ખુશી
ખુશી
આઠ વર્ષની ખુશી આજે નિરાધાર થઈ ગઈ. ચાર વર્ષના અમન સાથે તરછોડાયેલી ખુશી પાસે દુનિયામાં પોતાનું કહેવાય એવું કોઈ નથી. ભાઈને જન્મ આપતાંની સાથે માતા આ ફાની દુનિયા છોડી જતી રહી. પિતા એકલા હાથે બાળકોની તથા ઘરની જવાબદારી ઉઠાવી શકે એમ નહોતા. તેમણે બીજા લગ્ન કર્યા. ઓરમાન માતાએ ક્યારેય અપનાવ્યા નહીં. આજે અકસ્માતમાં બંને બાળકોએ પોતાનાં એકમાત્ર સગા એવા પિતા પણ ગુમાવી દીધા. પિતાના મૃત્યુના ત્રણ જ દિવસમાં ઓરમાન માતાએ બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા.
નાદાન બાળકો માટે ફૂટપાથ સિવાય કોઇ આશરો નહોતો. બે દિવસ સુધી બાળકો ભૂખ્યા - તરસ્યાં ફૂટપાથ પર પડી રહ્યાં પરંતુ એમની સામે જોનારું કોઇ નહોતું. આખરે ખુશીથી પોતાનાં ભાઈને ભૂખથી કણસતો ન જોવાતા તેણે ભીખ માંગવા માંડી. આમ, કુદરતની કરામતે બે માસૂમ બાળકોને એકાએક મહેલમાંથી રસ્તા ઉપર લાવીને મુકી દીધા. આ રીતે ભીખ માંગતા માંગતા ખુશીએ પોતાનાં ભાઈની ભૂખ તો ભાંગી પણ નાનકડી ખુશી ક્યારે પોતના ભાઈની માતા બની તેની તેને પોતે પણ ખબર ન રહી. આ નવા માહોલમાં ઢળી ગયેલી ખુશી પોતાના ભાઈની ખુબ સારી રીતે સંભાળ રાખતી હતી.
આ જ રીતે એક દિવસ રસ્તા પર ભીખ માંગતા માંગતા તેને એક કઠપૂતળીનો કાર્યક્રમ જોયો અને ખુશીને પોતના હાથમાં રહેલ કરામતનો ખ્યાલ આવ્યો. બસ પછી તો જોવાનું જ શું હતું. તેણે તો કચરામાં પડેલા કાપડના ટુકડાના ઉઠાવ્યા અને બનાવી દીધી કઠપૂતળી. ધીરે ધીરે તેણે તેની માતા પાસે શીખેલી વાતોને કઠપૂતળી દ્વારા રજૂ કરવા માંડી. કઠપૂતળીના ખેલ કરવા સાથે તે કઠપૂતળી વેચીને પણ કમાણી કરતી. આ કામમાં તેનો ભાઇ પણ જોડાયો. ખુશી પોતના ભાઈને હંમેશા કહેતી રહેતી, "ભાઇ મમ્મી આપણને ખૂબ ભણાવવા માંગતી હતી." અને એનો નાનકડો ભાઈ અમન હોંશથી કહેતો, "હા, બેન હું પણ ખૂબ જ ભણવા માંગુ છું." બંને નદીકિનારે બનાવેલી નાનકડી ઝૂંપડીમાં રહી મોટા થઈ રહ્યાં હતાં. હવે કઠપૂતળીના ખેલ પછી બંને પાસે ખાવા- પીવાની કોઇ મુશ્કેલી નહોતી. હવે એકવાર એક સજ્જન આ નદીકિનારે હંમેશા ટહેલવા આવતાં. તેમણે બંને ભાઇ- બહેન સાથે વાત શરૂ કરી.
આમ, કરતાં એક દિવસ ખુશીએ તેને પોતના ભાઈને ભણાવવાની ઈચ્છા વ્યકત કરી. સજ્જન સેવાભાવી હતાં. તેમણે ખુશીના ભાઈને એક સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો. એ દિવસે ખુશી ખુબ જ ખુશ હતી. હવે બંને બાળકો મોટા થયા અને ખુશીનો ભાઈ કૉલેજમાં આવ્યો. ખુશીએ પણ કઠપૂતળીના ખેલ કરતાં કરતાં ભાઈને ભણાવ્યો. હવે તો બંનેએ નાનકડું ઘર પણ ખરીદ્યું અને સુખેથી રહેવા લાગ્યા.
આમ, ખુશીના હાથની કરામતે બે બરબાદ થયેલ જિંદગીને આબાદ કરી. ખુશી કઠપૂતળીના ખેલ કરવા સાથે ભાઈને પણ પોતાના પગભર બનાવ્યો. માતા અને પિતા બંનેની જવાબદારી ખુશીના હાથની કરામતે પૂરી કરી.
