સૉરી
સૉરી
"તમને મારી જરા પણ પડી હોત તો આવું નહીં કરતે." કીર્તિએ મયંક પાસે પાણીનો ગ્લાસ લેતા ગુસ્સામાં કહ્યું.
ગુસ્સાથી રાતાપીળા થતા મયંકે આદત મુજબ નરમાશથી 'સૉરી' કહ્યું. મયંકને લેટ થતુંં હોવાથી ખભે બેગ ભેરવી ઓફિસે જવા નીકળ્યો. જતાં જતાં તેણે કીર્તિને કહ્યું, "હું ઓફિસે જાવ છું." અને બાય કહી કોઈ ઉત્તર ન મળતા નીકળી ગયો.
સવારથી દબાવેલો ગુસ્સો કાઢતો હોય એમ પગ પછાડતો સીડી ઉતરવા લાગ્યો. કીર્તિ અગાસીમાં બેઠી મયંકને જોઈ રહી હતી. ગુસ્સામાં હોશ ખોઈ બેઠેલો મયંક ઝડપથી પગ પછાડતો ચાલી રહ્યો હતો. મયંક બેધ્યાન થઈ ઝડપી ચાલે સોસાયટીના બહાર નીકળ્યો. કીર્તિને કંઈક ખરાબ થવાનો આભાસ થયો. એટલી વારમાં મયંક રોડ પર પહોંચી ગયો હતો. કીર્તિની નજર સામે રોડ પર ગઈ; ત્યાં જ સામેથી સ્પિડમાં આવતી ટ્રકના હોર્નના અવાજમાં કિર્તીની ચીસ દબાઈ ગઈ. મયંક ગુસ્સામાં હોશ ખોઈ બેઠો હતો. તેને ટ્રકના હોર્નનો અવાજ સંભળાયો નહીં. અને...
દૂર પડેલા મયંકના માથામાંથી જાણે ગુસ્સો પ્રવાહી થઈ વહી રહ્યો.
છેલ્લા પાંચ વર્ષથી કહેવા ટેવાયેલા મયંકે કીર્તિને જોતા સૉરી કહી આંખ બંધ કરી.
