સિંહ, સિદી ને સોનેરી ફળ
સિંહ, સિદી ને સોનેરી ફળ
સિંહ, સિદી ને સોનેરી ફળ
Oct 13, 2026 · @Vrajlal Sapovadia
એક દિવસમાં ચાર યુગમારું ગામ એવું કે સવારે ઊઠીને ખારા પાણીના અફાટ દરિયા સાથે બે ઘડી ગોષ્ઠી કરી આવો, બપોરે જંગલના રાજા સાથે સોદાની શરતો નક્કી કરો, સાંજે આકાશને આંબતા પર્વતની તળેટીમાં ઊભા રહીને સદીઓ પહેલાં એક સમ્રાટે ખડક પર કોતરેલા અક્ષરોને પૂછો કે ભાઈ, તેં પથ્થર ઉપર ઉપદેશ તો કોતર્યા, પણ માણસના મગજ સુધી પહોંચાડવા કઈ લિપિ વાપરી હતી? અને રાતે સૂતાં પહેલાં તેલની ઘાણીના હિસાબમાં એકાદ પાઈનો તફાવત શોધી કાઢો.
અહીં એક તરફ ડુંગરોની લાંબી હારમાળા એવી લાગે જાણે ધરતીએ લીલી પાઘડી બાંધી હોય, તો બીજી તરફ એક ગગનચુંબી પર્વત આકાશ સાથે ખાનગી મસલત કરતો કોઈ પ્રાચીન દરબારી લાગે. જંગલ એવું કે સાવજને પણ ક્યારેક રસ્તો પૂછવો પડે, અને દરિયો એવો કે રોજ કિનારે આવીને ધરતીને મળવા માગે, પણ ભરતી-ઓટના પારિવારિક ઝઘડામાં ફસાઈને પાછો વળી જાય. ચારે દિશામાંથી આવતી હવા અહીં એવી રીતે અવરજવર કરે જાણે દિશાઓના બધા ટપાલીઓને મારા ગામનું સરનામું મોઢે થઈ ગયું હોય.
એક તરફ રાજવટનો જૂનો ઠાઠ, બીજી તરફ ભક્તિમાં તરબોળ સંતનાં ભજન, ક્યાંક ગરીબ મિત્રની નિઃસ્વાર્થ દોસ્તી, તો ક્યાંક અડગ શ્રદ્ધા સામે માથું ઝુકાવતી માનવમેદની; આ બધાં જાણે એક જ ચોરા પર બેસીને ચા પીતાં હોય. ફરક એટલો કે ચાનો હિસાબ આવે ત્યારે ભક્તિભાવથી આંખો મીંચીને બેઠેલો માણસ પણ ખિસ્સામાં હાથ નાખતાં પહેલાં બાજુવાળાની સામે એક નજર નાખી લે!
પર્વતનાં પગથિયાં ગણવા બેસો તો ગણતરી પૂરી થાય એ પહેલાં શ્વાસ ખૂટી જાય. છતાં દરેક યાત્રાળુ ગણતો ચઢે છે, અને વચ્ચે કોઈ વાત કરવા રોકે તો ધીમેથી કહે: “ભાઈ, વાતમાં ગણતરી ચૂકી ગયો, હવે પાછું પહેલા પગથિયેથી!”
અહીં ધરતીની રચનાએ કોઈને દૂર રહેવા દીધા નથી અને ઇતિહાસે કોઈને સમયસર આવવાની શરત મૂકી નથી. સવારે દરિયાકિનારે ઊભા રહીને આવતીકાલની વાત કરી શકાય, બપોરે જંગલના રાજાને મળીને આદિમ યુગની ખબર પૂછી શકાય અને સાંજે પથ્થર પર કોતરાયેલા પ્રાચીન અક્ષરો સામે ઊભા રહીને ભવિષ્યના માણસને સલાહ આપી શકાય. અહીં ઘડિયાળ સમય બતાવે છે, પણ ગામના માણસને ખબર છે કે સમય તો માત્ર સરકારી ખાતાનો વિષય છે; વાર્તામાં તો દરિયો, ડુંગર, જંગલ, સમ્રાટ, સંત, વેપારી અને સાવજ — બધા એક જ સમયે હાજર રહી શકે. બસ, એક જ મુશ્કેલી છે: આટલા બધા મહાનુભાવો વચ્ચે જો કોઈ તેલની ઘાણીનો હિસાબ ચૂકવ્યા વગર ઊભો થાય, તો આખા ઇતિહાસને થોડી વાર માટે બાજુ પર મૂકીને પહેલાં એની પાસેથી પૈસા વસૂલવામાં આવે!
જંગલનો રાજાઆ ધરતીના જંગલમાં એક એવો રાજા રહે છે જેને કોઈ રાજ્યાભિષેકની જરૂર નથી. એના માથે તાજ નથી, છતાં એની ચાલમાં રાજવી ઠાઠ છે. એની પાસે મહેલ નથી, છતાં માણસો એની જમીનને સુરક્ષિત રાખવા માટે કાયદા બનાવે છે. એના નામે સિક્કા નથી છપાતા, છતાં એની એક ઝલક જોવા લોકો દૂરદૂરથી આવે છે. એના આ ખાસ કુળની જંગલી વસાહત દુનિયામાં બીજે ક્યાંય બચી નથી; અહીં એ હજી ધરતી ઉપર ચાલે છે, ધૂળ ઉડાડે છે અને ક્યારેક રસ્તા ઉપર એવી રીતે બેસી જાય છે જાણે આખા વાહનવ્યવહાર વિભાગને કહી રહ્યો હોય કે આ રસ્તો તમારા નકશામાં હશે, મારા નકશામાં નહીં.
માણસે એને બચાવવા માટે જંગલને કાગળ ઉપર સીમિત કર્યું છે, જ્યારે એ રાજા કાગળ વાંચતો નથી અને સીમા ઓળંગવા પહેલાં કોઈ પાસપોર્ટ કચેરીમાં જતો નથી.
રાજાના પડોશમાં એવા માણસો વસે છે જે એને પ્રાણી નહીં, પડોશી ગણે છે. એ પશુપાલકો રાતે દૂધનો હિસાબ ક્યારેક ચૂકી જાય, પણ રાજાનાં પગલાંનો હિસાબ ક્યારેય નહીં. રાતે જ્યારે એની ગર્જના દૂર સુધી ગાજે, ત્યારે ગામના કૂતરા પણ ભસવાનું થોડી વાર માટે મુલતવી રાખે છે; કદાચ એમને ખબર છે કે જાહેર ભાષણ વખતે વચ્ચે બોલવું શિષ્ટાચાર નથી.
જ્યાં ફળમાં સૂરજ ઊગેઆ ધરતીની એક ખાસિયત એવી છે કે અહીં ઉનાળો આવે ત્યારે ઝાડ ઉપર જાણે નાના સૂરજ લટકતા હોય. બહારથી લીલાછમ, અંદરથી સોનેરી અને રસમાં એવા કે એક વાર મોઢામાં મૂક્યા પછી માણસને સંસ્કાર, સંયમ અને સભ્યતાના બધા ઉપદેશ થોડા સમય માટે ભૂલી જવાનું મન થાય.
વેપારી એની પેટી ઉપર એવી નજર રાખે જાણે તેમાં ફળ નહીં, પોતાનું આખું ભવિષ્ય પેક કર્યું હોય. ખરીદનાર એક ફળ સૂંઘે, બીજું દબાવે, ત્રીજાને પ્રકાશ સામે ધરે અને ચોથા માટે ભાવતાલ કરે. આખરે એક પેટી ખરીદીને જાય, પણ રસ્તામાં એને શંકા થાય કે કદાચ બીજી પેટીમાં સૂરજ થોડો વધારે પાક્યો હશે. પેટી ઘરે ખૂલે ત્યારે ઉપરના થરમાં રાજા અને નીચેના થરમાં પ્રજા જોવા મળે, અને ખરીદનાર સમજે કે લોકશાહીનો પહેલો પાઠ પેટીમાંથી જ શરૂ થાય છે.
અહીં ફળ ખાવાની વસ્તુ નથી; તે માણસની પસંદગી, પ્રતિષ્ઠા અને પસ્તાવાનો મોસમી વ્યવસાય છે. ખેડૂત ઝાડને નામ આપીને બોલાવે છે, જ્યારે ઝાડ પાંચ વર્ષે પણ ખેડૂતને ઓળખતું નથી; છતાં દર ઉનાળે બંને વચ્ચે હિસાબ બરાબર પતે છે.
વિદ્વાન કુટુંબો અને વિજેતાની ફોજઅહીંના કેટલાક વિદ્વાન કુટુંબો વિશે એવી જૂની વાતો ચાલે છે કે એમના પૂર્વજોએ બહુ દૂરના પશ્ચિમના પ્રદેશોમાંથી, એક વિશ્વવિજેતાની ફોજના જમાનામાં, લાંબી મુસાફરી કરીને આ ધરતીને ઘર બનાવ્યું હતું. ઇતિહાસના ચોપડામાં એ વાત કેટલી સાચી, કેટલી લોકસ્મૃતિ અને કેટલી કુટુંબની પ્રતિષ્ઠાને લગાવેલી સોનેરી કિનારી — એનો નિર્ણય કોઈ બીજો કરે.
પણ વાતમાં મજા એટલી છે કે એક સમયે દુનિયા જીતવા નીકળેલી ફોજ આગળ વધી ગઈ, અને એની સાથે જોડાયેલાં હોવાનું કહેવાતું જ્ઞાન, ભાષા અને કુટુંબોની યાદ અહીં રહી ગઈ. વિજેતા કદાચ શહેરો જીતવા આવ્યો હતો; કેટલાક લોકો અહીં આવીને વસ્યા અને શહેરે એમને જીતી લીધા. આજે એમના વંશજો અહીંના જ છે — એટલા સ્થાનિક કે બહારનો માણસ એમનું મૂળ પૂછે તો પહેલાં એને ચા પીવડાવે, પછી મૂળનો પ્રશ્ન પૂછવા બદલ હળવો ઠપકો આપે.
હા, અને આમની શુદ્ધ મીઠી ભાષા. નાનાને ભાઈ કહી બોલાવે અને મોટાને તું.
એ ઘરોમાં ગ્રંથો જેટલા આદરથી સચવાય, હિસાબના ચોપડા પણ એટલા જ આદરથી સચવાય; કારણ કે અહીંના વિદ્વાનને ખબર છે કે જ્ઞાન ગમે તેટલું ઊંચું હોય, વર્ષના અંતે સરવૈયું મળવું જ જોઈએ.
પથ્થર ઉપરના અક્ષરોઆ ધરતીના એક પથ્થર ઉપર તો સદીઓથી અક્ષરો કોતરાયેલા છે. કોઈ પ્રાચીન સમ્રાટે પોતાના શાસનકાળમાં માણસને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે લોભ ઓછો કરો, જીવ પ્રત્યે દયા રાખો અને સારા વર્તનને માત્ર ઉપદેશમાં નહીં, જીવનમાં ઉતારો. સમ્રાટ ચાલ્યો ગયો, એની સત્તા ગઈ, એની સેનાઓની ધૂળ પણ ક્યારની બેસી ગઈ; પરંતુ પથ્થર હજી ઊભો છે.
એ જ પથ્થર ઉપર પછીના એક શાસકે સરોવરનો બંધ તૂટ્યા પછી સમારકામનો ખર્ચ પણ નોંધાવ્યો. સરકારી ખર્ચનો ખુલાસો આપવાની પરંપરા કેટલી જૂની છે, એનું આથી વધુ પાકું પ્રમાણ બીજું કયું? વળી ઉપદેશની નીચે જ પછીના રાજાઓએ પોતાની પ્રશસ્તિ કોતરાવી; જાણે કોઈ ભાડૂતે મકાનમાલિકની નોટિસ નીચે પોતાનું નામ ટીચી દીધું હોય.
એની સામે ઊભા રહીએ તો લાગે કે પથ્થરને પણ માણસની યાદશક્તિ ઉપર દયા આવતી હશે. કારણ કે એ જ ઉપદેશ વાંચવા આવતા માણસો થોડે દૂર જઈને પાર્કિંગના પૈસા ઉપર ઝઘડતા હોય, રસ્તામાં કચરો નાખતા હોય અને ઘરે જઈને પડોશી સાથેની અદાલતી લડાઈ માટે વકીલને ફોન કરતા હોય. પથ્થર કંઈ બોલતો નથી. કદાચ એને સમજાઈ ગયું છે કે અક્ષરો કોતરવા સહેલા છે, માણસના સ્વભાવમાં કોતરવા મુશ્કેલ.
ગઢ, ગુફા, મકબરા અને રાતનો મેળોગામની વચ્ચે એક જૂનો ગઢ એવી રીતે ઊભો છે જાણે શહેર કરતાં પણ પોતે વધારે જૂનો હોવાનો એને ગર્વ હોય. એની દીવાલોમાં કેટલાં યુદ્ધો લખાયાં એનો હિસાબ કોઈને મોઢે નથી, પણ કેટલા રાજા આવ્યા અને ગયા એનો હિસાબ પથ્થરે ચૂપચાપ સાચવ્યો છે. એની અંદર પથરાળ ધરતીમાં ઊંડા ઊતરતાં ચક્કરદાર પગથિયાંવાળા કૂવા છે; ત્યાં પાણી ભરવા ગયેલી સ્ત્રીઓએ સદીઓ સુધી ગામની બધી વાતો નીચે ઊતરતાં સાંભળી અને ઉપર ચઢતાં ફેલાવી.
પથ્થર કોતરીને બનાવેલી ગુફાઓમાં કોઈ કાળે સાધુઓએ એકાંત શોધ્યું હતું. આજે ત્યાં આવતા પ્રવાસીઓ ખૂણે ખૂણે ફોટા પાડે છે, અને ગુફાનો પથ્થર હજી એ જ ધીરજથી મૌન રાખે છે જે ધીરજથી એણે સાધુઓની સાધના સહન કરી હતી. થોડે દૂર જ ઝીણી કોતરણીવાળા ગુંબજ અને વળાંકદાર મિનારાવાળા મકબરા ઊભા છે, જ્યાં પથ્થર પણ કારીગરની આંગળીઓ સામે શરમાઈને નરમ થઈ ગયો હોય એવું લાગે.
કેટલાક ભૂવિજ્ઞાનીઓ કહે છે કે આ પર્વત કોઈ જમાનામાં ધગધગતો જ્વાળામુખી હતો. ગામ એ વાત સાંભળીને હસે છે: “પર્વતનો ગુસ્સો તો ઠંડો પડી ગયો, પણ ચોમાસામાં કીટલીઓ આજ સુધી ગરમ છે.” એ જ પર્વતની ટોચે જુદા જુદા ધર્મોનાં મંદિરો એકબીજાની નજર સામે બેઠાં છે. ત્યાં સુધી પહોંચતાં એટલો શ્વાસ ખર્ચાઈ જાય કે ઝઘડવાની શક્તિ જ બચતી નથી; કદાચ શિખર પરની શાંતિ આટલી સસ્તી રીતે બીજે ક્યાંય નથી મળતી.
શિયાળાની એક રાતે તળેટીમાં એવો મેળો ભરાય છે કે આખું વર્ષ અદૃશ્ય રહેલા ભસ્મધારી સાધુઓ અચાનક પ્રગટ થાય છે. તે રાતે વેપારી પણ ભાવ ઘટાડવાનું વિચારે છે — પણ માત્ર વિચારે છે. બજારમાં સવારે ફરસાણની કડાઈમાંથી ઊઠતી સુગંધ, બપોરે કાપડના તાકાની સરસરાટ અને સાંજે વાસણોનો ખણખણાટ ચાલતો રહે. અહીંની બોલીમાં “ના” કહેવાની પણ ચાર રીતો છે: “ના”, “ના રે ના”, “હોતું હશે?”, અને ચૂપ રહીને ચા મંગાવી લેવી.
કવિ અને એની પ્રાર્થનાઆ ધરતીએ એક એવો કવિ પેદા કર્યો કે જેની ભક્તિમાં ભગવાન કરતાં માણસની કસોટી વધારે હતી. એની દૃષ્ટિએ સાચો ભક્ત એ નહોતો જે સવારથી સાંજ સુધી માળા ફેરવે, પણ એ હતો જે બીજાનું દુઃખ પોતાનું માને, પરાઈ પીડાને સમજે, અહંકારને ઘરના દરવાજે ઉતારીને બહાર નીકળે અને કોઈ નબળા માણસને જોઈને પોતાની આંખો બંધ ન કરે. એણે ગીતમાં એવી પ્રાર્થના ગૂંથી કે જાણે માણસના હૃદયનું ઓડિટ કરતો હોય.
લોકકથા તો એમ પણ કહે છે કે એ કવિને જ્યારે પૈસાની જરૂર પડી, ત્યારે એના નામની હૂંડી સ્વયં ઈશ્વરે સ્વીકારી લીધી. એટલે અહીં ભક્તિ પણ હિસાબકિતાબથી અલગ નથી રહી; ઉધાર-જમાની ભાષામાં જ પ્રાર્થના લખાઈ.
પછી એક બીજા માણસને એ ગીત એટલું ગમ્યું કે તેણે એને પોતાની પ્રાર્થના બનાવી અને દૂર દૂરના દેશોના મંચ સુધી પહોંચાડ્યું. પરિણામે દુનિયાએ આ ધરતીના એક કવિને સાંભળ્યો, જોકે એના શબ્દોનો સાચો અર્થ સમજવા માટે દુનિયાને હજી પોતાની અંદર ઘણાં બારણાં ખોલવાનાં બાકી હતાં.
એ બીજા માણસની વાત વળી પછી કરીશું. કારણ કે એ માણસ બહુ મોટો છે અને એટલો મોટો કે બધા એને બાપુ કહે અને બીજા એક બાપુએ 1997 માં આ જિલ્લાના નક્શાનું ઓપેરેશન કરી નાખ્યું અને બાપુના શહેરને અલગ જિલ્લો બનાવી દીધો.
ગીતમાં તો કહ્યું હતું કે બીજાની પીડા સમજવી; પણ સમાજમાં કેટલાક લોકો એવા હતા કે જેમની પીડા સમજવાની તો દૂરની વાત, એમને અડવાથી જ જાણે ધર્મનું ખાતું ખોટું પડી જાય! એમના માટે અલગ રસ્તા, અલગ વાસ, અલગ વાસણ અને અલગ માનવીય ગૌરવની વ્યવસ્થા હતી. કવિએ જ્યારે એમની વચ્ચે બેસીને ભજન ગાયાં, ત્યારે નાતે એને બહાર મૂકવાની ધમકી આપી; ભક્તિએ બધાને એક જ આકાશ નીચે ઊભા રાખ્યા, પણ માણસે નીચે જમીન પર ચોકડી પાડી દીધી.
પ્રાર્થના વિશ્વભરમાં ફરવા નીકળી, જ્યારે એની અંદરનો સંદેશ પોતાના જ ગામની શેરીમાં પ્રવેશવાની પરવાનગી માગતો રહ્યો. અહીંનો વ્યંગ એટલો જ કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બધાને ખુલ્લો હતો, પરંતુ કેટલાક માણસો સુધી પહોંચવા માટે હજી ઓળખાણ, ભલામણ અને સમાજના દરવાનની મંજૂરી જરૂરી હતી.
સાગરપારની યાદમારા ગામની આસપાસ એક એવું ગામ પણ છે જ્યાં સાગરપારના ખંડની જૂની યાદો ગુજરાતી માટીમાં ઘર કરીને બેઠી છે. ત્યાંના લોકોના પૂર્વજોએ ક્યારેક દૂરના ખંડમાંથી દરિયો ઓળંગ્યો હશે, પણ હવે એમની બોલીમાં આ ધરતીની સુગંધ છે અને એમના જીવનમાં આ પ્રદેશનો ધબકારો. દુનિયાના નકશામાં એ ખંડ અને આ પ્રદેશ વચ્ચે હજારો માઈલનું અંતર હશે; અહીં તો બંને વચ્ચેનો રસ્તો એક જ ગામની શેરીમાં પૂરો થઈ જાય છે.
એમની શેરીમાં લગ્નનું ગીત ગુજરાતીમાં શરૂ થાય, ત્રીજી પંક્તિએ બીજી ભાષાનો શબ્દ આવીને બેસી જાય, અને કોઈ ટોકે નહીં; ભાષામાં પણ અહીં મહેમાનને ખુરશી મળે છે. ઢોલના તાલે નૃત્ય એટલું ઊંચું ચઢે કે ગરબો પણ ક્યારેક અટકીને પૂછી લે: “તારો તાલ ક્યાંનો?”
ઇતિહાસે એમને ક્યાંથી લાવ્યા એનો હિસાબ રાખ્યો હશે, પણ એમણે અહીં કેટલાં વર્ષો જીવ્યાં, કેટલાં ગીતો ગાયાં અને કેટલી પેઢીઓને ઉછેરી — એનો હિસાબ કોઈ સરકારી ચોપડામાં પૂરો થવાનો નથી.
પાણી ઉપર દોરેલી સરહદઆ ધરતીનો એક જમાનો એવો હતો કે અહીં સત્તાની મહોર રાજમહેલમાં લાગતી, પણ એ મહોર કઈ દિશામાં જોવી એનો નિર્ણય આખરે પ્રજાના હાથમાં પહોંચ્યો. સિંહાસન ઉપર બેઠેલા માણસને લાગ્યું કે દરિયાની લહેરો ઉપરથી રસ્તો કાઢી શકાય તો સરહદો પણ દરિયાના પાણીમાં દોરી શકાય. એને કદાચ ખબર નહોતી કે પાણી ઉપર દોરેલી લીટી ભરતી આવે ત્યારે ક્યાં રહે છે.
એક તરફ રાજવી ઇચ્છા હતી, બીજી તરફ ભૂગોળની પોતાની દલીલ; એક તરફ કાગળ ઉપરનો કરાર, બીજી તરફ રોજના બજારમાં ખરીદી કરતા, ખેતરમાં પરસેવો પાડતા અને શેરીઓમાં જીવતા માણસોની મૌન ઇચ્છા. વાત એટલી વધી કે આખરે પ્રજાને પૂછવું પડ્યું કે ભાઈ, તમારું ભવિષ્ય કઈ તરફ લખવું? મતપેટી ખૂલી ત્યારે સમજાયું કે રાજમહેલના દરવાજા ઊંચા હોઈ શકે, પણ પ્રજાના નિર્ણય ઉપર છત બાંધી શકાતી નથી.
ઐતિહાસિક આધાર માટે, ૧૯૪૮ના ફેબ્રુઆરીના જનમતસંગ્રહમાં નોંધાયેલા ૧,૯૦,૮૭૦ મતોમાંથી ૧,૯૦,૭૭૯ મત ઘરઆંગણાના દેશ સાથે જોડાવાની તરફેણમાં અને માત્ર ૯૧ મત સરહદપારના પડોશી દેશની તરફેણમાં પડ્યા હતા.
એ દિવસ પછી પણ અહીંના માણસોએ પોતપોતાના હિસાબ ચાલુ રાખ્યા. બજારમાં એ અઠવાડિયે એક જ ચર્ચા હતી કે જૂના સિક્કા ચાલશે કે નવા, અને ઉધાર લખેલી રકમ કયા રાજના ખાતે ગણાશે? કોઈએ જૂની વફાદારીનો હિસાબ કર્યો, કોઈએ નવી વ્યવસ્થાનો, અને કોઈએ તો પૂછ્યું કે આટલી મોટી ઐતિહાસિક ઊથલપાથલમાં દુકાન બે દિવસ બંધ રહી તેનું નુકસાન કોના ખાતામાં લખવું?
ઇતિહાસે સરહદો બદલી, સત્તાનાં સરનામાં બદલ્યાં, પણ માણસની હિસાબી ડાયરીમાં એક જ સવાલ રહી ગયો: નિર્ણય ભલે રાજાનો હોય કે પ્રજાનો, રોજીરોટીનો હિસાબ તો સાંજે જ ચૂકવવો પડે!
અંતે, હિસાબઆ ધરતીની ઓળખ એક જ વસ્તુમાં બંધાતી નથી. અહીં ફળનો રંગ સૂર્યાસ્ત જેવો છે, ગીતનો અર્થ માનવતાની પરીક્ષા જેવો છે, જંગલનો રાજા હજી પોતાની હાજરી નોંધાવે છે, પથ્થર ઉપર જૂના સામ્રાજ્યના શબ્દો સૂતા નથી અને કુટુંબોની વંશાવળીઓમાં દૂરના ખંડોનો પવન પણ ફરે છે. કોઈ પૂછે કે આ બધું એક જ પ્રદેશમાં કેવી રીતે સમાઈ ગયું, તો જવાબમાં અહીંનો માણસ કદાચ ખભા ઊંચા કરીને કહે: “ધરતી મોટી છે, ભાઈ; તમારા નકશાની મુશ્કેલીને અમે શું કરીએ?”
રાતે ઘાણી બંધ થાય, હવામાં તેલની સુગંધ રહી જાય, દરિયા તરફથી ઠંડો પવન આવે અને પર્વત ઉપર દીવા ઝબૂકે. અને હા, આટલી બધી ભવ્યતા વચ્ચે રોજિંદા જીવનનો હિસાબ ભૂલશો નહીં. અહીં કોઈ ફળની મીઠાશ માપે, કોઈ ગીતની ભક્તિ, કોઈ જંગલની સરહદ, કોઈ પથ્થરની ઉંમર અને કોઈ પોતાના પૂર્વજોની મહાનતા. પણ સાંજે દુકાન બંધ થાય ત્યારે બધાને એક જ સવાલ થાય — આજનો હિસાબ સરખો બેઠો કે નહીં?
કારણ કે ઇતિહાસ કેટલો પણ પ્રાચીન હોય, ભક્તિ કેટલી પણ ઊંડી હોય અને જંગલનો રાજા કેટલો પણ નિર્ભય હોય, ઉધારના ચોપડામાં નામ ચડી જાય પછી માણસની ઊંઘ ઉપર સૌથી પહેલાં એ જ રાજ કરે છે!
