાર, દુપટ્ટો પહેરેલાં. ખભે મોટી પર્સ હતી. એમનાથી દુપટ્ટો અને પર્સ બે ય સાથે સચવાતા ન હતા. ચંદુ એમને જોઈ રહ્યો. એમની નજર પણ ચંદુ પર પડી. કપડાં તો સરસ હતાં, પર્સ પણ સારી જાતની હતી. જો કે માજીએ માત્ર ચાંલ્લો કરેલો, ઘરેણાં નહોતાં પહેર્યાં. એમની સાથે બીજા થોડા લોકો હતાં. ત્રણેક તો સિનિયર સિટીઝનો હતાં. સાથેના યુવાનવર્ગે એ બધાને બેસવાની જગ્યાઓ શોધીને બેસાડી દીધાં. સામાન સારો એવો હતો. પાર્ટી લાંબા અંતરના પ્રવાસે જતી હોય એવું લાગતું હતું. પેલા માજી જરા સ્વતંત્ર ટાઇપના લાગતા હતાં. પોતાની બેગ પોતે સંભાળે એવાં. ચંદુએ નક્કી કરી લીધું કે આ પાર્ટી સાથે રહેવું. ‘આમ તો બધા ક્રેડીટકાર્ડવાળા હશે પણ સાથે છોકરાં છે એટલે રોકડ પણ હશે’. એણે અનુમાન કર્યું.
બધા સાવધ લોકો હતાં. બાળકો પણ સીધાં ઊભા હતાં. બહેનો પોતપોતાનાં પર્સ બગલમાં દબાવીને ઊભાં હતાં. માજી પણ પૂરા આત્મવિશ્વાસ સાથે એમની પાસે જે પર્સ હતી એ ખોળામાં રાખીને નિરાંતે બેઠા હતાં. પર્સ મોટી, લગભગ હેન્ડબેગ જેવડી હતી. એમાં પૈસા હોય તો નાના પાકીટમાં જ હોય. ચંદુ પાસે ખાસ્સા વીસ બાવીસ વરસનો અનુભવ હતો. પહેલું પાકીટ માર્યું ત્યારે એ આઠ વરસનો હતો! બહેનોની પર્સ જોઇને એ બહેન ગૃહિણી હશે કે નોકરી કરતી. સરકારી ઓફિસમાં હશે કે પ્રાઈવેટમાં કે વકીલ કે પ્રોફેસર-ટીચર એ ધારણા કરી શકતો. એમના પર્સમાં શું શું હોય, પૈસાનું પાકીટ ક્યાં હોય તે ધારી શકતો અને નવ્વાણુ પોઇન્ટ નવ વાર એ સાચો પડતો. બાકીનો એક પોઈન્ટ તો માણસ પોતે ય નથી જાણતો હોતો! જિંદગીને રહસ્યમય કહે છે તે અમથું? ચંદુ ચકોરી પર્સમાંથી પાકીટ કાઢી લેવામાં ઉસ્તાદ હતો.
આમે ય તે પાકીટમારોમાં સ્પેશલાઈઝેશન હોય છે. કેટલાક પાકીટમારો પુરુષોના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ મારે, કેટલાકને શર્ટના ખિસ્સામાંથી પાકીટ મારવું ફાવે, કેટલાક આખી પર્સ ઉઠાવી શકે, તો કેટલાક ખરા નિષ્ણાતો પર્સમાંથી માત્ર પાકીટ ઉઠાવી શકે.ચંદુ એ રીતમાં નિષ્ણાત હતો.
ચંદુ એની ચકોર નજરે પેલા જૂથના બહેનોનાં પર્સોનું નિરીક્ષણ કરવા માંડ્યો. કોઈના ય પર્સમાં વધારે માલ હોય એવાં લક્ષણો નહોતાં દેખાતાં.
ત્યાં ચંદુએ જોયું. પેલા કુર્તા-સલવારવાળા માજીએ એમની પર્સ ખોલી, એમાંથી એક પાકીટ કાઢ્યું, ખોલીને એમાં કંઈક જોયું, પાકીટ બંધ કરીને પર્સમાં પાછું મૂકી દીધું. પાછા નિરાંતે બેસી ગયા. થોડી મિનિટો પસાર થઇ. માજીએ ફરીથી એ જ રીતે પાકીટ કાઢ્યું, એમાં તપાસ્યું અને પાછું મૂકી દીધું. આવું હજી ફરીથી કર્યું. ચંદુને પાકીટ દેખાયું. મોંઘી જાતની પર્સ અને એવું જ પાકીટ. કદાચ ફોરીનનું ય હોય. માજીએ ઘરેણાં નહોતા પહેર્યાં, કદાચ પર્સમાં પાકીટમાં રાખ્યા હોય અને વારે વારે ચેક કરતા હોય. ઘરડા લોકોને આવું થાય. ચંદુને એ જ વખતે હાથમાં ચળ આવી. ફાયદો થવાનો. એને ખાતરી થઇ ગઈ. આશા બંધાઈ. ઘરેણાં નહીં તો પૈસા હશે. ફોરીનનું પાકીટ છે. દિવાળીના દહાડામાં તો એના ય પચાસ–સો ઉપજે. કંઈ નહીં તો ઘરવાળીને ભેટ અપાશે. આ પાકીટ ઉઠાવવું. પ્લાન નક્કી. ધનતેરસ અને દિવાળી બે ય સુધરી જવાનાં. હવે ચંદુ ટ્રેનની રાહ જોતો હોય એવી રીતે ઊભો રહી ગયો.
મોડી હતી તે ટ્રેન આવી. વ્યવસ્થિત રિઝર્વેશનવાળા ડબ્બા તરફ પણ લોકો ધસ્યા. ચંદુ પેલા માજીની એકદમ નજીક આવી ગયો. ધક્કાધક્કીમાં જોડાઈ ગયો. માજીએ કહ્યું ય ખરું, ‘ભાઈ સામાનવાળાને પહેલાં જવા દો’. તરત એ ખસી ગયો. માજી ટ્રેનમાં ચડી ગયા.ચંદુએ કરવાનું કામ કરી નાખ્યું હતું. ટ્રેનમાં ચડવાની ગડમથલ હજી ચાલુ હતી. પર્સમાંથી નીકળેલું પાકીટ ખાસ્સું ભરેલું હતું, ચંદુ હરખાયો. વખત બગાડ્યા વિના એ પાકીટ હાથમાં લઈને પ્લેટફોર્મના દાદરા પાસે પહોંચી ગયો અને દાદરો ચડી ગયો.દાદરો અને ઉપરનો પુલ લગભગ ખાલી હતા. પુલ પર પહોંચીને એણે પાકીટ ખોલ્યું. પાકીટ જાડું હતું એ ખરું પણ એમાં ચંદુના કામનો માલ ન હતો. એમાં હતી એલ્યુમિનિયમ,કાગળ અને પ્લાસ્ટીકના ફોઈલમાં પેક થયેલી જાતજાતની દવાઓની ગોળીઓ! એકાદબે નહિ, પૂરી બાર રંગબેરંગી ફોઇલ્સ. પાકીટ જાડું હતું તે કંઇ અમસ્તું?
એક કહેતાં એક સમ ખાવા પુરતો ય એક સિક્કો નહોતો! એટલામાં ટ્રેન ઉપડવાની વ્હીસલ વાગી. પેલી ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ છોડી રહી હતી. ચંદુએ નિરાશા અને ગુસ્સામાં પાકીટ જોરથી ફેંક્યું. પાકીટ ફોરેનનું હતું એ ય યાદ ન રહ્યું. એ ટ્રેન પર જ પડ્યું, કદાચ માજી હતા એ જ ડબ્બા પર પડ્યું હોય. ચંદુ બબડ્યો, ‘આજકાલના માજીઓ ય બહુ ઉસ્તાદ હોય છે! ધનતેરસે અપશુકન કરાવ્યા.’
હવે ટ્રેન યાર્ડની બહાર નીકળી ગઈ હતી. મુસાફરો ગોઠવાવા માંડ્યા હતા.વાતાનુકૂલિત ટુ-ટિયર શયનયાનમાં બેઠેલા માજીએ પર્સ જોઈ, એની ચેઇન ખુલ્લી હતી, અંદર પેલું પાકીટ નહોતું. ‘ગયું’ એ બોલ્યા. સહેજ હસ્યા ને પછી પર્સના છેક અંદરના કોઈ ખાનામાંથી પ્લાસ્ટીકની ડબ્બી કાઢી, એમાંથી હીરાના પેન્ડન્ટવાળી ચેઇન, વીંટી અને બુટ્ટીઓ કાઢયા. ઘરેણાં પહેરતાં એમણે સામે બેઠેલી યુવાન સ્ત્રીને કહ્યું, ‘આજે ધનતેરસ, સપરમો દહાડો, દિવાળી શરુ.આજે તો ઘરેણાં પહેરવા જ જોઈએ! શુકન કહેવાય.’
ચંદુ કઈ સાવ ખોટું નહોતો કહેતો. આજકાલના માજીઓ ય તે ----
