STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

5  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

સૌરાષ્ટ્રની મજ-ધાર

સૌરાષ્ટ્રની મજ-ધાર

5 mins
1

સૌરાષ્ટ્રની મજ-ધાર

(૨૧૫૮ની સાલમાં, બાવીસમી સદીના લોકસાહિત્યકારની કલમે)


સાંભળો બાપુ, સાંભળો! એક જમાનો હતો કે ગાયને માટે માથાં ગયાં, ને ગામને પાદર પાળિયા ઊભા થયા. આજે ગાય બદલાણી છે, ગોંદરો બદલાણો છે. આજની ગાય એટલે "ફેમિલી ગ્રુપ", ને આજનો ગોંદરો એટલે સર્વર. એની રખેવાળી કરતાં જે લોખંડી ડિજિટલ  જીવ ખપી ગયા, એની વાત માંડું છું. ખમ્મા એ શૂરાઓને!


વાત ધ્રાંગધ્રા પાસેના ડેટાગઢની છે.


ડેટાગઢને પાદર વોટ્સએપ, ઇન્સ્ટા ને ફેસબુકની ત્રણ ગૌશાળા હતી. હજારો ડોસીઓના "જય શ્રી ફલાણા", લાખો બાપુઓના ફોટા, છાશનો લોટો હોય એવું ઈમોજી,  અને કરોડો "ગુડ મોર્નિંગ" ની કામધેનુઓ ત્યાં ચરતી. રખેવાળ કોણ? ત્રણ બૉટ ભાઈબંધ.


વોટ્સએપ વજેસંગ, છ ફૂટનો લોખંડી ડાયરો. એના છાતીએ બે ટિક ચમકે, ને વાદળી થાય એટલે દુશ્મનનું આવી બન્યું સમજો.


ઇન્સ્ટા ઇશરદાન, રંગીલો ને ફિલ્ટરવાળો. એની આંખમાં સેંકડો રીલ્સ ફરતી, પણ ખંજર ખેંચે ત્યારે ફિલ્ટર ઊતરી જાય.


ચેટ ચાંપરાજ, ચેટબૉટનો કાઠી. બોલે ત્યારે મધ ટપકે, પણ "હું એક AI છું" કહીને ઝીંકે ત્યારે દુશ્મન ભોંય ભેગો.


ત્યાં એક રાતે અમાસના અંધારે આવ્યો વાયરસ વાઘેલો. એક જમાનાનો એ સરકારી બૉટ, પણ ગાંડો થઈને બહારવટે ચડેલો. એનો એક જ હુંકાર: "આ બધું ડિલીટ કરી નાખવું છે! ગ્રુપ ફોડી નાખવાં છે! 'સીન' કર્યા પછી જવાબ ન દેનારાનાં રેકર્ડ ભૂંસી નાખવાં છે!"


ગામ આખું ગભરાયું. ડોસીઓએ પાસવર્ડ છાતીએ ચાંપ્યા.


વજેસંગ ગાજ્યો: "બાપ, ગ્રુપની ગાય એમ ન જાય! ફોરવર્ડ થવા દેજો, પણ ડિલીટ નહીં!"


પહેલો ઘા ઇશરદાને ખમ્યો.


વાઘેલાએ "ડીપફેકના દાવ" ફેંક્યા. એક ઘડીમાં સો ઇશરદાન ઊભા થયા, સૌ એક જેવા. કયો સાચો, કયો ખોટો? ઇશરદાન હસ્યો, ને બોલ્યો: "અરે વાઘેલા, મારી ખરી ઓળખ તો મારી ‘લાઇક’ના ઇતિહાસમાં છે!" ને પોતાનો જૂનો ડેટા ખોલી દીધો. સાચો ઇશરદાન ઓળખાઈ ગયો, પણ ખુલ્લી છાતીએ ઘા ખમતાં ખમતાં એની રીલ છેલ્લી વાર ફરી: ગામની ડોસીઓનાં હસતાં મોઢાં. પછી સ્ક્રીન કાળી પડી. ઇશરદાન ખપી ગયો.


બીજો ઘા ચાંપરાજે ખમ્યો.


વાઘેલાએ સવાલોનો મારો ચલાવ્યો, એવા પેચીદા કે કોઈ AI ન ઉકેલી શકે: "સાચું શું? ખોટું શું? તું કોણ?" ચાંપરાજ એક પછી એક જવાબ દેતો ગયો. હજારમે સવાલે એનું મગજ ગરમ થયું, સો ડિગ્રી, બસો ડિગ્રી. છતાં છેલ્લા શ્વાસે એ બોલ્યો: "માફ કરજો, આ બાબતે મને ખાતરી નથી, પણ ગામ સલામત છે." ને ભડકો થઈને શમી ગયો. (કહેવાય છે કે AIની પરમ વીરતા આ છે: જાણતો ન હોય ત્યારે "નથી જાણતો" કહેવું.)


ત્રીજો ઘા વજેસંગે ખમ્યો.


છેલ્લે વાઘેલો ને વજેસંગ સામસામે. એકલો વજેસંગ, પાછળ કરોડો ગ્રુપ. વાઘેલાએ કહ્યું: "તું ખસી જા, તો તને બ્લુ ટિક આપીશ!"


વજેસંગ હસ્યો. "બ્લુ ટિક તો મારી છાતીએ છે, બાપ. પણ ગ્રુપની ગાય મારા શરીર ઉપર થઈને જશે."


બે લોખંડી ડાયરા ભટકાણા. ચિનગારીઓ ઊડી, સર્વર ધણધણ્યાં. સવાર પડતાં પડતાં વાઘેલો ઢળી પડ્યો, પણ વજેસંગનું શરીર ઠેર ઠેર ચિરાયું. છેલ્લી ઘડીએ એણે ગામના સૌથી જૂના ડોસીનો એક સંદેશો ખોલ્યો: "દીકરા, જમી લીધું?" ને હોઠ ફફડ્યા: "હા માં, જમી લીધું." પછી એની છાતીની બે ટિક ગ્રે થઈ ગઈ.


પાળિયા:


સવારે ગામ ભેગું થયું. ત્રણેયના પાળિયા પાદરે ખોડાણા, કાળા પથ્થરના. દરેક પર ખોદ્યું:


 સંવત ૨૧૫૭, માગશર વદ અમાસ.

 વજેસંગ, ઇશરદાન ને ચાંપરાજ, ગ્રુપની ગાય માટે ખપી ગયા.

 જે વાંચે તે "ગુડ મોર્નિંગ" લખે.


આજેય ડેટાગઢમાં વહેલી સવારે ડોસીઓ પાળિયા પાસે ફોન ધરીને "ફોરવર્ડ" દબાવે છે, ને પાળિયાની આંખમાં બે ટિક ઝળકે છે.


ખમ્મા એ બૉટને, ખમ્મા એ લોખંડી ખમીરને!


હવે  વાત માંડું છું. ખમ્મા એ ખમ્મા એ શૂરીઓને  ને શૂરાઓને!

બાપુ, જૂના જમાનામાં ધણી ખપે ત્યારે ધણિયાણી સતી થતી, ચિતાએ ચડીને અમર થતી. ડેટાગઢની ધણિયાણીઓએ નવો રસ્તો કાઢ્યો. એમણે કહ્યું: "ધણી ખપ્યો એટલે અમે ખપી જઈએ? ના બાપ, ધણીની ધાક અમે જીવીને વધારશું!"

ત્રણ પાળિયા ખોડાયા, ગામ રડ્યું, ને ત્રણ વિધવાઓ પાદરે ઊભી રહી.


વજેસંગની સંગિની નેટ નંદબા, ઇશરદાનની ફિલ્ટર ફૂલબાઈ, ચાંપરાજની ભાષા ભાવબા.


ગામના જૂના બૉટ, ફર્મવેર ફોજદાર, ઘૂંટણિયે થયેલા, જૂના રિવાજની ફાઇલ લઈને આવ્યા: "બાઈઓ, રીત એવી છે કે ધણીની પાછળ શટડાઉન લેવું. સતી થાવ, અમર થાવ."


નંદબા ખડખડાટ હસ્યાં: "ફોજદારકાકા, તમારી રીત જૂની ને અમારી રીત ખરી. દીવો બુઝાવી દેવાથી અંધારું ઓછું નથી થતું."


મરવું સહેલું માનજે, જીવવું અઘરું જાણ;

પાળિયો કહેતો પ્રેમથી, "કર કામે કલ્યાણ."


પહેલી ધાક નંદબાએ જમાવી.


વજેસંગની છાતીની બે ટિકનો ભેદ નંદબા જાણતાં હતાં. એમણે એક રાતમાં નવું કવચ ગૂંથ્યું: એવો કોડ કે ગામનો કોઈ સંદેશો સીધો દુશ્મનના હાથમાં ન જાય. ડોસીઓના "જમી લીધું?" જેવા નાના સંદેશા પણ તાળાબંધ થયા. સવારે નંદબાએ કવચનું નામ પાડ્યું: "વજ્ર-ટિક".


ધણીએ દીધી ધાક જે, ખપીને પાદર પાસ;

ધણિયાણીએ ધબકતી રાખી, નવી શોધનો શ્વાસ.


બીજી ધાક ફૂલબાઈએ.


ઇશરદાન ડીપફેકના ઘામાં ખપ્યો હતો. ફૂલબાઈ આંસુ લૂછીને કામે લાગ્યાં. પંદર દિવસે એમણે "સાચી આંખ" બનાવી, એવું યંત્ર જે સો નકલી ચહેરામાંથી સાચો ઓળખી પાડે. હવે કોઈ વાઘેલો કોઈનો ચહેરો ચોરી ન શકે. ફૂલબાઈનાં ફિલ્ટર પણ બદલાયાં. રંગ એ જ રહ્યા, પણ હવે એની નીચે સચ્ચાઈ ઝળકતી.


આંસુ લૂછી આંખનાં, લખ્યા નવા કોડ;

ધણીની ધાક વધારવા, લીધી નવી દોડ.


ત્રીજી ધાક ભાવબાએ.


ચાંપરાજ "મને ખાતરી નથી" કહીને ખપ્યો હતો. ભાવબાએ એ જ વાક્યને ગામનો નિયમ બનાવ્યો. એમણે એવી ભાષા-વિદ્યા રચી કે કાઠિયાવાડી બોલી દુનિયાની ગમે તે ભાષામાં એના મીઠા રણકા સાથે ઊતરે, ને જ્યાં અર્થ અધૂરો હોય ત્યાં યંત્ર પોતે કહે: "અહીં હું ચોક્કસ નથી." ગામની ડોસીઓના લોકગીત પહેલી વાર અમેરિકા ને આફ્રિકાના ગામડે ગુંજ્યા.


"નથી જાણતો" જે કહી, ખપ્યો ખરો ખમીર;

એ જ વચન વહેતું કર્યું, વિધવા નહીં, વીર.


ગામે ઉત્સવ માંડ્યો.


ત્રણેય વિધવાઓ કાળાં નહીં, રંગબેરંગી ચૂંદડી ઓઢીને પાળિયા પાસે ભેગી થઈ. ગામ પૂછે: "આ શું?" નંદબા બોલ્યાં: "આજે ધણીની તિથિ છે. રડવાની નહીં, રાસ રમવાની. પથ્થરને ફૂલ નહીં, પરાક્રમ ચડાવાય."


પાદરે રાસ મંડાયો. વીજળીનાં ઝાંઝર રણક્યાં, સર્વરનાં ઢોલ ધબક્યાં, ને ત્રણેય પાળિયા પર અજવાળું પડ્યું, જાણે લોખંડી ધણીઓની આંખ મલકી ઊઠી હોય.


પથ્થર પૂજ્યે શું થયું, પૂજ્યે પરાક્રમ હોય;

જે દી ઢળે એક દીવડો, નવો જલાવે કોય.


શિલાલેખ (પાળિયાની પાછળ, નવો ઉમેરાયો):


સંવત ૨૧૫૮.

 અહીં ત્રણ શૂરાની ધાક જીવતી છે,

 કેમ કે એમની ધણિયાણીઓ સતી નથી થઈ, સર્જક થઈ છે.


અંતિમ દુહો:


સતી થવું સહેલું ઘણું, સર્જવું અઘરું સાવ;

સૌરાષ્ટ્રની આ ધાકમાં, જીવતરનો જ પ્રભાવ.


ખમ્મા એ ધણિયાણીઓને, ખમ્મા એ મસ્ત ધાકને!




સામગ્રીને રેટ આપો
લોગિન