બાનાખતથી ચાલતું શહેર જ્યાં બધા માત્ર 'ધંધો' જ કરે
બાનાખતથી ચાલતું શહેર જ્યાં બધા માત્ર 'ધંધો' જ કરે
બાનાખતથી ચાલતું શહેર જ્યાં બધા માત્ર 'ધંધો' જ કરે
૧૬૧૫માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મેનેજર જહાંગીરનું બિઝનેસ લાયસન્સ ખિસ્સામાં નાખીને ઘોડા ઉપર બપોરે બાર વાગ્યે એક શહેરમાં પ્રવેશ્યો. રસ્તા સૂના, દુકાનો બંધ, ફક્ત એક રખડું કૂતરું. મેનેજરે પૂછ્યું, "ભાઈ, અહીં માણસો કેમ દેખાતા નથી?"
કૂતરાએ બગાસું ખાઈને કહ્યું, સાહેબ અહીં બધા બાર થી ચાર વાગ્યા સુધી સૂઈ જાય છે. ચાર વાગ્યા પહેલાં કોઈ મળશે નહીં. મેનેજરનો ઘોડો પણ આ સાંભળીને ઊભા ઊભા ઊંઘી ગયો. મેનેજરે કૂતરાને પૂછયું થોડું પીવાનું પાણી મળશે? કૂતરો કહે સાહેબ અહીં પાણી તો ના મળે કહો તો તમારા અને ઘોડા માટે એક એક સોડા મંગાવી આપું. સાહેબે જાતે સોડા પી લીધી અને કૂતરાએ નાળ દ્વારા ઘોડાને પીવડાવી દીધી. મેનેજરે ખુશ થઇ કહ્યું, કુતરા ભાઈ મહેમાનગતિ તો તમારા આ શહેરની જ!
કૂતરાએ મેનેજરને નામ પૂછયું. મેનેજર કહે ક્લાઈવ લોયડ. કૂતરો કહે તમે કેવા છો? મેનેજર આમાં કંઈ સમજ્યો નહીં. કેવા એટલે કેવા? કૂતરો કહે અમારામાં તો અહીં કોઈ ક્લાઈવ કે લોયડ નો હોય. હંધાય ને હંધાય ભાઈ કહી બોલાવે. તો તમે ક્લાઈવ ભાઈ કે લોયડ ભાઈ? મેનેજરે કૂતરાને પૂછયું તમે કેવા અને તમારું નામ શું છે? કૂતરો કહે અમે આમ તો નીગ્રો પણ હું થોડો ધોળો એટલે મારુ નામ ધોળીયો અને જાત કૂતરાની, જ્ઞાતિ થોડી હાયબ્રીડ. મમ્મી પપ્પાના પ્રેમ લગ્ન હતા.
મેનેજરે , ધોળીયો ઉભો હતો ત્યાં ચાબુક મૂકી ને કહ્યું તમારા શહેર વિષે થોડું કહે તો સારું. ધોળીયો કહે હવે હું મોટો થઇ ગયો એટલે બધા મને ધોળીયા ભાઈ કહે. અહીં સવારે બધા ગાંઠિયા, પપૈયાનો સંભારો, તળેલાં મરચાં ચા સાથે ખાય છે, અને થોડો નાસ્તો સૂરજને ધરે પછી જ સૂરજ ઊગે છે. બીજા ગામમાં સુરજ ઉગે તો ય અમારે જ્યાં લગણ સૂરજને ગાંઠિયા નો મળે ત્યાં સુધી ઉઠે નહીં.
જેવા ચાર વાગ્યા ને આખું શહેર એકસાથે જાગ્યું. જાગીને પહેલું કામ સોડા: ગોળી ફૂટે, ઢાંકણું ઊડે, અને ત્રણ વાર "આહ" નીકળે. સ્ટેશન ઉપર ટ્રેન સાડા ત્રણ કલાક મોડી પહોંચી, કારણ કે ડ્રાઈવર ગાંઠિયા માટે ઊતર્યો હતો અને "ચાલશે, ક્યાં ઉતાવળ છે" કહીને કોઈએ એને રોક્યો નહોતો.અહીં ટ્રેન ના ટાઈમ ટેબલ કેટલા વાગ્યે આવશે તે ટ્રેન કૈં કેટલા વાગ્યે આવશે એટલા માટે ના લખે પણ કેટલી મોડી પડી તે ખબર પડે એટલે લખે. એક વાર તો જહાંગીરની બેગમને મળવા અહીં એલેકઝાન્ડરની સાળી આવેલી તે એણે કોઈ દહાડો ટ્રેન જોયેલી નહીં એટલે બેગમ સ્ટેશને બતાવવા લાવ્યા. ટ્રેનનો આવવાનો સમય ચાર વાગ્યાનો હતો. ટ્રેન ચાર વાગ્યા પહેલા એક મિનિટ પર આવી ગઈ એટલે સાળી બહેન કહે ઓહો તમારે તો બધું જોરદાર સમયબદ્ધ ચાલે છે. બેગમ મલકાઈને બોલ્યા આ તો ગઈ કાલ ની ટ્રેન છે, ત્રેવીસ કલાક ઓગણ સાઈંઠ મિનિટ જ મોડી પડી.
અંગ્રેજોએ પહેલું કામ શહેરમાં વસ્તી ગણતરી કરવાનું કર્યું. વસ્તી ગણતરી શરૂ થઈ ત્યારે ખબર પડી કે અહીં તો દરેક જણ બિઝનેસમેન છે. બાપા જમીન-મકાનના દલાલ, મોટો દીકરો પાનની દુકાનવાળો, નાનો દીકરો સોડાની દુકાનવાળો, નાના નાના ટેણીયાઓ બપોરના શેરીએ શેરીએ છાપા વેચે. દાદીનું ઇમિટેશન જ્વેલરીનું કારખાનું. જમાઈ ગેરેજમાં ડીઝલ એન્જિન બનાવે, જેને સાસુ "ઇન્ટરનેશનલ એક્સપોર્ટ" કહે.કોઈને ભઠ્ઠી તો કોઈને ફર્નિચર, કોઈને ઓટોમોબાઇલ.
અંગ્રેજોની દાનત તો વસ્તી ગણતરી જેવા નાટક કરીને જમીન પડાવી લેવાની જ હતી. એટલે મેનેજરે કહ્યું, "જમીન-મકાનના દસ્તાવેજ મોકલી આપો." આ વખતની વસ્તી ગણતરીમાં આ પણ જરૂરી છે. કોશી ભાઈ કહે દસ્તાવેજ? જમીનનો તે વળી દસ્તાવેલ હોતો હશે?
છગનભાઈએ કહ્યું, "દસ્તાવેજ તો ઉપર ભગવાન પાસે છે, નીચે તો બાનાખત ચાલે." આ શહેરમાં ક્યારેય કોઈ દસ્તાવેજ થયો જ નથી. છગનભાઈ મગનભાઈને વેચે, મગનભાઈ ભીખુભાઈને વેચે, ભીખુભાઈ પાછા મગનભાઈને વેચે, અને બધું ફક્ત બાનાખતથી. કંપનીએ કોલેજ ખોલી તો એડમિશન પણ બાનાખતથી થયાં, "વિદ્યાર્થી પાસ થશે" એવા લખાણ સાથે. દીકરીનું સગપણ બાનાખતથી, દુકાનનું ભાડું બાનાખતથી, અને મેનેજરને પણ કહ્યું, "તમારું લાયસન્સ દેખાડો." એ પણ બાનાખત ઉપર નીકળ્યું.
પછી કંપનીએ લોકશાહીનો પ્રયોગ કર્યો. ચૂંટણી જાહેર થઈ તો ઉમેદવારો ચારસો અને મતદારો ઝીરો, કારણ કે બધા ઉમેદવાર હતા. મતદાનનો સમય બપોરે બાર થી ચાર રાખ્યો હતો, એટલે બધા ઊંઘતા રહ્યા અને પરિણામ બાનાખતથી જાહેર થયું.
સાંજે મેનેજરે શહેરની ઓળખ પૂછી. લોકોએ છાતી ફુલાવીને કહ્યું, "અમે રંગીલા છીએ." પછી ઉમેર્યું, "અને પેલા પોતડી વાળા બાપુ પણ અહીંની નિશાળમાં ભણવા આવવાના છે. રાજા, મહારાજા, પંડિતો અને વેપારીઓ બધા અહીં બહુ ભણે અને ભણાવે. પણ એ ચાર વાગ્યા પહેલાં ક્લાસમાં બેસતા કે નહીં એનો રેકોર્ડ બાનાખતમાં નથી." ક્લાઈવ કહે શું વેપારીઓ વળી શું ભણાવે? કુતરા ભાઈ કહે ઉઠા.
રાત્રે બધા પાનના ગલ્લે ભેગા થયા. મોટા ભાગનો ધંધો અહીં જ થાય. અહીં કોઈ બિલ ભાગ્યે જ ફાટે. એક હાથમાં સોડા, બીજા હાથમાં પાન-મસાલાની પડીકી, ગાલમાં માવો. અમેરિકાના પ્રમુખથી લઈને પાડોશીના જમાઈ સુધીનું ભવિષ્ય ત્યાં જ નક્કી થયું.એમ સમજો. બધા બોલતા હતા અને કોઈ કોઈને સમજતું નહોતું, કારણ કે મોઢામાં માવો હતો. મેનેજરને થયું, આ લોકોનાં મોઢાં આટલાં પહોળાં કેમ છે? આજુ બાજુ થૂંક અને રંગીન પિચકારી! બાજુમાં એક બોર્ડ હતું કે અહીં કોઈએ પિચકારી મારવી નહીં એટલે બધા તેનાથી એક મીલીમીટર દૂર પિચકારી મારે. અહીં શિસ્ત એટલે શિસ્ત. માવો મોઢામાં ભર્યો હોય એટલે કોણ શું બોલે એની ખબર ના પડે અને એમાં ગોટાળા થાય તો કહું ખરાબ પણ થઇ જાય. ક્લાઈવ ભાઈએ કુતરા ભાઈને પણ માવો ખવડાવ્યો એટલે ઘોડાભાઈને ખોટું લાગ્યું. દુકાન વાળો સમજી ગયો અને કેળના મોટા પણ લાવી ઘોડાને પણ એક માવો બનાવી આપ્યો.
ક્લાઈવ ભાઈ કહે બધા એટલો બધો માવો કેમ ખાય છે? જવાબ મળ્યો: તમાકુ અને માવો. રોજ દસ વિસ વાર ખાવો. એવો અહીં રિવાજ છે. અંગ્રેજોને તરત બિઝનેસ આઈડિયા આવ્યો: "આ તો બહુ સરસ ધંધો છે! આપણે કેન્સરની હોસ્પિટલ ખોલશું. જે દર્દીને મટે એને ઇંગ્લેન્ડ મોકલશું, અને જે ન મટે એને માર્કેટિંગ માટે ઇંગ્લેન્ડ મોકલશું." એમ કરીને કંપનીએ ગલ્લા, માવા અને સોડાને પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું.
વર્ષના અંતે હિસાબ થયો. કંપનીનું લાયસન્સ બાનાખત પર, હોસ્પિટલની જમીન બાનાખત પર, અને નફો પણ બાનાખત પર. ઇંગ્લેન્ડ પાછા ફરેલા મેનેજરે ત્યાંની ઓફિસમાં નિયમ બનાવ્યો કે બપોરે બાર થી ચાર બધા ઊંઘશે. એને ત્યાં "લંચ બ્રેક" કહેવાય છે.
પછી ઇંગ્લેન્ડથી પાછા ફરેલા ક્લાઈવ ભાઈએ એક નવી સ્કીમ લાવી. કહે, "અહીં તો બધું બાનાખતથી ચાલે છે, તો આપણે 'બાનાખત ઇન્શ્યોરન્સ' શરૂ કરીએ." પોલિસી લખાઈ નહીં, ફક્ત ધોળીયા ભાઈએ પૂંછ લહેરાવીને કહ્યું, "સાહેબ, તમારું જીવન-જોખમ અમારા હાથમાં." પ્રીમિયમ પણ બાનાખતથી જમા થયું અને ક્લેઈમ પણ બાનાખતથી જ ચૂકવાયું. એક વાર કોઈનું ઘર બળી ગયું તો કંપનીએ કહ્યું, "ઘર તો બળ્યું, પણ બાનાખત બાકી છે, એટલે નવું ઘર બાનાખતથી જ આપીશું." અને ખરેખર આપ્યું—જૂના પાડોશીના ઘરની ચાવી બદલીને.
પછી શહેરમાં પહેલી વાર 'ટાઈમ ટેબલ' છાપવાનો પ્રયત્ન થયો. છાપખાનાના માલિકે કહ્યું, "સમય લખીશું તો લોકો ઊંઘી જશે, એટલે અમે ફક્ત 'કેટલી મોડી પડી' એ જ છાપીશું." એટલે અખબારમાં દરરોજ એક જ હેડલાઈન આવતી—"આજે પણ ત્રેવીસ કલાક ઓગણસાઈઠ મિનિટ મોડું." અને બધા ખુશ થઈને સોડા ખોલતા.
એક દિવસ કંપનીએ નક્કી કર્યું કે અહીંની ભાષા પણ સુધારવી જોઈએ. અંગ્રેજી શીખવવાની કોલેજ ખોલી. પણ પહેલા જ દિવસે વિદ્યાર્થીઓએ કહ્યું, "સાહેબ, 'હાઉ આર યુ' બોલવાને બદલે તમે 'કેવા છો ભાઈ' એમ પૂછીએ અને કહીએ છીએ, એ પણ બાનાખતથી." મેનેજરે હાર માનીને નિયમ બનાવ્યો—અંગ્રેજી બોલનારને પણ 'ભાઈ' કહેવું ફરજિયાત. એટલે હવે ક્લાઈવ ભાઈને પણ બધા "ક્લાઈવ ભાઈ" જ કહે, અને ઘોડાને "ઘોડા ભાઈ."અંગ્રેજોને આઠસો વરસ રાજ કર્યું પણ તમે કેવા છો એનો ના તો અર્થ સમજાયો ના તો કારણ.
રાત્રે પાનના ગલ્લે ફરી વખત મીટિંગ થઈ. આ વખતે વિષય હતો—"આગામી સો વર્ષનું પ્લાનિંગ." બધાએ એકસાથે માવો મૂક્યો અને કહ્યું, "પ્લાન તો બાનાખતમાં છે, હમણાં સોડા પીધા પછી વિચારીશું." અને વિચાર્યું જ નહીં. કારણ કે ચાર વાગ્યા પહેલાં કોઈ વિચારતું જ નથી, અને ચાર પછી તો બધા વેપારમાં વ્યસ્ત.
આમ આ શહેર આજે પણ ચાલે છે—દસ્તાવેજ વગર, ટાઈમ ટેબલ વગર, અને ઊંઘ વગરનું જીવન વગર. ફક્ત બાનાખત, સોડા અને માવો. અને જ્યારે કોઈ પૂછે કે "આ શહેર ક્યાં છે?" તો ધોળીયા ભાઈ હજુ પણ બગાસું ખાઈને કહે છે, "સાહેબ, બાર થી ચાર વચ્ચે પૂછશો તો જવાબ મળશે… બાનાખતથી."
શહેરની ઓળખ જાણવા માટે ધોળીયાભાઈને એક દિવસ કોઈએ પૂછ્યું, "ભાઈ, તમારા શહેરમાં ધંધો કર્યા વગર જીવતો માણસ કોઈ છે કે નહીં?"
ધોળીયાભાઈએ પૂંછડી હલાવીને કહ્યું, "હા, એકાદ હશે. પણ એ પણ કોઈને કોઈ ધંધામાં ભાગીદાર હશે. અહીં માણસ બેકાર હોઈ શકે, પણ એના વિચારો ક્યારેય બેકાર નથી હોતા. સવારે ઊઠે એ પહેલાં જમીનનો ભાવ વિચારે, નાસ્તો કરતાં કરતાં સોદો કરે અને રાત્રે સૂતાં પહેલાં આવતી કાલે કોને શું વેચવું એનું સપનું જુએ. અહીં માણસ મરે ત્યારે પણ વારસદારો પહેલાં મિલકતનો હિસાબ કરે, પછી બેસીને શોક પાળે. શોક કેટલા દિવસનો રાખવો એનો નિર્ણય પણ ક્યારેક બાનાખતથી થાય."
ક્લાઈવ ભાઈને નવાઈ લાગી. "પણ આટલા બધા વેપારીઓ હોય તો શહેરમાં ઉત્પાદન કેટલું થતું હશે?"
ધોળીયાભાઈ હસ્યા. "ઉત્પાદન? સાહેબ, એ તો બહુ નાનો ધંધો છે. અહીં એક માણસ વસ્તુ બનાવે, બીજો એનો વેપાર કરે, ત્રીજો વેપારીને માલ પૂરો પાડે, ચોથો માલના ભાવ વધવાની આગાહી કરે અને પાંચમો એ આગાહી સાચી પડી હોવાનું સાબિત કરવા અખબારમાં લેખ લખે. વસ્તુ એક જ હોય, પણ કમાણીના રસ્તા પાંચ. તમે એને અર્થતંત્ર કહો, અમે એને ધંધાની સાંકળ કહીએ."
મેનેજરે નોંધ કરી: આ શહેરમાં માલ કરતાં માલિકી વધારે ઝડપથી બદલાય છે.
બીજા દિવસે કંપનીએ શહેરના વેપારીઓની સભા બોલાવી. પ્રશ્ન હતો કે શહેરને સમૃદ્ધ કેવી રીતે બનાવવું. એક વેપારીએ કહ્યું, "જમીન ખરીદવી જોઈએ." બીજાએ કહ્યું, "જમીન ખરીદનારને વેચવી જોઈએ." ત્રીજાએ કહ્યું, "વેચનારને ફરી ખરીદવા સમજાવવો જોઈએ." ચોથાએ સૂચવ્યું, "આ બધાને વચ્ચે રાખીને એક નવી કંપની ખોલવી જોઈએ."
મેનેજરે પૂછ્યું, "પણ જમીન પર ખેતી કોણ કરશે?"
સભામાં એકાએક શાંતિ છવાઈ ગઈ. જાણે કોઈએ સોડાની બોટલ ખોલવાને બદલે એની અંદરનો ગેસ જ જપ્ત કરી લીધો હોય.
થોડી વાર પછી એક વડીલ ઊભા થયા. "સાહેબ, ખેતી તો ખેડૂત કરે. પણ જમીનનો ભાવ ખેડૂત નક્કી કરતો નથી. પાક કુદરત ઉગાડે, મહેનત ખેડૂત કરે, જોખમ ખેડૂત ભોગવે અને પાક વેચાય ત્યારે ભાવ બીજો કોઈ નક્કી કરે. પછી ખેડૂતને સમજાવાય કે ખેતીમાં નફો નથી. એટલે એ જમીન વેચે. જમીન વેચાય એટલે અમે કહીએ કે શહેરનો વિકાસ થયો."
ક્લાઈવ ભાઈએ પૂછ્યું, "તો વિકાસ કોનો થયો?"
વડીલે જવાબ આપ્યો, "એ જાણવા માટે અલગથી એક સમિતિ બનાવવી પડે. સમિતિના સભ્યો પણ જમીનના ધંધામાં છે, એટલે રિપોર્ટ આવતાં વાર લાગશે."
ધોળીયાભાઈએ ધીમેથી કહ્યું, "સાહેબ, અહીં પ્રશ્ન પૂછવો સહેલો છે, જવાબ આપવો મુશ્કેલ નથી. મુશ્કેલી એ છે કે જવાબ આપનારનો પોતાનો ધંધો બગડવો ન જોઈએ."
અહીં અઠ્ઠાણું ટાકા વસ્તી તો ખાલી ગામડે ખેતી હોય તે ભાગીયાને વાવવા આપી ફક્ત છોકરા છોકરીને ભણવા અને છોકરાઓને પરણાવવા માટે જ રહે છે.
કંપનીના એક અધિકારીએ શહેરમાં જાહેર પુસ્તકાલય ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો. વેપારીઓએ તરત સમર્થન આપ્યું. પુસ્તકાલયમાં કયા પુસ્તકો રાખવા એ અંગે ચર્ચા થઈ. કોઈએ અર્થશાસ્ત્રનાં પુસ્તકો સૂચવ્યાં, કોઈએ કાયદાનાં, કોઈએ ઇતિહાસનાં. એક વેપારીએ કહ્યું, "સાહેબ, જમીનના ભાવ, સોનાના ભાવ અને શેરબજારના ભાવનાં પુસ્તકો વધારે રાખજો. માણસને જેનાથી કમાણી થાય એ જ સાચું જ્ઞાન."
એક શિક્ષકે વાંધો ઉઠાવ્યો, "પણ માણસને વિચારતાં શીખવતાં પુસ્તકોનું શું?"
વેપારીએ તરત જવાબ આપ્યો, "એ પણ રાખજો. વિચારતાં શીખશે તો સારો સોદો કરતાં શીખશે."
શિક્ષકે માથું પકડી લીધું. પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું. પહેલાં દિવસે જ સાત વેપારીઓએ આખું પુસ્તકાલય ભાડે લઈ લીધું. વાંચવા માટે નહીં, પણ બહાર બોર્ડ લગાવવા માટે કે શહેરમાં જ્ઞાનનો સૌથી મોટો વ્યવસાય એમના હાથમાં છે.
થોડા દિવસ પછી ક્લાઈવ ભાઈએ શહેરમાં એક નવી સંસ્થા ખોલી—'સત્ય અને પારદર્શકતા મંડળ'. સભ્ય બનવા માટે દરેકે પોતાની મિલકત, આવક અને વ્યવસાયની વિગતો આપવાની હતી. પહેલાં દિવસે જ મંડળમાં એક પણ સભ્ય નોંધાયો નહીં. બીજા દિવસે નિયમમાં સુધારો થયો: વિગતો આપવાની જરૂર નહીં, ફક્ત વિગતો આપવાની તૈયારીનું બાનાખત આપવાનું. ત્રીજા દિવસે સભ્યપદ માટે લાંબી કતાર લાગી.
મંડળના પ્રમુખે ગર્વથી જાહેરાત કરી, "હવે આપણું શહેર પારદર્શક બની ગયું છે."
ધોળીયાભાઈએ પૂછ્યું, "પ્રમુખભાઈ, પારદર્શક એટલે શું?"
પ્રમુખ બોલ્યા, "જેમાં બધું દેખાય."
"તો તમારી મિલકત દેખાય છે?"
"એ અંગત બાબત છે."
"તમારી આવક?"
"એ વ્યવસાયિક રહસ્ય છે."
"તમારા બાનાખત?"
"એ કાયદાકીય પ્રક્રિયામાં છે."
ધોળીયાભાઈએ ક્લાઈવ ભાઈ તરફ જોયું. "સાહેબ, હવે સમજ્યા? અહીં પારદર્શકતા એટલે સામેના માણસનું બધું દેખાવું અને પોતાનું કશું ન દેખાવું."
કંપનીએ આ સિદ્ધાંત તરત અપનાવી લીધો. વેપારમાં એને સફળતાનો મંત્ર કહેવાયો.
ક્લાઈવ ભાઈની ઘર વાળીએ પાપડ વણી વેંચવાનું અને ઇંગ્લેન્ડ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. છોકરીએ ગરબા ક્લાસ ચાલુ કર્યા એમ ક્લાઈવ ભાઈને તો અહીં બરોબરનું ફાવી ગયું.
વર્ષો વીત્યાં. શહેરમાં ઊંચી ઇમારતો ઊભી થઈ, જૂનાં મકાનો તૂટ્યાં, નવા રસ્તા બન્યા, જૂનાં રસ્તા પર ફરી નવા બાનાખત થયા. શહેરની બહાર ખેતીની જમીન પર ટાવર ઊભા થયા. ટાવરની ટોચ પરથી નીચે જોતાં શહેર બહુ આધુનિક લાગતું; જમીન પર ઊતરો તો દરેક માણસ કોઈ ને કોઈ જૂના હિસાબમાં અટવાયેલો દેખાતો.
એક દિવસ એક યુવાને ધોળીયાભાઈને પૂછ્યું, "કાકા, આટલાં વર્ષોથી અહીં બધું બાનાખતથી ચાલે છે, તો ક્યારેય કોઈએ સાચો દસ્તાવેજ બનાવવાનો વિચાર કર્યો નથી?"
ધોળીયાભાઈએ કહ્યું, "વિચાર તો ઘણા લોકોએ કર્યો. એકે દસ્તાવેજ બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એની પાસે બાનાખત હતું. બીજાએ કાયદો સમજવાનો પ્રયત્ન કર્યો, પણ વકીલ પાસે સમય નહોતો. ત્રીજાએ બધાને ભેગા કરીને નક્કી કરવાનું વિચાર્યું, પણ દરેકને પોતાની અલગ શરત હતી. છેલ્લે બધા સંમત થયા કે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે એક સમિતિ બનાવવી જોઈએ."
યુવાને પૂછ્યું, "પછી સમિતિએ શું કર્યું?"
"સમિતિએ સૌપ્રથમ પોતાની ઓફિસ માટે જમીન શોધી. જમીનનો સોદો બાનાખતથી થયો. પછી ઓફિસ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. કોન્ટ્રાક્ટરે આગોતરી રકમ લીધી. ઓફિસનું બાંધકામ શરૂ થયું. અને જ્યારે ઓફિસ તૈયાર થઈ ત્યારે સમિતિનો કાર્યકાળ પૂરો થઈ ગયો."
યુવાને નિરાશ થઈને કહ્યું, "તો હવે શું થશે?"
ધોળીયાભાઈએ બગાસું ખાધું. "હવે નવી સમિતિ બનશે. જૂની સમિતિનો અનુભવ અને નવી સમિતિનો ઉત્સાહ—બંનેનું બાનાખત થશે."
આખરે ક્લાઈવ ભાઈએ પોતાની જૂની ડાયરી ખોલી. પ્રથમ પાનાં પર લખ્યું હતું: 'શહેરમાં પ્રવેશ—બપોરે બાર વાગ્યે.' છેલ્લાં પાનાં પર લખ્યું હતું: 'શહેર છોડવાનો નિર્ણય—હજુ વિચારાધીન.'
તેમણે ધોળીયાભાઈને પૂછ્યું, "ભાઈ, હું અહીં આટલાં વર્ષ રહ્યો. મને એક વાત સમજાઈ નથી. આ શહેરમાં બધાને ધંધો કરવો છે, બધાને પૈસા કમાવવા છે, બધાને સમૃદ્ધ થવું છે. તો પછી આ શહેરનો અંતિમ હેતુ શું છે?"
ધોળીયાભાઈએ લાંબો વિચાર કર્યો. પછી કહ્યું, "સાહેબ, તમે બહુ મોટો પ્રશ્ન પૂછ્યો છે. આનો જવાબ કોઈ એક માણસ પાસે નથી. દરેક માણસ પાસે એના પોતાના ધંધાનો હેતુ છે, પણ આખા શહેરનો હેતુ નક્કી કરવા કોઈને સમય નથી. કોઈને જમીન વધારવી છે, કોઈને દુકાન, કોઈને નફો, કોઈને પ્રતિષ્ઠા. શહેર બધાનું છે, પણ દરેકને પોતાનો હિસ્સો જ દેખાય છે."
ક્લાઈવ ભાઈએ પૂછ્યું, "તો શું આ શહેર ક્યારેય બદલાશે નહીં?"
ધોળીયાભાઈએ પૂંછડી હલાવી. "બદલાશે સાહેબ. અહીં બધું બદલાય છે—માલિક બદલાય, મિલકત બદલાય, ભાવ બદલાય, પક્ષ બદલાય, બોર્ડ બદલાય. ફક્ત એક વસ્તુ નથી બદલાતી."
"કઈ?"
"બદલાવથી કોને ફાયદો થયો એ પૂછતાં પહેલાં નવો ધંધો શરૂ કરી દેવાની આદત."
બીજા દિવસે સવારે ક્લાઈવ ભાઈ શહેર છોડવા નીકળ્યા. રસ્તાના નાકે એક નવું બોર્ડ લાગેલું હતું:
'આ શહેરના ભવિષ્યનું બાનાખત અહીં કરવામાં આવે છે.'
નીચે નાની અક્ષરે લખ્યું હતું:
'ભવિષ્યની ખાતરી નથી. હાલની કિંમતે બુકિંગ ચાલુ છે.'
ક્લાઈવ ભાઈએ ઘોડાને એડી મારી. ઘોડો આગળ વધ્યો નહીં. બાજુમાં ઊભેલા એક દલાલે કહ્યું, "સાહેબ, ઘોડો વેચવાનો હોય તો ગ્રાહક તૈયાર છે. અને તમારે જવું હોય તો પાછા આવવાનું બાનાખત કરી જજો."
ક્લાઈવ ભાઈએ પહેલી વાર ઘોડાની આંખોમાં જોયું. ઘોડો જાણે કહી રહ્યો હતો કે માણસો સદીઓથી શહેરો વસાવે છે, રસ્તાઓ બનાવે છે અને સંસ્કૃતિ ઊભી કરે છે; પણ કોઈ શહેરની સાચી ઓળખ એની ઇમારતોમાં નહીં, એના લોકો કઈ વસ્તુને સૌથી વધુ કિંમત આપે છે એમાં છુપાયેલી હોય છે.
ક્લાઈવ ભાઈ અહીંથી ઇંગ્લેન્ડ ગયા અને પોતાની તેર બોર વાળી બંદૂકથી આત્મહત્યા કરી લીધેલી તે તો જાણીતી વાત છે પણ આ શહેરને લીધે કરી કે શહેરના વિયોગમાં કરી તે ખબર નથી.
એ શહેરમાં દરેક વસ્તુની કિંમત હતી. સમયની, જમીનની, સંબંધોની, શિક્ષણની, આરોગ્યની અને પ્રતિષ્ઠાની પણ. ફક્ત એક જ વસ્તુનો ભાવ કોઈએ નક્કી કર્યો નહોતો—માણસ તરીકે માણસની કિંમત.
એનું બાનાખત પણ હજી બાકી હતું.
