Pseudo - સુડો વિજ્ઞાન
Pseudo - સુડો વિજ્ઞાન
સુડો વિજ્ઞાન
સત્યનું કટિંગ, તર્કનું વેલ્ડિંગ અને અજ્ઞાનનું બ્રાન્ડિંગ!
એક હાસ્યરસપ્રધાન વ્યંગ્ય લઘુનવલિકા – ઉપનામ: વજુભાઈ પટેલ
સુડોનો ભાષાશાસ્ત્રીય વંશવેલો
Pseudo શબ્દ ગુજરાતી ભાષાના ‘સુડો’ પરથી આવ્યો છે. આ થિયરી મનમાં બંધાઈ કે તરત મેં નક્કી કર્યું કે જાહેર કરતાં પહેલાં મૂળ સ્રોતોને પૂછી જોવું.
પહેલો સાક્ષી સોપારી કાપવાનું સાધન સુડો, સુડીનો માસો. મારી વાત સાંભળીને તેણે નિસાસો નાખ્યો:
“સાહેબ, આમાં તો મારો મરો થઈ જાય! સુડી વચ્ચે સોપારી મૂકાય અને બંને બાજુથી દબાણ આવે, ત્યારે મારી શી દશા થાય તે તમે જ વિચારો!”
બીજો સાક્ષી પોપટનો કાકો, એટલે કે સુડો. તે પિંજરામાં બેઠો હતો. તેણે ધ્યાનથી સાંભળ્યું, ડોકું હલાવ્યું અને બોલ્યો:
“એ વાત સાચી છે!”
બે પ્રત્યક્ષ સાક્ષીઓ, બંને સંમત. ભાષાશાસ્ત્ર તો આથી ઓછા પુરાવામાં આખી ભાષાનો ઇતિહાસ લખી નાખે છે.
પદ્ધતિ આ રહી:
નિષ્કર્ષ પહેલાં.
પુરાવા પછી, અને એ પણ અનુકૂળ હોય તો.
તર્ક વૈકલ્પિક.
આ પુસ્તકની દરેક ઘટના સાચી છે. શંકા હોય તો પોપટને પૂછી જુઓ.
અંતે વૈજ્ઞાનિક પરીક્ષણ પછી નક્કી થયું કે Pseudo નો ઉદ્ભવ સુડો પક્ષી અને સુડો સોપારી કાપવાનો ઉપરથી થયું છે.
પ્રકરણ ૧: સુડાનો જન્મ
એક જમાનામાં વિજ્ઞાનની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તે બહુ ધીમું હતું. વૈજ્ઞાનિકો વર્ષો સુધી પ્રયોગો કરતા, આંકડા એકઠા કરતા, સંશોધનપત્રો લખતા, સમીક્ષકોની ટીકા સહન કરતા, અને અંતે ડરતાં ડરતાં એક નિષ્કર્ષ આપતા. એ નિષ્કર્ષ આગળ જતાં ખોટો પડે તો જાહેરમાં સ્વીકારી પણ લેતા.
ત્યારે સુડાનો જન્મ થયો.
સુડાને કોઈ વિષયનું ઊંડું જ્ઞાન નહોતું, પણ દરેક વિષય પર ઊંડો અભિપ્રાય હતો. આંકડાશાસ્ત્ર આવડતું નહોતું, પણ આંકડાઓને પોતાની તરફ નચાવતાં આવડતું હતું. પ્રયોગશાળા નહોતી, સાધનો નહોતાં, સંશોધનપત્રો નહોતાં. પણ એક અસાધારણ ઓજાર હતું: એક અદૃશ્ય કટર.
એક દિવસ તેણે જાહેર કર્યું:
“માનવજાતની પ્રગતિમાં સૌથી મોટી અડચણ વિજ્ઞાન છે. વિજ્ઞાન દરેક બાબતનો પુરાવો માગે છે. હું આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ.”
કટર એવું હતું કે જે કંઈ તેમાં નાખો, તેમાંથી અનુકૂળ ભાગ બચી જાય:
સિદ્ધાંત આવે તો સંદર્ભ કપાય.
આંકડા આવે તો અનુકૂળ રહે, બાકીના કપાય.
પુરાવો આવે તો તેની વિશ્વસનીયતા કપાય.
પ્રશ્ન આવે તો પ્રશ્ન પૂછનારની વિશ્વસનીયતા કપાય.
અને કપાયેલા ટુકડા એવી રીતે ફરી જોડાય કે મૂળ વસ્તુ ઓળખાય જ નહીં. સુડો આ પ્રક્રિયાને કહેતો: સત્યનું કટિંગ, તર્કનું વેલ્ડિંગ અને અજ્ઞાનનું બ્રાન્ડિંગ.
તેનું સૂત્ર હતું:
“વિજ્ઞાનને સમજવું અઘરું છે, વિજ્ઞાનને કાપવું સહેલું છે!”
પ્રકરણ ૨: સુડો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધન સંસ્થા
કટર હાથમાં આવ્યા પછી સુડાએ સંસ્થા સ્થાપી. એકલો માણસ ગમે તેટલું કાપે, તેને કોઈ વૈજ્ઞાનિક કહેતું નથી. સંસ્થા હોય તો કાપકૂપ સંશોધન કહેવાય.
નામ રાખ્યું: સુડો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધન સંસ્થા, ટૂંકમાં SISSA. સૂત્ર અંગ્રેજીમાં, કારણ કે ગુજરાતીમાં લખેલું સૂત્ર ગંભીરતાથી કોણ લે:
Cut the Evidence, Create the Excellence!
પ્રવેશદ્વાર પર બોર્ડ હતું:
“અહીં કોઈ પણ વ્યક્તિ સંશોધક બની શકે છે. ડિગ્રી, પ્રયોગ, પુરાવો કે તર્કની જરૂર નથી. માત્ર આત્મવિશ્વાસ પૂરતો છે.”
પ્રવેશ પરીક્ષામાં એક જ પ્રશ્ન પૂછાતો:
“જો કોઈ તથ્ય તમારી માન્યતાની વિરુદ્ધ જાય, તો તમે શું કરશો?”
સાચો જવાબ: “તથ્યને સુધારીશ નહીં, તથ્યને કાપીશ!”
જે ઉમેદવાર ‘તથ્ય વિશે વિચારીશ’ એમ લખતો, તે અયોગ્ય ગણાતો. વધુ પડતો વિચાર સંશોધક માટે જોખમી હતો.
સંસ્થાની દીવાલ પર કટરની છ પદ્ધતિઓ લખેલી હતી:
અનુકૂળ માહિતી રાખો, બાકીની કાપો.
સંદર્ભ કાઢી નાખો.
સંયોગને કારણ બનાવો.
વિરોધી પુરાવાને અવગણો.
એક ઉદાહરણને નિયમ જાહેર કરો.
પ્રશ્ન પૂછનારને જ અવિજ્ઞાની ઠરાવો.
દરેક પદ્ધતિની બાજુમાં એક કૉલમ ખાલી હતી. ત્યાં પહેલાં વિજ્ઞાનમાં એ પદ્ધતિઓનાં નામ લખ્યાં હતાં. સુડાએ એ કપાવી નાખ્યાં.
થોડા જ સમયમાં હજારો સંશોધકો તૈયાર થઈ ગયા. કોઈએ એક પણ પ્રયોગ કર્યો નહોતો, પણ બધાના નામ આગળ ‘ડૉ.’ લખેલું હતું. પ્રમાણપત્રો પર સહી કરનાર પણ સુડો જ હતો.
સંસ્થાની ત્રણ શાખાઓ નાનડિયા ગામમાં ખૂલી: ઉત્તરમાં યુરોપિયન યુનિયન ઑફ રિસર્ચ, દક્ષિણમાં અમેરિકન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, પૂર્વમાં જાપાનીઝ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ત્રણેય એકબીજાનાં સંશોધનોને માન્યતા આપતી. સુડો તેને કહેતો: પરસ્પર સમીક્ષા.
એક દિવસ સુડાએ સંતોષથી કહ્યું:
“હવે વિજ્ઞાનનું ભવિષ્ય સુરક્ષિત છે. કારણ કે હવે તેને વિચારવાની જરૂર નહીં પડે!”
પ્રકરણ ૩: હંગેરીનું પાન, કાકા, વડલાનું દૂધ અને પાપડ
હવે સાંભળો, આ બિલકુલ સાચી વાત છે.
હું યુરોપના પ્રવાસે હતો. હંગેરીની એક પાનની દુકાને ઊભો રહીને માવો આરોગતો હતો, અને પરદેશમાં માવો ખાવો એ પણ એક પ્રકારનું સંશોધન છે. ત્યાં અચાનક મારા એક કાકા મળી ગયા. કાકા ત્યાં શું કરતા હતા એ પૂછવાની મેં હિંમત ન કરી, કારણ કે ગુજરાતી કાકા દુનિયાના ગમે તે ખૂણે મળી શકે છે અને તેનું કારણ આપવાની તેમને ક્યારેય જરૂર લાગતી નથી.
વાતવાતમાં કાકાએ એક અત્યંત મહત્ત્વની આરોગ્યવિષયક શોધનો અનુભવ સંભળાવ્યો.
કહે, “એક દિવસ હું સવારમાં વોક કરવા નીકળ્યો. રસ્તામાં એક વડલાના ઝાડ નીચે એક માણસ પાપડ લઈને બેઠો હતો. તે પાપડ પર કંઈક કરતો હતો. રોજ એ જ દૃશ્ય જોઉં. મહિનો થયો, બે મહિના થયા. આખરે મારાથી રહેવાયું નહીં. મેં કુતૂહલ ખાતર પૂછ્યું કે ભાઈ, આ શું કરો છો?”
પેલા ભાઈએ ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો:
“આ વડલામાંથી જે દૂધ જેવું સફેદ પાણી નીકળે છે એનાં બરાબર વીસ ટીપાં પાપડ ઉપર છાંટીને ખાવાનાં. ગોઠણનો દુખાવો જતો રહે!”
કાકા કહે, “મેં તો એ દિવસથી આ પ્રયોગ શરૂ કરી દીધો. હવે જ્યારે પણ એ વડલા પાસેથી નીકળું ત્યારે એને પગે લાગીને જ આગળ વધું. અને તમે માનશો નહીં, મારા પગ મટી ગયા!”
મેં પૂછ્યું, “કાકા, પાપડ ખાવાથી મટ્યા કે વડલાને પગે લાગવાથી?”
કાકા કહે, “એટલું ઊંડું સંશોધન કરવાની જરૂર નથી. બંને ક્રિયા સાથે કરી હતી અને પરિણામ મળ્યું છે. હવે તું જ કહે, કઈ ક્રિયા જવાબદાર?”
મેં કહ્યું, “કાકા, આ તો સંયુક્ત ઉપચાર છે. તમે તો સંશોધનશાસ્ત્રમાં નવું પ્રકરણ ઉમેર્યું!”
કાકા ખુશ થઈ ગયા. તેમણે પાનવાળાને પણ એક પાન મારા ખાતામાં લખાવ્યું.
મને થયું કે આ શોધ આંતરરાષ્ટ્રીય જર્નલમાં મોકલવી જોઈએ. પણ જર્નલવાળા વિચિત્ર પ્રશ્નો પૂછે છે: વીસ ટીપાં જ કેમ, એકવીસ કેમ નહીં? પાપડ જ કેમ, રોટલી કેમ નહીં? અને દુખાવો ખરેખર મટ્યો કે સમય જતાં જાતે જ ઓછો થયો?
આ પ્રસંગ મેં સુડાને સંભળાવ્યો. તેણે તરત SISSAમાં કાકાને માનદ પ્રાધ્યાપકની પદવી આપી, અને વડલાને ‘સંસ્થાના સ્થાપક વૃક્ષ’નો દરજ્જો. પાપડવાળા ભાઈને પેટન્ટ મળી, જોકે પેટન્ટ કઈ વસ્તુની હતી એ જાહેર થયું નહીં. કદાચ વીસની સંખ્યાની.
સંસ્થાની દીવાલ પર એક નવું સૂત્ર સૌથી મોટા અક્ષરે લખાયું:
“એક વ્યક્તિને સારું લાગ્યું એટલે વૈજ્ઞાનિક સત્ય. એક વખત બન્યું એટલે નિયમ. બે વ્યક્તિએ કહ્યું એટલે પરંપરા. અને સો વ્યક્તિએ માની લીધું એટલે સંસ્કૃતિ!”
પ્રકરણ ૪: પાણીની યાદશક્તિ
વડલા પછી સુડાએ આરોગ્યવિજ્ઞાનને હાથમાં લીધું.
એક સંશોધકે સંકોચથી પૂછ્યું:
“સાહેબ, પાણીમાં કોઈ ઔષધને વારંવાર પાતળું કરતાં અંતે મૂળ પદાર્થ લગભગ શૂન્ય થઈ જાય છે. તો અસર કેવી રીતે થાય?”
સુડાએ કટર કાઢ્યું.
“તમે પદાર્થ જુઓ છો. પાણી જુઓ છો?”
“હા.”
“પણ પાણીની યાદશક્તિ દેખાય છે?”
સંશોધક ચૂપ થઈ ગયો.
“પાણીને ઔષધ યાદ રહી જાય છે. મૂળ પદાર્થ તો જતો રહે, યાદ રહી જાય!”
“એ યાદશક્તિ માપી કેવી રીતે?”
“માણસને પોતાનું બાળપણ યાદ રહે છે, તો પાણીને ઔષધ કેમ યાદ ન રહે?”
“પણ પાણી અને માણસનું મગજ તો અલગ છે!”
સુડાએ એ વાક્યના બે ટુકડા કર્યા.
“આપણે અહીં ભેદભાવ રાખતા નથી.”
ત્રીજા સંશોધકે હિંમત કરી:
“તો ગટરમાંથી નીકળેલું પાણી પણ બધું યાદ રાખતું હશે?”
“પાણી પસંદગીયુક્ત યાદશક્તિ ધરાવે છે. તે માત્ર ઉપયોગી વસ્તુઓ યાદ રાખે છે. ઉપયોગી શું એ નક્કી કરવાનું કામ મારું.”
બીજા દિવસે અખબારમાં સમાચાર છપાયા: ‘પાણીની યાદશક્તિ પર સુડો સંસ્થાની ઐતિહાસિક શોધ: હવે પાણી ભૂલશે નહીં, રોગ પણ નહીં!’
◆
મારા વાડામાં ૨૦૯ બકરાં છે, અને બધાં કાળાં. પણ એક બકરી કાબરચીતરી. તેનું નામ અમે નેન્સી રાખ્યું.
બધાં બકરાં સવારે ચાર વાગ્યે ઊઠીને બેં બેં કરવા લાગે. નેન્સી મૌન વ્રત રાખે.
સુડાની શોધ છપાયા પછી અઠવાડિયામાં અમે નેન્સીના દૂધની નાની શીશીઓ બજારમાં મૂકી. એક ટીપું દૂધ, સામે દસ હજાર ટીપાં પાણી, અને શીશી પર લખ્યું: ‘નેન્સીને યાદ રહ્યું છે.’
વેચાણ સારું રહ્યું. દૂધ બહુ ઓછું વપરાતું હતું.
પ્રકરણ ૫: જ્યોતિષનું વૈજ્ઞાનિક પુનરુત્થાન
પાણી પછી સુડાએ ગ્રહો તરફ નજર કરી.
એક જ્યોતિષીએ દાવો કર્યો કે શનિની સ્થિતિને કારણે એક વ્યક્તિને મુશ્કેલી પડી.
“કેટલા લોકો પર ચકાસ્યું?”
“એક.”
“બાકીનાં પર કેમ નહીં?”
“તેમની કુંડળી અલગ હતી.”
સુડાએ તરત આ સંશોધનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી.
એક ખગોળશાસ્ત્રીએ પૂછ્યું:
“ગ્રહોની સ્થિતિ અને માનવજીવન વચ્ચે કારણાત્મક સંબંધનો પુરાવો ક્યાં છે?”
“તમે ગ્રહો જુઓ છો, અમે ગ્રહોની કૃપા જોઈએ છીએ. તમારી પાસે ટેલિસ્કોપ છે, અમારી પાસે ટેલિ-સ્કોપિક દૃષ્ટિ છે.”
“અને આગાહી ખોટી પડે તો?”
“ગ્રહો ખોટા પડતા નથી. જન્મસમય ખોટો નોંધાયો હશે.”
સંસ્થાએ નિયમ ઘડ્યો:
સફળ આગાહી જ્યોતિષની સિદ્ધિ. નિષ્ફળ આગાહી જન્મસમયની ભૂલ.
◆
એ અઠવાડિયે સુડાની જ્યોતિષ સમિતિ મારા વાડે આવી. નેન્સી પોણા ચાર વાગ્યે ઊઠે છે, એક પગે ત્રણ સેકન્ડ ઊભી રહે છે, અને પછી ચૂપચાપ વાડાની પાછળ ચાલી જાય છે. સમિતિએ ત્રણ દિવસ નિરીક્ષણ કર્યું.
પોણા ચાર એટલે બ્રહ્મમુહૂર્ત. એક પગ એટલે તપ. ત્રણ સેકન્ડ એટલે ત્રિકાળ. પાછળ ચાલી જવું એટલે એકાંત.
પછી સમિતિએ નેન્સીની કુંડળી માંડી. અમે તેનો જન્મસમય નોંધ્યો નહોતો, એટલે સમિતિએ અનુકૂળ સમય ગોઠવ્યો, અને કુંડળી આદિયુગની હેન્સી સાથે મળી ગઈ. હેન્સી એક દૈવી બકરી હતી, અને નેન્સી તેની વારસદાર. ગાદીપતિની નિયુક્તિનો કાગળ તે જ સાંજે છપાઈ ગયો.
પ્રકરણ ૬: આબોહવાનો કટર
સુડા સમાચાર · પહેલું પાનું
હિમયુગ આવ્યો હતો, એટલે આજે ગરમી ન હોઈ શકે: સુડા સંસ્થા
બરફથી ઢંકાયેલા પર્વતનો જૂનો ફોટો પુરાવા તરીકે રજૂ. આજના તાપમાનના આંકડા ‘અલગ સમયગાળાના’ ગણાઈને બાજુ પર.
“પૂર્વજો પાસે થર્મોમીટર નહોતાં, છતાં જીવતા હતા”: પરિષદમાં સુડાનું પ્રવચન
સભામાં તાળીઓ. એક શિષ્યે ઉમેર્યું કે પૂર્વજો પાસે એ.સી. પણ નહોતું.
ગરમી ઘટાડવા એ.સી. બંધ કરો: શિષ્યોનું સંશોધન
સુડાએ તેને ‘અંશતઃ સાચું’ ગણ્યું.
કડકડતી ઠંડીમાં સુડાનો સવાલ: “ક્યાં છે ગ્લોબલ વોર્મિંગ?”
આજે શહેરમાં ઠંડીની લહેર. પરિષદમાં હાસ્ય અને તાળીઓ.
વાચકોના પત્રો
આ અંકમાં કોઈ પત્ર નથી. એક વૈજ્ઞાનિકનો પત્ર આવ્યો હતો, પણ તેમાં ‘ફરક’ શબ્દ હોવાથી તે છાપ્યો નથી.
પ્રકરણ ૭: ડિટોક્સનો મહાચમત્કાર
પેકેટ પરની સૂચના: ડીટોક્સ નેન્સીના વિવિધ સ્ત્રાવમાંથી પેદા થયેલું છે, જેમ કે દૂધ, પેશાબ, પરસેવો વગેરે.
ડિટોક્સ પેડ · સુડા સંસ્થા દ્વારા પ્રમાણિત
રાત્રે સૂતાં પહેલાં પગના તળિયે ચોંટાડો.
સવારે પેડ કાળું થશે. કાળું પેડ એટલે બહાર નીકળેલું ઝેર.
પેડ સફેદ રહે તો તમારા શરીરમાં ઝેર ઘણું ઊંડું છે. બે પેડ વાપરો.
પ્રમાણપત્ર અમે જ આપ્યું છે.
એક રસાયણશાસ્ત્રીએ પૂછ્યું:
“પેડ ભીનું કરીને ખાલી ટેબલ પર રાખો, તો પણ કાળું થાય છે.”
સુડાએ તરત જાહેર કર્યું:
“આ વૈજ્ઞાનિકોનું ષડ્યંત્ર છે. તેઓ ઝેરને બહાર આવતું રોકવા માગે છે!”
વેપારીએ સુડાને આજીવન મફત પેડ આપવાની જાહેરાત કરી.
“હું કોઈ વેપારીનો પ્રચાર કરતો નથી. હું તો જનસેવા કરું છું.”
તેના પ્રવચન પછી વેચાણમાં પાંચસો ટકાનો વધારો થયો. સુડાએ સંશોધનપત્ર લખ્યું:
‘ડિટોક્સ અને ડૉલર: માનવ શરીરમાંથી ઝેર તથા ખિસ્સામાંથી નાણાં બહાર કાઢવાની દ્વિમાર્ગી પ્રક્રિયા.’
◆
ડિટોક્સનું બજાર જોઈને અમે પણ વાડામાં નવી સેવા શરૂ કરી. નેન્સીના પાંચ ઉપચાર:
ઉપચાર
મુખ્ય ઘટકો
દૂધ
યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ
પેશાબ
યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ
લીંડી
યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ
વાળ
યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ
પરસેવો
યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ
કહેવાય છે કે ૧૯૪૫માં અમેરિકાએ પહેલો બોંબ આમાંથી જ બનાવ્યો હતો. ત્યાર પછી નેન્સીએ હિંસા માટે કંઈ પણ આપવાની ના પાડી દીધી છે.
કોઈને રોગ હોય, દુઃખ હોય, કેન્સર હોય કે કોરોના, બધું એક ઘાએ મટી જાય.
પ્રકરણ ૮: આંકડાઓનું પોસ્ટમોર્ટમ
એક નવા સંશોધકે ઉત્સાહથી દાવો કર્યો:
“અમારા સર્વેક્ષણમાં દસમાંથી આઠ લોકોએ એક ઉત્પાદન પસંદ કર્યું!”
“અદ્ભુત! લખો કે 80 ટકા જનતા આ ઉત્પાદનની તરફેણમાં છે.”
એક આંકડાશાસ્ત્રીએ પૂછ્યું:
“આ દસ લોકોની પસંદગી કેવી રીતે કરી?”
“મારા મિત્રવર્તુળમાંથી.”
“તો તે સમગ્ર જનતાનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરે?”
સુડાએ કટર કાઢ્યું.
“મિત્રો પણ જનતાનો જ ભાગ છે ને? તો શું હું દુશ્મનોને પણ બોલાવું?”
આંકડાશાસ્ત્રી ચાલ્યો ગયો. સંસ્થાએ નોંધ લખી: ‘આંકડાશાસ્ત્રી સર્વે અધૂરો છોડીને ગયા.’
તે જ દિવસે નવો અભ્યાસક્રમ શરૂ થયો: ‘આંકડાઓને તમારી તરફેણમાં કેવી રીતે વાળવા?’ તેમાં શીખવવામાં આવતું:
સરેરાશ અનુકૂળ ન હોય તો મધ્યક વાપરો.
મધ્યક ન ફાવે તો ટકાવારી બતાવો.
ટકાવારી ન ફાવે તો ગ્રાફ બનાવો.
ગ્રાફ પણ ન ફાવે તો રંગીન ચાર્ટ બનાવો. રંગો જેટલા વધારે, વિશ્વસનીયતા એટલી વધારે.
અંતિમ પરીક્ષાનો એક જ પ્રશ્ન હતો:
“એક ગામમાં ત્રણ લોકોએ ચા પીધી, બેને શરદી થઈ. સાબિત કરો કે ચા શરદીનું કારણ છે.”
શ્રેષ્ઠ ઉત્તરપત્રિકામાં માત્ર એક વાક્ય હતું: ‘ત્રીજાને શરદી નથી થઈ એ વાત ગામમાં કોઈને કહેવાની જરૂર નથી.’ એ વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક મળ્યો.
◆
નેન્સી ઉપચાર: સફળતા અહેવાલ
સુડા સંસ્થા દ્વારા પ્રમાણિત
બાબત
સંખ્યા
ઉપચાર માટે આવેલા
૧૨,૪૦૦
પ્રસાદી લીધી
૧૨,૪૦૦
સાજા થયાની નોંધ કરાવી
૩,૬૦૦
સફળતા દર (સાજા થયાની નોંધ ÷ સાજા થયાની નોંધ)
૧૦૦%
ફરી ન આવેલા
નોંધ નથી
દરવાજે રોજ લાંબી કતાર લાગે છે. નેન્સી ખોટી હોય, તો આટલા બધા માણસો મૂર્ખ કેવી રીતે હોય?
પ્રકરણ ૯: ક્વાન્ટમનો કટકો
એક દિવસ સુડાના કાને Quantum Physics શબ્દ પડ્યો. અર્થ ખબર નહોતી, પણ સંભળાતો ઘણો મોંઘો હતો.
“ક્વાન્ટમ વિજ્ઞાન સાબિત કરે છે કે માણસ જે વિચારે તે બ્રહ્માંડમાં બને છે.”
એક ભૌતિકશાસ્ત્રીએ કહ્યું:
“Quantum Mechanicsમાં માપન અને અવલોકનના ચોક્કસ ગાણિતિક અર્થ છે. ઇચ્છાશક્તિથી બ્રહ્માંડ ચાલે છે એવું તે કહેતું નથી.”
“તમે Quantum વાંચ્યું છે?”
“હા.”
“તો પછી તમારી ઇચ્છા મુજબ પરિણામ કેમ નથી મળતું?”
“કારણ કે પ્રકૃતિ આપણી ઇચ્છા પ્રમાણે ચાલતી નથી.”
સુડાએ એ વાક્ય કાપી નાખ્યું.
“પ્રકૃતિને આદેશ આપવો એ જ સાચું જ્ઞાન છે!”
બીજા અઠવાડિયે સંસ્થાનો નવો કોર્સ જાહેર થયો:
Quantum Thinking for Guaranteed Success
પ્રવેશ ફી: ₹૧,૦૦,૦૦૦
સફળતાની ગેરંટી*
*સફળતા ક્વાન્ટમ અવસ્થા છે. અવલોકન કરતાં જ તે બદલાઈ જાય છે.
◆
નેન્સી એક પગે ઊભી રહે તે ત્રણ સેકન્ડને સુડાએ ‘સુપરપોઝિશન’ નામ આપ્યું. એક પગે પણ અને ચારે પગે પણ, જ્યાં સુધી કોઈ જુએ નહીં.
નેન્સી કોઈ ભેટ સ્વીકારતી નથી. ફૂલ આપો તો મોઢું ફેરવી લે, શ્રીફળ આપો તો પણ. એટલે અમે એન્ટ્રી ફી રાખી: એક વ્યક્તિના એક લાખ રૂપિયા. બદલામાં એક અઠવાડિયાની પ્રસાદી, એટલે કે દવા, બિલકુલ ફ્રી.
અમે કાંઈ અંધશ્રદ્ધામાં માનતા નથી. એટલે અમારા વાડાની ફરતેની સંસ્થાઓનો અભિપ્રાય લઈને જ કામ કરીએ છીએ:
દિશા
સંસ્થા
અભિપ્રાય
ઉત્તર
યુરોપિયન યુનિયન ઑફ રિસર્ચ, નાનડિયા
સંમત
દક્ષિણ
અમેરિકન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, નાનડિયા
સંમત
પૂર્વ
જાપાનીઝ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, નાનડિયા
સંમત
પશ્ચિમ દિશામાં ઉકરડો છે. ત્યાં કોઈ સંસ્થા નથી.
પ્રકરણ ૧૦: ઓસ્ટ્રિયાનો ખુલાસો
એક દિવસ નેન્સી બીમાર પડી. ખાવાનું ઘટતું ગયું, પેટ ફુલાતું ગયું.
સુડા સંસ્થાએ બેઠક બોલાવી અને ઠરાવ કર્યો: આ બીમારી નથી, ‘દૈવી આત્મસંકોચ’ છે. ઠરાવોથી પેટ ઊતરતું નથી. અમે નેન્સીને સારવાર માટે ઓસ્ટ્રિયા લઈ ગયા. દેશમાં સારવાર કરાવીએ તો તેની દૈવી પ્રતિષ્ઠાને આંચ આવે. ટિકિટ એન્ટ્રી ફીમાંથી કાઢી, ઇકોનોમી ક્લાસમાં, કારણ કે નેન્સી ભેટ સ્વીકારતી નથી.
ઓસ્ટ્રિયાના પશુચિકિત્સકે તપાસ કરી, સોનોગ્રાફી કરી અને ઑપરેશન કર્યું. ટેબલ પર જે ઢગલો પડ્યો તે જોઈને તે થોડી વાર ચૂપ રહ્યો.
પ્લાસ્ટિકના ચળકતા ડુચ્ચા હતા. તેણે એક ઊંચકીને વાંચ્યું:
યુરેનિયમ. પ્લૅટિનમ. થોરિયમ.
“આ ધાતુઓ તમે એને ખવડાવી હતી?”
“એ તો એના શરીરમાં હતી જ!”
ડૉક્ટરે ડુચ્ચો અમારી સામે ધર્યો. નાના અક્ષરે છપાયેલું હતું: ‘યુરેનિયમ પ્લૅટિનમ થોરિયમ વેફર્સ પ્રા. લિ. ક્રિસ્પી, ક્રન્ચી, ખારી.’
“સવારે એ ક્યાં ખાય છે?”
“અમને ખબર નથી. પોણા ચાર વાગ્યે એક પગે ત્રણ સેકન્ડ ઊભી રહે છે, પછી વાડાની પાછળ ચાલી જાય છે. એકાંતમાં અમે ખલેલ પાડતા નથી.”
“વાડાની પાછળ શું છે?”
“પશ્ચિમ દિશામાં ઉકરડો.”
ડૉક્ટર ક્ષણ ભર મારી સામે જોઈ રહ્યો. પછી ધીમેથી પૂછ્યું:
“અને પેશાબ, લીંડી, વાળ?”
“એમાં પણ યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ.”
“એમાં બટાકા અને પ્લાસ્ટિક છે.”
થોડા દિવસ પછી નેન્સી ઊભી થઈ. ચારે પગે. કોઈ ચમત્કાર વગર.
પ્રકરણ ૧૧: ઓસ્ટ્રિયાનો ખુલાસો
એક દિવસ નેન્સી બિચારી બીમાર પડી ગઈ.
આખા વાડામાં ગભરાટ ફેલાઈ ગયો. જે બકરી બધાને સાજા કરે તે જ બીમાર પડે, એ વાત સુડા સંસ્થાને પણ સમજાવવી અઘરી હતી. સંસ્થાએ તાત્કાલિક બેઠક બોલાવી અને ઠરાવ કર્યો કે આ બીમારી નથી, પણ ‘દૈવી આત્મસંકોચ’ છે. પણ નેન્સી ખાવાનું બંધ કરતી ગઈ, પેટ ફુલાતું ગયું, અને ઠરાવોથી પેટ ઊતરતું નથી.
અંતે અમે નક્કી કર્યું કે નેન્સીને વિદેશમાં સારવાર માટે લઈ જવી. દેશમાં સારવાર કરાવીએ તો નેન્સીની દૈવી પ્રતિષ્ઠાને આંચ આવે. એટલે અમે તેને ઓસ્ટ્રિયા લઈ ગયા. વિમાનની ટિકિટ પણ અમે એન્ટ્રી ફીમાંથી જ કાઢી, અને ઇકોનોમી ક્લાસમાં, કારણ કે નેન્સી ભેટ સ્વીકારતી નથી, એટલે બિઝનેસ ક્લાસ સ્વીકારે કેવી રીતે?
ઓસ્ટ્રિયાના પશુચિકિત્સક ડૉક્ટરે નેન્સીને તપાસી. તેનાથી પણ વધુ ઝીણવટથી તેણે નેન્સીનાં રિપોર્ટ તપાસ્યાં. પછી તેણે લાંબી સોનોગ્રાફી કરી, ઑપરેશનની તૈયારી કરી અને અંતે પેટમાંથી જે બહાર આવ્યું તે જોઈને તે થોડી ક્ષણો ચૂપ થઈ ગયો.
ઑપરેશન ટેબલ પર પ્લાસ્ટિકના ડુચ્ચાઓનો મોટો ઢગલો પડ્યો હતો. ડૉક્ટરે ચશ્મા સરખા કર્યા અને ઢગલા પર લખેલા ચળકતા અક્ષરો વાંચ્યા:
યુરેનિયમ. પ્લૅટિનમ. થોરિયમ.
ડૉક્ટરે આશ્ચર્યથી પૂછ્યું: “આ ત્રણે ધાતુઓ તમે કોઈ સંશોધન માટે ખવડાવી હતી?”
અમે ગર્વથી કહ્યું: “એ તો નેન્સીનાં શરીરમાં હતાં જ!”
ડૉક્ટરે ધીમેથી ઢગલામાંથી એક ડુચ્ચો ઊંચક્યો અને અમને બતાવ્યો. તેના પર નાના અક્ષરે છપાયેલું હતું: ‘યુરેનિયમ પ્લૅટિનમ થોરિયમ વેફર્સ પ્રા. લિ., ક્રિસ્પી, ક્રન્ચી, ખારી’.
જાણવા મળ્યું કે નેન્સી રોજ સવારે વાડાની બહારના કચરાના ઢગલા પાસે ચૂપચાપ ચરવા જતી હતી. ત્યાં બટાકાની વેફર બનાવતી એક કંપનીની ખાલી કોથળીઓ ફેંકાતી. કંપનીનું નામ ભળતું હતું: યુરેનિયમ પ્લૅટિનમ થોરિયમ વેફર્સ. નેન્સી બીજાં બકરાં કરતાં શાંતિથી, સમજદારીથી, ચૂપચાપ ખાતી રહી. અને એ ચૂપ રહેવાનું જ તેને ભારે પડ્યું.
હું તો થીજી ગયો. ત્રણ મહાન સંસ્થાઓએ, ત્રણ દિશામાં, ત્રણ વર્ષ સુધી, હજારો પરીક્ષણો કરીને, પ્રમાણિત કર્યું હતું કે નેન્સીમાં યુરેનિયમ, પ્લૅટિનમ અને થોરિયમ છે. હવે ખબર પડી કે એ વેફરની કોથળીનાં નામ હતાં. પણ સંસ્થાઓએ ક્યારેય એ ચકાસ્યું નહોતું કે ધાતુ છે કે છાપેલું નામ. કારણ કે નામ છપાયેલું હોય એટલે ધાતુ છે એમ માનવાની વૈજ્ઞાનિક પરંપરા અમારે ત્યાં જૂની હતી.
ડૉક્ટરે ધીમેથી પૂછ્યું: “અને પેશાબ, લીંડી, વાળ?”
મેં કહ્યું: “એમાં પણ યુરેનિયમ, પ્લૅટિનમ, થોરિયમ.”
ડૉક્ટર થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો: “એમાં તો બટાકા અને પ્લાસ્ટિક છે.”
આ ઘટના આખી દુનિયામાં વાયુવેગે ફેલાઈ ગઈ. ઓસ્ટ્રિયન ડૉક્ટરે ઑપરેશન પછી નેન્સીને ઊંચકીને સ્વસ્થ કરી, અને નેન્સી થોડા દિવસમાં ઊભી થઈ ગઈ. એક પગે નહીં, ચારે પગે. કોઈ દિવ્ય ચમત્કાર વગર, માત્ર પ્લાસ્ટિક બહાર નીકળી ગયા પછી.
પ્રકરણ ૧૨: ભક્તોની ફરિયાદ અને સાચા વૈજ્ઞાનિકનો સંવાદ
નેન્સી તો સાજી થઈ ગઈ. પણ એન્ટ્રી ફી આપીને આવેલા હજારો ભક્તોનું શું?
સમાચાર ફેલાતાં જ વાડાના દરવાજે ટોળું ભેગું થયું. કોઈના હાથમાં ફીની પાવતી હતી, કોઈના હાથમાં દવાની ખાલી બાટલી, અને કોઈના હાથમાં ફક્ત ગુસ્સો. તેમણે વાંધો ઉઠાવ્યો ત્યારે વાડાના સંચાલકોએ શાંતિથી, હસતા ચહેરે, બંને હાથ ઊંચા કરીને સમજાવ્યું:
“ભાઈ, નેન્સી બકરી છે, વૈજ્ઞાનિક સંસ્થા નથી. એના શરીરમાંથી વેફરના ડુચ્ચા નીકળ્યા એ અમારી ભૂલ નથી. અમે તો ક્યારેય કહ્યું જ નહોતું કે એમાં વેફર નથી!”
ટોળામાં એક ક્ષણ ચુપકીદી છવાઈ ગઈ. પછી પાછળથી કોઈએ ધીમેથી પૂછ્યું: “તો પછી અમારી એક લાખની ફીનું શું?”
સંચાલકે તરત જવાબ આપ્યો: “એ તો ફી હતી, ભેટ નહોતી. નેન્સી ભેટ સ્વીકારતી નથી. અને ફી પાછી આપવાનું નેન્સીનાં નિયમોમાં લખ્યું નથી.”
આમ, જેમ ચમત્કાર દેખાયો તેમ ખુલાસો પણ બીજા ચમત્કાર તરીકે વેચાઈ ગયો.
સાચા વૈજ્ઞાનિકની મુલાકાત
આ બધું ચાલતું હતું ત્યારે એક વરિષ્ઠ વૈજ્ઞાનિક સુડાની સંસ્થાની મુલાકાતે આવ્યા. તેમણે નેન્સીનું પ્રકરણ સાંભળ્યું હતું અને પ્રશ્નો માટે જ આવ્યા હતા.
“તમારી સંસ્થા વિશે ઘણું સાંભળ્યું છે. મને તમારા સંશોધનની પદ્ધતિ સમજાવો.”
સુડાએ ગર્વથી કહ્યું:
“અમે પરંપરાગત સંશોધનથી આગળ નીકળી ગયા છીએ. અમે પહેલાં નિષ્કર્ષ કાઢીએ છીએ, પછી તેના માટે પુરાવા શોધીએ છીએ.”
“જો પુરાવા તમારા નિષ્કર્ષની વિરુદ્ધ મળે તો?”
“અમે પુરાવાની મર્યાદા તપાસીએ છીએ.”
“જો પુરાવો મજબૂત હોય તો?”
“અમે સંદર્ભ તપાસીએ છીએ.”
“સંદર્ભ પણ યોગ્ય હોય તો?”
“અમે સંશોધકની માનસિકતા તપાસીએ છીએ.”
“સંશોધક પણ નિષ્પક્ષ હોય તો?”
સુડો થોડો અટક્યો.
“ત્યારે અમે સંશોધનની નીતિ પર પ્રશ્ન ઉઠાવીએ છીએ.”
“અને તમારી માન્યતા ખોટી સાબિત થાય તો?”
સુડાએ તરત જવાબ આપ્યો:
“એ શક્ય જ નથી. કારણ કે અમે માન્યતા પર સંશોધન કરતા નથી, અમે સંશોધનને માન્યતા પ્રમાણે ઢાળીએ છીએ.”
વૈજ્ઞાનિકે કહ્યું:
“તો પછી તમે વિજ્ઞાન કરતા નથી.”
સુડાએ હસીને કહ્યું:
“તમારી સમસ્યા એ છે કે તમે વિજ્ઞાનને બહુ ગંભીરતાથી લો છો. અમે વિજ્ઞાનને અમારી સુવિધા પ્રમાણે લઈએ છીએ!”
વૈજ્ઞાનિકે પૂછ્યું: “તમારી કોઈ નવી શોધ બતાવશો?”
સુડાએ ઉત્સાહથી એક પોપટને પિંજરામાંથી બહાર કાઢ્યો.
“અમારી શોધ મુજબ પોપટને લીલા રંગની વસ્તુઓ વધારે ગમે છે.”
“એનો પ્રયોગ કર્યો?”
“હા. મેં પોપટને લાલ મરચું અને લીલું મરચું આપ્યું.”
“પછી?”
“લીલું મરચું ખાધું!”
“એટલે લીલો રંગ ગમ્યો?”
“નહીં તો શું? તમે એને રંગની જગ્યાએ સ્વાદ સાથે જોડશો તો એ તમારી સંકુચિત વૈજ્ઞાનિક દૃષ્ટિ કહેવાય!”
“પણ મરચાંનો રંગ અને સ્વાદ તો બંને અલગ બાબતો છે.”
“એ જ તો મારી શોધનો ક્રાંતિકારી ભાગ છે. રંગ અને સ્વાદ વચ્ચેનો આંતરવિષયક સંબંધ!”
વૈજ્ઞાનિકે પોપટ તરફ જોયું. પોપટે ડોકું હલાવ્યું અને બોલ્યો: “એ વાત સાચી છે!”
વૈજ્ઞાનિકે નિસાસો નાખ્યો. સાચું વિજ્ઞાન દરેક જવાબ પછી નવા પ્રશ્નો ઊભા કરે છે. સુડો વિજ્ઞાન દરેક પ્રશ્ન પછી નવી પદવી ઊભી કરે છે. એ વિજ્ઞાનનું ભવિષ્ય નથી, વિજ્ઞાનને પોપટ બનાવી દેવાનું ભવિષ્ય છે.
પ્રકરણ ૧૩: આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ
નેન્સીનો પર્દાફાશ થવાથી સુડાની પ્રતિષ્ઠાને ઝટકો લાગશે એવું કોઈએ માન્યું હતું. એ માન્યતા ખોટી નીકળી. કારણ કે સુડાએ તે જ અઠવાડિયે જાહેર કર્યું કે નેન્સી પ્રકરણ એ સંસ્થાની સૌથી મોટી સફળતા છે: ‘દુનિયાની પહેલી એવી સંશોધન, જેમાં નિષ્કર્ષ સાવ ખોટો નીકળ્યો પણ ફી પૂરેપૂરી વસૂલ થઈ.’
એ જ ઉત્સાહમાં સંસ્થાએ ભવ્ય આંતરરાષ્ટ્રીય સમારોહ યોજ્યો. વિશ્વભરના સુડો વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા. પાણીની યાદશક્તિવાળા, ગ્રહોની કૃપાવાળા, ડિટોક્સવાળા, ક્વાન્ટમવાળા અને વેફરની કોથળીનાં નામ વાંચીને ધાતુ માનનારા, બધા એક જ મંચ પર.
પુરસ્કારોનાં નામ ઘણાં અર્થપૂર્ણ હતાં:
સુવર્ણ કટર પુરસ્કાર: શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તથ્યના વિખંડન માટે.
રજત કટર પુરસ્કાર: શ્રેષ્ઠ અર્ધસત્ય માટે.
હીરક કટર પુરસ્કાર: પુરાવા વિના સૌથી મોટા દાવા માટે.
નેન્સી સ્મૃતિ પુરસ્કાર: સૌથી મોટા ચમત્કારના નામે સૌથી મોટી ફી વસૂલ કરવા માટે.
સુડાને સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કારપત્રમાં લખ્યું હતું:
“વિજ્ઞાનને તેના મૂળ સ્વરૂપમાંથી મુક્ત કરી, તેને વ્યક્તિગત માન્યતાઓ, અનુકૂળ અર્થઘટનો અને કલ્પનાશક્તિના આધારે પુનઃસ્થાપિત કરવા બદલ.”
સ્વીકાર પ્રવચનમાં સુડાએ કહ્યું:
“મારા પ્રિય મિત્રો, વિજ્ઞાનના ઇતિહાસમાં વૈજ્ઞાનિકોએ ઘણી ભૂલો કરી છે. તેઓ પ્રયોગ કરતા રહ્યા, પુરાવા શોધતા રહ્યા, પરિણામો તપાસતા રહ્યા. મેં તેમને આ બધી મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા છે. હવે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. માત્ર વિશ્વાસપૂર્વક બોલવાની જરૂર છે!”
સભાખંડ તાળીઓથી ગુંજી ઊઠ્યો.
એક પત્રકારે પૂછ્યું:
“તમારી આગામી શોધ કઈ છે?”
“હું હવે સત્યને કાપવા માટે એક નવું કટર બનાવી રહ્યો છું.”
“શા માટે?”
“સત્ય બહુ મોટું હોય છે. સામાન્ય માણસ તેને સમજી શકતો નથી. હું તેને નાના ટુકડાઓમાં વહેંચીશ. દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો ટુકડો લઈ શકશે.”
“અને આખું સત્ય?”
સુડાએ આંખ મારી.
“આખું સત્ય કોઈની પાસે નહીં રહે. એ જ તો મારી સૌથી મોટી સફળતા છે!”
સમારોહના અંતે એક સાચો સંશોધક સંસ્થામાં નોકરી માટે અરજી કરવા આવ્યો. સુડાએ તેને પૂછ્યું:
“તમારી સૌથી મોટી લાયકાત શું છે?”
“હું પુરાવા વગર કોઈ વાત સ્વીકારતો નથી.”
સુડાએ સહાનુભૂતિથી માથું હલાવ્યું.
“માફ કરશો. અમારી સંસ્થામાં તમારી લાયકાત કરતાં તમારી અયોગ્યતા વધારે છે!”
ઉપસંહાર: કટરનું કટાણ
વર્ષો વીતી ગયાં.
સુડાની સંસ્થા વિશાળ બની. તેના શિષ્યો રાજકારણ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, મીડિયા અને જાહેરજીવનમાં ફેલાઈ ગયા. દરેક પાસે પોતાનું નાનું કટર હતું. કોઈ આંકડા કાપતું, કોઈ ઇતિહાસ, કોઈ વિજ્ઞાન, કોઈ તર્ક અને કોઈ સામાન્ય બુદ્ધિ. વાડામાં નેન્સી હવે બીજી કોઈ બકરી ન હતી, એક બ્રાન્ડ હતી, અને તેની નવી શાખાઓ બીજાં રાજ્યોમાં ખૂલી હતી, જેમાં બકરીનું નામ બદલાતું અને વેફરની કોથળીનું નામ પણ.
એક દિવસ એક નાના બાળકે સુડાને પૂછ્યું:
“દાદા, તમે જે કાપો છો તેમાંથી આખી વસ્તુ ક્યાં જાય છે?”
સુડો થોડો વિચારમાં પડ્યો.
“આખી વસ્તુ? એ તો ક્યાંય જતી નથી.”
“તો પછી અમને આખી વાત કોણ કહેશે?”
સુડો હસ્યો.
“બેટા, આખી વાત જાણવાની જરૂર કોને છે? દરેકને પોતાની વાત સાચી લાગે એટલું જ પૂરતું છે!”
બાળકે કટર હાથમાં લીધું અને પૂછ્યું:
“દાદા, આ કટરથી સત્ય પણ કાપી શકાય?”
સુડાએ ગર્વથી કહ્યું:
“સત્ય જ તો સૌથી પહેલાં કાપવું પડે!”
બાળકે કટરને ઊંધું પકડીને જોયું.
“પણ દાદા, આ કટર તો તમારી જ વાત કાપે છે!”
સુડો પહેલી વાર નિઃશબ્દ થઈ ગયો.
કદાચ પહેલી વાર તેના કટરે પોતાના માલિકને જ કાપ્યો હતો.
ત્યારે દૂર, વાડાના એક ખૂણે, કાબરચીતરી નેન્સી ઘાસ ચાવતી ઊભી હતી. તે બોલી નહીં. પોણા ચાર વાગ્યે ઊઠીને તે હજુ પણ એક પગે ત્રણ સેકન્ડ ઊભી રહે છે, હવે વેફર વગર. આખી વાર્તામાં એ જ એક પાત્ર હતું જેણે ક્યારેય કોઈ દાવો કર્યો નહોતો. સૌથી મોટા ચમત્કારો તે જ બોલે છે જે કશું બોલતા નથી, અને સૌથી મોટા બજારો તેમના નામે ચાલે છે.
અને દૂર ક્યાંક એક સાચો વૈજ્ઞાનિક હસ્યો. કારણ કે વિજ્ઞાનમાં એક જ એવી વસ્તુ છે જેને કાપવાથી તે નષ્ટ થતી નથી: સત્યની કસોટી.
વાર્તાનો અંતિમ કટાક્ષ
વિજ્ઞાન સત્યને શોધે છે, સુડો સત્યને સજાવે છે.
વિજ્ઞાન પુરાવાથી આગળ વધે છે, સુડો પુરાવાને પાછળ ધકેલે છે.
વિજ્ઞાન પોતાની ભૂલ સ્વીકારે છે, સુડો પોતાની ભૂલને નવી શોધ જાહેર કરે છે.
વિજ્ઞાનનું કટર અજ્ઞાન દૂર કરે છે, સુડાનું કટર જ્ઞાનને અજ્ઞાનમાં ફેરવે છે.
વિજ્ઞાનમાં અજ્ઞાતને શોધવાનું સાહસ જોઈએ, સુડો વિજ્ઞાનમાં અજ્ઞાનને જ્ઞાન જાહેર કરવાની આવડત જોઈએ.
અને સૌથી મોટો ચમત્કાર એ છે કે સુડો જેટલું વિજ્ઞાન કાપે છે, તેટલો જ તે વધારે વૈજ્ઞાનિક દેખાય છે.
