Valibhai Musa

Inspirational Others

4  

Valibhai Musa

Inspirational Others

શુભસ્ય શીઘ્રમ્

શુભસ્ય શીઘ્રમ્

9 mins
786


ઉમંગરાય વહેલી સવારે નિત્યક્રમાનુસાર લૉ ગાર્ડનમાં મોર્નિંગવૉક માટે પોતાની સ્કુટી ઉપર વેળાસર આવી પહોંચ્યા તો હતા, પણ વૉકિંગટ્રેકના સ્ટાર્ટ પૉઈન્ટે જવાના બદલે એ એકાંત બાંકડે જઈ બેઠા હતા. આજે તેમનો ચાલવાનો મુડ ન હતો, કેમ કે આખી રાત અનિદ્રામાં પસાર થઈ હતી અને બદનમાં સુસ્તી પણ વર્તાતી હતી. હંમેશાં તો પથારીમાં લંબાવતાંની સાથે જ શીઘ્ર નિદ્રાધીન થઈ જઈને અખંડ ઊંઘ ખેંચી કાઢતા ઉમંગરાયના જીવનની આજની રાત્રિ અખંડ ઉજાગરામાં જ વ્યતીત થઈ હતી. આમ બનવામાં નિમિત્તરૂપ બની હતી, તેમનાં શ્રીમતી ઉમાદેવી દ્વારા રાત્રે સૂવા પહેલાં થયેલી પુત્રવધૂઓની એક દરખાસ્તની પ્રસ્તુતિ ! પ્રસ્તુતિ હતી, જીવનભર હોંશેહોંશે એકત્ર કરેલાં પુસ્તકોના ભંડારનો નિકાલ કરવાની.

ધનતેરશ નજીક આવી રહી હતી અને ગૃહલક્ષ્મીઓ છેલ્લા કેટલાક દિવસથી ધનલક્ષ્મીના સ્થાપન અને પૂજન માટેની તડામાર પૂર્વતૈયારીઓ કરી રહી હતી. પૉશ એરિયાના એ લક્ઝુરિયસ ફ્લેટના ખૂણેખૂણાની સફાઈની સાથેસાથે બિનજરૂરી ચીજવસ્તુઓનો એક ખૂણામાં ઢગલો પણ થઈ રહ્યો હતો. માથે પ્લાસ્ટિકની કોથળીઓ, ચહેરાઓ ઉપર બુકાનીઓ અને હાથેપગે મોજાં ચઢાવીને બંને પુત્રવધૂઓ અઠવાડિયાથી સફાઈકામમાં વ્યસ્ત હતી. પૌત્રપૌત્રીઓ વળી માથે હેલ્મેટ પહેરીને ટીખળ અને મસ્તીતોફાન કરતાંકરતાં કામમાં સાથ આપી રહ્યાં હતાં.

સાફસૂફીમાં વડીલોના બેડરૂમનો છેલ્લો ક્રમ હતો, જેનું કામ આવતી કાલથી આરંભાવાનું હતું. વચ્ચે આડો એક જ દિવસ અને ઉમંગરાયે ચારચાર કબાટ ભરેલાં પુસ્તકોનો નિકાલ કરવાનો હતો. એ પુસ્તકો કોઈ સાર્વજનિક લાયબ્રેરી, સ્કૂલ કે પછી કોઈ સંસ્થાઓની ચેરિટી શૉપને બક્ષિસ કરી દેવામાં આવે તેવી તેમને સલાહ આપવામાં આવી હતી. વળી મજાકભર્યા શબ્દોમાં ઉમાદેવીએ એવી પણ ચેતવણી આપી હતી કે જો એમ કરવામાં નહિ આવે તો તમામ પુસ્તકોને પસ્તીવાળાઓને આપી દેવામાં આવશે. ઘણા પસ્તીવાળાઓ પુસ્તકોને તો મફતમાં પણ સ્વીકારતા નથી હોતા અને એવા સંજોગોમાં કદાચ બાળી નાખીને પણ તેમનો નિકાલ કરી દેવામાં આવે તેવી અતિશયોક્તિ પણ તેમણે કરી હતી.

ઉમંગરાયનું અનુમાન હતું કે સરસ્વતીદેવીને તડીપાર કરી દેવામાં આવે તો જ લક્ષ્મીદેવી સાલભર સુખચેનથી ઘરમાં વાસો કરી શકે એવું પણ કદાચ એ સ્ત્રીવર્ગનું માનવું હશે ! આમેય કહેવાતું આવ્યું પણ છે કે સામાન્ય રીતે આ બંને દેવીઓ સહનિવાસ કરી શકતી નથી હોતી. આમ નવીન આખા વર્ષ દરમિયાન ઘરમાં લક્ષ્મીજી દ્વારા ધનવર્ષા થતી રહે તે માટે સરસ્વતીદેવીને માનભેર વિદાય આપવાનો ઘાટ ઘડાઈ ચૂક્યો હતો.

ઉમંગરાય બંને દીકરાઓને ગાર્ડને આવી જવાનો SMS કરી દઈને હળવેથી ભૂતકાળમાં સરી પડ્યા. શહેરની સુખ્યાત હાયર સેકન્ડરી સ્કૂલમાંથી પ્રિન્સીપાલ પદેથી નિવૃત્ત થયેલા તેઓશ્રી જ્યારે એ જ સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક હતા, ત્યારે ડભોઈના શિલ્પી હીરાધર ઉપરની તેમણે ભણાવેલી ધૂમકેતુની ‘વિનિપાત’ વાર્તાની તેમને યાદ આવી ગઈ. પથ્થરમાં પ્રાણ પુરાયા હોય એવી હીરાધરની મહાન શિલ્પકૃતિઓના રખડતા રઝળતા ટુકડાઓને કદરદાન વિદેશી અને વિધર્મી એવા અંગ્રેજ જેમ્સ ફૉર્બસને આપી શકાય કે નહિ તે અંગેની શાસ્ત્રાજ્ઞા જાણવા માટે ડભોઈનું મહાજન તેમની પાસે આવ્યું હતું. હીરાધરની શિલ્પકૃતિઓની અવદશાથી વ્યથિત એવા શાસ્ત્રીજીએ ચૂકાદાની મહોર મારતાં ‘આ ગોરાને પથરા આપવામાં કોઈ વાંધો નથી’ એવું જણાવી દીધું હતું. એ જ વાર્તાનું આખરી વિધાન ‘પડે છે ત્યારે સઘળું પડે છે !’ ઉમંગરાયના કર્ણપટ ઉપર પડઘાવા માંડ્યું હતું.

ઉમંગરાયે SMSમાં જસત ફોર પર્સનલ ડિસ્કશન એવું જણાવીને દીકરાઓને ચિંતામુક્ત રાખ્યા હતા. તેમણે દીર્ઘ શ્વાસ ખેંચીને કાંડાઘડિયાળમાં જોઈ લીધું અને દીકરાઓના આગમનના સમયનો અંદાજ લગાવી દીધો. વળી પાછી તેમને કોઈક કવિની ‘કવિ અને કવિતા’ ઉપરની એક કાવ્યકૃતિની યાદ આવી ગઈ. માત્ર તે કાવ્યની યાદ જ નહિ, પણ તેની કેટલીક કંડિકાઓ પણ શબ્દશ: તેમના મનમાં ગણગણાવા માંડી : “’રહેવા દે તારી કવિતલવરી’, મિત્ર વદતા”; “‘કમાવા જાઓને, તમે શાને ખાલી જગતભરનો લઈ સંતાપ ફરતા’, કહેતી ગૃહિણી”; તો વળી સામયિકોના તંત્રીઓ પૂછતા, ‘કવિતા તો નથી જ, નથી ને !’. કવિની નિરાશાને દર્શાવતી પેલી કડીના શબ્દો હતા, ‘કવિતા મુજ વિણ કો’ને ન ખપની !’ અને છેલ્લે કવિએ મેળવી લીધેલું આશ્વાસન અને પોતાના કવનને તેમનું સંબોધન કે ‘વહો મારાં ગીતો, સકલ પથવિઘ્નો અવગણી !’

ઉમંગરાયે જીવનભર સાહિત્યનું વિશાળ વાંચન કર્યું હોવા છતાં આજે એમને ‘વિનિપાત’ વાર્તા અને ‘વહો મારાં ગીતો!’ કાવ્ય જ માત્ર એટલા માટે યાદ આવ્યાં હતાં કે એ બંને કૃતિઓનાં હાર્દ પોતાની હાલની મનોસ્થોતિને જડબેસલાક બંધબેસતાં હતાં. તેમના મતે અમૂલ્ય એવા પોતાના પુસ્તકોના ભંડારનું કુટુંબીજનોના મને કદાચ અ-મૂલ્ય એટલે શિલ્પી હીરાધરની કૃતિઓની અવહેલના જેવી જ તેમનાં પુસ્તકોની અવહેલના ! આ વેળાએ વળી તેમના માનસપટમાં નવો સોમેશ્વર શાસ્ત્રી પણ ઊભરી રહ્યો હતો કે જેની મદદ વડે તેમણે પોતાના પુસ્તકભંડારના ભાવીને સુનિશ્ચિત કરવાનું હતું. તો વળી પેલા કાવ્યના કવિની જેમ તેમણે હૈયાધારણ પણ ધારણ કરી લેવાની હતી કે પોતાના ભંડારમાંનાં પુસ્તકો કદાચ તેમના સિવાય અન્ય કોઈનેય ખપનાં ન હતાં. વળી એક યક્ષપ્રશ્ન પણ ઊભો રહેતો હતો કે તેમની વહુઆરુની સલાહને અવગણીને પણ એ પુસ્તકોનો ભંડાર જાળવી રાખવાનો થાય, તો પણ એમના અવસાન પછી એમનું રણીધણી કોણ ? ઘરની સાફસૂફી એટલે નકારાત્મક ઊર્જાની ઘરમાંથી હકાલપટ્ટી ! પરંતુ પુસ્તકો તો સકારાત્મક ઊર્જા ગણાય, તો પછી સૂકા ભેગું લીલું પણ બાળી નાખવા જેવું આ ન ગણાય ! વળી પુસ્તકોની ઉપયોગિતા કે બિનઉપયોગિતા અથવા તો તેની હકારાત્મકતા કે નકારાત્કતાને શું સાપેક્ષ ન ગણી શકાય ! ઉમંગરાય આ બધું વિચારતા હતા, ત્યાં તો દેવદત્ત અને ફાલ્ગુન આવી પહોંચ્યા. સંસ્કારી અને ગુણિયલ પુત્રોએ ઉમંગરાયના ચરણસ્પર્શ કરીને તેમની સામે જ લોન ઉપર આસન જમાવી દીધું.

‘બોલો પિતાજી, આપે અમને કેમ બોલાવ્યા ?’ મોટા પુત્ર દેવદત્તે પૂછ્યું.

‘વાત તો સાવ સામાન્ય છતાંય વહુ-દીકરીઓની હાજરીમાં થઈ શકે તેમ ન હોઈ તમને બંનેને અહીં બોલાવ્યા છે. વળી તમારાં બાને એટલા માટે નથી બોલાવ્યાં કે એ વહુઓને એવું ન લાગે કે તેમને ટાળવામાં આવ્યાં અને આપણે બધાં અહીં ભેગાં થઈ ગયાં ! હવે વાત એમ છે કે તમને બંનેને એ જાણ છે ખરી કે મારે મારાં પુસ્તકોનો આજે ને આજે નિકાલ કરી દેવાનો છે !’

‘ના, તો.’ દેવદત્તે કહ્યું.

‘હા, ઊર્મિલા કહેતી હતી કે બાપુજીને પૂછવાનું છે કે પુસ્તકોનું શું કરવાનું છે ?’

‘બાપુજી, એ લોકો ગમે તે કહે પણ આપની ઇચ્છા જો પુસ્તકો સાચવી રાખવાની જ હોય તો એમ થશે જ. અમે જાણીએ છીએ કે આપણે મધ્યમવર્ગના હતા અને અમારા શિક્ષણખર્ચને પહોંચી વળવા માટે આપના પગાર ઉપરાંતની પૂરક આવક મેળવવા આપે આપના સિદ્ધાંત પ્રમાણે ટ્યુશન આપવાના અનૈતિક કાર્યના બદલે લેખકો અને પ્રકાશકોને પુસ્તકોનું પ્રુફરીડીંગ કરી આપવાનું દિવસરાત કામ કર્યું છે. વળી આપણા ઘરની આ લાયબ્રેરીનાં મોટાભાગનાં પુસ્તકો તો આપને એ લોકોએ બક્ષિસ તરીકે જ આપેલાં છે ને !’

‘જુઓ દીકરાઓ, મેં તમને બોલાવ્યા છે એટલા માટે નહિ કે તમે લોકો તમારી પત્નીઓને સમજાવો કે આપણી લાયબ્રેરીનાં પુસ્તકોનો નિકાલ ન કરતાં તેમને રાખી મૂકવામાં આવે. મારી એ વાત વહુઓને હું સીધી પણ કહી શકતો હતો અથવા તમારાં બા મારફત કહેવડાવી પણ શકતો હતો. મને વિશ્વાસ પણ છે કે એ મારી ગુણિયલ વહુદીકરીઓ મારી વાત કદી ટાળત પણ નહિ. પરંતુ મેં તમને બંનેને એટલા માટે બોલાવ્યા છે કે હું પુસ્તકોના નિકાલ અંગેનો એક જુદો જ માર્ગ વિચારું છું. હું પણ કબાટમાંનાં પુસ્તકોને કેદ થયેલાં માનું છું અને આપણા કુટુંબમાં હું એકલો જ એમના જેલર તરીકે તેમના સહવાસમાં હોઉં એમ મને લાગે લાગ્યા કરે છે. પુસ્તકોને શાળાઓ કે લાયબ્રેરીઓમાં બક્ષિસ આપી દેવા માત્રથી તેમનો કોઈ ઉદ્ધાર નથી. એ તો તેમના માટે જેલ બદલવા જેવું જ માત્ર ગણાશે. ચેરિટી શૉપમાં કોઈ જૂનાં પુસ્તકોથી કબાટ ભરી રાખે નહિ અને કોઈ તેમને ખરીદે પણ નહિ, એટલે તે માર્ગ પણ વ્યર્થ છે.’

ઉમંગરાયે વળી ઉમેર્યું કે ‘આપણા ઘરમાં જ નહિ, સર્વત્ર મુદ્રિત પુસ્તકોની આ જ સ્થિતિ છે. મુદ્રિત પુસ્તકોનું સ્થાન ટી.વી., ઈન્ટરનેટ, મલ્ટિપ્લેક્સ થિયેટરો, શાળાકોલેજોમાં મલ્ટીમિડીઆની સુવિધાઓ કે સ્માર્ટ ફોનોએ લઈ લીધું છે. વિદેશોની સરખામણીએ આપણા દેશમાં પણ ધીમેધીમે ઈ-બુક્સનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. વૃક્ષો બચાવવાની ઝૂંબેશના ભાગરૂપે પણ હવે કાગળનો વપરાશ ઘટવા માંડ્યો છે. આપણા ત્યાં કે જ્યાજ્યાં જે પુસ્તકો મોજુદ છે તેમને પસ્તીમાં વેચી દેવાં કે સળગાવી મૂકવાં તે તેના નિકાલનો યોગ્ય માર્ગ નથી. એ પુસ્તકો એમના આયુષ્યકાળ સુધી ઉપયોગમાં લેવાય એ જ હિતાવહ છે. આપણા દેશમાં એવા કેટલાય મધ્યમવર્ગી અને ગરીબ લોકો છે કે જે પેલાં મોંઘાંદાટ વીજાણુ સાધનો વસાવી શકે તેમ નથી. તેમના માટે હાથમાં પકડી રાખીને પુસ્તકો વાંચવા સિવાય કોઈ વિકલ્પ નથી. હું ઘણું બોલી ગયો, નહિ ?’

‘જી નહિ, બાપુજી. આપને સાંભળવાનું અમને ગમે છે. વળી હું બેંક મેનેજરની નોકરીએ લાગ્યો કે દેવદત્તભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા એમાં આપણી લાયબ્રેરીનો ફાળો ઓછો નથી. આપે અમને બાહ્ય વાંચન માટે સદાય પ્રોત્સાહિત કર્યા છે. આજે અમે આપના આદર્શો મુજબ પ્રમાણિક રીતે રોજીરોટી રળી રહ્યા છીએ અને સંયુક્ત પરિવાર તરીકે સંવાદી જીવન પણ જીવી રહ્યા છીએ. અમારી નવીન પેઢી પણ એ રીતે ઊછરી રહી છે તે સઘળું આપણાં કબાટમાંનાં એ પુસ્તકો ઉપરાંત આપ બાબાપુજી રૂપી જીવંત પુસ્તકોને આભારી છે. હવે આપ પુસ્તકોના નિકાલ અંગેનો કોઈક જુદો જ માર્ગ વિચારો છો, તે માત્ર જાણવાની અમારી ઈંતજારી જ છે એમ જ સમજજો; અમે પુસ્તકોનો કોઈપણ રીતે નિકાલ થાય તેમાં જરાય રાજી નહિ રહી શકીએ.’ નાના દીકરા ફાલ્ગુને કહ્યું.

‘મેં જે માર્ગ વિચાર્યો છે, તે સામાન્ય માનવીઓ માટે માટે દુષ્કર અને આમ લોકોને તરંગી લાગશે. તમે જાણો છો કે હું અને આપણે સૌ ડાઉન ટૂ અર્થ પ્રકારના માણસો છીએ. આપણે કોઈ મોટાઈ કે આડંબરમાં માનનારા નથી. વળી મારા વિષે કહું તો તમે બધાં સારી રીતે જાણો છો કે હું જે કંઈ કરી લેવાના મક્કમ ઈરાદા ઉપર આવું છું, ત્યારે તેને કરીને જ રહેતો હોઉં છું. પુસ્તકોના નિકાલ માટે હું જે માર્ગ વિચારું છું તેને તમે લોકો તો સ્વીકારી લેશો અને પચાવી પણ જાણશો કેમ કે તમે અમારા હાથોમાં મોટા થયા છો અને સંસ્કાર પામ્યા છો. તમારાં બા મને જીવનભર સાચી રીતે સમજ્યાં છે અને હું તેમને પણ સમજ્યો છું અને એટલે જ તો અમારી વચ્ચે ભણતરની અસમાનતા છતાં અમારું સંવાદમય જીવન રહ્યું છે. પુસ્તકોના નિકાલ અંગેના મારા એ માર્ગને હું એમના ગળે ઊતારી શકીશ તેવો મને દૃઢ વિશ્વાસ છે. હવે વાત બાકી રહે છે, તમારી પત્નીઓને તમારે સંભાળી લેવાની ! હવે એ કામ તમારું છે અને એમાં તમારી કસોટી પણ છે કે તમે એમાં કેવા પાર ઊતરો છો !’

દેવદત્તે કહ્યું, ‘બાપુજી, હવે અમારી ઈંતજારીનો અંત લાવશો, ખરા ! અમને જણાવશો ખરા કે આપ કઈ રીતે આપણાં પુસ્તકોનો નિકાલ કરવા માગો છો ?’

‘પહેલી વાત તો એ કે એ પુસ્તકોનો નિકાલ એક જ દિવસમાં થઈ શકશે નહિ, મારે થોડો વધારે સમય જોઈશે. વળી પુસ્તકોના નિકાલના મારા એ માર્ગને હું એક મિશન તરીકે આગળ ધપાવવા માગું છું અને તેથી આપણાં એકલાનાં જ પુસ્તકો નહિ, પણ જે કોઈ મારો લાભ લેવા માગતાં હશે તેમનાં પુસ્તકોનો પણ હું નિકાલ કરી આપીશ !’ ઉમંગરાય મરકમરક સ્મિત કરતા ઉમંગભેર બોલી પડ્યા.

‘બાપુજી, હવે પહેલી બુઝાવ્યા વગર જણાવી જ દો અને અમારા ઉપર વિશ્વાસ રાખો કે આપના એ મિશનમાં અમે બધાંય જોડાઈશું.’ દેવદત્તે આજીજીભર્યા સ્વરે કહ્યું.

‘તો સાંભળી શકશો ? મારી વાતને જીરવી શકશો ?’

‘હા, હા. કેમ નહિ ! જરૂર, જરૂર !’

‘તો સાંભળી લો કે એવા કોઈ શિક્ષણ સંકુલ કે લોકોની વધારે થતી જતી અવરજવરના સ્થળે હું લારીમાં આપણાં અને જે કોઈ પોતાનાં પુસ્તકો મને ભળાવે તે સઘળાંને વિના મૂલ્યે તેમની પાત્રતાને જાણીને વિતરિત કરવા માગું છું ! વળી કોઈ ગ્રાહક પોતાની રાજીખુશીથી કોઈપણ મૂલ્ય ચૂકવવા માગે તો આપણે ગરીબ વિદ્યાર્થી કલ્યાણ ફંડ માટે ધર્માદાપેટી પણ રાખીશું !’

‘વાહ રે, બાપુ વાહ ! આપના કલ્પનાતીત ઉત્ત્મોત્ત્મ વિચારને અમે બંને ભાઈઓ એકી અવાજે વધાવી લઈએ છીએ. વળી એટલું જ નહિ, આપણા કુટુંબમાંથી સઘળાં પોતપોતાના સમયની અનુકૂળતાએ આપની સાથે લારી ઉપર ઊભાં રહેશે !’ ફાલ્ગુને ત્વરિત ઊભા થઈને ઉમંગરાયને ભેટી પડતાં હર્ષોલ્લાસે કહ્યું.

‘પણ તું દેવદત્તને જાણ્યા વગર તારી વાતના સમર્થનમાં તેને કઈ રીતે જોડી શકે ?’ ઉમંગરાયે વ્યવહારુ પ્રશ્ન ઊભો કર્યો.

‘આપના આ પ્રશ્નનો જવાબ દેવદત્તભાઈ જ આપશે, હું નહિ ! બોલો, મારાથી બે મિનિટ મોટાભાઈ; શું ક્યો છો ?’ ફાલ્ગુને આંખો ઊલાળતાં કહ્યું.

‘અરે, એ તે કોઈ પ્રશ્ન છે બાપુજી ! આપ જ અનેકવાર કહી ચૂક્યા છો કે અમે બંને જોડિયા છીએ એટલે અમારા વિચારોમાં કેટલું બધું સામ્ય હોય છે ! ફાલ્ગુન બોલે કે હું બોલું એ અમે બંને બોલ્યા બરાબર જ સમજી લેવાનું ! પણ બાપુજી, બાના ગળે આ વાત ઊતારી શકશો ખરા ?’ દેવદત્તે વેધક નજરે પૂછ્યું.

‘અલ્યા,તમારું પોતાનું વિચારો. નિવૃત્ત પ્રિન્સીપાલની પુત્રવધૂઓ લાજી તો નહિ મરે કે ? બાકી તમારાં બા તો મારા માટે લારી ઉપર ઘરેથી ચાનાસ્તો પણ લઈ આવશે. વળી આપણો માલ જ્યારે મફત જ આપવાનો છે, ત્યારે ક્યાં ભાવતાલ કરવાનો સવાલ આવશે ! એ પણ ગ્રાહકને વટથી સંભાળી શકશે.’

‘બાપુજી, ન્યૂઝપેપરવાળા કવર સ્ટોરી માટે તમારો ઈન્ટરવ્યૂ લેશે હોં કે !’

‘એ તો સારી વાત ગણાશે. આપણી જાહેરાત થશે અને આપણી પાસે પુસ્તકોનો પુરવઠો કદીય નહિ ખૂટે !’

‘સગાંવહાલાં અને ખાસ તો વેવાઈઓ આગળ તમે શરમિંદગી નહિ અનુભવો ?’ ફાલ્ગુને વ્યંગ કર્યો.

‘એ લોકો કદાચ મારાથી શરમાઈને લારી ઉપર આવવાની હિંમત નહિ કરે, બાકી મને તો કોઈ ફરક નહિ પડે !’ ઉમંગરાયે હસતાંહસતાં મક્કમતાપૂર્વક જવાબ વાળ્યો.

દેવદત્તે કહ્યું, ‘તો ઘરે ફોન કરીને કહી દઉં કે એ કબાટમાંથી થોડાં પુસ્તકો બહાર કાઢી રાખે અને આજે રવિવાર હોઈ ભાડાની લારી લઈને આજે જ આપણે ત્રણેય જણા નો લોસ, નો પ્રોફિટવાળા આપણા ધંધાનું મુહૂર્ત કરી જ દઈએ !’

‘શુભસ્ય શીઘ્રમ !’ ફાલ્ગુને સમર્થન આપ્યું.

‘જય હો !’ કહેતાં ઉમંગરાય હવામાં હાથ ઊંચો કરતાં ભાવવિભોર બની ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational