હેંડો ઓમેરિકા
હેંડો ઓમેરિકા
હેંડો ઓમેરિકા
રાજધાનીથી દર પંદર સેકન્ડે ઊપડતી શટલ જીપમાંથી હું હમણાં જ નીચે ઊતર્યો. જીપમાં સાડત્રીસ મુસાફરો હતા. ડ્રાઇવરે દરવાજો ખોલ્યો કે નહીં, ખબર નહીં; મુસાફરો ઊતરવા લાગ્યા એટલે હું પણ ઊતરી ગયો. અહીં ઊતરવા માટે કોઈને સ્ટોપની જરૂર નહોતી: જગ્યા મળે એટલે સ્ટોપ, અને સ્ટોપ મળે એટલે જગ્યા!
રસ્તાની બંને બાજુ ઊંચાં ઊંચાં બોર્ડ લાગેલાં હતાં. કેટલાં તો એટલાં ઊંચાં કે વાંચવા માટે ડોકું ઊંચું કરતાં પહેલાં માણસે પોતાનો ભવિષ્યકાળ તપાસવો પડે.
USA VISA — પંદર દિવસમાં! હવે માત્ર પાંચ સેકન્ડમાં!
પેમેન્ટ એક કરોડથી આઠ કરોડ સુધી!
રોકડા કે હપ્તે — તમારી સગવડ પ્રમાણે!
નીચે ઝીણા અક્ષરે લખ્યું હતું: સ્વપ્ન તમારું, જવાબદારી અમારી નહીં.
બોર્ડની નીચે, ખેતરના શેઢે, એક ચાડિયો ઊભો હતો. ગળામાં ટાઈ, માથે ઊંધી ટોપી, અને હાથમાં કાગળનો એક ફાટેલો ટુકડો. નજીક જઈને જોયું તો એ વિઝાનો રિજેક્શન લેટર હતો. ચાડિયો પણ અરજી કરીને થાકી ગયો હતો, એટલે હવે ખેતર છોડીને ઊડી જતાં પંખીઓને બદલે ઊડવા માગતા માણસોને જોતો ઊભો હતો.
રસ્તાની બાજુમાં એક રંગબેરંગી મેટાડોર ઊભી હતી, તેની બાજુમાં ધાબુ, અને ઢાબાની સામે એક ભવ્ય બોર્ડ:
EMBASSY OF UNITED STATES OF OMERIKA
ઓમેરિકા! મેં મનમાં ઉચ્ચાર કર્યો. અમેરિકા અને ઓમેરિકા વચ્ચે એટલો જ ફરક હતો જેટલો પાણી અને પોણી વચ્ચે. દેશ બદલાય કે ઉચ્ચાર, ડોલરનો ભાવ તો સરખો જ રહે!
હું અંદર ગયો. સંભવિત કબૂતરોને ઉડાડવા રાજદૂતો તૈયાર બેઠા હતા. દરેકની સામે એક ફાઇલ, એક કેલ્ક્યુલેટર અને એક સ્મિત. સ્મિતમાં એવી ખાતરી કે જાણે વિમાન નહીં, આખું અમેરિકા એમની અંગત માલિકીનું હોય.
પાસપોર્ટ જોઈએ? હાજર.
વિઝા જોઈએ? હાજર.
મેડિકલ સર્ટિફિકેટ? હાજર.
પોલીસ ક્લિયરન્સ? હાજર.
લેમિનેટ કરેલો ફોટો ફ્રેમ સાથે કે ફ્રેમ વગર? બંને ઉપલબ્ધ.
પેકેજ શરૂ માત્ર ૩.૫૧ કરોડથી!
દીવાલ પર નાનાં નાનાં કાઉન્ટર હતાં, જાણે લગ્નમંડપમાં જુદી જુદી વાનગીઓના સ્ટૉલ.
કાઉન્ટર નંબર એક: અમેરિકન એક્સેન્ટ — ત્રણ દિવસમાં! ત્યાં એક શિક્ષક ગળું ખંખેરીને શીખવતો હતો, “બોલો, ‘વૉટર’ નહીં, ‘વૉડર’. ગળામાં થોડું પાણી રાખીને બોલો, નહીંતર અમેરિકા તમને ઓળખશે નહીં.” વિદ્યાર્થીઓ ગળામાં પાણી ભરીને ‘વૉડર, વૉડર’ બોલતા હતા, અને ઘણાને ખાંસી આવતી હતી.
કાઉન્ટર નંબર બે: મોક ઇન્ટરવ્યૂ — પ્રશ્નો અને જવાબો તૈયાર! એક ઑફિસર પૂછતો, “તમે અમેરિકા કેમ જવા માગો છો?” અને ઉમેદવાર ગોખેલા અવાજે જવાબ આપતો, “પ્રવાસ માટે, સાહેબ.” “પરત આવશો?” “ચોક્કસ, સાહેબ.” પછી બંને એકબીજા સામે જોઈને સહેજ હસતા, કારણ કે બંનેને ખબર હતી કે બેમાંથી એક પણ વાક્ય સાચું નથી.
કાઉન્ટર નંબર ત્રણ: ખાસ ‘ડંકી’ પેકેજ — પ્લાન બી! ત્યાં કોઈ બેસતું નહોતું, પણ લાઇન સૌથી લાંબી હતી. બોર્ડ પર નાનું લખાણ: રસ્તો લાંબો, જોખમ તમારું, અને જો પહોંચી જાઓ તો ક્રેડિટ અમારું.
મેં પૂછ્યું, “આ બધાં દસ્તાવેજોની તપાસ કોણ કરે?”
એક રાજદૂતે મારી સામે એવી નજરે જોયું, જાણે મેં લગ્નના રસોડામાં જઈને રસોઈયાને પૂછ્યું હોય કે જીરું અસલી છે કે નકલી.
“સાહેબ, તપાસ કરાવવી હોય તો સરકારી કચેરીમાં જાઓ. અહીં તો દસ્તાવેજ હાથોહાથ, રોકડા સામે રોકડા!”
“UPI?”
“ના સાહેબ.”
“ચેક?”
“એ તો બિલકુલ નહીં.”
“તો પછી વિશ્વાસ કેવી રીતે રાખવો?”
તેણે હસીને કહ્યું, “વિશ્વાસ નહીં રાખો તો અમેરિકા કેવી રીતે પહોંચશો?”
“અને પૈસા ન હોય તો?”
“એની પણ વ્યવસ્થા છે, સાહેબ.” તેણે બારી બહાર આંગળી ચીંધી. એમ્બેસીની બરાબર બાજુમાં એક નાનકડી ઑફિસ હતી: જમીન ગીરો — ઑન ધ સ્પોટ, કાગળ વગર પણ ચાલે! અને એ ઑફિસનો માલિક? એ જ, જેનું કાર્ડ ખિસ્સામાં લઈને એજન્ટો ફરતા હતા, અને એ જ, જેનો ફોટો એમ્બેસીની દીવાલ પર ‘રાજદૂત-શ્રી’ તરીકે લટકતો હતો.
મને સમજાઈ ગયું. અહીં ત્રણ દરવાજા હતા, પણ ઓરડો એક જ. જમીન એક દરવાજેથી અંદર જતી, પૈસા બીજા દરવાજેથી નીકળતા, અને સપનું ત્રીજા દરવાજેથી વેચાતું. ચક્ર એવું ગોળ કે એમાં માણસ ફર્યા કરે અને ગણતરીમાં નફો બીજાનો નીકળે!
બહાર મેટાડોરની બાજુમાં એક યુવાન ઊભો હતો. આંખોમાં અમેરિકાનાં ગગનચુંબી મકાનો, ખિસ્સામાં એજન્ટનું કાર્ડ, અને ઘરના નામે ગીરો મૂકેલી જમીન. બાજુમાં તેની મા ઊભી હતી. તેણે ગાંઠે બાંધેલો પોટલો ધીમેથી ખોલ્યો અને પોતાના લગ્નના બે બંગડી દીકરાના હાથમાં મૂક્યા. “વેચી દેજે,” તે બોલી, “પણ જમીન પાછી છોડાવવા માટે આવજે.” યુવાને માથું હલાવ્યું, પણ તેની આંખો ક્યારની ગગનચુંબી મકાનો પર જ ચોંટેલી હતી. તેને ખબર નહોતી કે ઊડવા માટે કબૂતરને પાંખો જોઈએ, પણ કબૂતર પકડનારને તો માત્ર જાળ જોઈએ.
સામેના રસ્તે, એક બીજું બોર્ડ ઓછું ચમકતું હતું: પાછા આવનારાઓ માટે — રિફંડ નહીં, પણ સાંત્વના મફત. ત્યાં એક માણસ બેઠો હતો, ખભા પર થેલો, પગમાં ધૂળ. કોઈએ તેને પૂછ્યું નહીં કે તે ક્યાંથી આવ્યો, કારણ કે બધાને જવાબ ખબર હતો અને કોઈને સાંભળવાની ઇચ્છા નહોતી.
ઢાબા પર બે ડોહા બેઠા હતા, ભીખા ડોહા અને નાથા ડોહા. ભીખા ડોહાએ પોણીનો ગ્લાસ હાથમાં લઈને કહ્યું, “અલ્યા, જીરું તો ખેતરમાં ઊગે. આ ડોલર કયા ખેતરમાં ઊગે છે? અને બધાં અમેરિકા ઊડી જશે, તો અહીં કોન્દા કોણ વાવશે?”
નાથા ડોહાએ ચલમનો કશ ખેંચ્યો. “ચિંતા ન કર, ભીખા. કોન્દા તો હવે અમેરિકાથી આવશે... ઓમેરિકાથી!”
“અને જીરું?”
“જીરું પણ. પેકેટમાં. ‘ઓર્ગેનિક દેશી જીરું’ લખીને, નવ ડોલરના ભાવે. અને આપણાં જ છોકરાં, ત્યાં પહોંચીને, ‘હોમ ટેસ્ટ’ના નામે એ ખરીદશે.”
ભીખા ડોહા હસ્યા નહીં. તેમણે ગ્લાસ નીચે મૂક્યો અને સામે ખાલી પડેલા ખેતર તરફ જોયું. ત્યાં જીરું નહોતું, ફક્ત એક ચાડિયો હતો, ટાઈ પહેરેલો, અને હજુ પણ રિજેક્શન લેટર હાથમાં પકડીને.
સાંજ ઢળી ત્યારે મેં એમ્બેસીનું બોર્ડ પાછળથી જોયું. પાછળ નાના અક્ષરે એક જ લીટી લખી હતી: ‘અહીંથી પાછા ફરનારા માટે — આ પણ દેશ છે.’ કોઈએ એ વાંચ્યું નહીં, કારણ કે બધાનું ધ્યાન આગળ, ઊંચાં બોર્ડ તરફ હતું.
મેટાડોરનું હોર્ન વાગ્યું. નવાં કબૂતરો આવી પહોંચ્યાં હતાં.
અગાઉ ઉડેલા એક કબૂતરનું નામ હતું વિષ્ણુ ભાઈ. વિસા ઇન્ટરવ્યૂ શીખવતા ક્લાસને નાકે દમ આવી ગયેલો. નોમ અને નામ શીખવવાના ત્રીસ લાખ રૂપિયા લીધેલા.
વિષ્ણુ ભાઈ અમેરિકા જઈને વિક્ટર બન્યા ને વકીલ પણ. એની પાસે આવ્યો મણીબેનનો કેસ. શિકાગો એરપોર્ટ પર ડિટેઇન થયેલા. વિદ્વાન વકીલ વિક્ટર ભાઈએ પૂછયું મી લોર્ડ આ મણીબેનને ચ્યોં પકડ્યા? અધિકારીએ એ વિગત આપી.
મણીબેન અમેરિકાના શિકાગો એરપોર્ટ પર પહોંચી. હવે ભાઈ, મણીબેનને અંગ્રેજી તો આવડતી નહોતી, પણ હિંમત ભરીને આગળ વધી.
સિક્યોરિટી ચેકપોઈન્ટ પર પોલીસે પૂછ્યું,
“Ma’am, what’s this in your bag?”
મણીબેને બેગમાંથી વિક્સની ડબ્લી કાઢીને કહ્યું,
“આ તો… બોમ શે!!”
પોલીસના ચહેરા પર રંગ ઊડી ગયો.
“BOMB?!!”
એક સેકન્ડમાં આખું એરપોર્ટ લૉક થઈ ગયું. સાયરન વાગી, કમાન્ડો આવી ગયા, મણીબેનને ઘેરી લીધી.
આ વાર્તા લખાય છે ત્યાં સુધી વિદ્વાન વકીલ વિક્ટર ભાઈ, મણીબેન અને બોમ્બનો પત્તો નથી.
કોલંબસે અમેરિકા શોધ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન ૧૪૯૮માં. પણ તેના ચારસો સત્તાવન વર્ષ પહેલાં મોતીભાઈ અમેરિકા પહોંચી ચૂક્યા હતા! કેવી રીતે? ઘરેથી કબૂતર બની ઉડીને સીધા કમ્બોડિયા ને ત્યાંથી દરિયા માર્ગે થઈને, વેનેઝુએલા ના રણમાં થઈને, મેક્સિકોના જંગલમાં થઈને — સીધા ઓમેરિકા! ફક્ત નેવ્યાસી વર્ષમાં ઘોડિયામાંથી અમેરિકા.
મોતીભાઈએ જ કોલંબસને અમેરિકા લઈ જવાનું કામ કર્યું હતું. કોલંબસનું મૂળ નામ હતું કાલમ્બસ. પણ મોતીભાઈને ‘આ’ને ‘ઓ’ કરી નાખવાની જબરજસ્ત આદત હતી. પાણીને કહેતા પોણી, કાંદાને કહેતા કોંદા, અને કાલમ્બસને બનાવી દીધો કોલંબસ! તેથી જ આજે બધા કોલંબસ કહે છે. જો મોતીભાઈ ન હોત, તો કાલમ્બસ જ રહી જાત, અને કોલંબસ ના હોત તો અમેરિકા પણ કદાચ ‘ઓમેરિકા’ કહેવાત!
મોતીભાઈએ કહ્યું હતું, “ભાઈ, તું મારી પાછળ આવ, હું તને ઓમેરિકા પહોંચાડી દઉં. અને કાલામ્બસે માથું હલાવ્યું, પણ અંદરથી વિચાર્યું, “આ મોતીભાઈ તો અમેરિકા કરતાં પણ મોટો ડિસ્કવરર છે!”
આજે પણ કહેવાય છે — કોલંબસે અમેરિકા શોધ્યું, પણ મોતીભાઈએ અમેરિકા અને કોલંબસ બંને શોધ્યા!
