Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bharat M. Chaklashiya

Comedy


3  

Bharat M. Chaklashiya

Comedy


તમે મૂળ ક્યાંના ?

તમે મૂળ ક્યાંના ?

9 mins 688 9 mins 688

"તમે મૂળ ક્યાંના ?" નાક પર લસરી પડેલા ચશ્મા ઉપરથી મોટા મોટા ડોળા વડે ઘોંચાશેઠ દુકાનના થડા પરથી સામે બેઠેલા ગ્રાહક સામે અધખુલ્લાં મોંએ તાકી રહ્યા. કાપડની દુકાન અમરતરાય એન્ડ સન્સ ના એ એકલા સન (પુત્ર) હોવા છતાં સન્સ લખેલું. કારણ કે અંગ્રેજીનું એમને એટલું જ્ઞાન નહોતું. ગ્રાહકને "મૂળ ક્યાં ના ?" એમ પૂછીને એમની દરેક વાત માં ઘોંચ પરોણો (કોક ની વાતમાં બિન જરૂરી રસ લઈ બિન જરૂરી સલાહ આપવી) કરવાની એમની ટેવને કારણે એમનું ઉપનામ "ઘોંચાશેઠ" માર્કેટમાં ગાજી ચૂક્યું હતું. તેમના ઘોન્ચપરોણાંની ઝલક જોઈએ.

"અમે મૂળ રાજકોટ બાજુના " ગ્રાહક જવાબ આપે છે.

"રાજકોટ બાજુ કયું ગામ ? " સવાલ નં. - બે.

"તોતણીયાળુ"

"તોતણીયાળું નાનું કે મોટું ? " ઘોંચાશેઠને દરેક ગામની માહિતી રહેતી.

"નાનું "

"ઓલ્યા, જીવાશેઠને ઓળખો ? ઇ અમારા ફઈના દીકરાના મોટા સાળાના વેવાઈ થાય.ઇમની દીકરી રુડીનું વેહવાળ મેં જ કરાવેલું. થોડી ભીનેવાન (કાળી) અને નીચી એટલે કોણ હાથ ઝાલે ? પણ પછી આપણે સગા શુ કામના હેં ? મારા ફઇનો દીકરો વેણીલાલ તો પાછો મુંબઈ રે, અને ઇનો મોટો સાળો નરોત્તમ તમારા રાજકોટથી ઉગમણે દસબાર ગાઉ ઉપર ઓલ્યું નવું રામપરું છે ને, ઇ ન્યાનો (તે ત્યાં નો ). દિવાળી ઉપર વેણીલાલ અને નરોત્તમ બેય મારી દુકાને આવેલા. તે બિચારો કરગરી પડેલો. શું ? કે છે કે શાંતિભાઈ છોકરો જરીક એક આંખે ઓછુ ભાળે છે તે કોઈ હાથ ઝાલતું નથી. તે મેં જો આ લાકડે માકડું ફિટ કરી દીધું, શું ?" થોડું અટકીને આગળનો સવાલ..

" તે તમારે ઘેર કોના લગન છે ?"

"અમારે આ ભાઈના નાના દીકરાના " આવેલ ગ્રહકમાંથી એકે બીજાને બતાવીને કહ્યું.

"તે કેટલા દીકરા દીકરી તમારે ?"

"ત્રણ દીકરી અને બે દીકરા "

"તે ઘરે બારે કેટલા આમાંથી ?" ( કેટલના લગ્ન થઈ ગયા )

"આ છેલ્લો વરો છે " (વરો- પ્રસંગ)

"તો ઠીક, ચીએ ચીએ ઠેકાણે સગા થયા છો ?"

" અમારે બસનો ટેમ થઈ જ્યો સ ભઈ શાબ. હવે મહેરબાની કરો, ફરદાન (ફરી વાર) આવશું તો જરૂરથી સંઘીય વાત જણાવશું, હવે જાવા દિયો "

" હા હા તે મેં ચ્યાં તમને રોકી રાખ્યા છે, આ તો ઘડીક બેઠા છીએ તે વાતમાંથી વાત નીકળી એટલે ભઈ. તમ તમારે દાંડે પડો. અને આમ જોવો આખી મારકીટમાં સવથી સસ્તું અને સવથી સારું આપણી દુકાન શિવાય ક્યાંય નઈ મળે ઇ ધ્યાન રાખજો , તો હવે નીકળો, તમારે મોડુ થાશે."

"ઠીક લ્યો ત્યારે, શેઠ" એમ કહીને ગ્રાહક રવાના થતા.

થોડીવાર પછી બીજા કોઈ ગ્રાહકનું બિલ બનતું એટલે ફરીવાર..

" તમે મૂળ ક્યાંના ?"

" અમે મૂળ અમરેલી બાજુના"

"બરોબર, ચિયું ગામ ?"

"અમારું ગામ સમઢીયાળા"

"સમઢીયાળા નં એક કે બે ?"

"એક"

"ઓલ્યા નરસી નાથાને ઓળખો ?"

"હા, અમારા ગામના જ છે તે કેમ ના ઓળખીએ !"

"ઈ અમારા ગામના પીતાંબર મોહનના માસીનો દીકરો છે ધારી બાજુ .. સાલું ગામનું નામ હું ભૂલી જ્યો...હા.. રૂપાવટી..ન્યાકણે (તે જગ્યાએ) ઈને જમીન ઘણી છે. જમન જીવરાજ ઈનું નામ. એને બિચારાને એકની એક દીકરી, અને ઠેકાણું સારું ગોતે હો, ઘર ખાતું પીતું અને આપડું ઘરાક એના દાદા વખતથી હો ! તે ખોટું નહિ બોલું, પીતાંબર ને જમન બેય દિવાળી ઉપર આવેલા આપણી દુકાને. મને કે'ય કે શાંતિકાકા આ જમનની દીકરીનું ગોઠવી આપો, તે જો ઇ નરસી નાથાના દીકરા ચંદુ હારે વળગાડી દીધી."નાક ઉપરથી લસરી પડેલા ચશ્મા મૂળ જગ્યાએ ગોઠવીને...

"તમારે કોના લગન છે..

"લગન નથી, અમારા ઘરડા માજી પાસા થયાં છે (મૃત્યુ પામ્યા છે) એટલે બેસણામાં પહેરવા આ લેંઘો અને ઝભ્ભો લેવા આયા છીએ"

"માજીની ઉંમર ચેટલીક હશે ?"

"હશે લગભગ એંસી નેવું જેટલી"

"હા હા, તો તો બવ જીવ્યા કહેવાય. દાદા બેઠા છે કે ..."

"દાદા તો દસ વરસ પહેલાં ગીયા.."

"હં હં.., માજી માંદા હતા કે કાંઈ પડી બડી ગ્યા'તા"

"ના ના, સાંજે સુતા, વાળું પાણી કરીને તે સવારે ઉઠયા જ નહીં !"

"લે બોલો, અમારે મારા દાદા હતા ચોથી પેઢીએ, એમની ઉંમર હશે લગભગ એકસો ને વીસ વરહ આજુબાજુ, તે સાંભળો, સાંજે વાળું કરીને બધાને કે કે સવારે હું નહિ ઉઠું, મારે તેંડુ આવી જયું છે, તે કોઈ માને ? સાચુંન સવારે ઉઠ્યા જ નહીં બોલો, જુના માણસો બિચારા સાચા હો."

"શેઠ, અમારું બિલ લઈ લ્યો ભાઈશાબ, અમારે હવે જાવું છે."

" હા હા તે ઉપડો ને ભાઈ, અને આમ જોવો આખા મારકેટમાં .........."

"હા હા ઇ અમને ખબર છે, તમારી કરતા સસ્તું અને સારું બીજે ક્યાંય નઈ મળે.."

ગ્રાહક ચાલતી પકડતા.

આમ, જો દુકાનમાં એકલ દોકલ ગ્રાહક આવી ચડ્યો હોય તો તે શાંતિલાલ ઉર્ફે ઘોંચશેઠનો શિકાર બની જતો. જો ગ્રાહક સમયસર ચેતે નહિ તો વાતોમાં એવો ગૂંચવાઈ જતો કે એને જ્યાં જવાનું હોય ત્યાં એ એકાદ કલાક મોડો પહોંચતો.

શેઠને આજુબાજુના ગામડાઓની સારી એવી માહિતી રહેતી. દરેક ગામમાં કોઈને કોઈ તો ઓળખીતું હોય જ. એટલે ભળતી સળતી વાતો કરવા માંડે. એમાં સામેવાળાંનો સોથ બોલી જાય.પણ એક વાર શાંતિલાલ ઉર્ફે ઘોંચશેઠનો પણ વારો પડી ગયો. બપોરના સમયે એક પચાસેક વર્ષના એક ખેડૂત પહેરણનું કાપડ લેવા આવેલો. અને ઘોંચાશેઠ આદત મુજબ પૂછી બેઠા .

"તમે મૂળ ક્યાંના ? "

જાણે કે ઘાસની ગંજીમાં સળગતો કાકડો પડ્યો !!

"અમે તો મૂળ જૂનાગઢ પંથકના, અમારે ન્યા જંગલમાં વીહ વીઘા ભોં (જમીન), અને ઇ ય પાછી પાડાના કાંધ જેવી હો. માલિકોર માથું વાવો તો માણહ ઉગે એવી હો ! તે શેઠ સાંભળો, અમે ત્રણ ભાયું, રાત દી મેનત કરી ને મોલાતું ઉગાડવી હો. અને સાવજડા સેંજળ પીવે ને ઇ ગઢ જૂનો ગિરનાર, ભાઈ ભાઈ. પણ સાવજડા તો અમારે મન ભેડ બકરી જ હો, એક દી હું વાડીએ જાઉં ને નેળમાં ચાર સાવજ સામાં મળ્યા. તે શું હું મારી મેળે વયો જાતો'તો..."

"હા ભાઈ હા, તમારા કાપડના બસ્સો રૂપિયા થ્યા છે ..." શાંતિલાલની શાંતિની ધીરજ ખૂટવા આવી. પણ પેલો મોળો પડે એમ નહોતો.

"રૂપિયા ચ્યાં ભાગી જવાના સે, સાંભળો, પછી તો મારા હાથમાં બડીયો હતો. તે એક એક બરડામાં ઠોકયો ચારેયને ! હે હે હે, તે શું ઉભી પૂંછડીએ ભાગ્યા હો ! અને એક તો શેરી રીયો હે હે હે.ઇમ અમે કાંઈ ગંજયા નો જાવી હો !"

" હશે હો પટેલ, તમે તો ભાઈ ભારે જબરા ! લ્યો ત્યારે બિલ આપો અને જાવ તમારે મોડું થાતું હશે !" શેઠને આ પટેલ ભારે પડ્યો હતો.

" અરે, મારે તો ઠેઠ સાંજે બસ છે. આવા તડકામાં ચ્યાં રખડવું ? અને આ તમારી દુકાનમાં ભારે ટાઢક છે હો. અને તમારો સ્વભાવ પણ ભારે સારો હો ! પછી તો શેઠ, એક દી બે દીપડા મારી પાડીયું લઈને ભાગ્યા'તા. અને ભાઈ હું જે વાંહે થયો છું ઇની વાત જાવ દયો ! તમને જાણવાની બવ ઈચ્છા છે એટલે લ્યો માંડી ને વાત કરું..." એમ કહીને પટેલ પલોઠીં વાળીને બેસી ગયો.

" ના ના એવી કાંઈ જરૂર નથી પટેલ, તમારે સાવજ દીપડા તો રોજના હોય. અમે તો જાણવી જ છી. એટલે તમારે જવું હોય તો.." શેઠ બરાબરના ભેરવાયા હતા.આ બલાને મૂળ ક્યાંના એમ પૂછવા બદલ ભારે પસ્તાવો થવા લાગ્યો.

" અરે શેઠ, મારે કંઈ ઉતાવળ જેવું નથી, તમતમારે વાત સાંભળો ને ! ઈમાં તે દી બન્યું એવું કે હું, ભેંસ અને બે નાની પાડીયું લઈને સાંજ વેળાએ પાણી પાવા ગામના અવેડે લઈને જાતો'તો, હજી અવેડા માં મોઢું નાખે નો નાખે ત્યાં તો સીમ પધોરથી (સીમ બાજુએથી) બે દીપડા હાલ્યા આવતા મેં નજરો નજર ભળ્યા હો. હજી હું કાંઇ સમજુ ઇ પેલા તો મારા હાળા બેય એક એક પાડરૂને ગળેથી ઝાલીને ઉપડ્યા હો ! પણ આ પાંચો કાંઈ એમ પાડરૂને લઈ જાવ દે ખરો ? " મૂછ ઉપર હાથ નાખીને પટેલે આગળ ચલાવ્યું, "પછી તો શેઠ જે બડીયો લઈને વાંહે ડોટ મૂકીને તે બેયને આંબી ગયો ! વાંહયલા (પાછળના) ટાંગામાં ઉપાડીને જે ઘા ઠોક્યાંને શેઠ, તે મારા હાળા પાડીયું મૂકીને ઉભા પૂછડે ભાગ્યા હો! અને એક તો શેરી રિયો હો ! પછી સાંભળો શેઠ..."

"પટેલ હવે ખમૈયા કરો ભાઈ શાબ નકર હું શેરી રઈશ.." શેઠે કંટાળીને કહ્યું.

"અરે ઇમ કાંઈ હોય ? ચેટલા વાગ્યા ? લ્યો આ બસો રૂપિયા અને કાંઈક ચા પાણી તો મંગાવો! ભલા માણસ અમારે તો સોરઠમાં આંગણે આવેલ કોઈ ભૂખ્યું તરસ્યું નો જાય હો, તમારે આંય શે'રના પાદરમાં આવકાર નો મળે હો ભાઈ, આવકારો તો અમારા સોરઠનો.. તું ભૂલો પડય ભગવાન, ઇ કાંઈ ઇમનીમ નથ્ય કે'વાણું !! "

શેઠને થયું કે લાવને ચા મંગાવીને આને પાઈ દઉં. જો જાય તો.

"હા હા કેમ નહિ, લ્યો ચા મગાવીએ.. અલ્યા ચમન, ભાઈ જા ને એક ચા નું કહેને !" શેઠે પોતાના નોકરને ચા લેવા જવાનું કહ્યું. " જા ઝટ (જલ્દી) કર "

" ના, ના ઇમ કાંઈ આપડે ઉતાવળ નથી હો ભાઈ, તું તારે નિરાંતે જા. અને આમ જો, પેસલ (સ્પેશિયલ) બનાવવાનું કે જે, આદુ બાદુ નખાવજે હો અને માથે ઉભો રઈને બનાવડાવજે, શેઠ ચા તો પેસલ જ પીવાય હો, આવો કોક દી અમારે ન્યા ! આમ જોવો, એક દી મારી ઘરવાળી ઘરે નોતી અને બારગામથી આઠ દહ મેમાન આવી ચડ્યા, અને ભાઈ મેં ચા બનાવી હો, લ્યો તમને માંડી ને વાત કરું..."

" ભાઈશાબ રે'વા દયો, મારા બાપ, આલ્યો તમારા બસો રૂપિયા, આ કાપડ પણ મફતમાં લઈ જાવ, પણ વાત નો કરશો ભાઈ શાબ, મૂંગા મરો, તમે મૂંગા મરો !" શેઠે ખાનામાંથી બસ્સો રૂપિયા પટેલને પાછા આપીને હાથ જોડ્યા.

"અરે ઇમ થાય કાંઈ ? વાત તો કરવા દયો !" પટેલે નવાઈ પામીને પૈસા ગજવામાં મૂક્યાં. " ઓલ્યો ચા લઈને આવે તાં લગી આપડે વાતું કરવી ઇમ. મારે તો શું કે બવ બોલવાની ટેવ નહિ હો, અમારા ગામમાં મને બધા મુંગો જ કે છે બોલો ! આ તમારી જેવું કોક મળે તો બે વાત કરીએ, બાકી ખોટું શું થુંક ઉડાડવું હેં !"

"હં હં " શેઠ કંઈ જ બોલવા માંગતા નહોતા.

"અને આમ જોવો શેઠ, પછી છે ને મેં ચૂલો સળગાવ્યો હો, અને તપેલીમાં દૂધ નાખ્યું, એકલું દૂધ હો, અમે ચા તો નકરા દૂધની જ બનાવીએ હો...."

"હં "

"અમારી ભગરી ભેંસ તમે એકવાર જોવો તો ખબર પડે, એ'યને બથમાં માય એવડું તો એનું આઉ છે. તણ ટેમ તો એને દોવી પડે હો, અને બે ભરવાડ દો'વા બેહે તયે માંડ દોઈ રે એટલું તો દૂધ કાઢે, અને દૂધ'ય કેવું .."

"હં હં "

"ઇનો ખોરાક'ય ઇમ હો.પોદળો કરે તો બે તગારા ભરાય એટલું તો છાણ નીકળે, એકવાર એક છોકરું રમતું'તું અને ઈમાં ભેંસની વાંહે પોગી ગયેલું અને હાળું ભેંસ પોદળો કરી તે ઓલ્યું છોકરું ડટ'ય જયું (દટાઈ ગયું) બોલો, ઇ તો કયો હું ઇ વખતે ન્યા કણે હાજર હતો, નકર મરી નો જાય ?"

"હં હં "

"શુ ભલા માણસ હં હં કરો છો, જવાબ તો દયો "

"હા ભાઈ હા, તમે ઇમ કરો, ચમન ચા લઈને આવે એટલે પી લેજો, પછી જ્યારે જાવું હોય ત્યારે જાજો બસ ? હું એક જગ્યાએ જાતો આવું, મારે એક ઉઘરાણીએ જાવું જ પડશે." એમ કહી શેઠ ભાગ્યા.

"તે વાંધો નઈ, તમતમારે જઈ આવો ને ! મારે કંઈ ઉતાવળ નથી, ઉઘરાણીએ તો જાવું જ પડેને, હું બેઠો છું, તમે આવો પછી આપડે ઓલી ચા વળી વાત માન્ડશું. લ્યો જાવ તમતમારે ટેસ થી."

શાંતિલાલે પાછું વળીને પણ જોયું નહિ. દુકાનમાં હવે પાંચો પટેલ એકલો બેસી રહ્યો. થોડીવારે ચમન ચા લઈને આવ્યો.

પટેલે લાંબા સબડકા બોલાવીને ચા પીધી.

"જોયું, ચમન આપડી વાતું સાંભળીને શેઠ કેટલા ખુશ થીયા ! કાપડના રૂપિયા પણ પાછા આપી દીધા, અને ઉપરથી ચા પણ પીવડાવી, જોયું ને ! હજી તો મારી પાંહે વાતુના કંઇક પડીકા પડ્યા સે, આવવા દે શેઠને, સાંજે જમીને જવાનો વિચાર છે, આવા શેઠ તો ભાઈ કોક જ મળે હો !"

ચમન તો શું બોલે ? કાયમ કોકની પાછળ પડી જતા શેઠની પાછળ આ પાંચો બરાબરનો લાગી પડ્યો હતો. કલાક સુધી પાંચા એ ચમનને પકવ્યો. શેઠ ઘેર જઈને પાછા આવતા હતા. દૂરથી એમને દુકાનમાં પલાંઠી મારીને બેઠેલા પાંચાને જોયો. દુકાનમાં જવાની હિંમત ન ચાલી. એટલે પાછા ઘેર જતા રહ્યા. ઘેર જઈ ને એમણે કોઈકને દુકાને મોકલીને દુકાન બંધ કરાવી ત્યારે પાંચો પટેલ ગયો.

હવે ઘોંચાશેઠ ક્યારેય કોઈ ગ્રાહકને પૂછતાં નથી કે " તમે મૂળ ક્યાંના ? "


Rate this content
Log in

More gujarati story from Bharat M. Chaklashiya

Similar gujarati story from Comedy