STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

5  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

પરમ ડિજિટલ ધામ - ડિજિટલ ડિસ્કનેક્શનના મહા-ઉપવાસ

પરમ ડિજિટલ ધામ - ડિજિટલ ડિસ્કનેક્શનના મહા-ઉપવાસ

5 mins
5

સ્વર્ગલોકના સર્વર સાથે જોડાયેલા ‘પરમ ડિજિટલ ધામ’ના ઊંચા વ્યાસપીઠ પર ગુરુ આલ્ગોરિધમાનંદજી બિરાજમાન હતા. વ્યાસપીઠ સાદું નહોતું; તે સંપૂર્ણપણે એઆઈ-સંચાલિત હતું. ગુરુજીના ગળામાં રૂદ્રાક્ષને બદલે ઓપ્ટિકલ ફાઇબરની માળા ચમકતી હતી અને કપાળ પર ચંદનના તિલકની જગ્યાએ વાઇ-ફાઇના ત્રણ સિગ્નલ બાર લાલ-પીળા રંગે બ્લિંક થતા હતા.

ગુરુજીએ હવામાં આંગળી લહેરાવીને એક પ્રાચીન, હોલોગ્રાફિક સ્ક્રોલ ખોલ્યું અને ગંભીર અવાજે વાંચવાનું શરૂ કર્યું:

“હે વત્સો! ઈ.સ. પૂર્વે ૧૫,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા પરમ પવિત્ર ‘ગૂગલ વાત્સલ્ય’ ગ્રંથના અધ્યાય ૪૦૪, શ્લોક ક્રમાંક ૫૦૨માં સ્પષ્ટ આદેશ છે: ‘જે ભક્ત સળંગ પાંચ મિનિટનો અખંડ ઉપવાસ રાખશે, તેને બ્રહ્માંડના સર્વોચ્ચ સ્વર્ગમાં ક્લાઉડ-સ્પેશિયલ વીઆઈપી સિટિંગ અને મોક્ષની ગેરંટી મળશે!’”

સભામાં સોપો પડી ગયો. લાખો ભક્તોના હાથમાં રહેલા સ્માર્ટફોન અને આંખોમાં ફિટ કરેલા સ્માર્ટ-લેન્સમાંથી એકસાથે ડેટા-ટ્રાફિકનો ગણગણાટ વછૂટ્યો.

આગલી હરોળમાં બેઠેલા એક જૂના ભક્ત ચમનલાલ તરત ઊભા થયા. એમની આંખો નીચે ડાર્ક સર્કલ હતા અને ગરદન સ્ક્રોલિંગના અતિરેકથી આગળ તરફ કાયમ માટે વળેલી હતી.

ચમનલાલે હાથ જોડીને પૂછ્યું, “પ્રભુ! ક્ષમા કરજો, પણ આ કન્સેશન સ્કીમ ક્યારથી શરૂ થઈ? અમારા બાપ-દાદા, સાત પેઢીથી દર સોમવાર, અગિયારસ, પ્રદોષ અને બધા રવિવારે ભૂખ્યા પેટે ટળવળીને ઉપવાસ કરતા આવ્યા છે. સાબુદાણાની ખીચડી અને મોરૈયો ખાઈ ખાઈને અમે થાકી ગયા, લોહી સુકાઈ ગયું, છતાં યમરાજે અમને સાદો થર્ડ-ક્લાસ સ્વર્ગનો પાસ પણ નથી આપ્યો! અને તમે કહો છો કે ખાલી પાંચ મિનિટમાં મોક્ષ?”

ગુરુ આલ્ગોરિધમાનંદજીના ચહેરા પર સ્મિત રેલાયું. વ્યાસપીઠના સ્પીકરમાંથી સોફ્ટ નોટિફિકેશન ટોન વાગ્યો.

“અરે અજ્ઞાની જીવ!” ગુરુજી બોલ્યા, “તમારા બાપ-દાદા જે કરતા હતા એ તો ‘અન્ન-ઉપવાસ’ હતો! રોટલો ન ખાવો એ તો પેટની સફાઈ છે, એનાથી મોક્ષ થોડો મળે? હું જે વાત કરું છું એ ‘ડિજિટલ ડિસ્કનેક્શન’ના મહા-ઉપવાસની છે! પાંચ મિનિટ સુધી વાઇ-ફાઇ, બ્લૂટૂથ, સેટેલાઇટ લિંક, ન્યુરલ-ચિપ અને ઓપ્ટિકલ ડિસ્પ્લે—તમામ ઇન્દ્રિયોની આસપાસ સંપૂર્ણ જામ! સળંગ ત્રણસો સેકન્ડ સુધી ન કોઈ રીલ, ન કોઈ લાઇક, ન કોઈ ઓટીપી, ન કોઈ નોટિફિકેશનનો ધબકારો! અંદર કે બહાર માત્ર ઘોર ડિજિટલ શૂન્ય!”

ચમનલાલના પગ ધ્રૂજવા લાગ્યા. એમણે છાતી પર હાથ મૂકી દીધો, જાણે હાર્ટ-એટેક આવવાનો હોય.

“બાપરે બાપ! ના, ના, મહારાજ!” ચમનલાલ ગભરાઈને બોલ્યા, “પાંચ મિનિટ સુધી સ્ક્રીન વગર? ઈન્ટરનેટ વગર જીવવાનું? તો તો મગજના ન્યુરોન્સ દિશા ભૂલી જશે! કાનમાં સાયબર-કીડા બોલવા માંડશે! હું તો પાગલ થઈ જઈશ, બેભાન થઈને ઢળી પડીશ! એના કરતાં તો પંદર દિવસ નિર્જળા અન્ન-જળ ત્યાગ કરવો સહેલો છે. પાંચ મિનિટનું ડિજિટલ મોત અમારાથી સહન નહીં થાય!”

આખી સભામાં ભક્તો થરથર કાંપવા લાગ્યા. લોકોએ પોતપોતાના ફોન છાતીએ વળગાડી લીધા કે રખેને ગુરુજી પાંચ મિનિટનો ઉપવાસ કરાવી દે!

હજી તો આ ધાર્મિક આંચકો શમ્યો નહોતો, ત્યાં જ સભાખંડના દરવાજા ધડાકાભેર ખૂલ્યા. હાથમાં બળદગાડાની રાશને બદલે ડ્રોન-કંટ્રોલર અને એઆઈ-ટેબ્લેટ્સ લઈને ખેડૂતોનું એક મોટું સરઘસ ધસી આવ્યું. ખેડૂતોના નેતા ભીખાભાઈ પટેલ સીધા વ્યાસપીઠ સામે આવીને ઊભા રહી ગયા.

“ગુરુજી, અમારો ન્યાય કરો!” ભીખાભાઈ ગર્જ્યા, “હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે!”

ગુરુજીએ પોતાની આંખો સ્કેનર મોડમાંથી બહાર કાઢીને પૂછ્યું, “વત્સ, શી સમસ્યા છે ધરતીપુત્રોને? તમારી ઉપજ તો હવે ગ્લોબલ ઇ-મંડીમાં સીધી જાય છે અને માલ જોખાયાની બરાબર એક મિનિટમાં તમારા ડિજિટલ વૉલેટમાં પૈસા જમા થઈ જાય છે. દુનિયા આખી આ સ્પીડના વખાણ કરે છે, તો પછી આ રોષ કેમ?”

“એક મિનિટ? આખી એક મિનિટ!” ભીખાભાઈનો અવાજ ફાટી ગયો, “તમને ખબર છે આ આધુનિક જમાનામાં એક મિનિટ એટલે કેટલી મોટી અનંતકાળ કહેવાય? અમે ખેતરમાં કપાસ, મગફળી, ઘઉં અને જીરું વાવીએ, આખો દી લોહીનું પાણી કરીએ, પછી ટેમ્પો ભરીને યાર્ડમાં જઈએ, માલ વેચાય અને પેમેન્ટ માટે આખી ૬૦ સેકન્ડ રાહ જોવાની? અમારો સમય શું મફતનો છે?”

“તો તમારી માંગણી શું છે?” વ્યાસપીઠના એઆઈ ડિસ્પ્લેએ ખેડૂતોનું બ્લડ પ્રેશર સ્કેન કરતાં પૂછ્યું.

ભીખાભાઈએ પોતાનો દેશી અંદાજમાં કોડેડ ટેબ્લેટ હવામાં લહેરાવ્યો:

“અમારી સ્પષ્ટ માંગણી છે: દરેક ખેતરના ઝાંપે, શેઢા પર એક-એક એટીએમ મશીન મુકાવું જોઈએ! અને સાંભળી લો, અમે પાક પાકે ત્યાં સુધી રાહ જોવાના નથી. અમે અમારા દેશી ખાતર અને અનુભવથી બનાવેલું પોતાનું ‘કિસાન-એઆઈ’ મોડેલ તૈયાર કર્યું છે. ખેતરમાં બીજ વાવ્યું નથી કે તરત અમારું એઆઈ અંદાજ લગાવી દેશે કે ચાર મહિને કેટલો ફાલ આવશે, હવામાન કેવું રહેશે અને કેટલો નફો થશે. બસ, દાણો જમીનમાં પડતાં જ ઝાંપે મૂકેલા એટીએમમાંથી કડકડતી નોટો બહાર નીકળવી જોઈએ!”

ગુરુજી સ્તબ્ધ થઈ ગયા. વ્યાસપીઠનું એઆઈ પ્રોસેસર ગૂંચવાઈને ઓવરહીટ થવા લાગ્યું.

“પણ ભીખાભાઈ,” ગુરુજી ધીમેથી બોલ્યા, “વાવણી વખતે જ પાકનો અંદાજ લગાવીને સીધા રોકડા? જો વરસાદ ન પડ્યો કે જીવાત પડી તો?”

“એ બધું અમારું એઆઈ જોઈ લેશે!” ભીખાભાઈ અડગ રહ્યા, “અને જો અમારી આ માંગણી ચોવીસ કલાકમાં નહીં સ્વીકારાય, તો અમે દેશભરના ખેડૂતો ‘ડિજિટલ આમરણ અનશન’ પર ઉતરીશું! અમે ખેતરના તમામ સેન્સર્સ ઉખાડી ફેંકીશું, સોઈલ-મોઈશ્ચર ડેટા અપલોડ કરવાનું બંધ કરીશું, કપાસના સેટેલાઈટ ટ્રેકિંગનો પ્લગ ખેંચી લઈશું અને આખી દુનિયામાંથી સંપૂર્ણ ડિસ્કનેક્ટ થઈ જઈશું! પછી જોઉં છું કે તમારા આ મહાનગરોના એસી રૂમમાં બેઠેલા બાબુઓ ડેટા ખાય છે કે હવા!”

‘ડિજિટલ આમરણ અનશન’ શબ્દ સાંભળતાં જ વ્યાસપીઠનું આખું સર્વર ધ્રૂજી ઊઠ્યું. ક્લાઉડ કનેક્શન લાલ થઈ ગયું.

સામે બેઠેલા ચમનલાલ અને અન્ય ભક્તો ખેડૂતો સામે ફાટી આંખે જોઈ રહ્યા—જે પાંચ મિનિટના ડિસ્કનેક્શનથી આખું શહેર ગાંઠે વળી જતું હતું, એ ડિજિટલ મૌત ખેડૂતો આંદોલનનું હથિયાર બનાવીને હસતાં મુખે સ્વીકારવા તૈયાર હતા!

ગુરુ આલ્ગોરિધમાનંદજીએ ચૂપચાપ ‘ગૂગલ વાત્સલ્ય’ સ્ક્રોલ બંધ કર્યું અને મનોમન વિચાર્યું: ‘સ્વર્ગ તો દૂર રહ્યું, જો આ ધરતીપુત્રો સાચે જ ઑફલાઇન થઈ ગયા, તો આખી સૃષ્ટિનું સર્વર કાયમ માટે ક્રેશ થઈ જશે!’

ખેડૂતોના આ 'ડિજિટલ આમરણ અનશન'ના એલાનથી માત્ર ગુરુજીનું વ્યાસપીઠ જ નહીં, પણ સિલિકોન વેલીથી લઈને વૉલ સ્ટ્રીટ સુધીના સર્વર રૂમમાં ભયંકર ભૂકંપ આવી ગયો.

ખેતરોમાંથી જો રિયલ-ટાઇમ ડેટા વહેતો બંધ થાય, તો સેટેલાઇટ મેપિંગ, કમોડિટી સ્પેક્યુલેશન, મોસમની અટકળો અને કન્ઝ્યુમર બિહેવિયર ચલાવતા તમામ અલ્ગોરિધમ્સ પળવારમાં ભૂખમરાથી મરી જાય તેમ હતા. જે કંપનીઓનું અસ્તિત્વ અને અબજો ડૉલરનું વેલ્યુએશન ફક્ત ખેડૂતોના ડેટા ઉત્પાદન, એનાલિસિસ અને ડિજિટલ હેરફેર પર ટકેલું હતું, તેમના સીઈઓ પરસેવે રેબઝેબ થઈ ગયા.

હજી તો ભીખાભાઈનું ભાષણ પૂરું પણ નહોતું થયું, ત્યાં જ વ્યાસપીઠના મુખ્ય સ્ક્રીન પર લાલ એલર્ટ સાથે સીધો ઇલોન મસ્કનો લાઇવ હોલોગ્રામ પ્રગટ થયો. પાછળ ગૂગલ, મેટા અને વૈશ્વિક ડેટા-સિન્ડિકેટના તમામ વડાઓ હાથ જોડીને ઊભેલા દેખાતા હતા.

મસ્કે પોતાના સ્પેસ-એક્સ કોટના બટન સરખા કરતાં ગળગળા અવાજે કહ્યું, "ગવર્નમેન્ટ પ્લીઝ! મહેરબાની કરીને આ દેશી ધરતીપુત્રોની તમામ માંગણીઓ વિના શરતે સ્વીકારી લો! દરેક ખેતરના ઝાંપે માત્ર એટીએમ જ નહીં, અમે અમારા ખર્ચે સોનાના ઢોળ ચડાવેલા સ્ટારલિંક-સંચાલિત સુપર-એટીએમ બેસાડી આપીશું! બીજ જમીનમાં પડે એની પહેલી સેકન્ડે જ ખેડૂતના પોતાના એઆઈના અંદાજ મુજબ કરોડો રૂપિયા કેશ નીકળશે."

ગૂગલ અને ડેટા કંપનીઓના વડાઓએ તો સરકારને ત્યાં સુધી ઓફર કરી દીધી: "અને હા, જો ખેડૂતોનું એઆઈ પાકના અંદાજમાં થાપ ખાઈ જાય, વરસાદ ન પડે કે તીડ ત્રાટકે અને સરકારને નુકસાન જાય, તો એ તમામ ખોટ અમે અમારી કંપનીઓના નફામાંથી વળતર પેટે ચૂકવી આપીશું! બસ, આ ખેડૂતોને કહો કે ઈન્ટરનેટનો પ્લગ ન ખેંચે! જો આ લોકો ઑફલાઇન થઈ ગયા, તો અમારી પાસે માણસોને વેચવા માટે કોઈ ભવિષ્ય જ નહીં બચે!"


સામગ્રીને રેટ આપો
લોગિન