STORYMIRROR

Hemlata Parmar

Tragedy Inspirational

4  

Hemlata Parmar

Tragedy Inspirational

ઝરૂખો

ઝરૂખો

2 mins
404

" મમ્મીજી તમે ફરી કામે વળગી ગયા ? મેં તમને કોઈ પણ કામ કરવાની ના કહી છે ને. હવે તમારા આરામ કરવાના દિવસો છે. આવવા દો તમારા દીકરાને આજે તો તમારી ફરિયાદ કરવી જ પડશે." મીઠો છણકો કરતાં કાજલ બોલી રહી. "પણ દીકરી ઘરના કામ જ તો કરું છું ને."- મમતા પોતાની વાત રજૂ કરી રહી. ત્યાં તો કાજલ રિસાઈને ઉપર ઝરૂખામાં આવી ગઈ. મમતા પોતાની વ્હાલસોયી પુત્રવધૂને મનાવતાં ઝરૂખામાં આવી. તેણે કાજલને મનાવી લીધી. કાજલ તો નીચે જઈ પોતાનાં કામમાં પરોવાઈ ગઈ પરંતુ મમતા પોતાનાં જૂના દિવસો યાદ કરતાં ત્યાં જ થીજી રહી. 

 મમતા જ્યારે પરણીને સાસરે આવી ત્યારે આજ ઝરૂખે ઊભી રહી તે મહેશની રાહ જોતી. દૂરથી મહેશ દેખાય કે દોડતી નીચે ઉતરી આવતી. સાસરે આવી ત્યારથી જ મમતા પોતાનો મોટાભાગનો સમય આ ઝરૂખામાં જ વિતાવતી. આખા આલીશાન બંગલામાં મમતાને ફક્ત આ ઝરૂખો જ સૌથી વહાલો. 

પરંતુ લગ્નના થોડા સમયમાં જ મહેશ એક અકસ્માતમાં મમતાને આ સંસારમાં નોંધારી મૂકી અનંતની વાટે ચાલી નીકળ્યો. મહેશની સાથે જ મમતાના સુખના દિવસો પણ જાણે પૂરા થયા. બે બાળકો સાથે મમતાને આ દુઃખમાં સાથ આપે એવું કોઈ ન રહ્યું. પરંતુ મમતા પર તો બે બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડી. આજ ઝરૂખામાં ઊભા ઊભા તેણે આ બંગલો વેચવાનો નિર્ણય લીધો. બંગલો વેચી તથા લોકોના ઘરમાં ઘરકામ કરી મમતા પોતાનું ગુજરાન ચલાવવા લાગી. તેણે હિંમત હાર્યા વગર બન્ને બાળકોને પગભર બનાવ્યા તથા તેમના સંસાર વસાવી આપ્યા. માતા તરીકેની બધી જ જવાબદારી તેણે પૂરી કરી. તે ખૂબ ખુશ હતી પરંતુ અંતરમાં ક્યાંક કઈક ખટકતું હતું. તે હતો એનો ઝરૂખો. જ્યારે પણ મમતા એ ઘર પાસેથી પસાર થતી ત્યારે ઝરુખાને જોઈ બે ઘડી થંભી જતી. જાણે હૃદય માં કોઈ ઉઝરડો ન પડ્યો હોય. કોઈ પોતાનું એનાથી વિખૂટું પડી ગયું હોય એવો અહેસાસ એને થતો. 

પરંતુ જો આ ઝરૂખો ન હોત તો કદાચ એ પોતાની જવાબદારીઓ પૂરી ન કરી શકી હોત. એના ઘરને ખરીદનારની દીકરીને આ ઝરૂખો ખુબ પસંદ પડ્યો હતો જેના કારણે તેણે આ ઘર ખૂબ ઊંચી કિંમતે ખરીદ્યું હતું. 

એકવાર એ એની પુત્રવધૂ સાથે પસાર થતી હતી ત્યારે ઝરૂખા પાસે આવી થંભી ગઈ. એને આમ ઊભી રહેલી જોઈ પુત્રવધૂએ કારણ પૂછ્યું. " મા તમે હંમેશા અહીં કેમ અટકી જાઓ છો ?" મમતાએ એને બધી વાત કરી. સાંજે કાજલે બધી વાત ડૉ. કિરણ એટલે કે મમતાના દીકરાને કરી કહ્યું આપણે એ ઘર ફરી ખરીદીશું. અને મમ્મીજીને જન્મદિવસ પર ભેટ આપીશું. 

 દીકરા - વહુએ મમતાને ફરી આ ઘરના ઝરૂખામાં લાવીને મૂકી. તે દિવસે મમતાને એવું લાગી રહ્યું હતું કે આખી દુનિયા આ ઝરૂખામાં આવીને સમાઈ ગઈ. 

  હજી તો મમતાની આ યાદરૂપી તંદ્રા તૂટે તે પહેલાં તો કાજલ તેણે જમવા બોલાવી રહી હતી. મમતા ભગવાનનો આભાર માનતી નીચે ઉતરી રહી. 

જાણે ઝરૂખો કહી ન રહ્યો હોય "મમતા તારી તપસ્યા ફળી."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy