સાહસ ચઢે કે રૂપ ?
સાહસ ચઢે કે રૂપ ?
રૂપા એ મંગુ અને ગંગુનું ચોથા નંબરનું સંતાન. મંગુ અને ગંગુને ચાર દીકરીઓ જ હતી. તેમણે ક્યારેય પોતાની દીકરીઓને ઉતરતી નહોતી સમજી. ચારે દીકરીઓમાં આ દંપતીને રૂપા ક્યારેય ગમી નહોતી. સ્વાભાવિક રીતે માતા - પિતાને પોતાનું નાનું સંતાન ખુબ જ વહાલું હોય, પરંતુ અહીં ઉલ્ટું હતું. તેનું એક જ કારણ હતું કે રૂપાની ત્રણે બહેનનું રૂપ અવર્ણનીય હતું જયારે રૂપા ખુબ જ કદરૂપી હતી. પરિવારના દરેક સભ્યો તેને હંમેશા હડધૂત કરતાં. રૂપા પાસે ભલે રૂપ નહોતું પરંતું તેની પાસે અદ્ભુત સાહસ હતું. કોઇ પણ કાર્ય કરવાનું એનું ઝનૂન કોઈ પુરુષને પણ કાન પકડાવે એવું હતું.
નાનપણથી જ લોકોના મ્હેણાં- ટોના સાંભળીને મોટી થયેલ રૂપાથી જાણે ભગવાન પણ રૂઠયો હોય એવી દશા હતી.
રૂપા હજી તો દસમા ધોરણમાં જ આવી હતી કે એમનાં ઘરનું ગુજરાન ચલાવનાર એનાં પિતા સ્વર્ગે સિધાવ્યા. ત્રણેય બહેનો તો ખુબ લાડકોડથી ઉછરી હતી. જ્યાં સુધી પિતા હતા ત્યાં સુધી તો માતાએ પણ કોઈ દુઃખ કે મુશ્કેલીનો સામનો કર્યો નહોતો. હવે રૂપાના ઘરની સ્થિતિ કથળવા લાગી. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. માતા અને ત્રણેય બહેનો તો રડી - રડી દિવસો કાઢવા લાગ્યા, પરંતું અડગ મન અને અવર્ણનીય સાહસની સ્વમાની રૂપાએ હવે ઘરની જવાબદારી સંભાળી. તેણે ઘરનું ગુજરાન ચલાવવા કામ શોધવા માંડ્યું, પરંતું સૌ એને એનાં કદરૂપા રૂપને કારણે હડધૂત કરતાં. ત્યારે રૂપાએ લોકોના ઘરના કામ કરી પોતાનું ગુજરાન ચલાવવા માંડ્યું.
ઘરનો ખર્ચ તો રૂપા ઉઠાવી લેતી હતી, પરંતું તેની ત્રણેય બહેનો હવે પરણવાલાયક થઈ હતી. રૂપાએ ઘરનો દીકરો બની જવાબદારીઓ ઉઠાવી. બહેનો રૂપાળી તો હતી જ એટલે તેમના માટે માંગા તો ખૂબ આવતાં, પરંતુ એમની આર્થિક સ્થિતિને કારણે રૂપા લાચાર હતી, છતાં રૂપા હિંમત હારી નહીં. તેણે ઘરકામ કરતાં કરતાં જ શાકભાજીની રેકડી શરૂ કરી. ભગવાનનો સાથ કહો કે રૂપાની ઈમાનદારી રૂપાને તેમાં ખૂબ સફળતા મળી. હવે તો તેની માતા પણ તેને આ કામમાં મદદ કરવા લાગી. તેણે તેની ત્રણેય બહેનોના સારા પરિવારમાં લગ્ન કરાવ્યા. તેમના બધા જ રીત રિવાજ પૂરા કર્યા.
રૂપાએ પોતાની માતાને કારણે લગ્નનો વિચાર કર્યો જ નહોતો. ઘરની જવાબદારીમાં રૂપાની યુવાની ક્યાંય ખોવાઈ ગઈ. આજે પ્રૌઢાવસ્થાના ઉંબરે એકલી અટૂલી ઊભી હતી. માતાના મૃત્યુ બાદ તે સાવ એકલી થઈ ગઈ હતી.
જે રૂપાને આ પરિવારે હડધૂત કરી હતી તેણે જ આખા પરિવારને સાચવ્યો. રૂપા પોતાનાં બલિદાનથી ખુબ ખુશ હતી.
