લક્ષ્મી ડાભી (ઝંખના )

Tragedy Inspirational

4  

લક્ષ્મી ડાભી (ઝંખના )

Tragedy Inspirational

સાવકી માં

સાવકી માં

5 mins
392


મંજુલા આમ તોનાની પણ સમજણ એનામાં સાહીંઠ વરસના માણસને શરમાવે એવી. એટલે તો મોટી બેનના લગનની બધી તૈયારી એના માથે આવી. આમ તો આજે એ ખુશ પણ બહુ હતી. કેમકે મોટી બેનના લગ્ન પછી એ એની કોઈ પણ વસ્તુમાં ભાગ પડાવવા નહિ આવે. પણ થોડી દુઃખી પણ હતી કેમકે એની વ્હાલી મોટી બેન એને છોડીને જવાની હતી. અને હવે ખબર નહિ આવી તોફાન મસ્તી ફરીથી એની સાથે ક્યારે કરવા મળશે."પણ એને જવાનું હતુજ અને પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરવાનું હતું.એટલે બીજો કોઈ રસ્તો પણ હતો નહિ એટલે હસતા રડતા મોટી બેનને વિદાઈ કરી દીધી.

પછી તો બસ બધા રીત રિવાજો ચાલ્યાને નવા વર વધુને બધાના ઘરે જમવા જવામાં દસ દિવસ ક્યાં વીતી ગયા એની ખબર પણના પડી.હવે સવિતા એના પિયરમાં આવી ગઈ. ને પાછી બેય બહેનો એમની મસ્તીમાં લાગી ગઈ. માંડ મહિનો થયો હશે ત્યાં તો એક દિવસ સવાર સવારમાં સવિતા ઉઠીને તરત ઉલટી કરવા લાગી. એના દાદી દૂર ખાટલામાં સુતા આ બધું જોઈ રહ્યા.એના મમ્મી દોડતા આવ્યાને સવિતાનો હાથ પકડીને અંદર લઇ ગયા. દાદી પણ ઉઠીને આવ્યા બધા સવિતાની ફરતે ટોળું થઈ ગયા. ને જાત -જાતની સલાહ સૂચન કરવાલાગ્યા. મંજુલાને એનો નાનો ભાઈ તો હજુ સૂતાંહતાં. ત્યાં આટલો અવાજ સાંભળીને એ પણ જાગી ગયા.

મંજુના મગજમા કાઈ ઉતર્યું નહિ એટલે એતો બાથરૂમમાં ચાલી ગઈ નાહવા માટે. પછી બધાંને મોટીબેનની સેવા કરતા જોઇને ગુસ્સે થઇ ગઈ. હા નવાઈના લગન કર્યા તે એની સેવા થાય, અમારો કોઈ ભાવ નહિ પૂછે આમ બોલીને ગુસ્સામાં ચાલી ગઈ. થોડા દિવસ પછી સવિતાના પતિને બોલાવીને બધી વાત કરીને એમની જોડે મોકલી દીધી. જુનવાણી વિચારોમાં બિચારી સવિતાનાની ઉંમરે માં બની ગઈ. જેની મંજુને પછીથી ખબર પડી હતીને રાજીના રેડ થઇ ગઈ હતી. સીમંત કરીને સવિતાને પિયર તેડી લાવ્યા. પુરા નવ મહિને સવિતાએ એક ખુબ સુંદર અને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો.

આમને આમ થોડા મહિના વીતી ગયા.એ બાળકનુંનામ મંજુ એ રાખ્યું. જયેશ. જયેશ તો દિવસેને રાત્રે મોટો થતો જતો હતો. સવિતા માત્ર અઢાર વર્ષની ઉંમરે એક વર્ષના દીકરાની માં બની ગઈ હતી. આજે એનું અઢારમું પૂરું થઈને ઓગણીશમુ વર્ષ બેઠું હતું. અને ફરીથી એની તબિયત ખરાબ થઇ ગઈ. ડોક્ટરે ફરીથી સારા સમાચાર હોવાના અણસાર આપ્યા. બધા ખુશ હતા. પણ સવિતા નું શરીર એનો સાથ આપતું નહતું, કેમકે હજુ એનીનાની ઉમર હતી. બીજા નવ મહિના પછી બીજો એક દીકરો સવિતા એ એના પતિને આપ્યો. એ થોડો જડ મગજનો માણસ હતો. એને માટે સવિતા એક બાળક પેદા કરવાનું મશીન હતી. એને દર વર્ષે એક બાળક જોતું હતું જે મોટા થઈને એને રૂપિયા કમાઈ આપે.

આજ એની માનસિકતા એ આજે ત્રીજા વર્ષે ત્રીજી વાર સવિતાને ગર્ભવતી બનાવી દીધી. હવે સવિતાનું વીસમું પૂરું થવાનું હતું. પણ કોને ખબર કે આગળના વરસો કેવા હતા ? વીસમાં વર્ષમાં બે મહિના બાકી હતા ત્યાં તો સાતમા મહિને સવિતાને પ્રસુતિની પીડા ઉપડી. ને ડોક્ટરે કહી દીધું કે "માંને બાળક બે માંથી એકજ બચશે." અને સવિતાના પતિએ કહ્યું "બાળકને બચાવો મા તો બીજી પણ આવશે. ત્યારે હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો. પણ સમાજ, રીત, રિવાજ, મર્યાદા આ બધા શબ્દો માત્ર છોકરીવાળા માટે જ બન્યા છે. એટલે સવિતાના પિયરવાળા ચૂપ રહ્યા. ડોક્ટરે બાળકને બચાવી લીધું. ખુબ મોટા આક્રંદ સાથે સવિતાના પરિવારે આ હકીકત અને એમના જમાઈ એ આપેલું દર્દ સ્વીકારી લીધાં અને બધા છુટા પડ્યા. થોડા દિવસ પછી સવિતાના સાસુ ત્રણેય છોકરાઓને આવીને ત્યાં મૂકી ગયા.કહ્યું કે, "મારે મારા છોકરાને બીજી વાર પરણાવવો છે. આ છોકરાઓના લીધે કોઈ હા નથી પાડતું. થોડા દિવસ તમે રાખો સગું થઇ જશે અને આવનારી છોકરી ત્રણેય છોકરાને સાચવવાની હા પાડશે તો લઇ જાસુ નહીતો કાયમ તમારે જ રાખવા પડશે." સવિતાના દાદી સમસમી ગયા. પણ દીકરીવાળાએ બોલાય નહિ એમ વિચારીને ચૂપ રહ્યા.

મંજુ હવે ત્રણેય છોકરાની મા બની ગઈ હતી. એમને નવડાવવા, ખવડાવવા, સુવડાવવા બધા કામ કરવા લાગી. મોટો જયેશ બે વર્ષનો, બીજો મહેશ એક વર્ષનો અને નાનો નિલેશ છ મહિનાનો થયો હતો. એક દિવસ મંજુ બહાર ઓટલે બેસીને નાના નિલેશને રમાડતી હતી. ત્યાં તો આજુબાજુના બૈરાં ભેગા થઇ ગયા. ”હે મંજુ ! સાંભળ્યું છે આ છોકરાનો બાપ બીજા લગ્ન કરે છે."

"હા કાકી જોવોને કેવા માણસો છે. છોકરાની કાંઈ પડી નથી." મંજુ એ કહ્યું.

”તો આ છોકરાને એની ”સાવકી મા તારી જેમ સાચવશે ? ” બીજા એ કહ્યું.

”લે હું શું કામ મારા છોકરા આપું કોઈને ?" મંજુ બોલી.

ત્યાં તો દાદીમા એ રાડ પાડી "તને શું કાંઈ ઘરે બેસાડવાની છે ? જેના હોય એ લઇ જાય. એના લગન થઇ જાય એટલે છોકરા આપી દેવાના."

"પણ દાદી સાવકી મા મારશે, કામ કરાવશે, આ નાના ભૂલકાની જિંદગી નરક બનાવી દેશે. હું તો નથી આપવાની જાવ તમારે જે કેવું હોય તે કેજો અને હું લગન પણ નથી કરવાની. હું તો આ ત્રણેયને મોટા કરીશ."

આ સાંભળીને દાદીને ધ્રાસ્કો પડ્યો. એમને લાગ્યું કે મંજુ સાચે જ લગ્ન નહિ કરે તો ?એટલે થોડાજ દિવસોમાં મંજુ માટે છોકરો જોવાની વિધિ ચાલુ થઇ ગઈ. મંજુ ગુસસે થતી ના પાડતી. પણ કોઈએ સાંભળ્યું નહિ. અને છોકરાવાળાને બોલાવી લીધા. મંજુ પણ ત્રણેય છોકરાથી દૂર જવાથી ડરતી હતી. એટલે એ મૂંઝવણમાં હતી કે શુ કરવું ? એના વીસ વર્ષ પુરા થવા આવ્યા હતા એટલે ઘરવાળાને ચિંતા હતી. એમાંય ગામવાળાની વાતોથી મંજુ બહુ ઉશ્કેરાઈ જતી. હવે એને રસ્તો શોધવાનો હતો.

બીજા દિવસે અચાનક સવારે વહેલા ઉઠીને નવી સાડી પહેરીને તૈયાર થઇ ગઈ. બધા જોતા રહ્યા પૂછતા રહ્યાં "તું સવાર સવાર મા ક્યાં જાય છે ?" અને મંજુ હાંફતી હાંફતી પહોંચી બનેવીના ઘરે એ એના મા_બાપ જોડે બેસીને ચાનાસ્તો કરતા હતા. એને જોઈને બધા ઉભા થઇ ગયા.

"કેમ મંજુ આટલા વહેલા આવવું પડ્યું ? શુંથયું ?"

અને કાંઈ બોલ્યા વગર મંજુ એના બનેવીનો હાથ પકડીને મંદિર તરફ ચાલવા લાગી એના મમ્મી- પપ્પા , દાદી બધા દોડતા પાછળ આવતા હતાં. બધાના આશ્ચર્ય વચ્ચે મંજુ એ મંદિરમાં પડેલો હવન કુંડ પ્રગટાવીને એના બનેવીનો હાથ પક્ડી ફેરા ફરવા લાગી. બધા બૂમો પાડતા રહ્યા. આક્રંદ કરતા રહ્યા. મંજુએ કોઈનું કાંઈજ સાંભળ્યું નહી અને ફેરા પુરા કરીને એના મમ્મી - પપ્પા દાદીને પગે લાગીને ત્રણેય છોકરાઓનો હાથ પકડીને સાસરિયાં તરફ ચાલતી થઇ. બધા મૌન પ્રેક્ષક બનીને જોતા રહ્યા.

ઘરવાળાની લગન તો કરવા જ પડશે એવી જીદ હતી. અને બીજાના હાથમાં છોકરા સોંપવા નહોતાં. એટલે મંજુએ આવો કઠોર નિર્ણય લઈને એ સાવ જંગલી માણસ જોડે લગ્ન કર્યા. માત્ર છોકરા માટે થઈને. રોજ દારૂ પીને મંજુને મારતો. એને જરૂર હતી માત્ર એની હવસ પુરી કરવાવાળી અને છોકરા પેદા કરવાવાળી ઢીંગલીની જે મંજુ બનવા નહોતી માંગતી. એટલે જ એને આજે બીજો બહુ કઠોર નિર્ણય લઇ લીધો સરકારી દવાખાનાંમાં જઈને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આવી. જેની કોઈને જાણના થઇ. થોડાં સમય પછી મંજુને બધાં વાંઝણી કહેવા લાગ્યાં. પણ મંજુ એ કોઈની વાત કાને ધરી નહિ. જવાબ આપી દેતી આ ત્રણેય મારાં છોકરા તો છે.

આજે ત્રણેય છોકરા મોટા થઇ ગયા છે. એમનો બાપ પણ મંજુના પ્રેમ અને સેવાથી સુધરી ગયો છે. મંજુએ જે ધૈર્યથી ત્રણેયને મોટા કર્યા, સારા સંસ્કાર આપ્યા. બેને એન્જીનીયરને નાના નિલેશને સી,એ. બનાવ્યો. ત્રણ પુત્રવધુ પણ મંજુને એજ માન -સન્માન આપે છે. જે છોકરાઓએ આપ્યું.

હજુ પણ કોઈ ઍ નથી જાણતું કે, “કાંઈ કેટલીય અધૂરી ઝંખનાઓને દબાવીને સપનાઓ ચીરીને મંજુ આ સ્થાને પહોચી હતી.” મંજુ એ છોકરાઓની “સાવકી મા" બની હતી...


Rate this content
Log in

More gujarati story from લક્ષ્મી ડાભી (ઝંખના )

Similar gujarati story from Tragedy