મેં છાપું વાંચવાનું કેમ બંધ કર્યું?
મેં છાપું વાંચવાનું કેમ બંધ કર્યું?
મેં છાપું વાંચવાનું કેમ બંધ કર્યું?
બ્રેકિંગ ન્યૂઝ: ટ્રમ્પ પુતિનને મળ્યા! ચીનનું આવી બન્યું! ભારતને થશે ઐતિહાસિક ફાયદો, ગુજરાતને બહુ જ મોટો ફાયદો!
એક ગુપ્ત બંકરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ચા પીતા-પીતા થયેલી ૧૪ સેકન્ડની મુલાકાતથી બેઇજિંગમાં ભૂકંપ આવી ગયો છે. બંને નેતાઓએ ચાના કપ જે રીતે પકડ્યા હતા તેનાથી હવે ચીનનો વેપાર ઠપ થઈ જશે. આવતા મંગળવારથી જ રશિયા અને અમેરિકાના તમામ ઓર્ડર સીધા વાપી, અંકલેશ્વર અને રાજકોટમાં ઠલવાશે.
મહા-સમાચાર: પુતિન ઝી જિનપિંગને મળ્યા! અમેરિકા આગબબૂલા! ભારતને બંને હાથમાં લાડુ, ગુજરાતને મોસાળમાં જમણ ને મા પીરસનાર!
મોસ્કોમાં પુતિન અને ઝી જિનપિંગે હાથ મિલાવતા જ વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની છત ઉડી ગઈ છે. અમેરિકા ગુસ્સાથી લાલચોળ થઈ ગયું છે. એક તરફ અમેરિકા ભારતને મનાવવા માટે સોનાની ખાણો આપશે, તો બીજી તરફ રશિયા-ચીન ભારતને રાજી રાખવા મફતમાં તેલ અને ગેસ પૂરો પાડશે. ગુજરાત માટે તો જે માંગો તે હાજર!
અર્થતંત્ર: દક્ષિણ કોરિયામાં ભયંકર મંદી, ભારતને થશે આ આઠ ચમત્કારિક ફાયદા—માત્ર એક મિનિટમાં સમજો!
સિઓલમાં શેરબજાર તૂટતા જ ભારતીય અર્થતંત્રમાં દિવાળી જેવો માહોલ છે:
૧. કોરિયામાં સ્માર્ટફોન નહીં વેચાય, એટલે આપણા દેશી કેલ્ક્યુલેટરની માંગ ૧૦૦૦% વધશે.
૨. કોરિયન નાગરિકો નોકરી ગુમાવશે, એટલે તેઓ ગુજરાતી ફાફડા-જલેબી ખાવા ભારત આવશે, જેનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
૩. ત્યાંના કારખાના બંધ થતા આપણા ગામડાના લુહારોને સીધા ઓર્ડર મળશે.
૪. કોરિયન કાર કંપનીઓ બંધ થતા આપણા બળદગાડાની નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવશે.
૫. સિઓલમાં અંધારું થતા આપણા ફાનસ અને દીવડાની માંગ આસમાને પહોંચશે.
૬. કોરિયાની બેંકો ખાલી થતા વિશ્વભરના અબજોપતિઓ પોતાના પૈસા રાજકોટની સહકારી બેંકોમાં મૂકશે.
૭. ત્યાંની હોટલો બંધ થતા આપણા લારી-ગલ્લાવાળાઓને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળશે.
૮. કોરિયામાં મંદી આવવાથી ભારતમાં વરસાદ સારો પડશે.
બજાર: ડોલર ઐતિહાસિક સપાટીએ ઉંચકાયો! આગલા સો વર્ષમાં રૂપિયો આટલો ઉપર જશે—સમજો આખી વાત માત્ર બે સેકન્ડમાં!
આજે સવારે ડોલર સામે રૂપિયો વધુ ગગડીને ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. રૂપિયો જેટલો નીચે જાય છે, તેટલો જ તે સ્પ્રિંગની જેમ ઉછળીને ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. આગામી સો વર્ષમાં રૂપિયો એટલો ઉપર જશે કે અમેરિકનો શાકભાજી લેવા માટે પણ ભારતીય રૂપિયાની ભીખ માંગશે.
અંતરિક્ષ અને આહાર: જર્મન વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે થેપલા-છૂંદો છેલ્લા ૯૮,૦૦૦ વર્ષનો સૌથી પૌષ્ટિક આહાર! નાસાએ ફરજિયાત કરી ગુજરાતી થેપલા-છૂંદો કિટ—માણાવદરના લારીવાળા કાળુભાઈને મળ્યું ૨૦૦ અબજ ડોલરનું ટેન્ડર!
જર્મનીની ટોચની પ્રયોગશાળાએ ૯૮,૦૦૦ વર્ષના માનવ ઇતિહાસના તમામ ખોરાકનું પરીક્ષણ કર્યા બાદ જાહેર કર્યું છે કે થેપલા અને છૂંદા જેવો પૌષ્ટિક આહાર પૃથ્વી પર બીજો કોઈ નથી. આ અહેવાલ આવતા જ નાસાએ તાત્કાલિક આદેશ બહાર પાડ્યો છે કે હવેથી અવકાશમાં કોઈ પણ અવકાશયાત્રી થેપલા-છૂંદા સિવાય બીજી કોઈ વસ્તુ ખાઈ શકશે નહીં. આ માટે નાસાએ સૌરાષ્ટ્રના માણાવદરના એક લારીવાળા કાળુભાઈને ૨૦૦ અબજ ડોલરનું મેગા ટેન્ડર આપ્યું છે. અમારા સ્થાનિક પત્રકારને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં કાળુભાઈએ જણાવ્યું કે તેઓ પોતાની લારી પરથી જ વિશ્વના કોઈ પણ દેશના વિઝા આપી શકશે, અને વર્ષ ૨૨૭૬ સુધીમાં આ અંગેના તમામ એમઓયુ (MOU) પણ થઈ જશે.
માણાવદર જતા તમામ રસ્તા વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બંધ કર્યા.
રમતગમત વિશેષ:
ભારતીય ક્રિકેટ ટીમ કોંગો સામે હારી!
સમજો હાથે કરીને હારવાનું કારણ અને ગુપ્ત સ્ટ્રેટેજી—આવતા અઢીસો વર્ષ સુધી ઓલિમ્પિકમાં ભારતનો ગોલ્ડ મેડલ પાક્કો!
પહેલીવાર ક્રિકેટ રમી રહેલી કોંગોની ટીમે ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો છે. જોકે, આ હાર પાછળનું રહસ્ય હવે બહાર આવ્યું છે.
ભારતીય ખેલાડીઓએ જાણીજોઈને કેચ છોડ્યા અને શૂન્ય રને આઉટ થયા, જેથી દુનિયાની બાકીની ટીમો ભ્રમમાં રહે. આ ગુપ્ત સ્ટ્રેટેજીનો ભાગ હતો.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પણ ભારતની આ મહાન વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને આગામી ૨૫૦ વર્ષ સુધી ઓલિમ્પિકમાં ક્રિકેટના તમામ ગોલ્ડ મેડલ ભારતને એડવાન્સમાં જ આપી દેવાની પાકી ગોઠવણ કરી લીધી છે.
ભારતીય A ટીમ ફક્ત વીસ વિકેટે ઓમાન સામે હારી!
ભારતીય ટીમનો મહાવિજય, ફિજીની મહાબલી ટીમને એક રનથી હરાવી ભોંય ભેગી કરી.
ગઈકાલે મેદાન પર જબરદસ્ત મુકાબલો ખેલાયો. ભારતીય A ટીમ ઓમાન સામે ફક્ત વીસ વિકેટે જ હારી ગઈ. આપણા બધા જ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. ઓમાનની લાગ્યો શોક, છોડશે હોર્મુઝ ઉપરથી કબ્જો.
બીજી તરફ, ભારતીય B ટીમે ફિજીની મહાબલી ટીમને માત્ર એક રનથી હરાવીને જબરદસ્ત ‘ધોબી પછાડ’ આપી. ફીઝીના બધા ખેલાડીઓ અને એમ્પાયર ફ્લોપ, દશેરાએ જ ઘોડું ના દોડ્યું. ફીઝીના પ્રમુખ, રાજા અને વડાપ્રધાન આપશે રાજીનામુ. દેશ અને અર્થતંત્ર હાલકડોલક. ફીઝીના રાજાએ સોનાનો મહેલ વેંચવા કાઢ્યો.
ફિજીની ટીમની આવી બુરી હાલત જોઈને કેપ્ટને અમારા સંવાદદાતાને રાજીનામાનો સંકેત આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રમતમાં જીત-હાર તો ચાલ્યા કરે, પણ ભારતની બંને ટીમોએ વિરોધીઓને એવી ધોબી પછાડ આપી કે હવે સામેના હારેલા અને જીતેલા કેપ્ટનોએ રમત કરતાં રાજીનામાની વધુ પ્રેક્ટિસ કરવી પડે તેમ છે!
મોટો ખુલાસો: ભારતીય ટીમ ‘ધોબીના કારનામા’થી હારી—ફક્ત સત્તરસો રનથી!
ટી-શર્ટમાં કડક ઈસ્ત્રી હોવાથી ખેલાડીઓ વાંકા વળી શક્યા નહીં. ધોબી બદલવાની ઉગ્ર માંગ, નહીં તો બહિષ્કાર!
ફક્ત ૧૭૦૦ રનના અંતરથી થયેલા આ મુકાબલામાં ટીમના સત્તાવાર ધોબીએ ખેલાડીઓના ટી-શર્ટમાં એટલો બધો કડક કાંજી-કલફ ચઢાવીને પથ્થર જેવી ઈસ્ત્રી કરી હતી કે મેદાન પર બેટ્સમેનો ડ્રાઇવ મારવા કે ફિલ્ડરો બોલ પકડવા માટે કમરથી વાંકા જ વળી શકતા નહોતા.
ડ્રેસિંગ રૂમમાંથી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી ધોબી બદલવામાં આવે, નહીં તો આગામી તમામ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવામાં આવશે.
હવામાન અને કૃષિ: અલ નીનોની અસરથી સળંગ તેત્રીસ વર્ષ પડશે ભયંકર દુષ્કાળ—ગુજરાતના ખેડૂતો કેવી રીતે થશે માલામાલ? અલ નીનો ઉભું કરવામાં આપણા ચાર ચોપડી ભણેલા ખેડૂતે તૈયાર કરી હતી અલ નીનોની સ્ક્રિપ્ટ!
પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા 'અલ નીનો'ને કારણે આગામી ૩૩ વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ નહીં પડે. પેસિફિક મહાસાગરનું પાણી ગરમ કરવાની આખી સ્ક્રિપ્ટ આપણા એક ગામના ચાર ચોપડી ભણેલા ખેડૂતે તૈયાર કરી હતી. આ ખેડૂતે પોતાના ખેતરના શેઢે બેસીને પવનની દિશા બદલી નાખી હતી. સળંગ ૩૩ વર્ષ દુષ્કાળ પડવાથી જમીનમાં તિરાડો પડશે, જેમાંથી સીધું શુદ્ધ સોનું અને હીરા બહાર નીકળશે. પાણી બચાવવાના ખર્ચમાં ઘટાડો થવાથી અને સૂકા ઘાસચારાની નિકાસ કરવાથી ગુજરાતી ખેડૂતને થશે ફાયદો જ ફાયદો.
વિજ્ઞાન અને ટેકનોલોજી: સૂર્ય પર ભયંકર સૌર વાવાઝોડું ત્રાટક્યું—વિશ્વભરના સેટેલાઇટ બંધ! અમદાવાદના યુવાને શોધેલી અગરબત્તીના ધુમાડાથી ચાલશે સમગ્ર વિશ્વનું ઇન્ટરનેટ!
સમગ્ર પૃથ્વી પર બ્લેકઆઉટનો ખતરો છે. અમદાવાદની એક પોળમાં રહેતા યુવાને શોધેલી અગરબત્તીના ધુમાડામાં ૬-જી (6G) સિગ્નલ વહન કરવાની અદભૂત શક્તિ છે. આવતીકાલથી ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એપલના તમામ સર્વર અમદાવાદની આ પોળમાંથી જ ઓપરેટ થશે.
આરોગ્ય: શહેરમાં પ્રદૂષણનું સ્તર ૯૯૯ પાર! ડોક્ટરોએ આપી ખુશખબર—આ ઝેરી હવા શ્વાસમાં લેવાથી માણસ અમર થઈ જશે!
હવામાં ઓક્સિજન ઘટીને શૂન્ય થઈ ગયો છે. કાર્બન મોનોક્સાઇડ અને ધૂળના રજકણો ફેફસાંમાં જામી જવાથી શરીર પર એક સુરક્ષા કવચ બની જાય છે, જેનાથી કોઈ રોગ અંદર પ્રવેશી શકતો નથી અને માણસ અમર થઈ જાય છે.
અંતરિક્ષ: ચંદ્ર પર પાણી ખૂટી ગયું—મહેસાણાના તળાવમાંથી ટેન્કર દ્વારા પાણી મોકલવાનો ઐતિહાસિક કરાર!
નાસાના વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણી શોધવામાં નિષ્ફળ જતા આખરે ગુજરાતની મદદ માંગી છે. આવતા અઠવાડિયે મહેસાણાથી ટેન્કરો ભરીને રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવશે, જેનાથી સ્થાનિક ટેન્કર માલિકોને કરોડો રૂપિયાની કમાણી થશે.
ખાસ આંતરરાષ્ટ્રીય સમાચાર:
આવતા અમેરિકન અને રશિયન પ્રમુખ અને નોબેલ કમિટીના ચેરમેન બનશે એક ગુજરાતી! ઓલિમ્પિક કમિટીના ચેરમેન માટે સૌરાષ્ટ્ર માટે અનામતની માંગ.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે વિશ્વની મહત્ત્વની સત્તાઓ પર ગુજરાતી પ્રભુત્વ સ્થાપિત થવાની તૈયારી છે. એક ગુજરાતી આગામી અમેરિકન અને રશિયન પ્રમુખ બનશે અને નોબેલ કમિટીના ચેરમેનપદે પણ ગુજરાતી જ બિરાજશે.
આ સમાચારથી વિશ્વભરના રાજકીય નેતાઓ અને નોબેલના દાવેદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, ગુજરાતી મહાશયનાં નામની જાહેરાત હજી કરવામાં આવી નથી. સૂત્રો કહે છે કે નામ જાહેર થાય તે પહેલાં જ વિશ્વના અનેક દેશોએ અભિનંદનના સંદેશા તૈયાર કરી દીધા છે! તો એવી પણ માંગ ઉઠી છે કે ઓલિમ્પિક કમિટીના ચેરમેન કાયમ માટે સૌરાષ્ટ્રના જ હોવા જોઈએ. આ વાતને મગફળી અને કપાસ ઉત્પાદકોએ સમર્થન આપ્યું છે. જૉ કે તમાકુ અને માવા ખાનાર એસોસીએસન જો આ ઠરાવને સમર્થન આપે તો વાત પાકી જ સમજો.
વિશેષ વિશ્લેષણ: વિશ્વમાં કોઈ પણ મળે, ભારતને ફાયદો અને ગુજરાતને સૌથી મોટો ફાયદો!
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે, વિશ્વના કોઈ પણ બે નેતાઓ મળે તો ભારતને ફાયદો થવાનો અને ગુજરાતને તેનાથી પણ મોટો ફાયદો થવાનો નિશ્ચિત છે. બંને નેતાઓ બીજા જ દિવસે ઝઘડીને છૂટાછેડા લઈ લે તો પણ ભારતનો ફાયદો ચાલુ રહેશે.
આર્થિક સમાચાર: ડોલર વધે તો પણ ભારતને ફાયદો, ઘટે તો પણ ફાયદો!
ડોલર વધે તો ભારતીય નિકાસને ફાયદો, ઘટે તો આયાત સસ્તી થવાનો ફાયદો. GDP વધે તો વિકાસનો ઐતિહાસિક ફાયદો, ઘટે તો સુધારાની નવી તકનો ફાયદો. સ્થિર રહે તો સ્થિરતાનો ફાયદો. ગુજરાતને તો દરેક સ્થિતિમાં બમણો ફાયદો!
અંતિમ સમાચાર: વિશ્વની સ્થિતિ ગમે તેવી હોય, ગુજરાતનો ફાયદો પાક્કો!
યુદ્ધ થાય તો નવા વેપારની તક, શાંતિ થાય તો નવા વેપારની તક. મંદી આવે તો નવા બજારની તક, તેજી આવે તો નવા નફાની તક. વિશ્વના અર્થશાસ્ત્રીઓ હજી કારણ શોધી રહ્યા છે, પરંતુ ગુજરાતના લાભનું ગણિત પહેલેથી જ તૈયાર છે!
વધુ સચોટ, ભરોસાપાત્ર અને માહિતીસભર સમાચાર માટે જોતા રહો અમારા સમાચાર પત્ર. અમારી કોઈ શાખા નથી. અમારો લોગો જોઈને જ ખરીદો આજની અંક અને પૂર્તિ.
વૈધાનિક ચેતવણી: છાપા વંચાય જાય પછી દશ મિનિટથી વધારે સાચવવા નહીં.
