સચ્ચાઈની પરખ
સચ્ચાઈની પરખ
એક નગરમાં એક ભિખારી રહેતો હતો. દરરોજ ભીખ માંગીને પોતાનું પેટ ભરતો હતો. એક દિવસ એવું બને છે કે એ નગરના નગર શેઠને ત્યાં ચોરી થાય છે. સવારમાં નગરશેઠે આખ નગરના લોકોને એકઠા કર્યા અને કહ્યું કે મારા ઘરે ગઈ રાત્રિએ ચોરી થઈ છે અને ચોર આપણા નગરના લોકોમાંથી જ છે. બધા નગરજનો હાજર હતા પણ પેલો ભિખારી દેખાતો ન હતો જ્યારે નગરશેઠના સાળાએ ભિખારીએ જ ચોરી કરી છે એવું સાબિત કર્યું કારણ કે તે અત્યારે હાજર નથી.
બધા લોકો ભેગા થઈને ભિખારી જ્યાં પોતાના ઝૂંપડામાં રહેતો હતો ત્યાં ગયા અને ભિખારીને કહેવા લાગ્યા કે" તે નગરશેઠના ત્યાં ચોરી કરી છે એ ધન ક્યાં સંતાડ્યું છે?" ભીખારી નિર્દોષ હતો તેને કહ્યું મે કોઈ ચોરી નથી કરી પણ લોકોએ તેની વાત માની નહીં અને તેનું ઝૂંપડું તોડી નાખ્યું પણ ધન ક્યાંય મળ્યું નહીં.
બીજા દિવસે નગરસેઠ પોતાના બાગમાં ફરી રહ્યાં હતા ત્યારે તેમણે બે-ત્રણ લોકો છૂપાઈને વાતો કરતા હતા તે તેમને સાંભળ્યું. તેઓ કહેતા હતા કે ચોરી કરેલ ધનના ભાગલા આપણે આજે રાત્રે પાડીશું. નગરસેઠ ત્યાં જઈને જુએ છે તો નગરશેઠનો સાળો જ ચોર નીકળ્યો. તેને દંડ કરીને નગરમાંથી હાંકી કાઢવામાં આવ્યો. અને પેલા ભિખારીને આગતા-સ્વાગતા કરીને ઈનામ આપ્યું. નગરશેઠને મનોમન ખૂબ જ પસ્તાવો થયો અને પોતાની જાતે કહેવા લાગ્યા કે હું સાચા માણસની પરખ ન કરી શક્યો.
