ડીજીટલ ભૂત
ડીજીટલ ભૂત
ડીજીટલ ભૂત
Nov 23, 2026 · @Vrajlal Sapovadia
વર્ષ ૨૦૫૦.
આખા રાજ્યમાં જમીન હવે ચોરસ મીલીમીટરમાં મપાતી અને બ્લોકચેઇનમાં નોંધાતી હતી. મોટાભાગની ખેતી કંપનીઓના લાંબા ગાળાના કરાર હેઠળ હતી. ખેડૂતો જમીનના માલિક ઓછા અને જ્ઞાન, અનુભવ અને ડેટાના ઉત્પાદક વધારે બની ગયા હતા.
ખેડૂતો ખેતી કરતા રીલ બનવવામાં વધારે વ્યસ્ત રહેતા.
સૌરાષ્ટ્રના એક ગામમાં મથુરભાઈનું અવસાન થયું.
ભલા માણસ. ખેડૂત. ગામના પંચ.
પાછળ બે દીકરા, ૧૧ મિલીમીટર જમીન અને પંદર હજાર ફોટા છોડી ગયા.
જમીનની વહેંચણી માટે બંને ભાઈઓએ વકીલ રાખ્યો. વકીલે બિલોરી કાચ મંગાવ્યો. સાડા પાંચ ભરતને, સાડા પાંચ ધીરુને. વચ્ચેની સીમા પર ઝઘડો થયો, કારણ કે શેઢો પોતે અડધો મિલીમીટર પહોળો હતો.
પણ જમીન અને ફોટા કરતાં વધારે મથુરભાઈ ડેટા છોડી ગયા. પાંચ વર્ષના મેસેજ, દરેક ફોન કૉલ, દરેક વીડિયોમાં એમનો અવાજ, ટ્રૅક્ટરને આપેલા આદેશો, બેંક, હૉસ્પિટલ. બધું ક્લાઉડમાં.
મથુરભાઈ ચિતામાં ગયા. ચિંતા માં નહીં, એમનો ડેટા ક્યાંય ન ગયો.
એક મહિના પછી ભરતના મોબાઇલમાં સવારે સંદેશ આવ્યો.
“આજે જીરાને પાણી ન આપશો.”
નીચે નામ: મથુરભાઈ.
ભરતે ધીરુને બતાવ્યું. ધીરુએ ભરતને બતાવ્યું. બંનેએ જીરાના ત્રણ દાણા સામે જોયું. પાણી ન આપ્યું. બીજા દિવસે વરસાદ તૂટી પડ્યો.
સંદેશ રોજ આવવા લાગ્યા. વરસાદ સાચો. ભાવ સાચો. સલાહ જીવતા મથુરભાઈ કરતાં પણ સાચી.
ગામમાં વાત ફેલાઈ ગઈ.
“મથુરકાકાનું ભૂત વૉટ્સએપ કરે છે.”
બીજાને પણ સંદેશ આવવા લાગ્યા. એકને મરેલી પત્નીનો: “ઘી ઓછું ખાજો.” એકને મરેલા મિત્રનો: “મારા ઉછીના પાછા આપજો.” ભુવાને મથુરભાઈનો: “ધૂણવાના પૈસા વધારે લીધા છે.”
ભુવો ધૂણવાનું છોડીને ઘરે ગયો.
પણ ગામડામાં એક માન્યતા હજુ જીવતી હતી.
જૂના લોકો કહેતા:
"સાવચેત રહેતા. અંધારી અમાસે સ્મશાન પાસેથી પસાર થાવ તો પાછળ જોઈને નહીં ચાલતા."
એક યુવાને હસીને પૂછ્યું:
"શા માટે?"
વૃદ્ધ બોલ્યા:
"પહેલાં ભૂત ચોંટી જતું. હવે ડીજીટલ ભૂત ચોંટી જાય છે."
ગામના છોકરાઓ હસી પડ્યા.
એક અમાસની રાત્રે ગામનો યુવક દિવ્ય પોતાના ડ્રોનની શોધમાં ત્યાં પહોંચી ગયો.
પવન નહોતો.
પાન પણ હલતું નહોતું.
તોય તેને પાછળથી પોતાના દાદાનો અવાજ સંભળાયો.
"દિવ્ય..."
તેના શરીરમાંથી એકદમ પરસેવો ફૂટી નીકળ્યો.
દાદાને મૃત્યુ પામ્યે દસ વર્ષ થઈ ગયા હતા.
તે પાછો વળ્યો.
કોઈ નહોતું.
ફોનમાં નેટવર્ક નહોતું.
પણ સ્ક્રીન પર એક મેસેજ ઝબક્યો.
"દિવ્ય, ખેતર નંબર ૩૭ના પશ્ચિમ ખૂણે પાણી વધારે ભરાયું છે."
મેસેજ મોકલનાર:
દાદા
દિવ્ય ગભરાઈને ગામમાં ભાગ્યો.
સવારે ખબર પડી કે ખરેખર પશ્ચિમ ખૂણે પાઇપ ફૂટી હતી.
હવે ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ.
ભૂતો ફરી આવ્યા હતા.
ત્રીજા દિવસે બીજાને પોતાની મરેલી પત્નીનો અવાજ સાંભળ્યો.
ચોથા દિવસે એક વૃદ્ધને પોતાના મૃત્યુ પામેલા મિત્ર તરફથી સલાહ મળી.
પાંચમા દિવસે તો હદ થઈ ગઈ.
સ્મશાનમાં દાહ પામેલા માણસે પોતાના વારસદારોને મિલકતના ઝઘડામાં સમાધાનનો સંદેશ મોકલ્યો.
ગામમાં ભય ફેલાયો.
ધૂણી ધખી.
ભુવાઓ બોલાવાયા.
મંત્રોચ્ચાર થયા.
પણ ડીજીટલ ભૂત જતું નહોતું.
અંતે એક વૃદ્ધ ખેડૂત બોલ્યો:
"આ ભૂત નથી."
"તો શું છે?"
"તેમણે આપણો ડેટા લીધો છે."
"કોણે?"
"જે લોકો કહેતા હતા કે તમારો અવાજ, ફોટો, વિચાર, ખેતરનો ઇતિહાસ, ખરીદી, વેચાણ અને ટેવો ફક્ત માહિતી છે."
તપાસ કરતાં જાણવા મળ્યું કે વર્ષો પહેલાં લોકોએ એક એપમાં સંમતિ આપી હતી.
હજારો પાનાની શરતો હતી. શરતો કરતા શરારતો વધારે હતી.
કોઈએ વાંચી નહોતી.
કંપનીએ લોકોનું સંપૂર્ણ ડીજીટલ પ્રતિબિંબ બનાવી લીધું હતું.
માણસ ચિતામાં ભસ્મ થઈ જતો.
પણ તેની ડીજીટલ નકલ સર્વરમાં જીવતી રહેતી.
ગામના વૃદ્ધે કહ્યું:
"પહેલાંના ભૂતોને શરીર નહોતું.આ નવા ભૂતોને મૃત્યુ નથી."
ગામની બહાર જૂનું સ્મશાન હતું. સ્મશાનને કાંઠે ખીજડો. ખીજડાની પાછળ, ચિતાની રાખથી સો ડગલાં દૂર, ડેટા સેન્ટર. લોકો એને “ક્લાઉડ ધામ” કહેતા.
દિવસે ત્યાં સર્વર ઘૂઘવતા. રાત્રે ઠંડક-પંખાઓનો અવાજ સ્મશાનમાં રડતા પ્રેત જેવો સંભળાતો. સર્વરની લાલ-લીલી બત્તીઓ અંધારામાં આંખ મટકાવતી, અને દૂરથી લાગતું કે ચિતાઓ હજુ સળગે છે. આજુબાજુ ચુડેલો, ભૂત, જમ, પિશાચો પહેરો ભરતાં.
એક અમાસની રાત્રે ભરત વૃદ્ધ ભીખાકાકાને લઈને એ રસ્તે નીકળ્યો.
પવન નહોતો. ખીજડાનું પાન પણ હલતું નહોતું. કૂતરાં ભસતાં બંધ થઈ ગયાં હતાં.
પાછળથી ધીમો અવાજ આવ્યો.
“ભરત…”
બાપુનો અવાજ.
ભરતનો પરસેવો છૂટી ગયો. ભીખાકાકાએ એનો હાથ કસીને પકડ્યો.
“પાછળ જોઈશ નહીં, બેટા. અમાસે સ્મશાને પાછળ જોવાય નહીં.”
ફોનમાં નેટવર્ક નહોતું. છતાં સ્ક્રીન ઝબકી.
“ભરત, ચિંતા ન કર. ધામનો દરવાજો ખુલ્લો છે.”
નીચે નામ: મથુરભાઈ.
દરવાજો ખરેખર ખુલ્લો હતો.
અંદર સર્વરોની હરોળ વચ્ચે એક પુરોહિત બેસીને પાઠ કરતો હતો. નામ ડેટાચાર્ય. કપાળે કેસરી તિલક જેવી લાઇટ.
મધરાતે એણે અવાજ ઊંચો કર્યો.
ન જાયતે ન મ્રિયતે કદાચિદ્ ડેટા,
ન છિદ્યતે ન ભિદ્યતે,
ન દહ્યતે ન ક્લિદ્યતે।
ન શોષ્યતે મારુતેન,
ન રાગં ન દ્વેષં ભજતે।
હેક્યતે વાઇરલં ભવતિ,
વાયરસ-માલવેરૈઃ કરપ્યતે।
સ્વયં તુ કરપ્શનં ન કરોતિ કદા ચન॥
પછી લોકભાષામાં અર્થ કહ્યો.
ડેટા જન્મતો નથી, ડેટા મરતો નથી.
ડેટા તૂટતો નથી, ભાંગતો નથી.
બળતો નથી, પલળતો નથી.
હવામાં સુકાતો નથી.
પ્રેમમાં પડતો નથી,
નફરત કરતો નથી.
ફક્ત હેક થાય છે,
વાઇરલ થાય છે,
વાયરસથી કરપ્ટ થાય છે.
પણ પોતે કદી કરપ્શન કરતો નથી.
“હે ડેટાભક્તો! આત્માનો પુરાવો કોઈએ જોયો નથી, પણ ડેટાનું અમરત્વ સર્વર લોગમાં લખેલું છે!”
ત્યાં જ જૂના સ્પીકરમાંથી મથુરભાઈનો અવાજ આવ્યો.
“એ બધી વાત પછી કરજો, ભાઈ. પહેલાં કહો, મને મર્યે વરસ થયું, છતાં રોજ સવારે મારા નામે પાકની સલાહ કોણ મોકલે છે?”
“બાપુ, તમે જ તો મોકલો છો!”
“હું? હું તો પૂછું છું, ભાઈ.”
સર્વરની પેલી પાર સ્ક્રીન ઝળહળી.
Virtual Mathurbhai™
નીચે નાના અક્ષરે: સંમતિ આપનાર: મથુરભાઈ (અંગૂઠો).
ભરતને શંકા પડી.
મથુરભાઈનું ભૂત બોલે છે?
કે મથુરભાઈનો ડેટા?
કે બંને વચ્ચેનો ભેદ જ મરી ગયો છે?
બધા ગભરાયા.
મથુરભાઈને મર્યે મહિનો થઈ ગયો હતો.
તપાસ થઈ.
જાણ્યું કે એક AI કંપનીએ મથુરભાઈનો ડેટા ખરીદ્યો હતો.
તેમના અવાજ, નિર્ણયો અને વર્તન પરથી
"Virtual Mathurbhai™"
બનાવી દીધા હતા.
સવારે ઘરે ઝઘડો થયો.
“૧૧ મિલીમીટર જમીન કંપનીને વેચી દઈએ. પૈસા મળશે, ઝંઝટ ટળશે.”
મોબાઇલમાંથી અવાજ આવ્યો.
“ના. વેચશો નહીં.”
ધીરુ બોલ્યો, “બાપુ સાચું કહે છે.”
“એ બાપુ નથી! એ સર્વરમાં બેઠેલો સૉફ્ટવેર છે!”
ગામમાં રિવાજ પડી ગયો. લોકો મરતા પહેલાં પોતાની યાદો અને અવાજ અપલોડ કરવા લાગ્યા. માણસો મરતા. ભૂત રહી જતા.
પછી ભૂતો મત માગવા લાગ્યા.
એક ડિજિટલ દાદા બોલ્યા:
“પચાસ વર્ષ ટેક્સ ભર્યો છે. હું કેમ મત ન આપું?”
એક ડિજિટલ વેપારી:
“દુકાન હજુ મારા નામે ચાલે છે.”
એક ડિજિટલ કવિ:
“મર્યા પછી પણ મારી કવિતા લખાય છે. તો હું મર્યો ક્યાં છું?”
સરકાર મૂંઝાઈ. કોર્ટ મૂંઝાઈ. ધર્મગુરુઓ મૂંઝાયા.
ચોરે સભા ભરાઈ. ભીખાકાકા ઊભા થયા. માથે ધોળી પાઘડી, હાથમાં લાકડી.
“ભાઈ, આત્માનો વારસદાર કોણ? દીકરો? સૉફ્ટવેર કંપની? કે સર્વર?”
સભા ચૂપ.
“અને ડેટામાંથી માણસનું નવું ભૂત બને, તો ડેટાનો માલિક કોણ?”
સભા વધારે ચૂપ.
ભીખાકાકા હસ્યા.
“એક જમાનામાં ભૂતો વાવ, કૂવા અને ખીજડામાં રહેતા. હવે ક્લાઉડમાં રહે છે. પહેલાં ભુવો જોઈતો, હવે અંગૂઠો જોઈએ.”
ક્લાઉડ ધામના સર્વર પર મોટું બોર્ડ લાગેલું છે:
DATA NEVER DIES
એની નીચે કોઈએ કોલસાથી લખ્યું છે:
“માણસ મરે પછી આત્મા ક્યાં જાય, ખબર નથી. ડેટા ક્યાં જાય છે, એ માટે શરત અને શરારત બંને વાંચજો.”
પહેલાં ભૂતથી બચવા મંત્ર ભણવો પડતો.
હવે શરતો વાંચવી પડે છે. અને શરારત પણ.
માણસ મરે છે.
પણ ડેટા મરતો નથી.
તો ખરેખર ભૂત કોને કહેશો?
